આગળ જણાવ્યું તેમ ‘તિસમારખાં‘ નામ ત્રીસને મારનારો ખાં–એટલે કે ત્રીસને મારનારો માનવી–એના ઉપરથી આવ્યું છે. અહીં સંખ્યા માત્ર ત્રીસની જ કહી છે. અને એટલે જ તેના ઉપરથી ‘તિસમારખાં‘ નામ પડ્યું છે. બડાઈ કરનારો–શેખી મારનારને આપણી કહેવતે તિસમારખાં નામથી નવાજ્યો છે.
આવા ‘તિસમાર ખાં‘ની એક કહેવત વાર્તા આપણે આગળ જોઈ. બીજી પણ આવી કેટલીક વાર્તાઓ છે એમાંની એક નીચે આપવામાં આવે છે.
મિયાં તિસમારખાં
મિયાં શરીરે દુર્બળ હતા પણ મિજાજમાં તેજ વાઘ માર્યાની બડાઈ પણ મારે. કલાકમાં ચાલીશ ગાઉ દોડી જવાની ડંફાસ મારવાનું ન ચૂકે પણ ખરેખરી તેમની દોડ મસજીદ સુધીની જ હતી. ‘પટેલની ઘોડી પાધર સુધી‘ એવી તેમની શક્તિ હતી.
તેમની બીબી પિયર ગઈ હતી મિયાંને એક દિવસે વિચાર આવ્યો, લાવ, સાસરે જઈ બીબીને લઈ આવું. અને તેઓ સાસરે જવા ઉપડ્યા.
સાસરૂં પાંચેક ગાઉ દૂર હતું. મિયાંએ તો ધીરે ધીરે ચાલવા માંડ્યું. સાંજ પડી એટલે તેઓ એક ધર્મશાળા આગળ આવી પહોંચ્યા. હજુ અર્ધી મજલ હતી. મિયાંજીએ અહીં જ રાત રોકાઈ બીજે દિવસે જવાનું નક્કી કર્યું.
ધર્મશાળાની રખેવાળી એક વૃદ્ધાના હાથમાં હતી. મિયાંએ રાતવાસો રહેવાની પોતાની ઇચ્છા બતાવી. ડોસીએ તેને સગવડ કરી આપવાનું સ્વીકાર્યું. એ વ્યવસ્થા થઈ પણ ગઈ.
ડાકુઓનું દળ આવ્યું
ભોજન વગેરેથી પરવારી મિયાં ખાટલા પર આડા પડ્યા. તેઓ પડ્યા ખરા પણ ઊંઘ જ ન આવે. એક તો મન બીબીમાં ડૂબેલું હતું અને બીજું ખાટલામાંના માંકડો તેમને હેરાન કરી મૂકતા હતા. મિયાં શરીરે દુબળા હતા લોહી પણ મુશ્કેલીથી મળે. માંકડો લોહી ચૂસવા માટે જોરથી ચસ્કા મારવા લાગ્યા મિયાં ખાટલા પર તરફડવા લાગ્યા.
અર્ધી રાત તો તેમણે જેમ તેમ પસાર કરી. પણ હવે તેમનાથી રહેવાયું નહિ. મિયાંએ બૂમ મારી ‘ડોસીમા !’ ડાકુઓનું દળ આવ્યું છે. મને મદદ કરો.
ડોસીએ તલવાર આપી
ધર્મશાળામાં ડોસી એકલી જ હતી. મિયાંની બૂમ સાંભળી ડોસી ગભરાઈ ગઈ. પણ તેણે હિંમત રાખી અને ખુણામાં પડેલી એક તલવાર કાઢી મિયાંને આપતાં કહ્યું, ‘મિયાં ! ડરો છો શા માટે? ધર્મશાળાનો દરવાજો બરાબર બંધ છે. ડાકુઓ અંદર ઘૂસી શકે તેમ નથી જ. તમે તમારી ઓરડીમાં જાવ અને આરામથી સૂઈ જાવ. મશાલ તો બળતી જ છે. કદાચ તેઓ અંદર આવે તો આ તલવારથી તેમના શિર છેદી નાખજો….’
મિયાં તલવાર સાથે ઓરડીમાં પાછા આવ્યા. આવતાં જ તેમણે જોયું તો ખાટલા પર સેંકડો માંકડો તેમનું લોહી ચૂસવાને માટે તૈયાર જણાયા. બસ, હવે વાર કોની જોવી? હાથમાં તલવાર હતી જાતના હતા બડાઈખોર, મિયાં પછી પૂછવું જ શું? તેઓ તો તૂટી પડ્યા માંકડો પર અને બૂમો મારી મારીને કહેવા લાગ્યા ઊભા રહો – ડાકુઓ…..આજે તો હું તમને માર્યા વગર છોડવાનો જ નથી… તમને ગણી ગણીને ન મારું તો મારું નામ મિયાં મિઠ્ઠુ નહિ.
