પૌરાણિક સમયથી ભારતીયો તીરંદાજીમાં નિપુણ છે. અર્જુને માત્ર પાણીમાં માછલીનું પ્રતિબિંબ જોઈ માછલીની આંખ વીંધી જે તીરંદાજ તરીકેની અર્જુનની નિપુણતા દર્શાવે છે. સમય જતાં અને નવા હથિયારો આવતા એ તીર-કામઠાનું મહત્ત્વ ઓછું થતું ગયું, પરંતુ હજી પણ આપણામાં એ ક્ષમતા જળવાઈ રહેલી છે અને આ વાતની સાક્ષી પૂરે છે આપણા ગુજરાતના જાણીતા તીરંદાજ દિનેશભાઈ ભીલ. દક્ષિણ ગુજરાતના ખૂબ જ નાના ગામ નસવાડીમાંથી આવતાં દિનેશભાઈ સાત વર્ષની ઉંમરથી તીર અને કામઠાં લઈ નિશાના સાધે છે. કેવી રીતે આ રમત તેમના શોખમાં કેળવાઈ ગઈ એ જાણવું ખૂબ જ રસપ્રદ છે.
શાળામાં અભ્યાસ દરમ્યાન અભ્યાસનો સમય પૂરો થયા પછી તેઓ તીરંદાજીની તાલીમ લેતા. એક વાર ગામમાં રાજ્યસ્તરની તીરંદાજી સ્પર્ધા ગોઠવાઈ અને તેમાં દિનેશભાઇએ ભાગ લીધો અને પ્રથમ ક્રમાંક મેળવ્યો. ત્યારબાદ અન્ય એક રાજ્યસ્તરની પ્રતિયોગિતામાં ઉત્કૃષ્ટ રમત બતાવી. આ સિદ્ધિઓ તેમના આત્મવિશ્વાસમાં વધારો કરતી ગઈ અને તેઓ તીરંદાજી ક્ષેત્રે કંઈક કરી બતાવવા તેઓ સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા ચાલતી અકાદમીમાં દાખલ થયા અને ત્યાં તનતોડ મહેનત કરી જેના પરિણામ સ્વરૂપે તેમને રાષ્ટ્રીય સ્તર સુધી રમવાનો મોકો મળ્યો અને જેમાં તેમણે ખૂબ સરસ પ્રદર્શન કર્યું.
હાલમાં જ મસૂરી ખાતે આવેલા ‘લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ફોર એડમિનિસ્ટ્રેશન’ ખાતે IAS, IPS, IRS અને IFS જેવાં અધિકારીઓને તેમણે તીરંદાજીની તાલીમ આપી તો ચાલો માણો, કુશળ તીરંદાજ દિનેશભાઈ ભીલ સાથે એક ગોષ્ઠિ.
Q ભારત જેવા ક્રિકેટપ્રેમી દેશમાં તીરંદાજી જેવી ઓછી જાણી રમતમાં યોગદાન બદલ એટલું માન મળે તો આ સમયે તમે શું અનુભવી રહ્યાં છો?
A. ખૂબ જ સારું લાગી રહ્યું છે. લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ફોર એડમિનિસ્ટ્રેશનમાં IAS, IPS, IRS અને IFS જેવાં અધિકારીઓને તાલીમ આપવાનો મોકો મળ્યો. તેઓ દેશના ઉચ્ચ દરજ્જાના અધિકારીઓ છે અને એવા અધિકારીઓને તાલીમ આપવી એ ગર્વ લેવા જેવી વાત છે. મને ત્યાં બે-ત્રણ દિવસ તાલીમ આપવાનો અવસર મળ્યો હતો જે તીરંદાજી સાથે જોડાયેલા લોકો માટે ગૌરવની વાત છે.
Q. તીરંદાજી માટે કેટલા દિવસની તાલીમ જરૂરી છે?
A. તીરંદાજીમાં નિપુણ થવા માટે ઘણી તાલીમ લેવી પડે છે, પરંતુ એક રમત તરીકે તીરંદાજીને સમજવા ત્રણ દિવસ કાફી છે. અધિકારી બન્યા પછી જિલ્લા કક્ષાએ આ અધિકારીઓ તીરંદાજીની સમજ લોકોને આપશે એ એક ગૌરવ લેવા જેવી વાત રહેશે.
Q. મહાભારત અને રામાયણ જેવા ગ્રંથોમાં તીરંદાજીનો ઉલ્લેખ થયેલો એ ફરી વાર લોકો સમક્ષ આવશે
A. બિલકુલ આવશે.
Q. આજના યુવાનની ખેલ માટેની જિજ્ઞાસા માટે આપનું શું ક્હેવું છે? રમત માટે આજનો યુવાન તૈયાર હોય છે?
A. જ્યારથી માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી(તત્કાલીન)એ 2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરી ત્યાર પછી ગુજરાતમાં રમતગમત ક્ષેત્રને ખૂબ ફાયદો થયો છે. ખેલ મહાકુંભથી રમતવીરો આગળ આવી રહ્યાં છે, જરૂરી સહાયતા પણ મળી રહી છે. ખેલ મહાકુંભના લીધે આપણા રમતવીરો એશિયન ગેમ્સ સુધી પહોંચવામાં સફળ થયા છે.
