કલાંત કળીયુગ હતી કર્કશા, સતયુગ હતી સદ નાર,
પુત પારકો ગળે પડીને, ઘરથી કાહડી બહાર.
અક્કલ કસીને ન્યાય તોલિયો, કસી કલીયુગની નાડ,
સત્ય જાણ્યું સતયુગનું, મલ્યો પુત હકદાર.
સીંદુ નામે એક શહેરના વાણીયાની સ્ત્રીને તેની પાડોશમાં રહેતી તેજ જ્ઞાતિની બીજી એક સ્ત્રી સાથે ઘણી જ ગાઢ મૈત્રી હતી. જેમાંની એકનું નામ સત્યુગ અને બીજીનું નામ કલિયુગ હતું. આ બન્ને સ્ત્રીઓ થોડા વખત સુધી તો ભરથારના તેમજ પૈસાટકાના સુખથી સમાન જ હતી; પણ પાછળથી કલિયુગનો ભરથાર મરણ પામ્યો; આથી તે બિચારી મહા દુ:ખમાં આવી પડી. બન્ને બેનપણીઓને એવો તો ઘાડો સંબંધ હતો કે, કલિયુગની આવી લાચાર હાલત જોઈ, સત્યુગે તેને પોતાના ઘરમાં લાવી રાખી અને દીલાસો આપ્યો કે, “બાઈ, મારા ભરથાર વિષે તારે કશીએ ચિંતા રાખવી નહીં. હું તને જેમ બેન ગણી ચાહું છું, તેમ તે પણ તને બેન ગણી ચાહે છે; માટે તું જરાએ સંકોચ રાખ્યા વિના તારો કાળ સુખે ગુજાર.”કલિયુગ પણ તેનો આટલો બધો ભાવ જોઈ તેના ઘરમાં છુટથી ભેળાવા લાગી, ત્યાર પછી સત્યુગને ત્યાં એક છોકરાનો જન્મ થયો, જેને કલિયુગ ઘણાં જ હેતથી પોતાના જ બાળકની પેઠે ઉછેરવા લાગી. એક વખત સત્યુગના ધણીને દેશાવર સારી ચાકરી મળ્યાથી તે પોતાના કુટુંબ સહિત પરદેશ જઈ રહ્યો. આ વખતે પણ સત્યુગે કલિયુગને સાથે જ રાખી હતી. કળિયુગ છોકરાને એવી સરસ રીતે ઉછેરતી કે જેથી તે છોકરો પોતાની માને ભૂલી જઈ કળિયુગને જ મા કહેવા લાગ્યો; વળી કળિયુગને ખોટું ન લાગે એટલા વાસ્તે સત્યુગે એવી તો વર્તણુક ચલાવી કે બહારથી આવનાર માણસ કળિયુગને જ ઘરની ધણીઆણી માને. છોકરાના સંબંધમાં પણ કળિયુગનો અથાગ પ્રેમ જોઈ જ્યારે તે રડે; ત્યારે પોતાના છોકરાને કહે કે, “તારી મા પાસે જા તે કંઈક તને આપશે“. આ બધી વર્તણૂકથી ગામના લોકો અને પાડોશી પણ કળિયુગને જ છોકરાની મા તથા ઘરની ખરી ધણીઆણી માનવા લાગ્યા. હવે એવું બન્યું કે, કંઈ અકસ્માત થવાથી સત્યુગનો ભરથાર મરણ પામ્યો. તે વખતે સત્યુગ ઘરમાંથી જરા બહાર ગએલી હતી, આ તકનો લાભ લઈ તેના ઘરનો બધો પૈસો કળિયુગે પોતાના કબજામાં લઈ લીધો. થોડા વખત પછી સત્યુગ ઘરમાં આવી પણ તેને કળિયુગ ઉપર પુરેપુરો ઇતબાર હોવાથી પોતાના ધણીની પુંજી બાબત જરા પણ સંભાળ ન રાખતાં, તેના શબને ઠેકાણે કરવાની પંચાતમાં