‘જવાનીનું મોતી શોધી રહી છું.’
એક વૃદ્ધ ડોસીમા કે જેમની કેડ વળી ગઈ હતી તેઓ નીચી ડોકી કરી લાકડીને ટેકે ટેકે ધીરે ધીરે ચાલી રહ્યાં હતાં. સામેથી એક જુવાન આવતો દેખાયો. તેણે મશ્કરીમાં જ ડોસીમાને પૂછ્યું : ‘માજી ! શું શોધી રહ્યાં છો?’
ડોસીએ કહ્યું : ‘દીકરા ! હું જવાનીનું મોતી શોધી રહી છું. તેં જોયું છે?
આ જવાની–યુવાની–યૌવનનો તોર કોઈ અજબનો જ છે. એ જાય છે એટલે માનવીની સૂરત જ બદલાઈ જાય છે એનામાં દૈવત રહેતું નથી. એની કિંમત કોડીની થઈ જાય છે.
જુવાની મસ્તાની છે. યૌવન માનવીનો સીનો ફેરવી દે છે. સાચું જ કહ્યું છે – ‘ગધ્ધે ભી જવાની મેં ભલે માલુમ હોતે હૈ.’ ગધેડાઓ પણ તરૂણ અવસ્થામાં સુંદર માલમ પડે છે. પ્રાપ્તે તુ ષોડશે વર્ષે ગર્દભી અપ્સરા ભવેત્ – ‘સોળ વર્ષની ગધેડી પણ અપ્સરા જેવી રૂપાળી લાગે છે.’
રંડીકા જોબન રકાબીમેં
એક કહેવત જાણવા જેવી છે. આ કહેવત લખનૌ બાજુની છે. કહેવત છે કે ‘રંડીકા જોબન રકાબીમેં‘ સારી ચીજ વસ્તુઓ ખાવાથી વેશ્યાનું યૌવન જળવાય છે. જેની પાસેથી માલ મળે છે તેનાથી તે ખુશ રહે છે. ‘રકાબી‘ એ નામનું એક ચલણ છે. લખનૌમાં પહેલાં એ પ્રચલિત હતું.
જુવાની હોય છે ત્યારે સૌ કોઈ ભાવ પૂછે છે. પણ એ જતાં જ લોકો મુખ ફેરવી દે છે. –
જોબન થા જબ રૂપ થા,
જોવત થે સબ કોઈ,
જોબન રૂપ ગવાઈ કે,
બાત ન પૂછે કોઈ.
માણસ પાસે જ્યારે રૂપ હોય, તાકાત હોય અને જર હોય ત્યારે તેને સૌ ચ્હાય છે. પણ જ્યારે તે પૈકીનું તમામ ખલાસ થાય છે ત્યારે તેને કોઈ બોલાવતું નથી.
જુવાની કેવી છે? એને ગાંડી ઉન્મત્ત નદીના પૂર જેવી–માતેલા હાથી જેવી–અલમસ્ત ગોધા જેવી ગણવામાં આવી છે. એ દિવાની છે. કારણ આ અવસ્થામાં માણસને સારા નરસાનું જ્ઞાન થતું નથી. એ કઈ ને કંઈ ભૂલ અવશ્ય કરી બેસે છે. જવાનીમાં મનુષ્ય પાગલ બની જાય છે. કહેતી છે – ‘જવાની ઔર ઉસ પર શરાબ દુની આગ લગતી હૈ. આવી જવાની છે.
જો જાકે ન આયે વો જવાની દેખી,
જો આકે ન જાય વો બુઢાપા દેખા.
ડિઝરાયલીએ કહ્યું છે – યૌવન એક ભૂલ છે – જવાની સંઘર્ષ છે અને વૃદ્ધાવસ્થા એ પશ્ચાતાપ છે. જિંદગી જેમ ચાલી જાય છે. દૌલત જેમ વહી જાય છે એ મુજબ જ જવાનીને પણ જતાં વાર લાગતી નથી. જવાનીકી રેલી ચલી જાતી હૈ….પાણીના રેલાની જેમ…..
સાચું જ કહ્યું છે – નદીના પૂર, વૃક્ષોના ફૂલ અને ચન્દ્રમાની કલાઓ નષ્ટ થતાં – ચાલી જતાં પુન: આવે છે પણ દેહધારિઓની જવાની નહિ. ગઈ જવાની ફિર નહિ લૌટે, લાખ મલીદા ખાય…..
રહતી હૈ કબ બહારે જવાની તમામ ઉમ્ર
માનિન્દ બૂયે ગુલ ઈધર આઈ ઉધર ગઈ.
જુવાની દિવાની છે – જુવાની ચાર દિવસનું ચટકું છે. જુવાની જાળવી તેનો મનખો સુધર્યો. આ અંગેની એક વધુ કહેવત જાણવા જેવી છે. ‘જુવાનીનું રળ્યું ને પાછલી રાતનું દળ્યું.’ આ ઠેઠ સુધી પહોંચે જુવાનીમાં જોર હોય છે. આ જોર ધાર્યું મેળવી અપાવે છે. એટલે જે જોઈતું હોય તે તેજ સમયે મેળવી લ્યો – સમય ગુમાવશો તો તે પામી શક્શો નહિ.
અજબનો છે જુવાનીનો ભાર!
