કહેવાય છે કે, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ..પરંતુ, જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે ગુજરાતી…ગુજરાતનાં જાંબાઝ બાશિંદાઓ વિશ્વનાં ખૂણેખૂણે પથરાયેલા છે. દુનિયાનાં લગભગ તમામ દેશોમાં ગુજરાતી પરિવારો વસે છે. આપણા માટે ગર્વની વાત એ છે કે, માત્ર પૃથ્વી પર જ નહીં પરંતુ, અંતરિક્ષમાં પણ ગુજરાતી મૂળનાં લોકો પહોંચી ગયા છે. એક ગુજરાતીએ પોતાની સુંદર કાવ્ય રચનામાં ઉલ્લેખ કર્યો છે કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત..જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત..!!
વિદેશમાં વસેલો ગુજરાતી જાણ્યે અજાણ્યે ગુજરાતી ભાષાનો પ્રચાર કરી રહ્યો છે
વાસ્તવિકતા એ છે કે, વિશ્વનાં દરેક દેશમાં વસેલા ગુજરાતીઓ પોતાની સાથે ગુજરાતી ભાષાનો પણ જાણ્યે–અજાણ્યે પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. જેની બદોલત આજે દુનિયાભરનાં લગભગ 46 મિલીયન લોકો ગુજરાતી ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. આ સિદ્ધીને કારણે હવે વિશ્વની સૌથી વધુ બોલાતી ભાષાઓની યાદીમાં ગુજરાતીને 23મું સ્થાન પ્રાપ્ત થયું છે. એક અભ્યાસ મુજબ, ભારતમાં રહેતા 45.5 મિલીયન લોકો બોલચાલની ભાષા તરીકે ગુજરાતીનો ઉપયોગ કરે છે. તેવી જ રીતે યુગાન્ડામાં દોઢ લાખ લોકો ગુજરાતી ભાષાનો ઉપયોગ કરે છે. તાન્ઝાનિયામાં અઢી લાખ અને કેનિયામાં પચાસ હજાર લોકો ગુજરાતીમાં વાતચીત કરે છે. આશ્ચર્યની વાત એ છે કે, પાકિસ્તાનમાં પણ લગભગ એક લાખ લોકો ગુજરાતી બોલે છે.
ગુજરાત રાજ્યનાં લોકોની માતૃભાષા ગુજરાતી છે, છતાંય દિવ–દમણ અને દાદરા–નગર હવેલી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશોનાં તમામ વ્યવહારો પણ ગુજરાતીમાં જ થાય છે. વર્ષો પહેલા અનેક ગુજરાતીઓ નોર્થ અમેરિકા તથા બ્રિટનમાં સ્થાયી થયા હતા. વિદેશમાં રહેતા આ ગુજરાતીઓનાં પહેરવેશ અને રહેણીકરણીમાં પાશ્ચાત્ય રંગનો ધબ્બો લાગ્યો પરંતુ, તેઓએ ગુજરાતી ભાષાનાં મૂળને પકડી રાખ્યું..જેને કારણે બ્રિટનનાં કેટલાક શહેરોમાં ગુજરાતી ભાષાએ પોતાનું અસ્તિત્વ ઉભું કરવામાં સફળતા મેળવી લીધી છે. બ્રિટનનાં લિસેસ્ટર અને વેમ્બલી જેવા શહેરોમાં અંગ્રેજો પણ ગુજરાતી સમજતા થયા છે. તેવી જ રીતે અમેરિકાનાં ન્યૂયોર્ક, ન્યૂજર્સી, કેલિફોર્નિયા અને ટેક્સાસ જેવા શહેરોમાં ગુજરાતીઓની વસ્તી નોંધપાત્ર છે અને તેના કારણે ત્યાં ગુજરાતી ભાષા બોલનારા લોકોની સંખ્યા પણ ચોંકાવનારી છે.
દુનિયાનાં નકશામાં દેખાતા લગભગ તમામ દેશોમાં ગુજરાતીઓ મળી આવે છે અને તેથી જ દિનપ્રતિદીન વિશ્વનાં ખૂણેખૂણે ગુજરાતી બોલનારા અને સમજનારા લોકોની સંખ્યા પણ બિલાડીનાં ટોપની જેમ વધી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાનનાં ભાગલા પડ્યાં ત્યારે હિન્દુસ્તાનનાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હતા અને પાકિસ્તાનનાં રાષ્ટ્રપિતા મહોંમદ અલી ઝિણા હતા. તેઓ વચ્ચે સમાનતા એ હતી કે, બંનેની માતૃભાષા ગુજરાતી જ હતી..!!
સાભાર : ગુજરાત સમાચાર
http://www.gujaratsamachar.com/beta/content/view/56853/320
બાશિંદા – રહીશ; વતની.
મહોલાત – મહેલોનો સમૂહ, ઘણાં મહાલયોનો સમૂહ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