રેડિયોની ભુલાયેલી દુનિયાને એક નવા અંદાજથી જીવંત કરી દેનાર રેડિયો જોકી ધ્વનિત ઠાકર ગરવી ગિરા ગુર્જરીનું એક ગૌરવશાળી નામ છે. આજે શહેરમાં ઘણાં બધાં રેડિયો સ્ટેશનો થયાં છે અને રેડિયો જોકી પણ ઘણા છે પણ રેડિયોપ્રેમી જનતા કહે છે કે – ધ્વનિતની વાત કંઈક ઓર જ છે !
અમદાવાદમાં રેડિયો મિર્ચી આવ્યાના એક જ વર્ષ બાદ ધ્વનિત રેડિયો સાથે જોડાયા. ધ્વનિત આમ તો વિજ્ઞાનના વિદ્યાર્થી. બી.એસ.સી. પાસ કર્યા પછી એમ.એસ.સી. કરે. અચાનક એમના પિતાજી હરીશકુમાર પી. ઠાકરનું નિધન થયું. હરીશભાઈ એલ.આઈ.સી.માં નોકરી કરતા હતા. ચાલુ સર્વિસે જ એમનું અવસાન થતાં ધ્વનિતને એલ.આઈ.સી.માં નોકરી મળી. ધ્વનિતે અભ્યાસ છોડી નોકરી સ્વીકારી. ત્રણેક વર્ષ નોકરી કરી, પણ મજા નહોતી આવતી. એ દરમિયાન રેડિયો મિર્ચીની આર.જે. હન્ટ કૉન્ટેસ્ટની જાહેરાત થઈ. ધ્વનિતે એમાં ભાગ લીધો અને 1500થી પણ વધારે સ્પર્ધકોની વચ્ચે એ જીતી ગયા અને એક નવા પ્રકારનું કામ સ્વીકારી લીધું.
એક ખુશનુમા સવારે અમદાવાદીઓને મિર્ચી રેડિયોના માધ્યમથી એક બિનધાસ્ત અવાજ સાંભળવા મળ્યો. ‘ગુડમોર્નિંગ અમદાવાદ’ કહેવાની અને ‘જન્મદિન વિશ’ કરવાની ધ્વનિતની સ્ટાઇલે અમદાવાદીઓને ઘેલા કરી દીધા.
મોટાભાગના લોકો ધ્વનિતને માત્ર રેડિયો જોકી તરીકે ઓળખે છે. પણ ધ્વનિત બહું જ સારા લેખક, મૂવી ક્રિટિક, સ્ટેન્ડ અપ કોમેડિયન અને ગાયક પણ છે. ‘અમદાવાદ મીરર’માં તેમની કોલમ ‘ધ્વનિત સબ જાનતા હૈ’ બહુ લોકપ્રિય છે અને એમનું મ્યુઝિક આલ્બમ ‘મજાની લાઈફ’ પણ ખૂબ મજાનું છે. ધ્વનિતે અમેરિકામાં યોજાયેલ વર્લ્ડ ગુજરાતી કૉન્ફરન્સ 2008 ‘‘ચાલો ગુજરાત’’ અને યુ.કે.માં યોજાયેલ ‘‘વિલેજ ઇન્ડિયા એક્સપીરીઅન્સ 2009’’નું હોસ્ટિંગ કર્યું છે અને બેસ્ટ આર.જે.નો એવોર્ડ પણ મેળવ્યો છે. આ સિવાય અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે અને ઘણી જવાબદારીઓ પૂરી નિષ્ઠા અને ખંતથી સંભાળે છે.
માતૃભાષા ગુજરાતીના એ ખરા પ્રેમી છે. ગુજરાતી સાહિત્યનો પણ તેમણે મનભરીને રસાસ્વાદ માણ્યો છે. અનેક માધ્યમો દ્વારા માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે તેમનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે.
GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત, માતૃભાષા ગુજરાતીના પ્રચાર હેતુ તૈયાર કરાયેલી પ્રશ્નાવલિના તેમણે આપેલા રસપ્રદ ઉત્તરોને ચાલો વાંચીએ.
તમને જે ભાષામાં સ્વપ્નો દેખાય એ તમારી માતૃભાષા. આ લખાણ સ્પષ્ટપણે વાંચી શકતા મોટા ભાગના વાચકોને સપનાં ગુજરાતીમાં જ દેખાતાં હશે.
અવિનાશ વ્યાસ રચિત “માડી તારું કંકુ ખર્યું”
પરેશ ભટ્ટના સ્વરાંકનમાં “એકલ દોકલ વરસાદે”
આશિત વ્યાસનું સ્વરાંકન, રમેશ પારેખની કલમે લખાયેલ “પાંદડું કેવી રીતે પીળું થયું”
શ્યામલ મુનશીના કંઠે ગવાયેલ “આજ ઝરણાની ઉદાસી”
કવિ તુષાર શુક્લ, સંગીતકાર ગૌરાંગ વ્યાસની રચના “ભીંજીયે ભીંજાઈએ વ્હાલમાં વરસાદમાં”
શાળાના દિવસોમાં પાઠ્યપુસ્તકમાં ભણાવવામાં આવતી ધૂમકેતુ અને ઈશ્વર પેટલીકર જેવા સર્જકોની વાર્તાઓ એ મારા બાળસહજ કલ્પનાવિશ્વ પર ઊંડી અસર કરેલી.
અંગ્રેજી સાહિત્યમાં ઓ હેન્રીની ‘ધ ગિફ્ટ ઓફ મેગી’ ( જેના પરથી ‘રેઇનકોટ’ નામની ફિલ્મ પણ બનેલી) મને ગમી હતી. રીચાર્ડ બાશની ‘ધ બ્રિજ અક્રોસ ફોરએવર’ અતિ પ્રિય નવલકથા છે.
થોડાં દિવસો પહેલાં જ બે દિવસમાં એક બેઠકે અશ્વિની ભટ્ટ ની ‘ઓથાર’ ફરી વાંચી ! મજા પડી ગયી !
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો હજાર વર્ષ જેટલો પ્રાચીન છે, જેની અભિવ્યક્તિનું માધ્યમ સમૃદ્ધ ગુજરાતી ભાષા રહ્યું છે. ભાષા વિના કોઈ પણ પ્રાચીન કે અર્વાચીન સંસ્કૃતિની કલ્પના શક્ય છે?
અઘરો સવાલ ! મેં પોતે નવી ગુજરાતી ફિલ્મો – ‘બેટર હાફ’, ‘મોહનના મન્કીઝ’ અને ‘કેવી રીતે જઈશ?’ માટે પાર્શ્વગાયન કરેલ છે પણ ‘બેટર હાફ’ સિવાયની એક પણ જોયેલ નથી. જોવાનું મન થાય એવી ગુજરાતી ફિલ્મો બનતી રહેવી જોઈએ. એ દિશામાં પ્રયત્નો કરતા કસબીઓને અભિનંદન. બાળપણમાં જૂની ફિલ્મો જયારે દૂરદર્શન પર દર રવિવારે સાંજે દર્શાવવામાં આવતી ત્યારે જોયેલ છે. સંજીવકુમારની ‘ખિલૌના’ જેવી જ ભૂમિકાવાળી ‘મારે જાવું પેલે પાર’ થોડી ઘણી યાદ છે. ‘કાશીનો દીકરો’, ‘જીગર અને અમી’, ‘ભવની ભવાઈ’ અને ‘હું, હુંશી, હુંશીલાલ’ વિષે સાંભળ્યું છે પણ જોવાનું શક્ય બન્યું નથી.
સૌમ્ય જોશીનાં નાટકો ‘વેલકમ જિંદગી’ અને ‘102 નોટ આઉટ’. નાનપણમાં જોયેલ ‘પંખી તો શમણાંની જાત’ , ભરત દવેનું ‘ગિલોટીનનો ગોટો’, પ્રવીણ જોશીનું મધુ રાય લિખિત ‘કુમારની અગાશી’ અને સનત વ્યાસ-સિદ્ધાર્થ રાંદેરિયાના નાટક ‘ગુરુબ્રહ્મા’થી પ્રભાવિત થયો હતો.
જગ્યા ઓછી પડશે! ઝવેરચંદ મેઘાણી (જો કે એમની ઘણી બધી કૃતિઓ વાંચી નથી શક્યો, પરંતુ એમની ભાષા સાથેની નિસ્બતના આપણે સૌ ઋણી છીએ ), મરીઝ, રમેશ પારેખ, જ્યોતીન્દ્ર દવે, કાકાસાહેબ કાલેલકર, પન્નાલાલ પટેલ, ચંદ્રકાંત બક્ષી, મધુ રાય, વિનોદ ભટ્ટ, અશ્વિની ભટ્ટ, ધ્રુવ ભટ્ટ, સૌમ્ય જોશી, તુષાર શુક્લ, અરુણા જાડેજા, સૌરભ શાહ અને અન્ય ઘણા બધા.
