કદાચ વડીલો ને તમે વાત કરતા સાંભળ્યા હોય કે “એની તો પ્રકૃતિ જ એવી છે, ક્યારેય નહીં બદલાય”, તો આજે તમને આ પ્રકૃતિ સાથે પરિચય કરાવી દઈએ.
આયુર્વેદ એક માત્ર એવું શાસ્ત્ર છે જે માણસની પ્રકૃતિ વિષે વાત કરે છે અને તેની ઉપયોગિતા સમજાવે છે.
આયુર્વેદના ચિકિત્સક વ્યક્તિની પ્રકૃતિ અનુસાર જ ઔષધ અને તેની માત્રા નક્કી કરે છે. એક જ રોગ બે જુદી જુદી વ્યક્તિને થાય તો તેમની પ્રકૃતિ અનુસાર ઔષધો અને માર્ગદર્શન જુદા જુદા જ હોય.
માણસના જીવન દરમ્યાન શરીર અને મનની તમામ ક્રિયાઓની પ્રાથમિક જવાબદારી વાયુ, પિત્ત અને કફ વચ્ચે વહેંચાયેલી છે.
વાયુ એ શરીરની અને તેની અંદરના તમામ દ્રવ્યોની ગતિ માટે જવાબદાર છે.
પિત્ત એ પાચન અને ચયાપચય માટે જવાબદાર છે.
કફ એ નવા કોષોની રચના અને રોગ પ્રતિકારક શક્તિ માટે જવાબદાર છે.
દરેકના શરીરમાં વાયુ, પિત્ત અને કફ હોય જ પરંતુ તેમનું પ્રમાણ જુદું જુદું હોય. વાયુનું પ્રમાણ વધારે હોય તો વ્યક્તિની પ્રકૃતિ વાયુ પ્રકૃતિ છે એમ કહેવાય. આ જ રીતે પિત્ત અને કફનું સમજવું. પ્રકૃતિ એ ખૂબ જ રસપ્રદ અને વિસ્તારથી સમજવાનો વિષય છે, પણ આજે સહેજ પહેલી મુલાકાતની જેમ આ વિષયનો પ્રાથમિક પરિચય મેળવી લઈએ.
વાયુ પ્રકૃતિ : જેમને વાતો કરવાનો કે બોલવાનો શોખ હોય, તેઓ મોટેભાગે વાયુ પ્રકૃતિના જ વ્યક્તિ હોય તેમ સમજવું. એક જ વખત બોલવાથી જેમને સંતોષ થતો નથી અને એકની એક જ વાત બે-ત્રણ વાર બોલે અને જુદી જુદી રીતે બોલે, હાવ ભાવ અને હલન ચલન સાથે બોલે તો ચોક્કસ તેને વાયુ પ્રકૃતિની વ્યક્તિ સમજવી. આ વ્યક્તિનું શરીર અને મન બંને વિશેષરૂપથી ગતિમાન હોય છે. બોલતી વખતે ખભા અને હાથ પણ જીભ જેટલું જ કામ કરતા હોય છે. તેમની કલ્પના શક્તિ સૌથી વધુ મજેદાર હોય છે. વાયુ પ્રકૃતિની વ્યક્તિના પ્રતિભાવ – પ્રતિસાદ વિષે ક્યારેય સચોટ અનુમાન થઈ શકે નહિ, કારણ કે તે હંમેશા નવીન રીતે જ વર્તન કરતા હોય છે. સામાન્ય રીતે તેઓ મૂડ અનુસાર જીવતા હોય છે એટલે તેમની ઓળખ પણ મૂડી વ્યક્તિની થઈ જતી હોય છે. પેટમાં વાયુનો આફરો ચઢવો, અનિયમિત શૌચના વેગ અને ભૂખ લાગવાના સમય પણ જેમના રોજ બદલાતા હોય તેમને વાયુ પ્રકૃતિના સમજવા. તેમની ત્વચા રૂક્ષ રહે છે કારણ કે રૂક્ષતા એ વાયુનો પોતાનો ગુણ છે.
પિત્ત પ્રકૃતિ : પિત્ત એટલે અગ્નિતત્ત્વનું પ્રતિનિધિ. પિત્તનું કાર્ય છે પરિવર્તન. આહારનું સ્વરૂપ પરિવર્તિત કરીને ઉર્જામાં રૂપાંતર કરવાની જવાબદારી પિત્તની છે. સમગ્ર પાચનતંત્રનું પ્રતિનિધિ પિત્ત છે. જેમ અગ્નિના સંપર્કથી દૂધ અને પાણીને છૂટા પાડી શકાય, એટલે ક્ષીર-નીર વિવેક જેવી બુદ્ધિ એટલે પિત્ત. જેમનું પિત્ત સમ્યક એમની બુદ્ધિ સમ્યક. નિર્ણય ક્ષમતા સ્પષ્ટ હોવી એ પિત્ત પ્રકૃતિનો લાક્ષણિક ગુણ છે. ઠંડકનું વાતાવરણ પિત્ત પ્રકૃતિ ને ખૂબ માફક આવે પણ જો ગરમી સહેજ વધે તો અકળામણ વધી જાય, એટલે પિત્ત પ્રકૃતિ. માઈગ્રેન જેવા માથાના દુખાવા પિત્ત પ્રકૃતિની વ્યક્તિને વિશેષ પ્રમાણમાં થાય છે. શિસ્ત અને સિદ્ધાંતોથી જીવતી વ્યક્તિ મોટેભાગે પિત્ત પ્રકૃતિની હોય છે.
કફ પ્રકૃતિ : જલ અને પૃથ્વી તત્ત્વથી કફ નું નિર્માણ થાય છે. શાંત, સ્થિર, પ્રમાણમાં થોડી ધીમી અને લહેરથી જીવતી વ્યક્તિ એટલે કફ પ્રકૃતિ. સદાય હસતા હોય અને પરિશ્રમથી બચતા હોય, ભોજન પ્રત્યે વિશેષ પ્રીતિ હોય, સંબંધો આજીવન સાચવે અને પ્રેમાળ સ્વભાવના સ્વામી. ત્વચા સ્નિગ્ધ અને ગોરી હોય, સપનામાં જળાશય જોવે. હાથીની જેમ ગંભીર ચાલ ધરાવે, રોગપ્રતિકારક શક્તિ ઘણી વધારે હોય, જૂની સ્મૃતિ ખૂબ તેજ હોય.
આમ , વાયુ-પિત્ત-કફ એ ત્રણેય ઘટકો (દોષો) દરેક વ્યક્તિમાં હોય તો ખરા જ પણ તેમના પ્રમાણનું આધિક્ય તેમની વિશેષતા દર્શાવે. પ્રકૃતિના દ્વંદ્વ પણ હોય જ. દરેક વ્યક્તિ પોતાની પ્રકૃતિ જાણી ને આહાર વિહારમાં યોગ્ય કાળજી રાખે તો ઘણા રોગોથી બચવું ખૂબ સરળ થઈ જાય.
ડૉ. ભવદીપ ગણાત્રા
પ્રકૃતિ – nature; chief characteristic or property; health
આયુર્વેદ – medical science of the Aryans or of early India.
પિત્ત – one of the three humours of the body, bile; gall, secretion of liver.
ચયાપચય – metabolism.
પ્રતિસાદ – response.
આફરો – windiness in the stomach; uneasiness owing to over-eating.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.