માની મમતાને છેડો નથી
‘કુપુત્રો થાય; પણ માતા કદી કુમાતા થતી નથી.’ આ એક પ્રાચીન સંસ્કૃત સૂક્તિ છે. માતાને પેટે ભલે ગમે તેવો પુત્ર પાક્યો તો પણ એને પોતાનો ‘લાલ‘-‘મણિ‘ સમજી પાલણપોષણ કરવાની જ. માતા પુત્રનું ક્યારેય પણ અહિત કરશે નહિ. એ તો સદા તેની ચાહના જ કરવાની. તેનું શુભ જ ઇચ્છવાની.
માતાના વિશાળ હૈયાને કોણ આપી શક્યું છે? માતા બલિદાન આપી શકે છે અને શોક પણ કરી શકે છે; કહેવતે કહ્યું છે, ‘માની મમતાનો છેડો નથી. એ અગાધ છે.’ સાગરની ઊંડાઈ તમે જો માપી શકો તો જ માતાના હૈયાને તમે પામી શકો.’ ‘માનો પ્રેમ અમૃતથી પણ મીઠો છે‘ આ લોકોક્તિ પણ માની મમતા માટે ઘણું કહી જાય છે.
પુત્રના વીરોચિત બલિદાન પર માતા જરૂર રડે છે, શોક કરે છે, પણ એનું એ કલ્પાંત માત્ર મા તરીકે જ હોય છે. મમતા–પ્રેમના જ એ આંસુ હોય છે.
અભિમન્યુના મૃત્યુ પર સુભદ્રાનો શોક
મહાભારતની એક ઘટના જાણવા જેવી છે. અભિમન્યુ વીરગતિને પામ્યો. એની માતા સુભદ્રાને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે એ ભારે વિલાપ કરવા લાગી. આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. એના આવા શોકથી ધર્મરાજા યુધિષ્ઠિર પણ અસ્વસ્થ બની ગયા. તેમણે સુભદ્રાને આશ્વાસન આપ્યું પણ સુભદ્રાનો શોક દૂર ન જ થયો.
શ્રીકૃષ્ણને આ વાતની જાણ થઈ. તેમણે સુભદ્રાને સમજાવી : ‘તું યોગેશ્વરની બહેન છે અને રડે છે?’ તને આ શોભે છે ખરું? એ આત્મા હતો. તેને કોઈએ પણ જોયો નહોતો. એનું શરીર તો આજે પણ છે.’
સુભદ્રાનું રૂદન અટક્યું નહિ. ભગવાન કૃષ્ણે કહ્યું, ‘બહેન તેં જ એને કપાળે તિલક કરી રણભૂમિમાં મોકલ્યો હતો ને? અને કહ્યું હતું, ‘બેટા, પીઠ બતાવીને પાછો નહિ આવતો. વિજયી બનીને જ આવશે તો જ માતાની ગોદ તને મળશે. આવો વીરોચિત સંદેશો તેં જ આપ્યો હતો. અને તું રડે છે.
‘હું મા તરીકે રડું છું?’
સુભદ્રાએ કહ્યું, ‘ભાઈ, આ સમયે તમે મૌન રહો. તમારી બહેન સુભદ્રા તો શાંત જ છે. એ રડતી નથી. એનો આ વિલાપ નથી.રણભૂમિમાં એને મોકલનારી વીરપત્ની ક્ષત્રિયાણી હતી અને એ અત્યારે જે રડી રહી છે તે તો પુત્રની ‘મા‘ છે. તમે એને રડી લેવા દો. આટલું પણ તમે જો ન સમજતા હોય તો માતાનું હૃદય લઈને તમે આવો. પછી પુત્રના મરણ પાછળ ન રડવા માટે મને સમજાવજો.’
શ્રીકૃષ્ણ નિરૂત્તર બની ગયા. શું બોલે? સુભદ્રા પણ મા હતી, મા પુત્રના માટે શોક કરે જ. પુત્રના દુ:ખમાં દુ:ખી અને તેના સુખમાં સુખી રહેવાનો માનો અધિકાર જ છે.
શહીદની મા નથી રડતી
ભગવતસિંહને ફાંસીની સજા થઈ. માતાએ જ્યારે આ વાત જાણી ત્યારે તેણે ભારે કલ્પાંત કર્યું. નેતાઓએ–ગામલોકોએ માતાને ધીરજ આપી કહ્યું, ‘મા, તમે રડો છો શા માટે? તમારો પુત્ર તો શહીદ બની ગયો છે.’
ભગતસિંહની માએ કહ્યું, ‘હું શહીદ પુત્રની મા છું તેનું મને ગૌરવ છે. અભિમાન છે. પણ હું એક મા છું. મારે માનું હૈયું છે અને તે જ આજે પુત્રના વિરહથી શોકથી રડી રહ્યું છે. એને રોકવાનું પાપ કરશો નહિ.’
