કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું ;
મનતરંગથી ફેલાતો બસ ક્યાંનો ક્યાં જઈ પૂગું.
કોઈ ન જાણે કિયા દેશનો વાસી ને કાંઆવ્યો,
ખભે ઝૂલતી ઝોળીમાં કેવું કેવું લઈ આવ્યો.
ખોવાયું તે ખોળું ને આ મન સદાયનું મૂંગું
કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું.
અજાણતાંમાં ખીલ્યું’તું જે મહિમાવંતું સપનું,
ખરી પડ્યું ઓચિંતું મારે હતું ખૂબ એ ખપનું;
ભાળ ન પામે કોઈ ભીતરે ભર્યું કેટલું રૂંગું…
કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું.
– હરિકૃષ્ણ પાઠક
………………………………………………………………….
સરસર સરસર ઝાડ-પાંદડે
ફરફર ઊડે બારીમાં
તડતડ ધડધડ છાજ-છાપરે
સરતરબોળ અટારીમાં.
કાગળની હોડીમાં તરતી
ગલી ગલી કલશોર ભરી
ભીંત અઢેલી ઊભાં ઢોરાં
રુંવે રુંવે રોમાંચ ધરી.
મન વિરહીનાં આકુળ-વ્યાકુળ
હળ્યાં-મળ્યાંનાં છલકે હેત,
સચરાચર સુખ-સાગર છલકે
મલકે સર્જનહાર સમેત.
– હરિકૃષ્ણ પાઠક
………………………………………………………………….
અમથું ક્યારેક કો’ક સાંભરે.
આકાશે હોય નહીં વાદળીની રેખ,
નહીં મોરલાની ગ્હેક,નહીં માટીની મ્હેક;
ક્યાંય શીતળ પવનની એ લ્હેરખી યે ન્હોય
-એમાં વાછટનો વ્હેમ સ્હેજ જાગે :
કોક વરસી રહ્યું છે એમ લાગે;
ને બારીએથી જોઉં તો નેવલાં ઝરે !
એવું અમથું ક્યારેક કો’ક સાંભરે….
સૂની અગાશીમાં સૂનમૂન બેઠો
કે ઓરડામાં પેઠો;
કે મેડીએ ચડીને પછી ઊતરતો હેઠો…
હોય આંગણ ખાલી ને વળી, ફળિયું ખાલી
સાવ શેરી ખાલી
ને એમાં સૂની આ વાટ જાય ચાલી
ત્યાં ઓચિંતા ઘૂઘરા ઘમકે
– ને ભીતર કો’ ઠમકે : અમલ ઘેનઘેરા ચડે
એમ અમથું ક્યારેક કો’ક સાંભરે !
– હરિકૃષ્ણ પાઠક
………………………………………………………………….
આજે ૫ મી ઑગસ્ટના રોજ કવિ શ્રી હરિકૃષ્ણભાઈ પાઠકનો જન્મદિન છે. ગુજરાતીલેક્સિકોન ટીમ તરફથી તેમને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.
શ્રી હરિકૃષ્ણભાઈ પાઠકનો વિશેષ પરિચય અહીંથી પ્રાપ્ત કરી શકાશે.
http://sureshbjani.wordpress.com/2007/01/31/harikrishna_pathak/
રૂંગું – રુદન
કલશોર – મીઠો મધુરો ધ્વનિ, કલધ્વનિ
સર્જનહાર – સર્જન કરનાર પરમાત્મા, પરમેશ્વર, સરજનહાર
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