અકરમીજા ખાટલા વીયાજેં
અકરમી–અભાગીયો–કમનસીબ માનવી આ સંસારમાં જેટલો પીડાયો છે દુ:ખી બન્યો છે–નીંદાયો છે, તેટલો કોઈ જ વગોવાયો નથી. કોઈ દુ:ખ પામ્યો નથી. દરેક ભાષાની કહેવતોમાં પણ આ અભાગ્યા અકર્મી માનવીને માટેની કહેવતો મળી આવે છે. સંત તુલસીદાસે પણ કહ્યું છે કે–
જહં જહં સંત મઠા કો જાએ
તહં તહં ભૈસ પડા હોઉં મર જાએ
કમબખ્તની નિશાની તો જુઓ–તરસ્યો માનવી કૂવો જોઈ પાણી પીવા માટે દોડ્યો, તો કૂવામાં પાણી જ ન મળે.
અકર્મી–કમભાગી માટે આપણી એક જોરદાર કહેવત છે. એ છે ‘અકરમીનો દડિયો કાણો‘ જો કોઈ કમભાગી ન્યાતમાં જમવા બેસે તો એના ભાગ્યમાં જ કાણો દડિયો (પડિયો) આવે. આ અકરમીને જો દૂધ મળે તો એ પી જાય ખરો? ના….ના. બિલાડી જ પી જાય. કચ્છી ભાષામાં આ અંગેની એક સશક્ત કહેવત છે ‘અકરમીજા ખાટલા વીયાજેં.’ તાત્પર્ય એ કે અભાગી મનુષ્યના નસીબમાં પરિવાર મોટો હોય છે ત્યારે ધર્મી–નીતિવાન સંતતિ માટે તલસતો હોય છે.
નસીબનો જે વાંકો હોય તે બધી રીતે જ વાંકો હોય છે.
કરસનકાકા એક વખત ન્યાતમાં જમવા ગયા. જ્યાં ન્યાત હતી તે ગામ જરા દૂર હતું. કરસનકાકા તો ઉપડ્યા હતા સમયસર, પણ તેમને માર્ગમાં અનેક વિઘ્નો આવ્યા. અંતે જ્યારે તેઓ ગામમાં પહોંચ્યા ત્યારે તેમણે શું જોયું? ન્યાત ઊઠી ગઈ હતી અને એ સ્થાને એઠી પતવાડીઓ પર કાગડા–કૂતરા બિલાડા ફરી રહ્યા હતા.
કરસનકાકા ઘેર આવ્યા અને જે ટાઢો રોટલો હતો તે ખાઈ પાણી પી લીધું.
કોઈક આ જોઈ ગયું હશે, તેણે કરસનકાકાને ટકોર કરી કહ્યું–
કરમ વગરના કરહણીઆ,
જાને જવા ક્યાંથી?
કરમમાં લખ્યાં ભાખરા
તો લાડુ ખાવા ક્યાંથી?
અકરમીનો હાથ જ્યાં પડે ત્યાં પથરા ને પથરા જ મળે.
કાર્યમાં ઉદ્યમમાં પણ નસીબ, ભાગ્ય કર્મ તો જોઈએ જ. ખેતી સૌ કોઈ કરે છે કર્મી હોય તો એનો પાક મબલખ ઊતરે છે પણ જો કોઈ અભાગીયો ખેતરે જાય તો શું થાય છે? બિહારી ભાષાએ આ સુંદર અસરકારક રીતે એક કહેવતમાં કહ્યું છે.
કરમહીન ખેતી કરે, બૈલ મરે સૂખા પડે.
ભાગ્યહીન વ્યક્તિ ખેતી કરવા જાય તો તેમાં બળદ જ મરી જાય છે. બળદ જો ન મરે તો તે વર્ષે દુકાળ જ પડે છે.
ઉદ્યમ કરતાં કર્મીને રત્નો મળે છે, હીરાઓ મળે છે, પણ અકર્મી જ્યાં હાથ નાખે છે ત્યાં પથરા ને પથરા જ પામે છે. ઉદ્યમ સર્વ આદરે, પામે કર્મ પ્રમાણ કર્મીને હીરા જડે, અકર્મીને પાણ,
આજ ઉદ્યમને એક હિંદી કવિએ ભાગ્ય સાથે જોડી કહ્યું છે
હુન્નર કરો હજાર, ભાગ્યબીન મળે ન કોડી.
ગમે એટલા પ્રયત્નો કરો, ઉદ્યમો કરો પણ નસીબમાં હશે તો જ તમને યશ મળશે.
અકરમીના દીકરો સુવાવડે પણ મોંઘો
અકર્મી જો પ્રયત્ન કરવા જાય તો–
અગર કુંદન ઉઠાતા હય,
તો મિટ્ટી હાથ આતી હય,
કભી રસ્સીકો છુતા હય,
તો વો ભી કાટ ખાતી હય.
કમનસીબ માણસ જુએ છે કે આ સોનું છે લાવ હું તેને લઈ લઉ. અને જ્યારે તે લેવા જાય છે ત્યારે તેના હાથમાં માટી જ આવે છે. એ દોરી પકડવા જાય છે તો તે દોરી સાપ થઈને તેને કરડી ખાય છે.
અભાગીઓ માનવી સાગર ગયો. સાગર તો રત્નોની ખાણ છે. પ્રયત્ન કરતાં હીરા–રત્ન મોતી તો જરૂર મળે. પણ નસીબ જોઈએ જ. કહેવતે આ સુંદર રીતે કહ્યું છે.
કરમહીન સાગર ગયે, જહાં રતન કા ઢેર,
કર છૂઅત ઘોઘા ભયે, યહી કરમ કા ફેર.
કોઈ ભાગ્ય વિહોણો સમુદ્રની પાસે ગયો. રત્નોનો ઢગલો પડ્યો હતો પણ તે જ્યાં અડકવા જાય છે ત્યાં જ રત્ન ઘોંઘા બની ગયા. એટલે કે રત્ન જળના કીડામાં પલટાઈ ગયા.
આપણી ગુજરાતી કહેવતોએ અકરમીઓ પર સારો વ્યંગ કટાક્ષ કર્યો છે. કહે છે–
અકરમી દીકરો સુવાવડે પણ મોંઘો.
અકરમીની મા મરે, ને સત્કમીની સાસુ મરે.
અકરમીને વળી બુ ઘણી
નસીબના બળિયા, પકાવી ખીચડી ને થઈ ગયા ઠળિયા,
નસીબ વારે નસીબ વા, ક્યાં ઊઠીને જાય;
નાકેથી ઉઠી વચમાં બેઠો, ત્યાં પણ લૂખું ખાય.
અકરમી ધણી બૈયર પર શૂરો
દરેકમાં કર્મ તો જોઈએ જ. કર્મ નસીબ હોય તો સર્વ દાવ સવળા પડે. અકરમી જ્યાં જાય ત્યાં નાશની નોબત જ ગગડાવે છે સૌ અમનચમન કરે, ખીર પુરી ખાય પણ અકર્મી જો આવા સ્થળે જાય તો તેની ખીર પણ ઢોળાઈ જાય છે.
એક બિહારી કહેવતે કહ્યું છે.
કરમે ખેતી, કરમે નાર,
કરમે મિલે હિત દુઈ ચાર.
એટલે કે ભાગ્યમાં જો હોય તો ખેતરમાં પાક સારો થાય છે ભાગ્ય જો સવળુ હોય તો સ્ત્રી પણ સારી મળે છે અને નસીબમાં હોય તો જ સારા હિત ધરાવનારા મિત્રો–સોબતીઓ મળે છે.
સંસ્કૃતમાં પણ આવા આશયની એક ઉક્તિ છે
પૂર્વ જન્માર્જિતા વિદ્યા
પૂર્વ જન્માર્જિત ધનમ્,
પૂર્વ જન્માર્જિતા નારી
અગ્રે ધાવતિ ધાવત:
પૂર્વ જન્મના કર્મ સંયમથી જ આ બધું પ્રાપ્ત થાય છે.
કુબેરની નગરીને લુંટવામાં આવે તો પણ અકરમીના હાથમાં કંઈ જ આવતું નથી. એ ખાલી હાથે જ પાછો આવશે.
