બુંદેલખંડી ભાષામાં એક કહેવત છે :
‘ઉકતાયે કામ નસાયે
ધીરજ કામ બનાયે.’
ઉતાવળથી કોઈ કામ થતું નથી. ધીરજથી કામ લો. આને મળતી કહેવતો ગુજરાતી ભાષામાં પણ મળે છે :
‘ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર.’
‘ઉતાવળે આંબા ન પાકે.’
આ કહેવતની પાછળ એક રસપ્રદ કથા પડેલી મળી આવે છે. જૂના જમાનાની વાત છે. શ્રાવસ્તીનગરમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતાં હતાં. બ્રાહ્મણ વિદ્વાન હતો. એને સંતાનમાં એક સુપુત્ર હતો. આ પુત્ર ખૂબ જ તેજસ્વી હતો. પિતા એને જે કંઈ શાસ્ત્રો શિખવાડતા તે તરત જ કડકડાટ મોઢે બોલી જતો. બુદ્ધિશાળી દીકરાની હોશિયારી જોઈને બ્રાહ્મણ મનોમન હરખાતો, પણ દીકરાનો કંઈ ને કંઈ દોષ શોધી કાઢીને એને ધમકાવતો. દીકરાનાં એ કદી વખાણ કરતો નહીં. થોડાં વર્ષોમાં દીકરો ભણીગણીને બાજંદો બન્યો. આજુબાજુના પંથકમાં પંડિતજી તરીકે પંકાવા લાગ્યો. કર્મકાંડ અને શાસ્ત્રાર્થમાં એની કીર્તિ મલક આખામાં ફેલાઈ ગઈ. લોકો માનવા માંડ્યા કે આના જેટલો વિદ્વાન બ્રાહ્મણ આખા ઇલાકામાં બીજો એકે નથી.
દીકરો વિદ્વાન થયો હોવા છતાં બ્રાહ્મણના વ્યવહારમાં તલભારે ય ફેર પડ્યો નહીં. દીકરાની નાની નાની ભૂલો ગોતી કાઢીને એને દિવસમાં દસ વાર ધમકાવી નાખતો. દીકરો હવે નાનો નહોતો. એ જુવાન થયો હતો. પરણ્યો હતો અને એની ગણતરી વિદ્વાન પંડિતોમાં થવા લાગી હતી. તેમ છતાં પિતાને તો ‘ઘરકી મુર્ગી દાળ બરાબર‘ જેવું હતું.
આ વાત દીકરાના મનમાં અહર્નિશ ખટક્યા કરતી. એ વિચારતો કે હું ભણીગણીને વિદ્વાન થયો છું. લોકો મારી પ્રશંસા કરતાં થાકતા નથી ને મારા બાપ મને એક પણ દિવસ ધમકાવ્યા વગર છોડતા નથી. મને હંમેશાં ધિક્કારે છે. મારા ગુણ અને માનસન્માન જોઈને એમને બળતરા થાય છે.
એમ કરતાં કરતાં બેચાર મહિનાનાં વહાણાં વાઈ ગયાં. દીકરાના મનમાં બાપ તરફ એક પ્રકારનો પૂર્વગ્રહ બંધાઈ ગયો, એ પછી એક દિવસ એના મગજમાં ક્રોધનું ભૂત સવાર થયું. એણે મનોમન નિશ્ચય કર્યો કે બાપને મારી નાખું તો કાયમની ટકટક મટી જાય.
આસો માસ છે. શરદ પૂનમની રાત છે. ચંદ્રમા સોળે કળાએ ખીલીને ધરતી પર ચાંદની રેલાવી રહ્યો છે. બરોબર મધરાતનો ગજર ભાંગ્યો ત્યારે બ્રાહ્મણનો દીકરો હાથમાં તરવાર લઈને મેડી ઉપર ચડ્યો. જ્યાં માબાપ સૂતાં હતાં એ ઓરડાનાં બારણાં આગળ આવીને ઊભો રહ્યો. ત્યાં તો એણે માબાપને વાતો કરતાં સાંભળ્યાં. એ ચૂપચાપ ઊભો રહીને વાતો સાંભળવા લાગ્યો.
