ગામડું ગામ ઇમાં મનુ મહારાજ કરીને બ્રાહ્મણ રહે. એક દિવસની વાત છે.
ઓરડાના ઉંબરા ઢૂકડો ચાકળો નાખીને બેઠેલા મનુ મહારાજ આગળ પીરસેલી થાળી મૂકીને જેવાં ગોરાણી રસોડા ભણી વળ્યાં એવા જ મહારાજ બોલ્યા :
‘વાહ, વાહ, વાહ વાહ! શું તારા પગની પાની છે? હાલે છે ત્યારે કંકુકેશરનાં પગલાં પડે છે. બોલે છે ત્યારે બત્રીસ પાંખડીનાં ફૂલડાં ઝરે છે. પ્રેમના બાંધ્યા ભમરા ગુંજારવ કરે છે. ભગવાને રૂપનો કૂંપો તારા માથે રેડવા માંડ્યો હશે ત્યારે બાપડાને ધ્યાન નંઈ રિયું હોય. રૂપનો આખો કૂંપો (શીશો) તારા અંગ ઉપર રેડી દીધો હશે!’
‘લ્યો હવે રાખો છાનામાના. સામું ધ્યાન રાખીને ઝટ લઈને જમવા માંડો, નંઈ તો રોટલા ઠરીને ઠીંકરું થઈ જશે. અડધા ઘૈઈડા થિયા તોય હજી પ્રેમના પાઠ જ ભણ્યા કરો છો? હવે તો છોકરમત મેલો ભૈશાબ!’
મીઠો રોષ કરતાં ગોરાણી રસોડામાં ગયાં અને રોટલા કરવા બેઠાં. ત્યાં ભાદરવા મહિનાનું ગેહલૂંબ વાદળ ગાજે એમ મનુ મહારાજ બોલ્યા :
‘એ હાંભળ્યું?’
‘કાન છે, કોડિયાં નથી. હંધુય હંભળાય છે. બહેરી નથી થઈ ગઈ. બોલો ઝટ લઈને.’
‘શું તારું કપાળ બોલે? આજ વળી પાછું રીંગણાંનું શાક વઘાર્યું?’
‘આજ ઓલ્યો કૂકલો રાવળ રૂપાળાં તાજાં રીંગણાંનો એકો ભરી લાવેલો, બકાલામાં બીજું કંઈ હતું નહીં. એટલે કૂણાં માખણ જેવાં રીંગણાં લાવી. મને થયું કે બળ્યું બઉ દિ‘થી આ શાક કર્યું નથી એટલે રઈનો વઘાર ને છાશનો છમકો દઈને શાક વઘાર્યું.’
‘કૂકલો બકાલી મારો હાળો હાવ ગામને માથે પડ્યો છે. મારો દીકરો રીંગણાં સિવાય બીજું શાક જ લાવતો નથી. ઓલ્યા અવતારમાં નક્કી ઈ દલો તરવાડી જ મૂવો હશે!’
‘…પણ શાક થિયું સે ચેવું ઈ તો કો‘, પછી કૂકલાના નામનાં ભજનિયાં ગાજો. આજ કેટલી ખંતથી શાક વઘાર્યું છે!
‘શાક સવાદિયું છે ઈ વાત સોળ આનીને ઉપર બે વાલ સાચી. પણ હાંભળ્ય, આપણે રિયાં બરામણ. આપણાથી આવી ગરમ ચીજું નો ખવાય. રીંગણાં વાયડાં છે. એનાથી માનવીનો સ્વભાવ તામસી થઈ જાય છે.’
‘ઈ તો આજ રીંગણાનું શાક કર્યું ત્યારથી જ મને વાયડું પડી જીયું સે. હવે કોઈ દિ‘ આ શાક નંઈ કરું મારા નાથ! આજનો દિ‘ દાંત કાઢીને જમી લ્યો.’ પછી થાળી ફરતી પાણીની ધારેવાળી દઈને ‘હે ભોળિયા, હે મારા નાથ! તારી જય હો. જય હો.’ કરતા મનુ મહારાજે જમવાનો ઝપાટો બોલાવ્યો.
રોટલો અને રીંગણાના શાકનું બટકું મોંમાં મૂકતાં મહારાજને ભારે સ્વાદ આવ્યો. ગોરાણીએ આજ ખંતથી રાઈ ને લસણનો વઘાર કરી, છાશનો છમકો દઈ, તજ ને તમાલપત્ર નાખી રીંગણ વઘાર્યાં હતાં. મહારાજ તો શોકનો આખો વાટકો સ્વાહા કરી ગયા, અને બોલ્યા :
‘ગોરાણી! ઓ મારાં ગોરાણી! મારી વાતનું માઠુંફરકુ તો નથી લાગ્યું ને? વાદળાં પાણી ભરેલાં હોય ન્યાં લગી જ ગરજે, પછી નિર્મળ અને શાંત થઈ જાય, હો.’
