માતર નામે પરગણાંના મહુવા નામે ગામમાં શેરખાં નામે એક પઠાણ રહેતો હતો. પઠાણ બાપીકી દોલત બહુ ધરાવવાથી હંમેશાં મગરૂર રહેતો. એજ ગામમાં સોભાગચંદ નામનો વાણીયો રહેતો હતો. સોભાગચંદ ડાહ્યો, ધીરજવાન, અક્કલમંદ, અને મીલનસાર હતો, ત્યારે શેરખાં ઉછાછળો, તુંડ મીજાજનો અને અભિમાની હતો. જો કોઈની સાથે જરા પણ અણબનાવ થાય તો સેરખાં તેને પૈસાના બળથી હેરાન કરવાની ગોઠવણ કરતો. સોભાગચંદ જેમ તેના સારા ગુણોને લીધે ગામમાં પ્રખ્યાત થયો હતો, તેમ શેરખાં તેની ખરાબ ચાલ ચલગતથી પ્રખ્યાત થયો હતો. સહેજ વાતમાં આ બંને જાહેર પુરૂષોમાં અણબનાવ થયો હતો. આથી શેરખાં પોતાના પૈસાના બળથી તેને ખરાબ કરવાની કોશીશ કરતો હતો, પણ સોભાગચંદ પોતાની અક્કલ હુશિયારીથી તેના દરેક દાવમાંથી નીકળી જતો. એક વખત એવું બન્યું, કે સોભાગચંદ જે ગામથી પોતાના ગામ માતરમાં આવતો હતો, તેજ ગામમાં શેરખાંને જવાનું હતું. બંને ગામ વચ્ચે એક સાંકડી એક જ ગાડી ચાલી શકે એવી નાળ હતી. સોભાગચંદ જ્યાં અરધી નાળમાં ગાડી સાથે પહોંચ્યો, ત્યાં સામેથી શેરખાંનું ગાડું બરાબર સામે આવી પહોંચ્યું. આ વખતે શેરખાંની ગાડીમાં તેના દમામ પ્રમાણે કેટલાક સિપાઈઓ પણ હતા, અને સોભાગચંદની ગાડીમાં ફક્ત બેજ માણસ હતાં. શેરખાંએ સોભાગચંદને હુકમ કર્યો, કે “મારી ગાડીમાં વધારે માણસો બેઠાં છે, માટે તું તારી ગાડી પાછી નાળ બહાર કાઢ“. આથી સોભાગચંદે તેને જણાવ્યું, કે “ભાઈ ! તારી ગાડી જેમ ભરેલી છે, તેમ મારી ગાડી કાંઈ ખાલી નથી, વળી તારી પાસે તો સિપાઈ સફરા પણ છે, તો તારી ગાડી તું પાછી ફેરવે તો તને કાંઈ હરકત પડવાની નથી“. આથી શેરખાંનો મીજાજ ગયો અને તેણે સિપાઈઓને સોભાગચંદની ગાડી પાછી નાળ બહાર કાઢવાનો હુકમ કર્યો. સોભાગચંદ આ સાંભળી લટી ગયો, અને એક યુક્તિ શોધી કાઢી બોલ્યો, કે “ભાઈ, મને ગરીબને તું શા માટે હેરાન કરે છે? મેં તને જે રસ્તો બતાવ્યો છે. તે વાજબી જ છે, પણ મારી વાત તને ખોટી લાગતી હોય તો આપણે થાણદાર પાસે જઈ ઇન્સાફ કરાવીએ. જો તું વાજબી જ કરવા માગતો હોય તો આ રસ્તો ઘણો સારો છે.” શેરખાંએ વિચાર કર્યો કે, થાણદારને લાંચ આપીશ, એટલે તે પણ મારી તરફ જ થવાનો, એમ ધારી તેણે સોભાગચંદની વાત પસંદ કરી. અને બંને થાણદારની કચેરીમાં ગયા. થાણદારના હાથ નીચે જે ક્લાર્કો હતા, તે બધા સોભાગચંદ મારફત જ નાણાં વ્યાજે લેતા. આથી તેણે થાણદારને સમજાવી શેરખાં પાસેથી મોટી લાંચ લેવા છતાં તે મુકદમો આગળ ચલાવ્યો, અને મામલતદારની કચેરીમાં મોકલાવ્યો. ત્યાં પણ મામલતદાર સોભાગચંદનો ઓશીઆળો નીકળ્યો, કારણ કે ઘણી વાર તેને સરકારી કામમાં તેની મદદ લેવી પડતી. આથી તેણે શેરખાં પાસેથી લાંચ લેવા છતાં, એવો તટસ્થ ઇન્સાફ આપ્યો, કે “શેરખાં પોતાની ગાડી પાછી ફેરવશે તો યોગ્ય થશે, કારણ કે તેની પાસે સિપાઈ વગેરે માણસો છે“. આ ચુકાદાથી શેરખાંએ જીલ્લાં કચેરીના વજીરમાં અપીલ કરી. તેણે ધાર્યું કે વજીર બહુ જ દેવાદાર છે, માટે મારી લાંચથી લોભાઈ મારી તરફ જ ન્યાય ઉતારશે. બંને