ગામ આખા માટે આ એક કોયડો હતો. શાંતિકાકાનું નામ શાંતિલાલ હતું, પરંતુ તેમના જીવનમાં નામ પ્રમાણે તેમનામાં એકેય ગુણ ક્યાંય શોધ્યો જડે નહીં.
આમતો, કોઈ શાંતિલાલને કારણવિના કોઈ વતાવે નહીં. કોઈ નવો સવો માણસ ભૂલથી શાંતિલાલને પૂછી બેસે કે, કાકા કેમ છો? બસ પૂછનારું આવી જ બને, શું એલા તને કોઈ કામધંધો નથી કે કારણ વિના મારું માથું ખાવા આવ્યો છે? અહીંથી આઘો ટળ, કંઈ કામધંધો કર અને જો એમાં મન ન લાગતું હોય તો, ગામને છેવાડે ધીરુ પાનવાળાનો ગલ્લો આવેલ છે ત્યાં જઈ પાન ચાવ, ને પછી થૂંકી થૂંકીને ગામનો રસ્તો અથવા ગામ-પંચાયતની કચેરીની ભીંતો બગાડ. જો તને એ કામ ન ફાવે તો, ત્યાં નવરા બેઠા નખ્ખોદ વાળતા પંચાતયા પાસેથી બીડી માગી ધુવાડો કર પણ અહીંથી મારો જીવ ખાતો આઘો મર.
માણસ તો શું? ગામનું ઢોરઢાંખર પણ શાંતિકાકાને દૂરથી આવતા જુવે એટલે શેરી બદલી લે, તેમને પણ ખબર કે દેવદર્શન મૂકીને નકામા હનુમાનને ઠેબે ક્યાં ચઢવું? કાકાને જો કોઈ સવારમાં હડફેટે ન ચઢ્યું હોય તો આ ઢોરઢાંખરના બરડે શેરીમાંથી જતા જતા એકાદ લાકડી ફટકારી દે.
શાંતિલાલને બે દીકરા, સ્વભાવે બંને દીકરા બાપ કરતાં વિશેષ! બંને સુશિક્ષિત અને શાંત. દીકરાઓની વહુઓ લક્ષ્મી અને સરસ્વતીની તો વાત જ શું કરવી? પતિ જેવી સુશીલ અને સેવાભાવી. સાસુ જયાગૌરીના મૃત્યુ પછી બંને વહુઓ શાંતિકાકાનું ધ્યાન સગા બાપ જેટલા હેતથી રાખે, પણ શાંતિકાકા કારણ વિના વહુઓનો વાંક કાઢી દૂધમાંથી પોરા કાઢ્યે રાખે. બપોર ટાણે કાકા ગામમાં આંટાફેરા કરી જમવાના વખતે ઉંબરે આવી ચઢે. બંને વહુઓમાંથી જે રસોડામાં હોય તે શાંતિકાકાની થાળી તૈયાર કરી, ઓસરીમાં કાકા જ્યાં બેઠા હોય ત્યાં કાકાની સામે પાણીનો લોટો અને થાળી આવીને મૂકી જાય.
બસ કાકાની જીભ શરૂ થઈ જાય. શું હું તમને કૂતરો દેખાઉં છું કે થાળીમાં બે રોટલા નાખીને થાળી મારી આગળ મૂકી દીધી. જો થાળીમાં પીરસેલો રોટલો જરા ઊકળતો ગરમ હોય તો, કાકાનો પિત્તો જાય, કાકા બરાડી ઊઠે. આવો ધગધગતો રોટલો થાળીમાં નાખી દીધો છે, મોઢામાં નાંખતા જ મોઢું તો શું જીભ પણ બળી જાય. તમારે મને જીવતા જીવ જ બાળી નાંખવો લાગે છે. હું તમને કહી દઉં છું, જરા કાન દઈને સાંભળી લે જો. આમ જીવતા જીવ બળી જાય એ શાંતિલાલ નહીં, એ બીજા શું સમજ્યા! ક્યારેક શાંતિકાકાની થાળી પીરસાઈ ગઈ હોય અને કાકાને આવતા જરાવાર થઈ ગઈ હોય તો, થાળીનો રોટલો હાથમાં લેતાં બરાડી ઊઠે, ‘અરે વહુ તમારી સાસુ દસ વર્ષ પહેલા સ્વર્ગે સિધાવ્યા હતા તેના દાડાની રસોઈ તમે આજ મને થાળીમાં નાંખી દીધી છે. આ ઠંડા ઠિકરા જેવો રોટલો મને ખવડાવવાને બદલે તમારા બાપને અહીં બોલાવીને ખવરાવો તો તમારા બાપને ખવરાવો તો તમારા બાપને પણ ખબર પડે કે, દીકરાની વહુઓ એના સસરાને કેમ રાખે છે! રસોડામાં ઊભી વહુઓ સસરાની વાત સાંભળી હસી લે. બસ એ તો સમયે શીખી ગઈ હતી કે ડોસાની વાત પર બહુ ધ્યાન ન આપવું. ડોસાનો તો આ સ્વભાવ છે. આ તો રોજનું થયું. જો આવી નાની વાતો પર ધ્યાન આપવા જઈએ તો આપાણી જિંદગી પણ ધૂળધાણી થઈ જાય. બંને વહુઓ શાંતિલાલની વાત આગળ કાન આડા કરી લે.
