ખુરસીને જ માન છે.
શાહ કમીશન આગળ જે જુબાનીઓ રજો થઈ છે તેમાં સત્તા જ સર્વોપરી જણાઈ છે. સશક્ત, વગદાર, મોભ્ભાવાળા માનવીઓને પણ નાના–અદના–સાધારણ પરન્તુ સત્તા સ્થાને બેઠેલા માણસોએ હેરાનપરેશાન કર્યાના અનેક દાખલાઓ આપણે જોયા જાણ્યા છે. ‘સત્તા આગળ શાણપણ નકામું‘ એ કહેવત પણ જાણવા અને સમજવા જેવી છે. જેમ અકુલિન–પ્રપંચી–દગાબાજ પણ શ્રીમંત માનવી પૂજાય છે તેજ પ્રકારે દંભી, સ્વાર્થી, લાલચુ અને કપટી માનવી પણ સત્તાના સિંહાસને બેસી મનફાવે તેવી કાર્યવાહી કરી શકે છે. આ બધો પ્રતાપ છે સત્તાનો.
ખુરસી પર બેઠેલા પ્રધાનો ભલે ભ્રષ્ટ હોય. પાપી અને દંભી હોય તો પણ તેમની “વાહવાહ” બોલાય છે જ. બોલવી જ પડે છે. ઇંદિરા પુત્રોમાં આવડત હોય કે ન હોય પણ તે ઇંદિરા ગાંધીના પુત્રો છે. એની મીઠી નજર પણ જોઈએ જ અને એટલે જ રાજ્યોના મુખ્ય પ્રધાનો પણ તેની તાળીઓ પાડવામાં અગ્રસ્થાને રહ્યા હતા રહ્યા છે. તે પણ તાજેતરમાં જ આપણે જોયું.
આ વિષયમાં આપણી એક કહેવત બહુ જોરદાર અને સ્પષ્ટ છે. એ કહેવતમાં જે ભાવ છે તે ભાવ આજે પણ આપણે જોઈ જ રહ્યા છીએ. ભવિષ્યમાં પણ તે જોવાશે જ. કારણકે આ એક યુગોનાયુગો સુધી રહેનારી કહેવત છે:-“સ્થાનં પ્રધાન, ન બલં પ્રધાન‘ સ્થાન પ્રધાન, બળ નહીં પ્રધાન. ‘ખુરસીને જ માન છે.’ ખુરસી પર બેઠેલો નેતા જ પૂજાય તેની જ વાહ–વાહ થાય. ‘ઉતર્યો અમલે માણસ કોડીનું‘ આ આપણે આજે પ્રત્યક્ષ જોઈ જ રહ્યા છીએ.
આ કહેવત સંસ્કૃત કહેવત છે પણ એ પછી તે જુદી જુદી ભાષાઓમાં પણ બંધબેસતી રીતે પ્રચાર પામી. દા. ત. ‘ખુરસીને જ માન છે‘ એ કહેવતનું મૂળ આજ પ્રાચીન સંસ્કૃત કહેવત છે.
આ કહેવતની ઉત્પત્તિ પૌરાણિક કાળની છે. વાર્તા આ પ્રકારની છે
એક વખતે શંકર ભગવાન કૈલાસમાં દિગંબર સ્થિતિમાં બેઠા હતા એટલામાં એક પાર્ષદે આવી સમાચાર આપ્યા કે શ્રી વિષ્ણુ ભગવાન ગરૂડ પર સવારી કરીને આવે છે.
શંકર ઊતાવળમાં ઉભા થયા. સમીપમાં કોઈ વસ્ત્ર નહોતું એટલે તેમણે કેડમાં નાગનો કંદોરો પહેર્યો અને એમાં મૃગછાલા લટકાવી વિષ્ણુને મળવા સામા ગયા.
બન્ને દેવો મળ્યા. શંકર વિષ્ણુને ભેટ્યા ને તે સમયે તેમની કેડનો સર્પ ગરૂડના મુખે લગભગ અડકી ગયો : એટલે સર્પે ફુંફાડો માર્યો અને પછી જાણે તે ગરૂડ ઉપર હુમલો કરતો હોય તેવું જોર બતાવ્યું.
ગરુડે કહ્યું, “તારી હોશિયારી રહેવા દે. તું મારો આહાર છે તે જગ આખું જાણે છે પણ હું લાચાર છું. કારણ અત્યારે તું શંકરજીની કેડમાં છે અને એટલે જ તું જોર કરી રહ્યો છે. આ માટે જ હું સહન કરી રહ્યો છું. સ્થાનં પ્રધાનં ન બલં પ્રધાનં. તું જે સ્થાન છે તે જ મુખ્ય છે. તારું બળ કંઈ મહત્ત્વનું નથી. ગરૂડે કહ્યું.
માણસનું જ સ્થાનમાં જોર હોય ત્યાં એને છેડવો નહિ. આ અંગેની એક કહેવત છે:
કસબે તુર્ક ન છેડાએ, બજારે બકાલ,
વગડે જટ ન છોડીએ, ઉનાળે અંગાર.
એટલે કે, મુસલમાનોનું ગામ હોય તો એને છેડવો નહિ. બજારમાં બકાલને એટલે વાણિયાને છેડવો નહિ. કારણ છેડવામાં આવે તો ઘણા વાણિયા તરત જ ભેગા થઈ જાય ને છેડનાર ટીપાઈ જાય. જંગલમાં જટ એટલે કે ભરવાડને છેડવો નહીં. આ બધાં પોત–પોતાના સ્થાનનું જોર સૂચવે છે.
આ કહેવતનું તાત્પર્ય એ છે કે સત્તા સ્થાને મૂર્ખ બેઠો હોય તો પણ તેને છેડવામાં જાનનું જોખમ છે. ઈંદિરા ગાંધીએ કટોકટી જાહેર કરી એટલે સૌ પ્રધાનો પણ મીંદડીની જેમ ચૂપ બેસી રહ્યા કારણ તેઓ જો કંઈ બોલે વિરોધ કરે તો તેમને કાં તો સ્થાન ભ્રષ્ટ થવું પડે કે પછી જેલમાં જવું પડે. એ વખતે ઇંદિરા ગાંધી વડા પ્રધાનપદની ખુરસી પર હતા અને તેમની પાસે સત્તાનું બળ હતું. સત્તાનો ચાબખો હતો.
Source: shri bruhad kahveat katha sagar (Story No. – 158)
પ્રપંચી – કાવાદાવામાં હોશિયાર, પ્રપંચપટુ
દિગંબર – દિશાઓરૂપી વસ્ત્રવાળું, નગ્ન. (૨) જૈનોનો કશું વસ્ત્ર ન પહેરનારા સાધુઓવાળો ફિરકો અને એનું અનુયાયી. (સંજ્ઞા.)
પાર્ષદ – અનુચર, નોકર, પાસવાન, પાર્શ્વક
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.