‘તે થતાં હશે. હવે તમે જમી રિયા કે નંઈ? ઝટ ઊભા થાવ નંઈ તો રીંગણાંનું બાપડાનું આવી બનશે.’
‘ગોરાણી! છાલિયામાં થોડુંક શાક લેતાં આવજો. હું બોલતાં તો બોલી જીયો પણ રીંગણાંનું શાક આજ મારું વાલું ભારે સવાદિયું થિયું સે. શાક હાર્યે આંગળાં કરડી ખવાય એવું સે.’
‘પણ મેં તો નીમ લીધું સે. જુઓ સોહરાના છેડે ગાંઠ મારી છે. આ જન્મમાં તો રીંગણાંનું શાક નંઈ નંઈ ને નંઈ જ કરું.’
‘ઈ તો બઉ રૂડું કરમ કર્યું. રીંગણ ગરમ અને વાયડાં ગણાય. ઈ ખાવાથી માનવીની પ્રકૃતિ તામસી બની જાય. બરામણથી તો ખવાય જ નંઈ, પણ આજ તેં હનર કર્યા છે તે થોડાં ખાઈ લેવી. કાલ્યથી નીમ.’
મનુ મહારાજ ગામના ગોર હતા. ગોર કરતાંયે એમની વિશેષ ખ્યાતિ તો કથાકાર તરીકે બંધાયેલી. ગામમાં કથાવાર્તા કરવી હોય કે પારાયણ બેસાડવી હોય તો લોકો મહારાજને ખંત કરીને બોલાવી જતા. મહારાજ કથાના કહેનારા ય એવા જબરા. રામાયણ કે મહાભારતનો પ્રસંગ ટાંકીને પાતળી જીભે એને લડાવે ત્યારે તો મોરબી માથે જયમ ફણિધર ડોલે ને મેહુલો હરુડતા જેમ મોરલા ગહેકે એમ શ્રોતાઓ આનંદવિભોર બની જતા.
એક દિવસની વાત છે. ભાગવતની કથા કરતાં કરતાં મનુ મહારાજે આહારશાસ્ત્ર સંબંધી વાત શરૂ કરી :
‘જેવું અન્ન એવો ઓડકાર. ખોરાકના આધારે મનુષ્યની પ્રકૃતિ બંધાય છે. ડુંગળી અને લસણ તમોગુણી ગણાય છે, આથી જૈનો અને સ્વામીનારાયણના સત્સંગીઓએ એનો ત્યાગ કર્યો છે. રીંગણાં ગરમ અને વાયડાં છે. એ તો રાક્ષસોનું ખાણું છે. એટલે તો ભગવાને રીંગણી માથે કાંટા ઉગાડ્યા છે. ધરમની આરાધના કરવાવાળા સૌએ રીંગણાને ત્યજી દેવા… જોઈએ.’
કથા પૂરી થતાં એક ઘરડાં માજી પોથી ઉપર મૂકવા માટે રીંગણાં લઈ આવેલાં. મહારાજની વાત સાંભળીને ઈ તો બાપડાં મૂંઝવણમાં મુકાઈ ગયાં. પોતાની વિસામણ દૂર કરવા મહારાજ પાસે જઈને બે હાથ જોડીને બોલ્યાં :
‘મહારાજ ! બાપા તમે હમણાં બોલ્યા કે રીંગણાં ખાવાં નંઈ. બળ્યું મને ખબર્ય જ નંઈ. આજ મારો કરશન વાડીએથી કૂણાં રીંગણાં ઉતારી લાવેલો એટલે પોથી માથે મૂકવા માટે તાજાં રીંગણાં લઈ આવી સું. મને થયું કે મનુ મહારાજે આવા તાજાં રીંગણાં કે‘ દિ‘ ભાળ્યાં હશે?’
ત્યાં તો મનુ મહારાજ હસીને બોલ્યા :
‘અરે ઝમકુ મા, તમે મૂંઝાવ છો શીદને! પોથી પર રીંગણાં મૂકવાનો કોઈ નિષેધ નથી. ભગવાનની પોથીના પર મૂકેલાં રીંગણાં ખાવામાં જરાયે વાંધો નંઈ. તમ તમારે મૂકો ભાવથી.’
મનુ મહારાજ પોથીમાંનાં રીંગણાં લઈને ઘેર આવ્યા. ખડકીમાં પગ મૂકતાં જ બોલ્યા :
‘ગોરાણી, ઓ મારાં ગોરાણી. આજ તો કથામાં બઉ રૂડાં રીંગણાં આવ્યાં છે. રીંગણાંનું શાક ખાધે બઉ દા‘ડા થઈ ગ્યા. લહણથી વઘારી, તજ તમાલપત્ર નાખી તે દિ‘ જેવું સવાદિયું શાક કર્ય.’