પડી. બધું ઠેકાણે પડી રહ્યા પછી પણ સત્યુગે પોતાના ધણીનીપુંજીની જરા પણ સાંભળ લીધી નહિ, અને અગાઉની માફક કળીયુગને જ ઘરધણીઆણી ઠેરવી અગત્યના બધા કામો તેની પાસે જ કરવા લાગી. આ બધી દયાનો લાભ લઈ, દયાની માને ડાકણ ખાય એ કહેવત મુજબ, કળિયુગ સત્યુગ સામે મોટી તકરાર ઉઠાવી તેને સતાવા લાગી. આથી સત્યુગે પોતાની પુંજી સંભાળવાની પેરવી કરવા માંડી. આ વખતે કળિયુગે તેને ગળે પડી કહ્યું કે, “માલમતા અને ઇસ્કયામત ઉપર તારૂં શું પહોંચે છે? તું તો મારા ભરથારની રાખેલી હતી, માટે હવે હું તને તેના મરણ પછી રજા આપું છું; માટે તારે આ ઘર છોડી ચાલ્યા જવું.” અગાઉ જણાવ્યા પ્રમાણે સત્યુગની ભલી વર્તણુકથી ગામના લોકો પણ કળિયુગને જ ઘર ધણીઆણી અને છોકરાની ખરી મા માનતા; વળી વધારામાં તેઓ જ્યારે આ નવા શહેરમાં રહેવા આવ્યા, ત્યારે ઘરધણી પાસે ઘરનું ભાડું પણ કળિયુગે નક્કી કર્યું હતું. આ બધા મામલાથી જ્યારે આ બન્ને વચ્ચે તકરાર ઉત્પન્ન થઈ ત્યારે પાડોશી તથા ગામના લોકો પણ વિચારમાં પડી ગયા. કળિયુગ બેશરમ અન બેરડ સ્ત્રી હતી. તેથી તે સત્યુગને વધારે વધારે દબાવી કહેવા લાગી, કે “રાંડ ! હવે મારા ઘરમાંથી તું નિકળી જા. હું તને એક દિવસ પણ મારી સાથે રાખવા માગતી નથી“. કળિયુગની આટલે સુધીની બેવફાઈ જોઈ સત્યુગ લાચાર થઈ, અને પોતે નરમાશ વાળી તેમજ શરમાળ હોવાથી જોયું કે, આ હવે કોઈ રીતે પણ મને ફાવવા દેશે નહિ, કારણકે આમાં મારી દયાએ જ મને દગો દીધો છે. આમ વિચારી ઈશ્વર ઉપર આધાર રાખી તેણે કળિયુગને કહ્યું; “બાઈ ! મારા ભરથારની પુંજીમાંથી મારા ગુજરાન જેટલું પણ મને આપે તો હું તેટલેથી જ સંતોષ પકડી ચાલી જાઉં.” કળિયુગે મોટું તોફાન ઉઠાવી, ભલાઈ દાખલ કંઈ થોડોક ભાગ આપ્યો. તે લઈ સત્યુગ બહાર નિકળવાને તૈયાર થઈ. અને જતી વખતે તેણે પોતાના દીકરાને માગ્યો. કળિયુગે છોકરો આપવાને ના પાડી, અને ઉલટી ગળે પડી કે “મારો છોકરો હું તને કેમ આપું?” આથી તો સત્યુગ બહુ જ લાચાર થઈ અને પાડોશીઓ પાસે ફરીઆદ કરવા ગઈ, અને કળિયુગ અને પોતાની વચ્ચેનો જે હેવાલ બન્યો હતો; તેથી લોકોને વાકેફ કર્યાં. કેટલાક લોકોએ આ હકીકત ખરી માની; અને કેટલાકે ખોટી માની. જેમણે ખરી માની તે સત્યુગનો પક્ષ કરવા લાગ્યા, અને જેણે ખોટી માની તેણે કળિયુગનો પક્ષ ખેંચ્યો. સત્યુગ કહેતી કે, “મેં ઘણી ભલાઈ કરી પણ સઘળી રીતે હું હારી બેઠી; અને હવે મારો છોકરો પણ તે આપતી નથી.” ત્યારે કળિયુગ લોકોને સમજાવતી, કે “મારા ધણીની હૈયાતીમાં મારી છાતી ઉપર ચડી સંસારસુખ ભોગવ્યું: માટે હવે તેના મુવા પછી પણ મને સુખ લેવા દેતી નથી, અને ઉલટી મારા દીકરાને પણ લઈ જવાની પેરવી કરે છે.” આવી રીતે બન્નેનું કહેવું સાંભળી જ્યારે કોઈ આ વાતનો નિકાલ ન લાવી શક્યું; ત્યારે આ વાત ગામના રાજા પાસે ગઈ. દરબારમાં બન્નેની સાક્ષી લેવાઈ, અને તે બેઉના પક્ષમાં બરાબર સરખી જ ઉતરી. આ ગામનો રાજા ડાહ્યો અને અદલ ઇન્સાફી હતો. તેણે વિચાર કર્યો, કે બન્નેના સાક્ષી પુરાવા મજબુત છે. પરંતુ તેમાં એકની તો જરૂર લુચ્ચાઈ હોવી જ જોઈએ. આમ વિચારી તેણે એક યુક્તિ શોધી કાઢી. જલ્લાદને બોલાવી બધા સાંભળે તેમ મોટેથી હુકમ આપ્યો, કે “આ છોકરા ઉપર બંને સ્ત્રી દાવો કરે છે; માટે તેના બે ટુકડા કરી એકેકને એકેકો આપ.” આ સાંભળી કળિયુગ બોલી ઉઠી કે “સાચને આંચ નહિ, કંઈ ફીકર નહિ“. પણ સત્યુગ તો આ હુકમ સાંભળતાં જ રડી પડી, અને મોટેથી પોકાર મારી કહેવા લાગી, “મારા છોકરાના કકડા કરાવશો ના. મને તમારો આવો ઇન્સાફ જોઈતો નથી. હું એના ઉપરથી મારો હક ઉઠાવું છું. ભલે, તારી દેવડીમાં મારો ઇન્સાફ ન થઈ શક્યો; પણ ઈશ્વરને ત્યાં તો જરૂર થવાનો છે.” આ બંને સ્ત્રીના બોલવાથી રાજાએ જોયું કે છોકરાની ખરેખરી મા સત્યુગ જ છે. કારણ કે છોકરાના ટુકડા થવાનો હુકમ સાંભળી તેનો પ્રેમ એકદમ ઉભરાઈ આવ્યો, ને પેલી બૈરી તો જાણે કેમ કશું થતું જ ન હોય તેમ સાચને આંચ નહિ એમ કહી ઉભી રહી. આથી તે છોકરો સત્યુગને આપ્યો, અને પેલી ગળેપડુ કળિયુગને દેશનિકાલની સજા કરી કાઢી મુકી.
ઠગારા લોકો ગમે તેવી યુક્તિથી પોતાનું કામ સાંધે; પણ અંતે સત્ય પ્રકાશ્યા વિના રહેતું જ નથી. સત્યનો જય.
Source : kahevatmool (story no. 29)
ભરથાર – ભર્તા, સ્વામી, પતિ, ધણી, નાથ
કળિયુગ – ભારતીય પૌરાણિક માન્યતા પ્રમાણે કાલગણનાની ચાર યુગોની પ્રત્યેક ચોકડીમાંનો ચોથો યુગ (૪,૩૨,૦૦૦ વર્ષનો ઈ.પૂ. ૩૧૦૨ની ફેબ્રુઆરીની ૧૮મીએ શુક્રવારે શરૂ થતો મનાતો.) (૨) (લા.) નઠારો અને અધર્મનો સમય
બેરડ – ઘઉં, જવનો ભંગારો કે મિશ્રણ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.