મા કહેતી હતી :
‘જુઓ આજનો ચંદ્રમા કેવો સોહામણો લાગે છે ? એનું અજવાળું જાણે કે ધરતી પર અમૃત વરસાવી રહ્યું છે. મને એ તો બતાવો કે ચંદ્રમા જેવી ઉજ્જ્વળ કીર્તિવાળું આ ધરતી પર બીજું કોણ છે ?’
પિતા પ્રેમાળ અવાજે બોલ્યા :
‘આપણા આંગણે જ છે. આપણો દીકરો ચંદ્રમા કરતાંયે વધુ એના જ્ઞાનનો પ્રકાશ પાથરી રહ્યો છે. ચંદ્રમાના પ્રકાશમાં સુગંધ નથી જ્યારે તારા દીકરાના ગુણોની સુગંધથી સંસાર મહેંકી રહ્યો છે. એની વ્યવહારકુશળતાની મીઠાશ સૌને કેવો સંતોષ આપે છે ! એની કીર્તિ સામે ચંદ્રમાનો પ્રકાશ પણ મને ઝાંખો લાગે છે. ધન્ય છે તારી કૂખને. આવું પુત્રરત્ન આપીને તેં તો આપણા બ્રાહ્મણ કુળને ઊજળું કર્યું છે.’
બ્રાહ્મણનો દીકરો પિતાના મુખે પોતાની પ્રશંસા સાંભળી હેબતાઈ ગયો. તે મનોમન પોતાની જાતને ધિક્કારવા લાગ્યો. ધૂળ પડી આ જીવનમાં, એમ કહેતો શરમિંદો બનીને મેડીએથી હેઠે ઊતર્યો, પણ ભાઈ આખી રાત એને નિંદર નો આવી.
બીજે દિવસે સવારે સ્નાન સંધ્યા પતાવીને એ પિતાજીની પાસે આવ્યો અને બે હાથ જોડીને બોલ્યો :
‘પિતાજી ! મારે આપને એક વાત પૂછવી છે.’
‘કહે, બેટા ! શું વાત છે ?’
‘પિતાજી ! કોઈ કુપુત્ર એના બાપને મારી નાખવાનો સંકલ્પ કરે, પણ વિચાર બદલાઈ જતાં એને મારે નહીં તો એનું શું પ્રાયશ્ચિત્ત હોઈ શકે?’
‘શાસ્ત્રોમાં એના માટે બે જ પ્રાયશ્ચિત્ત લખ્યાં છે. એક તો એ કે એણે કોઈ સૂકા પીપળાના વૃક્ષ પર ચડીને નીચેથી આગ ચાંપીને બળી મરવું જોઈએ. બીજું પ્રાયશ્ચિત્ત કોઈ જાતવાન બ્રાહ્મણને ત્યાં બાર વર્ષ સુધી રહીને એની ગાયો ચરાવીને બ્રાહ્મણની તન, મન, ધનથી સેવા કરવી.’
બ્રાહ્મણનો દીકરો પિતાને પ્રાયશ્ચિત્ત પૂછીને પોતાની પત્ની પાસે આવ્યો ને કહેવા લાગ્યો :
‘હું બાર વર્ષ સુધી પ્રાયશ્ચિત્ત કરવા માટે પરદેશ જાઉં છું. મારે ખરચ માટે બાર હજાર રૂપિયાની જરૂર છે. હું તને એક સુભાષિત લખી આપું છું. તું ગામના નગરશેઠને ત્યાં એને ગીરવી મૂકીને પૈસા લઈ આવ.’