આપણા ઘર સંસારમાં પણ અકર્મીને છોડવામાં આવ્યો નથી. અકરમીનું જોર ક્યાં? તો કહે બૈરી પર. એટલે જ કહેવતે કહ્યું છે કે અકર્મી ધણી બૈયર પર શૂરો.
જે કમભાગી હોય છે તે–હોવા છતાં પણ કંઈ પામી શકતો નથી. કમભાગી માનવીનું નસીબ પણ વાંકું જ રહે છે.
એક સ્થળે કોઈ એક શેઠ તરફથી દૂધ મફત મળતું હતું. એક ભૂખ્યા–તરસ્યા પણ દુર્ભાગી માણસે આ વાત સાંભળી એટલે તે મફત દૂધ લેવા દોડ્યો. પણ દૂધ લેવું શેમાં તેની પાસે કોઈ સાધન નહોતું. એ વિચારતો હતો ત્યાં જ રસ્તામાં તેણે એક પડીયો પડેલો જોયો. હરખાઈને તેણે એ લઈ લીધો. એ દોડ્યો દૂધ લેવા. દૂધ લીધું ખરૂં પણ દડીયો કાણો નીકળ્યો. એટલે દૂધ બધું ઢોળાઈ ગયું. અન્તે તે ભૂખ્યો જ રહ્યો.
નસીબમાં હોય તો જ તે પામી શકે છે.
નસીબમાં હોય તો જ મળે.
આજ કહેવતને સાર્થક કરતી એક સુંદર મરાઠી કહેવત છે. કહેવત છે: “પ્રારબ્ધ હીનાલા સુવર્ણાચી મૃત્તિકા દિસતે” આ કહેવતનો અર્થ સ્પષ્ટ છે એને લગતી વાર્તા છે:-
એક માણસે પોતાના ઈષ્ટદેવની બાર વર્ષ સુધી સાધના કરી. સાધનાથી દેવ પ્રસન્ન થયા. પૂછ્યું: ‘તારે શું જોઈએ છે?’
એણે કહ્યું, ‘મારે ધન જોઈએ છે.’
પ્રભુએ કહ્યું, ‘ઠીક છે તને એ મળશે.’
‘ક્યારે? મારે તો આજે જ સૂર્યાસ્ત પહેલાં જ જોઈએ.’
‘ભલે…’
અને પ્રભુએ પોતાનું બોલ્યું પાળ્યું. તેમણે એના જવાના માર્ગ પર સોનામહોરોથી ભરેલો મોટો ચરૂ મૂકી દીધો.
પેલો ચાલવા લાગ્યો. ચાલતાં ચાલતાં તેને વિચાર આવ્યો કે, આંધળાઓ કેવી રીતે ચાલતાં હશે? આમ વિચારી તેણે પોતાની આંખો બંધ કરી અને તેણે ચાલવા માંડ્યું.
ચાલતાં ચાલતાં પ્રભુએ રસ્તામાં મૂકેલો સોનાનો ચરૂ તેના પગે અથડાયો, એ સમજ્યો કે એ પથ્થર છે. એટલે એને લાત મારી. એણે આંખો ઉઘાડીને પણ ન જોયું કે જે ચીજ પગે વાગી તે શું છે. પગની લાતથી સોનાનો ચરૂ દૂર જઈને પડ્યો. પેલો માણસ ચાલતાં ચાલતાં ઘેર આવ્યો પણ તેને મહોરો કે ધન ન મળ્યું. સાંજ પણ પસાર થઈ ગઈ.
બીજે દિવસે પ્રાત:કાળે તેણે પ્રભુને પ્રાર્થના કરતી વખતે કહ્યું, ‘ તું ધુતારો છે. ભક્તોને ઠગે છે. ખોટા વચનો આપે છે….’
પ્રભુએ કહ્યું,….વાંક તારો છે. મેં તો તારા માર્ગમાં સોનાનો ચરૂ મૂકેલો પણ તું આંધળો બન્યો અને એ ચરૂને તેં લાત મારી ફેંકી દીધો. એમાં હું શું કરું?’
નસીબમાં જો હોય તો રસ્તે પડેલું સોનું પણ સૂઝતું નથી.
Source : Book Name : shri bruhad kahveat katha sagar (Story No.-2)
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.