એક મહાનગર. નામ શિવનગર.
શિવનગરને ફરતે મોટો કોટ. ચાર દિશાના ચાર દરવાજા. તેનાં તોતિંગ બારણાં, તે નગરનો રાજા સત્યરાય પ્રજાપ્રેમી. નાનકડું પ્રધાન મંડળ. નાના કે મોટા ગુનાઓ થતા. ગુના પ્રમાણે દરેકને શિક્ષા થતી.
વેપાર અને અનેક ઉદ્યોગોથી શિવનગર ધમધમતું હતું. નગરમાં કામ વગરનો – બેકાર – એક પણ માણસ ન હતો. સ્ત્રી અને પુરુષ બધાં કામમાં ડૂબેલાં. નવરું તો કોઈ નામેય નહીં. સૌને મન સમય સાચવવો. વખતસર કામ પૂરું કરવું એ જ જાણે જીવનમંત્ર હતો, પણ એક રાત્રે આ શું થયું? રાજાજીના ખજાનાની ઘંટડી ધીમેધીમે વાગી અને બંધ થઈ ગઈ. પહેરેગીરો હતા, પણ ચીસ પાડીને જમીન પર પડી ગયા.
રાજાને કાને પણ પોતાના મહેલમાં ઘંટડીઓના સૂર સંભળાયા રાજાજી એકદમ ઊભા થઈ ગયા અને પોતાના અંગરક્ષકો સાથે દોડી ગયા. હાથમાં પિસ્તોલ હતી. અંગૂઠો ઘોડા પર જ હતો. બધાએ ખજાનાને ચારે બાજુથી ઘેરી લીધો. ખજાનામાં રહેલા ચોરને રાજાએ છેલ્લી ચેતવણી દેતાં કહ્યું : ‘બહાર નીકળી જા. તું ચારે બાજુએથી ઘેરાઈ ગયો છે. તારાં હથિયાર નાખીને શરણે આવી જા’
પેલો ચોર વિચારમાં પડી ગયો. હવે નીકળવાનો, નાસી છૂટવાનો કોઈ આરો નથી. રાજાને શરણે જવામાં જ ભલું થશે. એમ નિર્ણય કરીને તે રાજાને ચરણે પડ્યો. અંગરક્ષકોએ તેને પકડી લીધો. તેની જડતી લઈને તેની પાસેનાં બધાં સાધનો કબજે કર્યાં. જેલમાં પૂર્યો. આખા નગરમાં આ વાત ફેલાઈ ગઈ. સવારના ટી.વી. ન્યૂઝમાં તે સમાચાર પ્રસારિત થયા. બે દિવસ પછી ન્યાય થશે.
નગરજનો આતુર નયને રાહ જોતાં હતાં. ન્યાય કરવાનો દિવસ આવ્યો. રાજા સત્યરાય અને પ્રધાનોએ તથા ન્યાયાધીશોએ એક જ ન્યાય તોળ્યો – ‘તેને ફાંસીની સજા કરો.’ જે માનવી રાજાનો ખજાનો લૂંટવાની હિંમત કરે તે સામાન્ય માણસને કેટલો બધો પરેશાન કરે ! આ તો ખૂબ જ જબરો ચોર કહેવાય.
ફાંસીનો માંચડો તૈયાર છે. ફાંસીનો ગાળિયો-દોરી લટકે છે. ડૉક્ટર, ફાંસી દેનાર જલ્લાદો અને છેલ્લી પ્રભુ પ્રાર્થના કરાવનાર સંત પણ મોજૂદ છે. મોટા ખુલ્લા ચોકમાં પ્રજાજનો એકઠા થયા છે
‘હે ભાઈ ! તારી છેલ્લી ઇચ્છા શી છે ? હોય તો મને કહે.’ચોર રાજાજી પાસે ગયો. કાળો બુરખો ઓઠ્યો છે. રાજાજીને પાયે પડીને બોલ્યો, ‘હે રાજાજી, આપ મને જીવતો રાખો તો મારે સાચાં મોતીની ખેતી કરતાં શીખવવી છે.’
‘ખેતી ! અને તે સાચાં મોતીની !’ રાજાજી ને વાત ખૂબ જ ગમી. તેમણે ચોરને છૂટો કર્યો.
‘બોલ ! સાચાં મોતીની ખેતી શી રીતે થાય ? તારી વાત કહે.’
‘રાજાજી ! મને બે દિવસની મુદત આપો. વિચારીને આપશ્રીને કહીશ.’
રાજા સત્યરાયે તેને રજા આપી. બે દિવસ પછી તે દરબારમાં હાજર થયો. રાજાજીને નમન કરીને તે બોલ્યો – ‘સાચાં મોતીની ખેતી વારંવાર ન થાય. માટે હે રાજાજી ! મારે જમીન જોઈશે. ઓછીવત્તી નહીં પણ પૂરી દસ હજાર એકર અને સળંગ.’
રાજાજીએ પ્રધાનોને હુકમ કર્યો, ‘જરૂરી જમીન મેળવો.’
દસ હજાર એકર જમીન એક પટામાં ભેગી કરવામાં પાંચેક વર્ષ નીકળી ગયાં.
‘રાજાજી ! હવે મારી બીજી શરત છે. તે જમીનને એવી રીતે બરાબર ખેડાવો કે તેમાં નાની સરખી કાંકરી પણ રહી ન જાય. જો રહી જશે તો સાચાં મોતીના છોડનાં મૂળિયાંને નડશે.’
રાજાજીએ પ્રધાનોને હુકમ કર્યો. આટલી બધી જમીનને ખેડીને, નાના-મોટા પથ્થરો, કાંકરા અને કાંકરીઓ શોધી કાઢતાં બીજાં પાંચ વર્ષ નીકળી ગયાં.
ચોરે વળી કહ્યું, ‘રાજાજી ! હવે બધી જ જમીનને પાણીમાં એવી રીતે ડુબાડી દો કે માટી લથપથ થઈ જાય.’
રાજાજીએ હુકમ કર્યો. જમીનને પાણીથી ભરીને લથપથ કરી દો. આ કામ કરતાં બીજાં આઠેક વર્ષ નીકળી ગયાં. દસ હજાર એકર જમીનને લથપથ કરવામાં સમય તો લાગે જ ને !
ચોરે વળી રાજાજીને કહ્યું, ‘હે મહારાજ ! હવે, આ મોટા ખેતરમાં વાવવા માટે બિયારણ તો જોઈશે ને ! રાજાજી ! ઘઉં વાવવા હોય તો ઘઉંનું બીજ જોઈએ, તેમ મોતીની ખેતી કરવી હોય તો મોતીનું બિયારણ લાવવું પડે. ઓછામાં ઓછું બસો કિલો તો જોઈશે જ. જેટલું બી વધારે એટલાં મોતી પણ વધારે જ મળશે.’
રાજાજીએ અઢીસો કિલો મોતી માટેનો હુકમ કર્યો. આટલો બધો મોટો મોતીનો જથ્થો એકઠો કરવામાં બીજાં દસેક વર્ષ નીકળી ગયાં. રાજાજીએ ચોરને બોલાવ્યો. ચોરે કહ્યું, ‘હે મહારાજ ! સાચાં મોતીની ખેતી ઓછી કાંઈ જેવાતેવા હળથી થાય ! તેને માટે તો સોનાનું હળ અને તેને જોડવા બે બળદ-દૂધ જેવા સફેદ અને એક સરખી શિંગડીવાળા જોઈએ. તેમને ચારે પગે સોનાનાં કડાં પણ જોઈએ.’
રાજાજીએ આ બધી વસ્તુઓ માટે હુકમ કર્યો.
સોનાનું હળ અને બળદો હાજર થયા.
રાજાએ ચોરને બોલાવીને કહ્યું – ‘ભાઈ ! તારી બધી જ શરતોનું પાલન થયું છે. ચાલ, ખેતીનું કામ શરૂ કર !’
‘રાજાજી ! હજી પણ મારી છેલ્લી શરત બાકી છે !!’