છ અક્ષર નું નામ – રમેશ પારેખ
જો અન્ય ભાષાના લેખકોની અનુવાદિત ગુજરાતી કૃતિ જણાવું તો,
ન હન્યતે – મૈત્રયી દેવી – અનુવાદક : નગીનદાસ પારેખ
સુખને એક અવસર તો આપો (ફિલ બોસ્મન્સ) – અનુવાદક : રમેશ પુરોહિત
પ્રેમ એ સાબિતીની નહીં અભિવ્યક્તિની – અનુભૂતિની ઘટના છે !
ગુજરાતી ભાષા સંગીતમય રૂપે સૌથી વધુ લાંબી જીવશે એમ હું માનું છું. નવી પેઢી ગુજરાતી ગીત-સંગીતને નવા આયામ આપે તો શબ્દો અને શબ્દપ્રયોગોની આવરદા વધશે. માતૃભાષા અભિયાન સમિતિમાં કાર્યવાહક તરીકે હું મારાથી ઘટતું કરી રહ્યો છું.
પુસ્તક પરબનો વિચાર વહેતો કરનાર રાજેન્દ્ર પટેલ, માતૃભાષા અભિયાનમાં પ્રવૃત્ત રાસુભાઈ વકીલ અને એમની સાથે જોડાયેલા અન્યો
માત્ર વાચાળ હોવું પૂરતું નથી, જીવન કોઈ વાંચી શકે તેવું બનવું જોઈએ
માતૃભાષાનો હું ઋણી છું.
મેં જ્યારે પહેલી વાર શુદ્ધ ગુજરાતીમાં એક પણ અન્ય ભાષાનો શબ્દ વાપર્યા વિના ‘બંપર ટૂ બંપર – લાઇવ ઇવનિંગ શો’ કર્યો ત્યારે ! પહેલી મે, 2007. એ પહેલાં અમે મુખ્યત્વે હિન્દી-અંગ્રેજી ભાષામાં રેડિયો પર બોલતા હતા પહેલી જ વાર ગુજરાતીમાં સમગ્ર પ્રસારણ કરવાનો અનુભવ યાદગાર હતો.
2008 અને 2012માં ન્યૂજર્સી ખાતે મેં ‘ચાલો ગુજરાત’ કાર્યક્રમના સંચાલન સમયે પ્રેક્ષકો સાથે કરેલી કૉન્ટેસ્ટ – ‘કોણ આખો કક્કો બોલી બતાવશે?’ માં ખૂબ મજા પડેલી !
2009માં સારેગામા એચએમવીએ પાર્થ ઠક્કરે કમ્પોઝ કરેલાં, ચિરાગ ત્રિપાઠીએ લખેલાં અને મેં ગાયેલાં ગુજરાતી ગીતોનું આલ્બમ “મજાની લાઇફ” રીલીઝ કર્યું હતું. એનાં ગીતો પર શાળાના બાળકો એમના વાર્ષિક કાર્યક્રમો અંતર્ગત સ્ટેજ પર ગ્રુપ ડાન્સ રજૂ કરવાના કિસ્સા સાંભળું અથવા ક્યારેક કોઈ લગ્નપ્રસંગે સંગીત સંધ્યામાં લગ્નોત્સુક યુગલને એ આલ્બમના ‘પહેલા પ્રેમની પહેલી એ નજર’ ગીત પર હિન્દી ગીતોની વચ્ચે ડાન્સ કરતાં જોઉં ત્યારે આનંદ થાય છે.
રેડિયો પર તો રોજેરોજ અવનવી ઘટનાઓ બનતી જ રહે છે. થોડા દિવસ પહેલાં જ એક યુવાન ગૃહિણીએ સ્વરચિત ‘એક પ્રેમપત્ર – વરસાદને !’ વાંચી સંભળાવ્યો ત્યારે હું રોમાંચિત થઈ ઊઠ્યો હતો.
રેડિયો પર ‘આડી ચાવી- ઊભી ચાવી’ કૉન્ટેસ્ટ કરવાનો આશય નવી પેઢી સુધી મનોરંજન થકી ભાષાના મૂળ સ્વરૂપ અને આડે હાથે મૂકાઈ ગયેલા શબ્દોની યાદ તાજી કરવાનો હતો. જેમાં હું તાજેતરમાં બનેલી ઘટનાના સંદર્ભમાં કોઈ શબ્દ વિષે ‘હિન્ટ’ આપું, શબ્દનો પરિચય આપું અને શ્રોતાઓએ સાચો શબ્દ શોધી કાઢવાનો એ કોન્ટેસ્ટ લગભગ 4 વર્ષ સુધી રોજ રેડિયો પર કરવાનો અનુભવ આનંદદાયક રહ્યો.
આડી ચાવી – ઊભી ચાવી રેડિયો કૉન્ટેસ્ટ સમયે મેં આ વેબસાઇટનો મહત્તમ ઉપયોગ કર્યો હતો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.