ભાષાકીય, સાંસ્કૃતિક વૈવિધ્ય અને બહુભાષાવાદની જાગૃતતાને પ્રોત્સાહન આપવા માટે 21મી ફેબ્રુઆરીનો દિવસ “આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન” તરીકે ઊજવવામાં આવે છે. સૌ પ્રથમ યુનેસ્કો દ્વારા 17 નવેમ્બર 1999માં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારથી સમગ્ર વિશ્વમાં 21 ફેબ્રુઆરીની ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. દરેક સમાજની મૂર્ત કે અમૂર્ત ધરોહરને જીવંત રાખવા માટેનું સક્ષણ સાધન જો કોઈ હોય તો તે માતૃભાષા છે. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ હકીકતમાં માતૃભાષા માટે આંદોલન દિવસ છે.
પહેલાં લોકો પોતાની માતૃભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે આંદોલન કરતાં અને ત્યારે સરકાર સામે પડતી. આજે સરકાર માતૃભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રયત્નો કરે છે. સમાજનો સહકાર માંગે છે ત્યારે કેટલાક લોકો તેનાથી દૂર ભાગે છે. સ્વિડન જેવા દેશમાં તો ત્યાંની સરકાર પોતાના દેશમાં વિવિધ પ્રદેશમાંથી આવેલા લોકો તેમ જ નવી પેઢી પોતાની માતૃભાષા શીખે વ્યક્તિને વેયક્તિક વિકાસ માટે તેમ જ સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે માતૃભાષા જરૂરી છે. માતૃભાષાનો ઉપયોગ કરવો, સંરક્ષણ અને સંવર્ધન કરવું, ગૌરવ વધારવું તે દરેક વ્યક્તિનો હક્ક છે, તો અન્યની માતૃભાષાને સન્માન આપવું તે પણ દરેકની ફરજ છે. માતૃભાષા માટે ગૌરવ પોષાય, પણ ઝનૂન ન પોષાય. યુનેસ્કોએ માતૃભાષાદિન ઉજવવા કરેલ નિર્ણય પરથી જ ખ્યાલ આવે છે કે, વ્યક્તિના જીવનમાં માતૃભાષાનું મહત્ત્વ અનન્ય છે
દુનિયાનાં લગભગ તમામ દેશોમાં ગુજરાતી પરિવારો વસે છે. એક ગુજરાતીએ પોતાની સુંદર કાવ્ય રચનામાં ઉલ્લેખ કર્યો છે કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત..જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત !!
તો વળી,જાણીતી લેખિકા સુશ્રી ધીરુબહેન પટેલે ગુજરાતી ભાષાનું મહત્ત્વ દર્શાવતી એક સુંદર કાવ્યની રચના કરી છે જે આ મુજબ છે :
મૂળમાં નહીં સીંચાય વારિ તો ક્યાંથી જીવશે વેલ ?
વિચારી લેજો પ્રિય બંધુજન પડી ભાંગશે મહેલ,
ગરવી ને ગુણવંતી ભાષા દેવ દીધી ગુજરાતી
જતન નહીં કરીએ તો આપણી ખોવાશે સંસ્કૃતિ.
નાનકડાં બાલુડાંનો છે એ જન્મસિદ્ધ અધિકાર
માતૃભાષા છીનવી લેતાં રોમ નહીં કંપે લગાર ?
સ્વાભાવિક શિક્ષણનો નવ લાગે કંઈયે ભાર
વિધવિધ ભાષાઓમાં એ પછી કરશે ગગનવિહાર.
તત્ત્વજ્ઞાન શીખવ્યું નરસિંહે મધુર ભજનની પાંખે
કડાકૂટ ક્યાં કરી આપણે નીર ન આવ્યાં આંખે.
દલપત ફાર્બસ ન્હાનાલાલ કલાપી ને ગોવર્ધનરામ
આનંદશંકર સાથે કાકા કાલેલકરનું લેવું નામ.
સત્યાગ્રહ ને સ્વરાજ્ય કેરા મંત્રદૃષ્ટા ગાંધીજી
ગુજરાતી વાણીમાં આણી નવી ખુમારી ન આજીજી.
વલ્લભાચાર્ય ને સહજાનંદે અપનાવી વાણી ગુજરાતી
લગ્નગીત ને ગરબા ગાતી મહાલે નારી રંગરાતી.
પ્રવાસશૂરા નિવાસશૂરા પહોંચ્યા સઘળે ગુજરાતી
બોલી જરી જરી બદલાતી તોયે રહી મૂળે ગુજરાતી.
વિશ્વ ગુજરાતી ભાષા દિનની આજે થાય ઉજવણી વહાલી આપણી ભાષાની કરશું નિત જાળવણી
વિશ્વનાં દરેક દેશમાં વસેલા ગુજરાતીઓ પોતાની સાથે ગુજરાતી ભાષાનો પણ જાણ્યે–અજાણ્યે પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. જેનું એક દૃષ્ટાંત ગુજરાતીલેક્સિકોનના સ્થાપક શ્રી રતિલાલ ચંદરયા છે. આપણે જે પણ કાર્ય કરતાં હોઈએ એનું શું પરિણામ આવશે કે એ કાર્યના કેવા પ્રત્યાઘાત પડશે, જો એ બધી ચિંતા કે ફિકર કર્યા કરીએ તો, આપણે જે કાર્ય કરવા ધાર્યું છે તે માટે આપણે આપણો સંપૂર્ણ પ્રયાસ કદાચ ના આપી શકીએ. જો માનવી ફકત પોતાના કર્મને જ પ્રાધાન્ય આપે તો તે જરૂરથી જ સફળ થાય છે આ વાતનું યથાર્થ ઉદાહરણ છે શ્રી રતિલાલ ચંદરયા.
શ્રી રતિલાલ ચંદરયાએ પણ પોતાની માતૃભાષાના સંવર્ધન અને વ્યાપ માટે ગુજરાતીલેક્સિકોન.કોમ થકી જે કાર્યો કર્યા છે તે કદાચ શબ્દમાં વર્ણવીએ તો શબ્દો પણ ઓછા પડે. અને રતિલાલ ચંદરયાની માતૃભાષા માટે કંઈક કરવાની અને આવનારી પેઢી માટે ભાષાનો ડિજિટલ અવતાર રજૂ કરવાની મહેચ્છાને કારણે જન્મ થયો ગુજરાતીલેક્સિકોન.કોમનો. આ દુનિયાનો સૌ પ્રથમ ડિજિટલ ગુજરાતી શબ્દકોશ હતો. 25 લાખ શબ્દો સાથે રજૂ થયેલી આ વેબસાઇટ હજુ તો પાશેરમાં પહેલી પૂણી હતી. આજે આ વેબસાઇટ 45 લાખથી વધુ શબ્દો, 5 કરોડથી વધુ મુલાકાતીઓ અને રોજના 5થી 6 હજાર મુલાકાત ધરાવતી વેબસાઇટ છે. જે ભારત ઉપરાંત યુએસએ, કેનેડા, યુકે, યુએઈ, જર્મની, કેન્યા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, ચીન, પાકિસ્તાન જેવા અનેક દેશોમાંથી આ વેબસાઇટની મુલાકાત ભાષા પ્રેમીઓ લે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.