Gujaratilexicon

કહેવત કથા – કોથળામાંથી બિલાડું નીકળ્યું

January 04 2010
GujaratilexiconGL Team

ઋતુઓનો ચકડોળ ચક્કરભમ્મર ફરવા મંડાણો. નવ નવ નોરતાં, વીસ વજૈયા અને દિવાળી, આનંદનો અબીલગુલાલ ઉડાડતી આવી એવી વહી ગઈ. હુતાસણીના પરબે હમચીકૂંડું ખૂંદવા માંડ્યું. ખેતરોમાંથી કાલાં વીણાઈ ગયાં. ઘઉંનો વાઢ પડી ગયો. ઘઉંની ઝાલ્યું ભરાઈને ખળામાં આવવા માંડી. ઘઉંની સાપટ્યુંને મસળીને માઘ્યું કરાઈ. માગણોનાં ટોળાં ખળાં માગવા ધરતી પર તીડની જેમ ઊતરી આવ્યાં. ખળાં લેવાઈ ગયાં. ઘઉં ખેડૂતોના ઘરમાં આવી ગયા. માગણો સૌ સૌનો ભાગ લઈને વિદાય થયા. ખેડૂતો નવરાધૂપ થઈને ગામમાં આંટાફેરા મારવા મંડાણા.

ત્યારે ગોરાસુ ગામના ભૂરા શેઠે ભારે ખટકો રાખ્યો. ‘ઘંટી, ઘાણી ને ઉઘરાણી ત્રણ તો ફરતાં જ ભલાં.’ એ ન્યાયે એમણે ગામપરગામ ધીરેલાં નાણાંની ઝપટમોઢે ઉઘરાણી કરવા માંડી. શેઠ જાણતા હતા કે ઓણની સાલ મેઘરાજાએ ભારે મહેર કરી છે. ધરતીમાતાએ કણમાંથી મણ અનાજ આપ્યું છે એટલે વ્યાજની હાર્યે મુદ્દલેય વસૂલ આવી જશે. શેઠના હૈયે હરખ માતો નથી.

ભૂરા શેઠે પહેલી પરગામની ઉઘરાણી પતાવવાનું નક્કી કર્યું. શેઠનું શરીર ભારે અને અદોદળું એટલે ઘોડે બેસી શકે નહીં. પગપાળા ચલાય નહીં. એટલે કૂકલા રાવળનો એકો ભાડે કરીને શેઠ સવારથી સાંજ સુધી ગામોગામ ફરીને ઉઘરાણીની રકમ ઘરભેગી કરવા માંડ્યા. શેઠનો રોટલો મોટો. આબરૂ તો એથી ય મોટી એટલે શેઠે તો નિશ્ચિત બનીને અસૂરસવાર વહેલામોડા ઘેર આવે તોય કોઈ ભો નહીં.

To explore more Gujarati Proverbs, click here

વખત વખતની વાત છે. સો દાડા સૌના સરખા હોતા નથી. એક દિવસ ઉઘલ ગામેથી ઉઘરાણી પતાવીને પાછા ફરતાં મોડું થઈ ગયું. એ કાળે રૂપિયાની નોટોનું ચલણ નહીં એટલે શેઠે તો રોકડા રૂપિયાનું પોટલું બાંધીને ખોળામાં મૂક્યું છે. કાળુંડિબાંગ અંધારું અવનિ પર ભગડતી રમી રહ્યું છે. થોડીવાર થતાં આભમાં ચંદ્ર ઊગ્યો. ચાંદાના અજવાળે એકો મારગ કાપી રહ્યો છે.

મારગ માથે વોંકળું આવ્યું. વોંકળામાં ઊતરતા એકાનો બળદ ઓઝપાઈને ઊભો રહી ગયો. કૂકલાએ ડચકારો કરી, પરોણીની આરનો ગોદો મારી બળદને હાંક્યો. એકો વોંકળામાં ઊતર્યો એવા જ બુકાની બાંધેલા ચાર ચોરે એકાને ઘેરી લીધો. કૂકલાને ઝાલીને, એના હાથપગ બાંધી રણગોવાળિયો કરી નદીના પટમાં રમતો મેલ્યો.

ભૂરા શેઠે મણએકનો નિસાસો નાખ્યો. ઓય ધરાર ભૂંડી થઈ ! ત્યાં તો એક જણે પડકારો કર્યો :

‘વાણિયા જે હોય ઈ મેલીને વહેતો થા નંઈ તો જીવનો જઈશ. આ તરવાર ડોસી તારી  સગી નંઈ થાય.’

ઘડીભર તો ભૂરા શેઠને પરસેવો છૂટી ગયો. પણ ભાઈ આ તો વાણિયાનો દીકરો ને ! એમણે વિચાર્યું કે નાણું ઘણું છે. બાઝવામાં પહોંચાય એવું નથી. જીવતા હઈશું તો નાણું પાટુ મારીને પેદા કરીશું. એમ વિચાર કરતા શેઠના મગજમાં ચતુરાઈનું ચાંદરણું પ્રગટ્યું. ભૂરા શેઠે બળને બદલે કળથી કામ લેવાનું નક્કી કર્યું.