બે સખીઓ વચ્ચે રસિક વાર્તાલાપ ચાલી રહ્યો છે. એક સખીએ પ્રશ્ન છેડ્યો–
જોબન જતાં ત્રણ ગયાં, કહો
સખી તે કીયાં?
બીજી સખી ચતુર હતી. તેણે તરત જ કહ્યું –
કાજળ, કંચુકી ને કાંસકી, એ અંગથી દૂર થયાં,
અને આ પણ સાચું જ છે.
જોબન જાતાં પાંચ ગયાં,
કુંકમ કાજલ ને હાર,
ગયા વલિ દોઉ જણા, ઝાંઝર ને ઝમકાર,
સોળ વર્ષની કન્યાનો ઝાંઝરનો ઝમકાર કોઈ ઔર જ હોય છે. એના હાથની બંગડીઓનો નાદ તેની યુવાનીના આગમનની જાણ કરતી જ રહે છે. યુવતી કે યુવાન જ્યારે ચાલે છે ત્યારે પૃથ્વી પણ ધમધમ થાય છે. આવો છે જુવાનીનો ભાર.
પણ એ જુવાની કેવી છે, કાચના કૃપ્પા જેવી. દેહનું પણ આવું જ સમજવાનું કાચના વાસણની પેઠે જો તે ન સચવાય તો જોતજોતામાં નાશ પામે એવું એ છે.
જવાનીના જોરમાં માતો,
હીંડે છે રંગમાં રાતો
કાયા તારી કાચનો કુપ્પો
હીંડે ત્યારે દેશનો સુબો.
જુવાની પાણીના પરપોટો જેવી છે. એને ચાલી જતાં વાર લાગતી નથી.
પરપોટો જેમ પાણીનો
કાચ કળશવત કાય,
વાર ન લાગે વણસતાં,
જે જોયું તે જાય.
ઘડપણ એ વસમી વાટ છે,
જે જન્મ્યું છે તે જવાનું જ છે. વાર્તા સાચી છે. આજે જે છે તે કાલે નથી જ.
સદા ન જોબન સ્થિર રહે,
સદા ન લક્ષ્મી નેહ;
જોબન ચલ સંસાર ચલ
ચલ વૈભવ ચલ દેહ
બધું જ જવાનું છે. પણ જો જીવવાનું હોય તો હે પ્રભુ ! કોઈને વૃદ્ધાવસ્થા આપતો નહિ. કારણ, ‘ઘડપણ એ વસમી વાટ છે.’ કે જેને જુવાનીમાં જાણી નહોતી.
માણસ વૃદ્ધ થાય છે તો પણ તૃષ્ણા તેને છોડતી નથી એને વધુ જીવવાનો મોહ થાય છે. શંકરાચાર્યજીએ ‘મોહમુદગર‘માં કહ્યું છે.
અંગં ગલિતં પલિતં મુંડં,
દંતવિહીનં જાતં તુણ્ડમ,
કરધૃતકમ્પિત શોભિત દણ્ડમ
તદ્યપિ ન મુંય ત્યા શા પિડમ્ !
અંગ શિથિલ થઈ ગયા છે. વૃદ્ધાવસ્થા આવી ગઈ છે. મુખમાં દાંત નથી. હાથમાં લાકડી લીધી છે. શરીર કંપી રહ્યું છે તોપણ મનુષ્ય આશારૂપી પાત્રને ત્યજતો નથી.
ક્યાંથી ત્યજે? જુવાનીના જાદુની અસરે તે સૂધબૂધ ભૂલી ગયો છે. ભવિષ્યનો તેને કંઈ જ વિચાર પણ આવતો નથી. ફિરાક ગોરખપુરીએ કહ્યું છે
રાતભી, નિંદભી, કહાની ભી,
હાય ક્યા ચીજ હૈ જવાની ભી,
કવિ મેઘાણીજીએ ગાયું છે ‘જોબનિયું આજ આવ્યું ને કાલ જાશે. જોબનિયું કાલ જાતું રે‘શે.’
ગયેલા જોબનિયાને પાછું મેળવવાની ઇચ્છા દરેકને હોય તેથી એક શાયરે આ ઇચ્છાને વાચા આપી છે
બડે લુત્ફ સે દિન ગુજર જાતે યહ ભી,
બુઢાપે મેં હમકો જવાની જા મિલતી;
‘રિયાજ‘ અબ કહાં વહ જવાનીકા આલમ,
ગલે સે લગાતે જવાની જો મિલતી…
બુઢાપાને નીંદવામાં આવ્યો છે. એક શાયરે તો એટલે સુધી કહ્યું છે કે હે ખુદા ! જે આશક છે – તેને તો તું બુઢાપો બતાવતો જ નહિ. પ્રેમીને તો તું સદા જુવાન જ રાખજે.
સબ ચીજકો હોતા હૈ,
બુરા હાય બુઢાપા;
આશિક કો તો
અલ્લાહ ન દિખલાય બુઢાપા.
કેડ – waist; footpath; narrow track or path; end; pursuing, pursuit; persecution. back; rear; hip; lumbar; help; backing; strength; power of endurance.
ઉન્મત્ત – intoxicated; drunk; crazy, mad; arrogant, haughty; impudent.
અજબ – astonishing; wonderful.
તૃષ્ણા – thirst (for water); desire.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.