જણાંઓ વજીરની કોર્ટમાં ગયા વજીરે તેમને સમજાવ્યા, કે “બંનેની ગાડી નળ વચ્ચે એકઠી થઈ છે, માટે બંનેએ સમજી એક જણે પોતાની ગાડી પાછી કાઢવી. એ બાબતમાં સરકાર કાંઈ જબરજસ્તી કરી શકે નહીં, કારણ કે બંનેના હક સરખાં છે“. વજીરની સમજાવટથી પણ તેઓ સમજ્યા નહિ. આથી વજીર બહુ ગુસ્સે થયો, અને ત્યાંથી પચાસ માઈલ દૂર આવેલા ગામમાં ત્યાંના અમલદાર ઉપર ચીઠી લખી, આ બંનેને કેદ રાખવા જણાવ્યું. વિશેષમાં તેઓને જણાવ્યું કે, તેમણે ઈન્સાફને અપમાન આપ્યું છે, માટે બંનેને એક એક વરસ સુધી કેદ રાખવામા આવશે. આ હુકમથી શેરખાં ગભરાયો, પણ સોભાગચંદ જરા પણ બીધો નહિ. રસ્તામાં ચાલતાં શેરખાંએ સોભાગચંદને કહ્યું, “જો ભાઈ, તું સમજ્યો નહિ તેથી બંને જણાને કેદ થવું પડશે“. સોભાગચંદે ઉત્તર આપ્યો, કે “ભાઈ તું તો પૈસાવાળો છે, માટે લાંચ આપીને પણ છુટી જવાનો, પણ હું તો ગરીબ છું, એટલે મને તારા કરતાં વધારે ફકીર છે.” શેરખાં બોલ્યો, “બળ્યો મારો પૈશો ! દરેક જગ્યાએ મોટી મોટી લાંચ આપી પણ કંઈ વળ્યું નહીં, બૈરાં છોકરાં હેરાન થતાં હશે, અને હું હેરાન થાઉં છું તે જુદો; માટે જો તું તારી બુદ્ધિ ચલાવે તો આપણો બેઉનો છુટકો થાય. જો તું મારો છુટકો કરશે તો હું તારો ગુણ ભૂલીશ નહિ“. સોભાગચંદે જોયું, કે હવે મીઆંનો મીજાજ ઠેકાણે આવ્યો છે. આથી તેણે પૂછ્યું, કે “મીઆં સાહેબ, પૈસા બરા કે અક્કલ?” મીઆંએ જવાબ આપ્યો કે, ” પૈસા નહીં, પણ અક્કલ બરી” એમ કહી તેણે એક હજાર રૂપિયા પોતાના માણસ પાસેથી સોભાગચંદને અપાવ્યા. ને કહ્યું કે, “હવે જેમ બને તેમ જલદીથી છુટકારો કર“. સોભાગચંદે એક યુક્તિ શોધી કાઢી, અને ઉજ્જન ગામના મામલતદાર પાસે જ્યારે તેઓને લઈ ગયા ત્યારે પુછપરછ કરી, ત્યારે સોભાગચંદ બોલ્યો “સાહેબ, અમે પુરા ભાગ્યશાળી છીએ. જ્યાં અમે જઈએ છીએ ત્યાં દુકાળ અમે મરકી સિવાય બીજું પરિણામ નીપજતું નથી, જેથી આ દેશથી પેલે દેશ એમ વારે ઘડીએ અમોને કેદ કરવામાં આવે છે. બધે ફરીને આ દશમી વાર તમારા ગામમાં કેદ થવાને આવ્યા છીએ; પણ અમને ધાસ્તી લાગે છે કે રખેને અહીં પણ મરકી ફાટી નીકળે અને અમારે અહીંથી વળી બીજે જવું પડે. આ ગામ પણ અમને બહુ જ ગમે છે; પણ ધાસ્તી માત્ર રોગ ફાટી નીકળવાની જ છે. અમે ઘણાં મજેનાં કેદખાનાં જોયાં; પણ કોઈએ બે માસ કેદ રાખી રોગ ફાટી નીકળતાં બીજા ગામના મામલતદાર ઉપર ચીઠી લખી ત્યાં મોકલ્યા; પણ કોઈ એવો માણસ નથી મળતો કે જે અમને લાંબી મુદત સુધી જેલમાં રાખી મેલે“. આ સાંભળી ઉજ્જનના મામલતદારે વિચાર કર્યો, કે શું વજીરના ગામમાં જેલ નથી, કે અહીંયા કેદ કરવા મોકલે? પણ કેદીઓનો કહેવા પ્રમાણે મરકી અને દુકાળ ચાલતો હશે; તેથી આ પીડા અહીં કાઢી છે. તો હું મારી ગરીબ વસ્તીને શા માટે દુ:ખી કરૂં, એમ વિચારી તેણે બંને જણાને છોડી મેલ્યા !
Source : kahevatmool (Story No. – 37)
મગરૂર – અભિમાની, ગર્વીલું
ધાસ્તી – દહેશત, બીક, ભય, ડર. (૨) (લા.) જોખમ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.