પદ્યાર્થગ્રહણ
પદ્ય પરિશીલનની મૌલિક રીત :
(૧) સૌ પ્રથમ કાવ્યને ધ્યાનથી બે વાર વાંચી કાવ્યના શબ્દોના અર્થ બરાબર સમજવા.
(૨) પ્રશ્નો જોઈ કાવ્યની પંક્તિનો સાર કરી ઉત્તરો સચોટ, ટૂંકા લખવા.
(૩) ઉત્તરો લખવામાં જોડણીની ભૂલો ન થાય તે ખાસ ધ્યાન રાખવું.
(૪) શીર્ષક કાવ્યના વિષયને અનુરૂપ ટૂંકું, અર્થપૂર્ણ અને એક જ આપવું.
(૫) કાવ્યો સતત વાંચવા જોઈએ.
મહાવરા માટે પદ્યપરિશીલન :
નીચેનું કાવ્ય વાંચી તેની નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર તમારા શબ્દોમાં લખો.
દેશ તો આઝાદ થાતાં થઈ ગયો, તેં શું કર્યું ?
દેશ તો બરબાદ થાતાં રહી ગયો,
એ પુણ્ય આગળ આવીને કોને રહ્યું ?
લાંચરુશ્વત, ઢીલ, સત્તાદોર, મામામાસીના,
કાળા બજારો, મોંઘવારી; ના સીમા !’
રોષથી સૌ દોષ ગોખ્યાં,
ગાળથી બીજાને પોખ્યાં.
આળ પોતાનેય શિર આવે ન, જો ! તે શું કર્યું ?
આપબળ ખચ્યુઁ પૂરણ ? જો, દેશના આ ભાગ્યમાં તેં શું ભર્યું ?
સ્વાતંત્ર્યની કિંમત ચૂકવવી હર પળે;
સ્વાતંત્ર્યના ગઢકાંગરા : કરવત ગળે.
ગાફેલ, થા હુશિયાર ! તું દિનરાત નિજ સૌભાગ્યને શું નિંદશે ?
શી સ્વર્ગદુર્લભ મૃતિકાનો પુણ્યમય તુજ પિંડ છે !
હર એક હિંદી હિંદ છે.
હર એક હિંદી હિંદની છે જિંદગી.
હો હિંદ સુરભિત ફુલ્લદલ અરવિંદ : એ સ્વાતંત્ર્ય દિનની બંદગી.
પ્રશ્નો : (૧) આ કાવ્યનો મુખ્ય વિચાર શો છે ? (૨) સ્વતંત્ર ભારતમાં કવિને ક્યા દોષો દેખાય છે ? (૩) સ્વાતંત્ર્ય સંબંધી કવિ શું કહે છે ? (૪) સ્વાતંત્ર્ય દિને કવિ શી પ્રાર્થના કરે છે ? (૫) કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
***
ગદ્યાર્થગ્રહણ
ગદ્ય પરિશીલનની મૌલિક રીત :
(૧) સૌ પ્રથમ ગદ્યખંડને ધ્યાનથી બે વાર વાંચી પેન્સિલથી પ્રશ્નોના ઉત્તર નોંધવા.
(૨) ઉત્તર ગદ્યખંડમાં જોઈ ભાષા ભૂલ, જોડણી ભૂલ ના થાય તેમ લખવા.
(૩) શીર્ષક ગદ્યખંડના વિષયને અનુરૂપ ટૂંકું અને એક જ આપવું.
(૪) ઉત્તરો વચ્ચે બે લીટી છોડવી અને સુવાચ્ય અક્ષરે ઉત્તરો લખવા.
(૫) ગદ્યખંડો સતત વાંચવા જોઈએ.
મહાવરા માટે ગદ્યપરિશીલન :
નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો.
હલકાં અને અશ્લિલ ચલચિત્રો સામેનું આંદોલન હવે અનિવાર્ય બની ગયું છે, કેમ કે સરકાર તો સાંસ્કૃતિક કાર્યક્રમો યોજીને સંસ્કૃતિને પોષ્યાનો ને સુંદર નવું મહાન ભારત ઘડી રહ્યાનો મૃગજળવત્ સંતોષ લઈને બેસી રહી છે. હલકાં ચલચિત્રો પ્રત્યેની સરકારની ઉદાસીનતા જ મુખ્યત્વે તો હલકાં ચિત્રો માટે જવાબદાર છે. ચલચિત્રોમાં સ્વચ્છ મનોરંજન કે નિર્દોષ હાસ્ય હોય તેનો વાંધો ન હોઈ શકે, પણ મનોરંજનને નામે હલકી વૃત્તિઓને ઉશ્કેરનારા વાસનાજનક દ્રશ્યો, ગલીચ ગીતો તેમ જ ઢંગધડા વિનાના ચેનવાળા, જાતીય આકર્ષણ અને માદક વિલાસિતા રજૂ થવાં ન જોઈએ, સેન્સર બોર્ડ પણ કંઈ કરી શકે તેમ લાગતું નથી, કેમ કે તેની પોતાની જ નીતિ એટલી અસ્પષ્ટ ને અચોક્કસ છે કે સમજવી મુશ્કેલ થઇ પડે છે. કોઈ વાર તો અમુક ચલચિત્રો ભારતભરમાં દેખાડાઈ ગયાં પછી જ સેન્સર બોર્ડના સભ્યોને વાંધાજનક જણાય છે ! સરકાર પણ ચૂપ છે. દૈનિક વર્તમાનપત્રો મેગેઝિનો કે ટીવી ચેનલવાળા જાહેરાતની લાલચ રોકી શકતા નથી અને સિને-પત્રકારો હવે તો રંગીન યા માદક વાતો પ્રત્યે જનતાને આકર્ષી રહ્યા છે. ચલચિત્રોમાં તટસ્થ વિવેચનો તો લગભગ રહ્યાં જ નથી. પ્રજા ભોળી અને અજ્ઞાન બની લૂંટાય છે. સારા-નરસાનું એને પોતાને ભાન નથી. એવી જનતા-જનાર્દનને વિલાસિતાનું ઝેર પાવું એ કેટલું મોટું પાપ લેખાય !
પ્રશ્નો : (૧) લેખક કેવાં ચલચિત્રો સામે આંદોલન ઈચ્છે છે ? (૨) હલકાં ચલચિત્રો માટે સરકાર શા માટે જવાબદાર ગણાય ? (૩) ચલચિત્રોમાં કઈ બાબતો સામે વાંધો ન હોઈ શકે ? (૪) લેખકના મતે કોઈ બાબત મોટું પાપ લેખાય ? (૫) ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો.
: નટવર આહલપરા
પરિશીલન – મનનપૂર્વક અભ્યાસ, અનુશીલન
પૂરણ – પૂરું, પૂરેપૂરું. (૨) સમાપ્ત. (પદ્યમાં.)
કાંગરો – કોટના કોરાણ ઉપરનું એક ચણતર; કિલ્લા ઉપરની સપાટીએ ચણતરની કાઢેલી શંકુ આકારની લહેર.
ગલીચ – ગંદું, મેલું. (૨) અશ્લીલ, ભૂંડું. (૩) અશુદ્ધ, નાપાક
વિલાસિતા – વિલાસી હોવાપણું
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.