‘વળી પાછી છેલ્લી શરત ? શી ખબર તે તું કોથળામાંથી વળી પાછું કયું બિલાડું કાઢીશ ! બોલ, શી છે શરત ?’
રાજાજી આ સોનાનાં હળ અને સફેદ બગલાની પાંખ જેવા બળદોથી સાચાં મોતીની ખેતી તો જેવા તેવા હાથેથી થોડી થાય? રાજાજી, આપે મને ખેડ કરવા કહ્યું, પણ હું તો ચોર છું, પાપી છું, પાપીને હાથે આવી ઉત્તમ ખેતી થાય ખરી?’
‘તો કોને હાથ થાય ?’ રાજાજીએ પૂછ્યું. પ્રધાનો અને નગરજનો પણ વિચારમાં પડી ગયાં.
‘રાજાજી, જેણે કદીયે નાની મોટી ચોરી કરી ન હોય – તેવો શુદ્ધ માણસ – ભલે સ્ત્રી હોય કે પુરુષ – તેને હાથે ખેતી થાય. શોધી કાઢો આવો પવિત્ર માણસ !’
‘પ્રધાનજી ! આ તો ઘણું અઘરું કામ છે. શી રીતે શોધવો સાચો માણસ ?’ રાજાજીએ પૂછ્યું.
‘રાજાજી ! આપણા એક મહાન વિજ્ઞાનીએ એક એવું યંત્ર બનાવ્યું છે. તેનું નામ છે સત્યશોધક. તેના પર હાથ મૂકતાં જ યંત્રનો કાંટો બતાવી દેશે તે માણસ સાચો છે કે જૂઠો !’
‘વાહ ! પ્રધાનજી ! સરસ વાત કહી, જાઓ તે યંત્રને લઈ આવો.’
પ્રધાનજી યંત્ર લઈ આવ્યા. યંત્ર પાસે જઈને રાજાજીએ પોતાનો હાથ લાંબો કર્યો, પણ તરત પાછો ખેંચી લીધો. રાજાને યાદ આવ્યું કે હું તો અનેકવાર જૂઠું બોલ્યો છું.
આખા નગરમાં સાચો માણસ શોધવાનો ઉદ્યોગ ચાલ્યો, પણ સાચો માણસ, અરે ! સંતપુરુષો કે ભક્તો પણ પેલા યંત્રને સ્પર્શી શક્યા નહીં.
આ બધી પ્રક્રિયામાં ત્રણેક વર્ષ વહી ગયાં. આમ, બોલો, બાળકો, ચોર કેટલાં વર્ષ જીવી ગયો ?
રાજાજી, પ્રધાનો, ન્યાયાધીશો અને નગરજનોએ મનમાં વિચાર્યું, ‘વાહ ! ચોર વાહ ! તું એકલો જ ચોર નથી ! સૌ કોઈ ચોર છે. સૌને સાચેસાચ ફાંસી મળવી જોઈએ.’
સૌ કોઈ બોલી ઊઠ્યું, ‘ચોર..ચોર…ચોર !! આપણે સૌ ચોર !! કોણ નિર્દોષ છે? માટે તો કહેવાતું નહીં હોય ?
આ બાળવાર્તા પરથી કહી શકાય કે ‘ચોર ને કોટવાલ એકના એક’ બધાના સરખા દોષ હોય છે, ચોર ચોરી કરીને પકડાઈ જાય છે અને શાહુકારો ચોરી કે ખોટું કર્યું હોવા છતાં પોતાની માન-પ્રતિષ્ઠા અને રૂપિયા પાછળ સંતાઈ જાય છે અને પકડાઈ જતાં નથી પણ આખરે દોષ તો બધા જ માણસોના સરખા કહેવાય.
Source : શ્રેષ્ઠ ગુજરાતી બાળવાર્તાઓ “ભગવત સુથાર”
તોતિંગ – huge, very large; gigantic.
પહેરેગીર – guard, sentinel, sentry.
સાધન – instrument, implement, tool; materials;
જલ્લાદ – assassin; butcher; killer.
સળંગ – ignition.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