‘આપણે રિયા બરામણ વરણ. આપણાથી રીંગણાં ખવાય? ઘડીસાત મોર્ય તો તમે કથામાં નહોતા કહેતા કે ડુંગળી ને લહણ તમોગુણી છે. રીંગણાં ગરમ અને વાયડાં છે. ઈ તો રાક્ષસોનું ખાણું છે. પછી તમને શીનાં ભાવ થાય છે!’
ત્યાં તો ખીં ખીં ખીં દાંત કાઢતા મહારાજના મોંની ડાકલી પહોળી થઈ ગઈ. ખંધું હાસ્ય કરતા એ
બોલ્યા :
‘અરે મારી ગાંડી ગોરાણી! આટઆટલાં વરહ મારી ભેળી રહી તોય તને સાન નો આવી? આ બધા નીતિનિયમો તો લોકોને પાળવા માટે છે. આપણે ઈની હાર્યે કંઈ ના‘વા નીચોવવાનો સંબંધ નંઈ. બ્રાહ્મણે તો માત્ર ઉપદેશ જ દેવાનો. અમલ તો લોકે જ કરવાનો. લોક અને બરામણમાં કંઈ ફેર ખરો કે નંઈ? તું ચાં લગણ આવી ગાંડી રઈશ? આ આવ્યાં ઈ તો પોથીમાંનાં રીંગણાં કહેવાય. જોને ઈના માથે ભગવાને કેવી લીલી લીલી ટોપી પહેરાવી છે?’
પછી ગોરાણીએ રીંગણાંનું શાક બનાવ્યું ને બેય માણસે પ્રેમથી ખાધું; પણ વાત ગોરાણીએ મનમાં રાખી. એમ કરતાં કરતાં બેએક મહિનાનો ગાળો વીતી ગયો.
એક દિવસ મનુ મહારાજ ઘેર આવ્યા. ખડકીમાં પગ મૂકતાં જ એમના માથે આભ તૂટી પડ્યું. મહારાજ આંખ ચોળીને જુએ છે તો ઓશરીમાં બાંધેલી ખાટ ઉપર ગોરાણી અજાણ્યા પુરુષ જોડે મોજથી હીંચકે છે. મોમાં પાન ચાવતાં ચાવતાં ઠાઠાઠીઠી કરી રહ્યાં છે.
આ દૃશ્ય જોઈને મહારાજનો પિત્તો ખસી ગયો. હાથમાં પગરખું લઈને ક્રોધથી ધૂંઆપૂંઆ થતાં દાંત કચકચાવીને બોલ્યા :
‘ગોરાણી, તમે આ શું ગોરખધંધા માંડ્યા છે? મારી ગેરહજારીમાં પારકા જણ્યા જોડે હાહા હીહી કરો છો? ને રંગરેલિયા મનાવો છો? કંઈ લાજશરમ છે કે પછી નેવે મૂકી છે?’
આ સાંભળી ગોરાણી પડ દેતાં બોલ્યાં; ‘આપણે તો ચાવવાના જુદા ને બતાડવાના ય જુદા.’
‘ગોરાણી, ગોરાણી! હવે બસ કરો. મારાથી નથી સંભળાતું. નથી જોવાતું.’
ત્યારે ગોરાણી મલકીને બોલ્યાં :
‘ગોર મહારાજ! ધોખો નો કરશો. મનમાં રીંસ ન આણશો. આ હીંચકે બેઠો છે ઈ મારો ભાઈ ને તમાસો સાળો છે. નાનપણથી બાપડો પરદેશ પેટિયું રળવા વિયો જીયેલો એટલે તમે તો ચાંથી ભાળ્યો હોય? આજ બોનની ખબર્ય કાઢવા ને સુખદુ:ખની વાતું કરવા આ‘યો છે.’
ગોરાણીની વાત સાંભળીને મનુ મહારાજના બળબળતા હૈયાને ભારે ટાઢક વળી.
‘ગોરાણી તું આજથી મારી ગુરુ. આજથી રીંગણાં અગરાજ. હરામ જો હવે હું એને હાથે ય અડાડું તો!’ મનુ મહારાજની ગાડી પાટે ચડેલી જોઈને ગોરાણીને હરખનો પાર રહ્યો નહીં. એ પછી મનુ મહારાજે રીંગણાં છોડ્યાં પણ લોકજીભે ‘પોથીમાંનાં રીંગણાં‘ કહેવત છોડી નથી.
Source : lokjivanni kahevat katho (Story No. 15)
કોડિયું – small earthen bowl; such receptacle for the oil and wick of a lamp, lamp.
વઘાર – oil or ghee heated with mustard seed, asafoetida, etc. as cooking sauce for soup, vegetables, etc.; spicing; instigation
તમાલપત્ર – leaf of cinnamomum tamal or cinnamomum cucalyptoides.
આહારશાસ્ત્ર – dietetics.
તમોગુણ – one of the three qualities of Prakriti; anger; irritable nature; hot temper.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.