Q. ખેલ મહાકુંભથી શું ફાયદો થયો છે?
A. 2010 પહેલાની વાત કરીએ તો એ સમયમાં ગુજરાત રાષ્ટ્રીય સ્તરની કોઈ પણ સ્પર્ધામાં પાછળ જ રહેતું. આજે ખેલ મહાકુંભ થાકી ઘણી એકેડમી ચાલુ થઈ છે, શક્તિદૂત યોજના, ઈન સ્કૂલ યોજના, ડિસ્ટ્રિક્ટ લેવલ યોજના અને આવી બીજી ઘણી યોજના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે ચાલુ કરી જેના થકી ગુજરાતના હજારો રમતવીરોને આગળ આવવાની તક મળી. આજે ગુજરાત રાષ્ટ્રીય રમત સ્પર્ધામાં પ્રથમ આઠમાં હોય છે. પહેલાં આખા વર્ષના મળીને કુલ 50 થી 60 મેડલ જ થતા જે આજે 550-600 મેડલ પહોંચી ગયા છે.
Q. એક વાલી તરીકે ગુજરાતના મા-બાપ રમતને કઈ રીતે જુએ છે?
A. પહેલા વાલીઓને એક જ વિચાર સતાવતો કે જો રમતગમત ક્ષેત્રે સંતાનને મૂકીશું અને એમાં સફળતા નહિ મળે તો શું? પૂરતો સહકાર નહિ મળે તો શું? પરંતુ હવે દૃષ્ટિકોણ બદલાઈ રહ્યો છે અને લોકો રામતગમતને પણ એક કારકિર્દી તરીકે જોઈ રહ્યા છે.
Q. હંમેશાથી એવું માનવામાં આવે છે કે ગુજરાતીઓને રમતગમત સાથે ઓછા લેવા દેવા અથવા ગુજરાતીઓ વેપારમાં રસિક હોય છે. આ વાત આજે કેટલી સાર્થક છે?
A. આપણે ત્યાં હંમેશાથી વ્યાપારની પરંપરા રહેલી છે અને એ તો રહેશે જ પરંતુ આસપાસના વાતાવરણની પણ અસર પડી રહી છે. ખેલ મહાકુંભ, ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા જેવી યોજનાઓ લોકોમાં રમત વિષે જાગૃતિ ફેલાવી રહી છે અને લોકો રમતગમત ક્ષેત્રે વળી રહ્યા છે.
Q. આપનો પ્રિય રમતવીર કોણ કે જેને જોઈને તમે રમતગમત ક્ષેત્રે જવા પ્રોત્સાહિત થયા હોય?
A. તીરંદાજીમાં લિમ્બારામ મારા આદર્શ છે. તેઓ પદ્મશ્રી અને અર્જુન એવોર્ડ વિજેતા છે. તીરંદાજીમાં તેમનું ખૂબ મોટું યોગદાન છે. તેઓએ મને તાલીમ પણ આપેલી છે. એમના સિવાય કહું તો જયપાલસિંહ મુંડાએ મને ખૂબ પ્રેરિત કર્યો છે. જયપાલસિંહ 1928ની ભારતીય હોકી ટીમના સુકાની હતા. એક આદિવાસી ખેલાડી કે જેમણે ભારતીય હોકી ટીમની કમાન સાંભળી હોય. આ સિવાય તેઓ બંધારણીય કમિટીના સભ્ય હતા. ટ્રાઇબલ કોમ્યુનિટીના પ્રતિનિધિ તરીકે તેમણે ઘણું યોગદાન આપેલું.
Q. ગુજરાતી ભાષા વિષે આપનું શું મંતવ્ય છે?
A. હું ઘણાં રાજ્ય અને ઘણાં દેશ ફર્યો છું પરંતુ મને ગુજરાતી જેવી કોઈ કોમળ અને સુંદર ભાષા જોવા નથી મળી. આપણી ભાષા એવી છે કે જો કોઈ બે વ્યક્તિ ગુજરાતીમાં વાત કરતા હોય તો ત્રીજી વ્યક્તિને એ સંવાદ સાંભળવો પણ ખૂબ ગમે પછી ભલે તેને ગુજરાતી ભાષા વિષે જ્ઞાન ના હોય.
Q. આપના પ્રિય ગુજરાતી સાહિત્યકાર વિષે જણાવશો
A. સાચું કહું તો મને રમત અને પ્રેક્ટિસમાંથી એટલો સમય નથી મળતો કે હું કોઈ સાહિત્યકારને વાંચી શકું પરંતુ જ્યારે સમય મળે ત્યારે હું વાંચતો હોઉં છું. મને ગાંધીજીનું સર્જન ગમે છે.
Q. ‘હું ગુજરાતી’ તરીકે જો તમારે કઈ કહેવું હોય તો આપ શું કહેવાનું પસંદ કરશો?
A. ‘હું ગુજરાતી’ અથવા એક ગુજરાતી તરીકેની મારી ઓળખ આપવા મારા પાસે શબ્દ નથી પરંતુ મને ખૂબ ગર્વ છે કે હું ગુજરાતી છું.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.