પછી તો ભૂરા શેઠ રૂપિયાનું પોટલું લઈને એકામાંથી હેઠે ઊતર્યા. પોટલું છોડીને બોલવા મંડાણા :

‘આવો ભૈ : આ રિયા રૂપિયા. આપણે આવતા ભવના ઉધારે આ નાણાં ધીરવાના છે. આ ભવમાં પાછા નંઈ માગવાના. ભગવાને ઘણું દીધું. વાંહે ખાનાર કોઈ વસ્તાર તો છે નંઈ. ગરીબ માણસોને આ ભવે પૈસા ધીરીને મારે તો બાપા આવતો ભવ સુધારવો છે. જોઈએ એટલા માગી લ્યો. મૂંઝાશો મા.’

ચોરટોળીએ વિચાર્યું :

‘આ તો આકડે મધ મળી ગયું. વગર લૂંટ્યે લક્ષ્મી સામેથી વઈ આવે છે.’

ભૂરાશા પોટલું છોડીને રૂપિયા ગણવા મંડાણા. રૂપિયા ગણતાં વચ્ચે એક વિચાર આવતા ઊભા રહી ગયા, ને ચોરોને કહેવા લાગ્યા :

‘ભઈલા ! તમે રૂપિયા તો લઈ જાવ છો, પણ આવતા ભવે મને પાછા આપશો ઈની ખાતરી શું ? આમ તો હું સહી કે અંગૂઠો લીધા વિના સગા ભઈનેય નથી ધીરતો. મારે તમારી સહી દસ્કત નથી લેવા પણ મને જામીન તો આલો.’

ચોર મૂંઝાયા. સૌ એકબીજાની સામું જોવા લાગ્યા. ત્યાં વોંકળાના ઝાળામાંથી એક વગડો બિલાડો નીકળ્યો. એક ચોરે લાંઠી (મશ્કરી) કરતાં કહ્યું : ‘આ મીંદડો અમારો જામીન જાવ.’

ભૂરા શેઠે જામીન તરીકે મીંદડાને માન્ય રાખીને ચારેય ચોરોને એમની માગણી મુજબના રૂપિયા આપી બાકીના રૂપિયા લઈને ભૂરા શેઠ ચોરોની મૂર્ખાઈ માથે હસતા હસતા ઘેર આવ્યા.

બીજે દિવસે સવારના શેઠે રાજની કચેરીમાં જઈને લૂંટની ફરિયાદ કરી. ફોજદારે કેસની તપાસ કરીને ચાર કોળીને પકડીને જેલ ભેગા કરી દીધા. રાજની કચેરીમાં કેસ ચાલ્યો. ભૂરા શેઠની જુબાની શરૂ થઈ. કોઈ દિવસ નહીં ને તે દિવસે શેઠ ખભે કોથળો નાખીને કચેરીમાં આવ્યા હતા. બધાને નવાઈ લાગવા માંડી કે શેઠની વાવડી ચસકી તો નથી ને ? કચેરીમાં કોથળો લઈને અવાતું હશે ?

જુબાની વખતે તહોમતદારને હાથકડીઓ પહેરાવીને હાજર રાખ્યા હતા. ન્યાયાધીશે ભૂરા શેઠને સવાલ કર્યો:

‘શેઠ તમે લૂંટારુઓને ઓળખો છો ?’

‘હા સાહેબ, આ ઊભી ઈ ચારેય મૂર્તિઓએ મળીને મને વોંકળા વચાળે લૂંટી લીધો હતો.’

‘ઈ વખતે આ બનાવ કોઈએ નજરે જોયેલો ખરો ? તમે તમારી ફરિયાદના સમર્થનમાં કોઈ સાક્ષી રજૂ કરી શકો એમ છો ? નહીં તો પછી કોર્ટ સાંયોગિક પુરાવાના આધારે કામગીરી આગળ ચલાવે.’

‘હા સાહેબ ! લૂંટનો સાક્ષી હાજર છે.’ આ સાંભળતાં જ ચોર ચમક્યા.

ભૂરા શેઠે કચેરી વચાળે કોથળો ઊંધો કરીને ઠાલવ્યો. મઈથી ભફ લઈને કાળો બિલાડો બહાર કૂદી પડ્યો. આ જોઈને એક ઉતાવળો ચોર બોલી ઊઠ્યો :

‘સાબ્ય, આ શેઠિયો જૂઠું બોલે છે. આ ઈ બિલાડો નથી. ઈ બિલાડો તો તલક સાંદરડાવાળો કરકાબરો ને રાની હતો. આ કાળિયો છે. શેઠ બીજો ઝાલી લાવ્યા છે.’

ત્યારે હાજર રહેલા લોકો બોલી ઊઠ્યા : ‘વાહ ભૂરા શેઠ ! બુદ્ધિ તો વાણિયાના બાપની જ હો. તમે કોથળામાંથી બિલાડું કાઢીને જબરી કરી નાખી.’ બસ ત્યારથી આ કહેવત લોકજીભે રમતી થઈ ગઈ. એ પછી ચારેય ચોર જેલમાં ગયા. ભૂરા શેઠ એમના ઘેર ગયા. આજે પણ કંઈક અણધાર્યું બને ત્યારે લોકો કહે છે : આવી તો ખબર્ય જ નહીં. આ તો ‘કોથળામાંથી બિલાડું નીકળ્યું.

Most Popular

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects