મુંઝવણમાં માર્ગદર્શન કરાવતી કહેવતો
આપણી કેટલીક કહેવતોમાં બોધ છે. નક્કર હકીકત અને માર્ગદર્શન છે. અનુભવનો નીચોડ છે. ઘણી વાત એવી હોય છે કે જે આપણે જાણીએ છીએ. સમજીએ છીએ પણ તે આપણા ધ્યાનમાં ઝટ આવી જતી નથી. આવી વાતોને કહેવત સ્પષ્ટ રીતે આપણી સમક્ષ તેને રજુ કરી દે છે. કહેવતોમાં પ્રશ્નને ઉકેલવાનો મુંઝવણોમાં માર્ગદર્શન મેળવવાનો ઉપાય પણ રહેલો છે.
એક સાધારણ વાત લઈએ. કાચા સુતરનો એક તાંતણો ઝટ તૂટી જાય છે. એના બે આંટા માર્યા હોય તો તે પણ તૂટી જાય છે. ચાર–પાંચ આંટા માર્યા હોય તો જરા વધુ જોર કરવું પડે છે. પરંતુ ઘણાં તાંતણા જો કર્યા હોય તો તે તૂટે છે ખરા? ના–એ, એ, મજબૂત બની જાય છે. આ નાની વાતને કહેવતે બહુ જ ટૂંકમાં કહી બતાવી છે.
‘બહુ તાંતણે બળીઉ.’ બહુ તાંતણા બળવંત.’
આજ પ્રકારે બીજી એક કહેવત લઈએ એક મરેલા સર્પને કોઈ એક કીડી ખેંચી જ ન શકે. પણ જો ઘણી કીડીઓ ભેગી થઈ હોય તો તે જરૂર એ સાપને ખેંચીને લઈ જઈ શકે છે. આપણી કહેવતે આ પણ ટૂંકમાં જ કહ્યું છે ‘ઘણી કીડીઓ સાપને તાણી જાય.’
મોર એક પીંછાથી રળિયામણો હોતો જ નથી વધુ પીંછા હોય તો જ તે શોભી ઉઠે છે.
એકલું ઝાડ નિર્જન સ્થાનમાં હોય તો તે હવામાં વંટોળમાં ઊડી જ જવાનું પણ ઝાડોના ઝુંડ હોય તો તે વાવંટોળમાં ટકી રહે છે. ‘ઝાડ ટકે છે ઝુંડમાં, એકલ ઉડી જાય.’
વરરાજા એકલો પરણવા જાય તો તેમાં શોભા–ઠાઠ ક્યાંથી જણાય? સાજન હોય તો જ શોભી ઉઠે છે. ‘વિવાહની શોભા સાજનથી.’
‘બહુ તાંતણે બળવંત‘ કહેવતમાં જે દૃષ્ટાંત દાખલો કહેવામાં આવ્યો છે તે જોઈએ–
વ્યાપારીએ સુતરના તાંતણાથી ચોરને કેવી રીતે પકડાવી દીધો?
એક વ્યાપારીના ઘરમાં રાત્રે ચોર ભરાયો. વ્યાપારી અને તેને સ્ત્રી બન્ને સૂતા હતા એવામાં જરા ખખડાટ થયો. વ્યાપારીએ ખુંખારો કર્યો અને “કોણ છે?” એમ બૂમ મારી.
આ બૂમથી ચોર ધમકી ગયો તે છૂપાઈ જવા માટે એક થાંભલાને ઓથે ઊભો રહ્યો.
વ્યાપારી આ જોઈ ગયો. તો પણ જાણે કંઈ જાણતો જ નથી એમ કરી તેણે પોતાની સ્ત્રીને જગાડી અને કહ્યું.
‘સાંભળ્યું કે?’
‘શું કહો છો?’
‘કાલે સુતરના ભાવ વધવાના છે. આજે મનસુખો મળ્યો હતો. તેણે આ વાત કરી છે. માટે જેટલું સુતર હોય એટલું ઘરમાંથી કાઢ.’
ચોરે જાણ્યું કે વ્યાપારીએ મને જોયો નથી અને ખાલી વાતો જ કરે છે. એટલે તે તો ચૂપચાપ ઊભો જ રહ્યો.
સ્ત્રીએ ઉઠીને સુતર કાઢ્યું. વ્યાપારીએ આંટીઓ ઉપર આંટીઓ દઈ થાંભલાને તે વીંટવા માંડ્યું. સાથે સાથે એ બોલતો પણ જાય‘ ‘બહુ તાંતણા બળવંત.’
ચોર પોતાની ગતમાં હતો. સુતર કાચું છે. ઘડીના છઠ્ઠા ભાગમાં હું તેને તોડી શકીશ. છોને એ વીંટાળે !
વ્યાપારીએ જેટલું હતું તેટલું બધું જ સુતર થાંભલે વીંટાળી દીધું. એનાથી ચોર હાથ ને છાતી સાથે થાંભલાએ પૂરેપીરો જકડાઈ ગયો.
વ્યાપારીએ હવે બૂમો પાડી – ‘ચોર ! ચોર !’ તેની બૂમો સાંભળી પાડપાડોશીઓ દોડી આવ્યા. સિપાઈઓ પણ આવ્યા અને સુતરના તાંતણાએ જ સ્વરાજ્ય અપાવ્યું હતું તે વાત પણ જાણીતી જ છે.
સંપ ત્યાં જ જંપ છે
‘જ્યાં સંપ છે ત્યાં જ જંપ છે.’ આ કહેવત પણ સચોટ છે. એક પિતાને પાંચ પુત્રો હતા. ક્યારેક તેઓ સંપથી રહેતા તો ક્યારેક તેમની વચ્ચે કલહવિગ્રહ પણ થઈ જતો. પિતા આ વાત જાણતા હતા. એટલે તે વાત જ તેમની ચિન્તા બની હતી.
પિતા મરણશય્યા પર પડ્યા. તેમને હવે લાગ્યું કે મારે એક વાત પુત્રોને બરાબર સમજાવી દેવી જોઈએ. તેમણે પાંચે પુત્રોને ભેગા કર્યા અને પછી તેમને કહ્યું, ‘એક પાતળી લાકડી લાવો.’
છોકરાઓ તરત જ એક પાતળી લાકડી લઈને આવ્યા.
પિતાએ કહ્યું – ‘એને તોડી નાખો.’
છોકરાઓએ એ લાકડીને તરત જ તોડી નાખી.
પિતાએ કહ્યું, ‘હવે એક મોટું લાકડું લાવો.
છોકરાઓ તરત જ એક મોટું ઉંચકીને લઈ આવ્યા. પિતાએ તેમને કહ્યું, ‘આ લાકડાને તોડી નાખો.’
છોકરાઓ એકબીજાની સામે જોઈ રહ્યા. એકે પિતાને કહ્યું, ‘પિતાજી? આ લાકડું તો મોટું અને જાડું છે. તે કંઈ તૂટે ખરૂં?
પિતાએ હવે કહ્યું, ‘દીકરાઓ, પાતળી લાકડીને તો તમે ઝટ તોડી શક્યા પણ આ જાડું લાકડું મજબૂત હોવાને લઈને તે તૂટી શકે તેમ નથી. આજ પ્રકારે તમે જો પાંચે ભાઈઓ સલાહ અને સંપથી રહેશો તો તમે સુખમાં અને ચેનથી રહી શકશો. કોઈ તમને હેરાન કે નુકસાન પણ કરી શકશે નહિ. પણ જો છૂટા થઈ ગયા, તમારી વચ્ચે કુસંપ થઈ ગયો તો તમે બધાં જ પાયમાલ થઈ જવાના. મારી વાત સમજી ગયાને?
પુત્રો આ વાત સમજી ગયા. તેમણે પિતાને ખાતરી આપી. ‘અમે સુલેહસંપથી જ રહીશું. આપે ચિન્તા કરવાની જરૂર નથી…..’ અને પિતાનો આત્મા શાંતિ પામ્યો.
આ છે ‘સંપ ત્યાં જંપ‘ની દૃષ્ટાંત વાર્તા.
Source : Book Name : shri bruhad kahveat katha sagar (Story No.-99)
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.