આ છે માની મમતા–પ્રેમ. માનું મમત્વ અને વાત્સલ્ય કોઈ માનવી વહેંચી શકતું નથી. કહ્યું છે કે માનું હૃદય આકાશથી ઊંચું અને કરૂણાસાગરથી ય અગાધ છે. એની ગોદ વસુંધરાથી પણ મીઠી છે. મનોહર છે. આકર્ષક છે. માના હાથના સ્પર્શથી સારુંય દુ:ખ છૂ થઈ જાય છે. એવો એનો પ્રેમ છે.
દ્રૌપદીની ક્ષમા શા માટે?
મહાભારતનો એક બીજો દાખલો પણ જાણવા જેવો છે. દ્રોણપુત્ર અશ્વત્થામાએ પાંડવોની શિબિરમાં આગ લગાવીને એમાં સૂતેલા દ્રૌપદીના પાંચે પુત્રોને મારી નાખ્યા.
ન્યાય અને દંડ સામે માતાની મમતાએ અધિકાર મેળવ્યો. સૌ ઇચ્છી રહ્યા હતા કે અશ્વત્થામાને આ ઘોર પાતક માટે મારી નાખવામાં આવે. આવા નરાધમને તો મૃત્યુની જ સજા હોય. પણ દ્રૌપદીમાં માનું હૈયું પણ હતું. તેણે કહ્યું, ‘એને ક્ષમા આપો!’
પાંડવો અને શ્રીકૃષ્ણ આ કરૂણામૂર્તિના હૃદયની વિશાળતા આગળ માથું નમાવી ઊભા રહ્યા. પુત્ર શોક અને પુત્ર પ્રેમની લાગણી સમજી શકે જે માતા હોય જેની પાસે માતાનું હૈયું હોય.
સમ્રાટ આગળ માની ભીખ
મહાન સીકંદર વિશ્વ વિજય માટે નીકળ્યો હતો. મીસરમાં તેની સેનાએ કાળો કે‘ર વર્તાવ્યો. આથી ત્રાસીને એક જુવાન સૈનિક સીકંદરને ગાળ આપી. સૈનિકો તેને બેડી પહેરાવી સમ્રાટ આગળ લઈ આવ્યા.
સીકંદરે એને પૂછ્યું– ‘તેં મારું અપમાન કર્યું છે?’
જુવાન નિર્ભય હતો. તેણે કહ્યું, ‘તમે અમારા શત્રુ છો, શત્રુનું તો અપમાન જ થાય.’
સીકંદરે એને મોતની સજા કરી.
પેલા બંડખોર જુવાનનું મોત થવાનું હતું તે દિવસે એક વૃદ્ધા સીકંદરની છાવણીમાં ઘૂસી ગઈ. એને પકડવામાં આવી પણ એ છટકી ગઈ અને પાછળના દ્વારથી તે સીકંદરની સામે આવીને ઊભી રહી ગઈ.
સીકંદરે તેને પૂછ્યું – ‘કોણ છો તમે?’
‘એક મા છું.’
‘અહીં શા માટે આવ્યાં છો?’
‘પુત્રના જીવનની ભીક્ષા માગવા.’ આંસુઓ સાથે તેણે કહ્યું.
‘તારા પુત્રે મારું અપમાન કર્યું છે.’
‘મારા પુત્રે ગમે તે કર્યું હોય એ ભલે કપુત્ર હોય પણ હું તો મા છું. એક મા તરીકે હું મારા પુત્રનું ‘જીવન‘ તમારી પાસે યાચું છું. મને એની ‘મા‘ ગણતા હોવ તો મને આટલી ભીખ આપો.’
સીકંદરને પોતાની મા યાદ આવી. માનો લાડકો પુત્ર હતો. બાલ્યકાળમાં તે લાડથી માની ગોદમાં રમ્યો હતો. તેને શૈશવના આ બધા દિવસો યાદ આવ્યા. તત્કાળ તેણે પેલા જુવાનને મુક્ત કરવામાં આવ્યો હતો. ગુન્હેગાર તરીકે નહિ.
માતૃપ્રેમે એકવાર પુન: એક મહાન વિજેતા પર અધિકાર જમાવી દીધો. આવો છે માનો પ્રેમ.
પુત્ર કુપુત્ર થઈ શકે છે. પણ માતા તેવી થઈ શકતી નથી. એના પ્રેમની સરવાણી તો વહ્યા જ કરવાની બેટો ભલે ચોર, બદમાશ કે દગાબાજ કેમ ન હોય ! પણ મા તો ચાહવાની જ પોતાના એ પુત્રને બેટાને….
Source : shri bruhad kahveat katha sagar (Story No. 34)
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.