બ્રાહ્મણની પત્ની સુભાષિતનું કાગળિયું લઈને નગરશેઠ પાસે ગઈ. બ્રાહ્મણની આબરૂ તો મોટી હતી જ. શેઠે તુરત જ એને બાર હજાર રૂપિયા ગણી દીધા. બ્રાહ્મણી રૂપિયા લઈને ઘેર આવી. શેઠે કાગળિયું ખોલીને વાંચ્યું તો અંદર લખ્યું હતું.
‘ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર.’
નગરશેઠે તો આ કાગળિયું પોતાના સૂવાના ઓરડાના પલંગ માથે પડેલી તિજોરી પર ચોંટાડી દીધું.
બ્રાહ્મણનો દીકરો બાર હજાર રૂપિયામાંથી છ હજાર રૂપિયા પિતાના હાથમાં મૂકીને બોલ્યો :
‘પિતાજી ! હું પ્રાયશ્ચિત કરવા માટે બાર વર્ષ વનમાં જાઉં છું. આ પૈસામાંથી તમે ઘર ચલાવજો.’
એમ કહીને બ્રાહ્મણપુત્ર ઘર છોડીને ચાલી નીકળ્યો. ચાલતો ચાલતો એ ગંગાકિનારે ગયો. ત્યાં એક તપસ્વી બ્રાહ્મણ મળી ગયા. આ બ્રાહ્મણ તો એમની પાસે રહીને ગાયો ચરાવવા લાગ્યો. આમ રાતદિવસ એ તપસ્વીની સેવા કરવા લાગ્યો.
જે દિવસે બ્રાહ્મણ વનમાં જવા નીકળ્યો તે દિવસે શ્રાવસ્તીનગરીના નગરશેઠ પણ વેપારધંધા માટે દરિયાપારના દેશમાં ગયા. એ સમયે શેઠાણીના પેટમાં છ મહિનાનો ગર્ભ ઊછરતો હતો. પરદેશમાં ગયેલા શેઠનો ધંધો બરાબર જામી ગયો. આજકાલ કરતાં એ વાતને માથે થઈને બાર બાર વર્ષ વહી ગયાં.
આ તરફ નગરશેઠનો દીકરો બાર વર્ષનો થયો. એકનો એક લાડકો અને શ્રીમંત ઘરનો દીકરો એને ખાવાપીવામાં શી ખામી હોય ! બારમા વર્ષે તો એ સોળ વરસનો રાજકુમાર હોય એવો દેખાવા લાગ્યો. એક દિવસે રાતના દીકરાનું માથું સખત દુ:ખવા આવ્યું. શેઠાણી એનું માથું દાબતાં દાબતાં સૂઈ ગયાં. હવે બનવાકાળ તે શેઠ એ જ રાતે નગરમાં પાછા ફર્યા. દરવાને હવેલીનો દરવાજો ઉઘાડ્યો.. શેઠ તો સૂવાના ઓરડામાં જઈને ઊભા રહ્યા. મજરો મજરો દીવડો બળતો હતો. શેઠાણી કોઈ જુવાન પુરુષ સાથે સૂતાં હતાં. આ દૃશ્ય જોઈને શેઠનાં રૂંવાડાં બણણાટ દેતાં બેઠાં થઈ ગયાં. એમણે ખીંટીએ ટીંગાતી તરવાર હાથમાં લીધી. ઘા કરે એટલી જ વાર છે. એવામાં શેઠની નજર તિજોરી પર લગાડેલા કાગળિયા પર પડી :
‘ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર.’
આ વાંચીને શેઠે તરવાર મ્યાન કરીને પાછી ખીંટીએ લટકાડી દીધી. શેઠને થયું કે વિદ્વાન બ્રાહ્મણની વાત ખોટી નહીં હોય. કોઈ કામ ઉતાવળમાં બહાવરા બનીને ન કરવું જોઈએ. ઉતાવળે આંબા પાકે નહીં. ધીરજથી કામ લેવું જોઈએ. ડાહ્યા માણસની આ રીત છે.