ગામમાં બે-ચાર નાના મોટા મંદિર પણ શાંતિકાકાને મંદિર સાથે ખાસ કંઈ લેવા દેવા નહીં. ગામના છેવાડે ધીરુ પાનવાળાના ગલ્લાથી થોડે દૂર એક જૂનો પુરાણો નામનો કહેવાતો બાગ હતો. બાગમાં ક્યાંય કોઈ ઝાડપાન કે ફૂલ પાનવાળા લીલાછોડ નજરે ચઢે નહીં. બે-ચાર ઠૂંઠા ઝાડ તળે, ગામ પંચાયતે ચારપાંચ લાકડાના બાંકડા મૂકી દીધેલા. ગામવાળા આ જગ્યાને બાગ કહીને સંબોધતા. આ બાગના છેવાડે પડેલા એક બાંકડા પર શાંતિલાલનો અડ્ડો. શાંતિલાલ સિવાય ભાગ્યે જ કોઈ ગામવાળું આ બાગમાં ફરકે. કદાચ કોઈને બાગમાં બે ઘડી નિરાંતે બેસવા જવું હોય તો પણ ન જાય, દૂરથી શાંતિલાલના દર્શન થાય એટલે ત્યાંથી જ પાછા ફરી જાય. શાંતિકાકા એકલા બાંકડે બબડ્યા કરે અને ઠૂંઠા ઝાડે કાઉં કાઉં કરતા કાગડાને કાંકરા મારી ઉડાડયા કરે. શાંતિકાકાનો આ રોજનો કાર્યક્રમ.
આજે સવારથી શાંતિલાલને નસીબે એકેય કાગડો બાગમાં ફરકયો ન હતો. કાગડાની રાહ જોતાં શાંતિલાલને ખબર ન રહી કે સવારનો સૂર્ય તપતો છેક મધ્યાહ્ને માથે આવી ગયો. મનમાં ધૂવા ફૂંવા થતા બેઠા હતા. એવામાં એક બેચાર દિવસ પહેલા જન્મેલ એક ગલુડિયું ધીમં ધીમું બાખોડિયા ભરતું શાંતિલાલ જે બાંકડા પર બેઠા હતા ત્યાં આગળ રમવા માટે આવી ચઢ્યું. શાંતિલાલે બાજુમાં પડેલ લાકડી વડે બે ચાર હળવેકથી ગોદા મારી, ગલુડિયાને ધુતકારીને તગડવાની કોશિશ કરી. કાકા ઘડીયે ઘડીયે પાસે આવી ચઢેલા ગલુડિયાને તગેડી બાગમાં થોડે દૂર સુધી મૂકી આવે. કાકા જેવા પાછા ફરી બાંકડે જમાવે, ગલુડિયું પાછું હડી કાઢતું આવી બાંકડા પાસે પડેલા જોડા અને કાકાના ખુલ્લા દેખાતા પગને ચાટવા માંડે. કાકાએ દસથી બાર વાર ગલુડિયાને લાકડી પછાડી દૂર ધકેલી દીધું. ગલુડિયું થોડે દૂર જઈ જેવી પાછી તેમની નજર ફરે એટલે કાકાના પગ પાસે આવી કાકાના પગના જોડા જોડે રમવા માંડે.