ડોસીએ મિયાંની આ બૂમ સાંભળી, તેણે તો સાચું જ માની લીધું કે ડાકુઓ આવ્યા છે. એટલે તે તો પોતાનું બારણું બંધ કરીને અંદર જ પૂરાઈ રહી.
ત્રીસને માર્યા
આ બાજુ મિયાંએ ગણી ગણીને મારવાનો આરંભ કર્યો એક પછી એક એમ ત્રીસ માંકડને તેણે સાફ કરી નાખ્યા બંધ ઓરડામાંથી ડોસીએ પણ સાંભળ્યું કે મુસાફરે ત્રીસ ડાકુઓને મારી નાખ્યા છે.
તિસમારખાં આવી રહ્યા છે.
સવાર પડ્યું એટલે ડોશી ઊઠી. મુસાફરની ઓરડી આગળ આવી. મિયાં હજુ સૂઈ રહ્યા હતા. ડોસીએ બૂમો પાડી એટલે મિયાં ઊઠ્યા. હાથમાં તલવાર લીધી અને તેને સાફ કરતાં કરતાં ઓરડામાંથી બહાર નીકળી બોલ્યા, ‘ખસી જાવ….જાણતાં નથી તિસમારખાં આવી રહ્યા છે.’
ડોસી ભયની મારી ખસી ગઈ. તિસમારખાં હવે તલવાર ઘૂમાવતા ઘૂમાવતા ધર્મશાળામાંથી બહાર નીકળ્યા અને સાસરાને માર્ગે દોડવા લાગ્યા.
તિસમાર ખાંના દુર્બળ દેહમાં હવે કંઈક જોર આવેલું જણાયું. તલવાર ઘૂમાવતાં તેઓ વેગથી જવા લાગ્યા. રસ્તામાં જે કોઈ મળતું તેને મિયાં કહેતાં, હટી જાવ…..તિસમાર ખાં આવી રહ્યા છે.
અને નવાઈ જેવી વાત એ બનતી કે સૌ ‘હા….જી ! હા…..જી‘ કરતાં તેમને રસ્તો આપતા. તેમના જુસ્સાને અટકાવવાની તેમની સામે થવાની કોઈની તાકાત નહોતી.
સાંજ પહેલાં તો તેઓ સાસરાના ગામમાં દાખલ થઈ ગયા. ગામને નાકે કેટલાક છોકરાઓ રમી રહ્યા હતા. તેમાં મિયાંનો છોકરો પણ હતો. મિયાંએ છોકરાઓને જોઈને કહ્યું, ‘રસ્તામાંથી ખસી જાવ….તિસમાર ખાં આવી રહ્યા છે.’
અને મિયાં તલવાર વીંઝતાં દોડવા લાગ્યા. છોકરાઓ તલવારના ભયથી દૂર ખસી ગયા.
તલવારને ઘૂમાવતાં તેઓ ગામમાં પ્રવેશ્યા, જે કોઈ મળતું તેમને તેઓ કહેતાં– “દૂર હટો…..તિસમાર ખાં આવી રહ્યા છે….”
લોકોને દૂર ખસવું જ પડતું.
આવા પરાક્રમ કરતાં કરતાં મિયાં સાસરે આવ્યા. સાસુ સસરાએ જમાઈનો ઠાઠથી આદર સત્કાર કર્યો. ગામમાંથી આઠ–દશ લોકો પણ ભેગા થઈ ગયા અને કહેવા લાગ્યા – ‘મિયાંજીએ શું તલવાર ફેરવી છે…..બસ…..લોકો જ દૂર ખસી ગયા…..વચમાં કોણ આવે…..’
જમાઈની આવી બહાદુરી ભરી વાતો સાંભળી સાસુ સસરાની છાતી ગજ ગજ ફુલવા લાગી.
જ્યારે રાત પડી અને મિયાં બીબીને એકાંત મળ્યું ત્યારે બીબીએ પૂછ્યું ‘કહો, મિયાં ! આ મુઠ્ઠીભર હાડકાંથી તમે ક્યા ત્રીસને માર્યા?
મિયાંએ કહ્યું – ‘બીબી, બોલી નહિ તને જ કહું છું. કોઈને કહેતી નહિ અને એમ કહીને મિયાંએ ધર્મશાળાની સારીય વાત બીબીને કહી સંભળાવી.
બીબી પેટ પકડીને હસવા લાગી અને બોલી….’તમે તિસમાર ખાં….ખરા….’
Source : shri bruhad kahveat katha sagar(Story No. : 60)
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.