આ પછી તો શેઠેશેઠાણીને જગાડીને પૂછ્યું : ‘આ કોણ સૂતું છે?’
‘સ્વામીનાથ ! આપનો દીકરો છે. તમે પરદેશ ગયા પછી જન્મયો એ આપણો જંતી. રાતે એનું માથું દુ:ખતું હતું એટલે મેં એને મારી પાસે સૂવરાવ્યો હતો.’
પછી શેઠાણીએ હરખભેર દીકરાને ઉઠાડ્યો ને કહ્યું : ‘જો બેટા તારા બાપુ આવ્યા.’
જંતીએ ઊભા થઈને પિતાના ચરણનો સ્પર્શ કર્યો ત્યાં તો શેઠે એને છાતી સરસો ચાંપ્યો. શેઠના અંતરમાં આજ આનંદ માતો નથી.
શેઠે વિચાર્યું કે વિદ્વાન બ્રાહ્મણના સુભાષિતે મને કેવડા મોટા અનર્થમાંથી ઉગારી લીધો ? હું વગર વિચાર્યે મારા કુટુંબનો સર્વનાશ કરવા માટે તૈયાર થઈ ગયો હતો. શેઠે મનોમન ઈશ્વરનો પાડ માન્યો ને બ્રાહ્મણને ધન્યવાદ આપ્યા.
હવે આ તરફ બાર વર્ષ પૂરાં થતાં બ્રાહ્મણનો દીકરો પ્રાયશ્ચિત્ત કરીને પાછો આવ્યો. રસ્તામાંથી ખૂબ રૂપિયા કમાઈ લાવ્યો હતો. એણે આવીને પોતાની સ્ત્રીને કહ્યું :
‘તું નગરશેઠને ત્યાં જઈને એમના રૂપિયા વ્યાજ સાથે ચૂકવી દે અને આપણું સુભાષિત ગીરો મૂકયું છે તે છોડાવી લાવ્ય.’
બ્રાહ્મણની પત્ની રૂપિયા લઈને નગરશેઠને ત્યાં જઈને કહેવા લાગી :
‘શેઠજી ! તમારા રૂપિયાનો હિસાબ કરીને વ્યાજ સાથે ગણી લો અને મારું સુભાષિત તમારે ત્યાં પડ્યું છે ઈ છૂટું કરી આલો.’
ત્યારે શેઠ એટલું જ બોલ્યા.
‘વહુદીકરી ! મને મારા મૂળ રૂપિયા કરતાં અનેકગણા રૂપિયા મળી ગયા છે. આ રૂપિયા તું પાછા લઈ જા. તમે ખાવ, પીઓ, વાપરો ને લીલાલહેર કરો… હાં પણ એક વિનંતી છે. પેલું સુભાષિતનું કાગળિયું હવે મારી પાસે રહેશે. એને માટે જોઈએ તો એક લાખ રૂપિયા ઉપરથી લઈ જાવ.’
બ્રાહ્મણની પત્ની શેઠની વાત સાંભળવા ઘડીભર પણ ત્યાં ન રોકાઈ. એ તો સડડાટ કરતી ઘેર આવી. શેઠે મુનીમજી મારફતે રૂપિયાનો થાળ ભરીને બ્રાહ્મણને ઘેર મોકલી આપ્યો. બ્રાહ્મણ પોતાનાં માતાપિતાની સેવા કરીને આનંદથી રહેવા લાગ્યો. નગરશેઠે પોતાની હવેલીના દ્વાર પણ સુવર્ણ અક્ષરે કોતરાવ્યું :
‘ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર.’
Source : Book Name : lokjivanni kahevat katho (Story No.-43)
ગજર – પહોર પહોરને કે કલાક કલાકને અંતરે વગાડવામાં આવતા સમયસૂચક ટકોરા. (૨) ચોઘડિયાં વગાડવામાં આવે છે એ
સુભાષિત – સારી રીતે કહેલું, સુકથિત. (૨) સારું બોધપ્રદ વાક્ય
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.