આખરે કાકા થાકી ગયા. તેમનો ગુસ્સો ઓગળવા માંડ્યો. તેમને હવે આ ગલુડિયા જોડે રમવામાં મજા પડી. તેમણે લાકડીને બાંકડા પર એકબાજુ મૂકી. જેવું આ વખતે ગલુડિયું નજીક આવ્યું એવું જ તેડી લીધું. ‘કેમ અલ્યા, તને મારી જરાય બીક નથી લાગતી? શું ભાળી ગયો છે મારામાં કે મારો કેડો મૂકતો નથી? ગલુડિયું નાના બાળક સમું ખુશખુશાલ હૈયે શાંતિકાકા સંગે રમતું, હાથે, પગે અને ગળે તેમને ચાટવા માંડ્યું.
આજ ગલુડિયા જોડે રમતા શાંતિકાકાના હૈયે પહેલીવાર ચમત્કાર થયો. આ જાનવર જેવું જાનવર માણસ જોડે આટલો પ્રેમ પૂર્ણ વર્તાવ કરી શકતું હોય તો, ભલા માણસ તો શું ન કરી શકે! અરે હું શું આ ગલુડિયા કરતા પણ બદતર છું. આ પ્રશ્ન કાકાએ પોતાની જાતને પૂછ્યો. ખરેખર માણસ શું છે? એનો સાચો જવાબ માણસને પોતાનો આત્મા જ આપી શકે! શાંતિલાલને તેમના પ્રશ્નનો જવાબ ગલુડિયા જોડે રમતા મળી ગયો! સાલુ મારામાં જ કંઈ ખૂટે છે. નહીંતર આ જિંદગી તો પ્રેમ કરવા જેવી છે!
બરાબર એ જ વખતે ગુલાબ રાય બાગ પાસેથી ચાલ્યા જતા હતા. તેમની નજર શાંતિલાલ પર પડી. શાંતિલાલના સ્વભાવથી પરિચિત ગુલાબરાય નીચું માથું કરી ઘર તરફ ચાલયા જાય તે પહેલા જ શાંતિલાલે, ગુલાબરાયને હાંક મારી, “અરે! ગુલાબરાય અત્યારે ખરે બપોરે તમે આ બાજુ ક્યાંથી? કેમ મજામાંને? ઘરે તો બધા લહેરમાં છે ને?”
ગુલાબરાયના પગ ત્યાં થંભી ગયા. અરે! આ હું શું જોઈ રહ્યો છું. ધોળે દિવસે દિવા સ્વપ્ન. તેમણે બે ચાર વાર પોતાની આંખ પટપટાવીને ખાત્રી કરી લીધી કે, કૂતરા જોડે પ્રેમથી રમતા શાંતિલાલ જ મીઠી મધુર ભાષામાં તેમના અને પરિવારના કુશળ સમાચાર પૂછી રહ્યા છે. ગુલાબરાયનું મન માનવા તૈયાર ન હતું કે શાંતિલાલમાં આજ આ પરિવર્તન ક્યાંથી આવી ગયું?
અરે! આ શાંતિલાલને જો ભૂલથી પૂછાઈ જાય કે, કાકા કેમ છો? બસ ગુલાબરાયનું તો આવી બન્યું. શું ગુલાબ તને કોઈ ધંધો નથી કે મારું માથું ખાવા અહીં ગુડાણો છે? મને કારણ વગર હેરાન કરવા કરતા જલ્દીથી પેઢીએ જા, નહીંતર છોકરા લાખના બાર હજાર કરી પેઢીનું ઉઠમણું કરી દેશે, પણ આજે શાંતિકાકા મને સામેથી પૂછે છે. કેમ છો? શું સમય બદલાયો કે પછી કાકા? એ વિચાર-મંથનમાં ગુલાબરાય ક્યારે બંગલે સ્વર્ગલોકમાં આવી ગયા તેનો ખ્યાલ પણ ન રહ્યો?
A short story by Preetam Lakhlani
નખ્ખોદ – સદંતર નિર્વંશ જવો એ, વંશનો સાવ ઉચ્છેદ. (૨) (લા.) સત્યાનાશ
પોરા – પાણીમાં પડતી ઝીણી જીવાત
પિત્તો – કલેજું, કાળજું, યકૃત. (૨) (લા.) સ્વભાવનું આકરાપણું
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.