સિનેમાની દુનિયામાં સને 1932થી ગુજરાતી ફિલ્મજગતનું નામ ગુંજતું આવ્યું છે. તેમાં અનેક ખ્યાતનામ કલાકારો પોતાની આગવી અદાકારી દ્વારા પોતાનું નામ રોશન કરી ગયા. તેમાંય તાજેતરમાં સૌ ગુજરાતી ફિલ્મ રસિકોના હૈયે અને હોઠે રમતું એક સદાબહાર નામ છે – હિતેનકુમાર. વર્તમાન સમયે ગુજરાતી ફિલ્મ કલાકારોમાં હિતેનકુમારનું નામ પ્રથમ પંક્તિમાં લેવાય છે. ગુજરાતી ભાષામાં તેઓ પોતાના ભાવાવાહી તથા શૂરવીર અભિનયથી લોકપ્રિય બન્યા છે. હિન્દી ફિલ્મજગતમાં એક સમયે અજય દેવગન – કાજોલની જોડી જાણીતી બની હતી તેમ ગુજરાતી ફિલ્મજગતમાં હિતેનકુમાર અને રોમામાણેકની બેલડી પ્રસિદ્ધ થઈ હતી. ગુજરાતી ફિલ્મોના ખૂબ જાણીતા થયેલા કલાકારો – ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા, હિતુ કનોડિયા, રમેશ મહેતાની યાદીમાં ભરપૂર પ્રતિભાથી ઝળહળતું નામ હિતેનકુમારનું જોડાયું છે.
પ્રીત ઝૂકે નહીં સાથ છૂટે નહીં, એકવાર પિયુને મળવા આવજે, ઊંચી મેડીના ઊંચા મોલ, મહિયરમાં મનડું નથી લાગતું. ચૂંદડી ઓઢાડો હો રાજ, પાંદડું લીલું ને રંગ રાતો, તોરણ બંધાવો હો રાજ, દીકરો મારો લાડકવાયો અને દેશ રે જોયા દાદા પરદેશ જોયા….વગેરે અનેક ફિલ્મોમાં પોતાની વિશિષ્ટ અદાકારીથી ગુજરાતી ફિલ્મ રસિયાઓના હૃદયમાં એક આગવું સ્થાન પામ્યા છે. પોતાના અપ્રતિમ અભિનયથી લાખો પ્રેક્ષકોના હૃદયમાં અનોખું સ્થાન પ્રાપ્ત કરનાર હિતેનકુમારનું મૂળ વતન છે સુરત પાસે ગણદેવી નજીક આવેલ તોરણ ગામ.
તાજેતરમાં તેમની બે ફિલ્મો – મોટા ઘરની વહુ તથા પ્રાણ જાયે પણ પ્રીત ન જાયે માટે તેમને બે મોટા પારિતોષિકોથી સન્માનવામાં આવ્યા હતા. તેમની 17 વર્ષની ફિલ્મ કારકીર્દિમાં આ 8મો અને 9મો ઍવોર્ડ હતો; જે દ્વારા ફિલ્મોમાં અભિનય પ્રત્યેની તેમના કાર્યનિષ્ઠા, પુરુષાર્થ, કાર્યકુશળતા, ખુમારી, સ્નેહ અને સૌજન્ય વગેરે ગુણોને બિરદાવવામાં આવ્યા હતા. હાલ સુધીમાં 104થી વધુ ફિલ્મો, 67થી વધુ નાટકો તથા 4000 જેટલા શૉ કરી ચૂકેલા ગુજરાતી સુપરસ્ટાર હિતેનકુમાર એક ગરવા ગુજરાતી તરીકે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે.
GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત, માતૃભાષા ગુજરાતીના પ્રચાર હેતુ તૈયાર કરાયેલી પ્રશ્નાવલિના તેમણે આપેલા રસપ્રદ ઉત્તરોને ચાલો વાંચીએ….
માતૃભાષા ગુજરાતીનો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો આપ શું આપો ?
માતૃભાષા એ મા સમાન છે. માનો તે વળી પરિચય શું આપી શકીએ ! તેના ખોળામાં જે આનંદ આવે તેવો આનંદ વિશ્વમાં બીજે ક્યાંય ન મળે. મા તે મા ! આપણા અસ્તિત્વમાં આપણને પીડા, વેદના થાય કે આનંદની અનુભૂતિ થાય અને તેમાં જે ઉદ્ગારો સહેજ જ સરી પડે તે આપણી માતૃભાષા.
આપને ગમતા કોઈ ગુજરાતી ગીતનું નામ જણાવો.
ઘણાં ગીતો ગમે છે, પણ તેમાં સૌથી વઘુ ગમતું ગીત રમેશ પારેખની કલમે લખાયેલું, ગૌરાંગ વ્યાસના સંગીતથી મઢાયેલું, નિમેશ દેસાઈ દિગ્દર્શિત નસીબની બલિહારી ફિલ્મનું – “સાંવરિયો રે મારો સાંવરિયો, હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો…”
આપને ગમતી કોઈ ટૂંકીવાર્તા તથા નવલકથાનું નામ જણાવશો ?
ગુજરાતી ભાષામાં રૂપાંતરણ પામેલી બંગાળી લેખિકા મૈત્રેયી દેવીની ‘ન હન્યતે’ (ગુજરાતી ભાવાનુવાદ આ જ શીર્ષક હેઠળ નગીનદાસ પારેખ દ્વારા થયેલ છે.) માધવ ક્યાંય નથી, સર્જક – હરીન્દ્ર દવે
આપણી ભાષાઃ આપણી સંસ્કૃતિ – આ સૂત્રને આપના વિચારો મુજબ ટૂંકમાં સમજાવશો ?
દરેક ભાષા – સંસ્કૃતિ અરસપરસ પાંગરતી હોય છે, પછી ભલે તે પંજાબી હોય, મરાઠી હોય, મદ્રાસી હોય કે અન્ય કોઈ ભાષા હોય. દરેક ભાષા પોતપોતાની રીતે મહાન છે. કોઈનું અવમૂલ્યન કરી શકાય નહીં. આ બાબતે કોઈ ચોક્કસ વિચારો જણાવવા અઘરા છે.
ગુજરાતી ભાષાની કઈ ફિલ્મ આપને સૌથી વધુ ગમે છે ? તથા આપના પ્રિય ગુજરાતી ફિલ્મી કલાકારો કોણ છે ?
મહિયરમાં મનડું નથી લાગતું – 1, પાલવડે બાંધી પ્રીત મને પ્રિય કોઈ ગુજરાતી કલાકારો – આ પ્રશ્નનો ઉત્તર આપવામાં હું મૌન રાખવાનું પસંદ કરીશ
કયું ગુજરાતી નાટક આપને સૌથી વધુ ગમે છે ?
ગુજરાતી નાટક – ચિત્કાર, આખેટ, રમત શૂન્ય ચોકડીની ટીવી સીરિયલ – કોરી આંખે ભીનાં સપનાં, રેવા
આપના પ્રિય ગુજરાતી સાહિત્ય સર્જકોનાં નામ જણાવશો ? (કવિ – લેખક – નાટ્યકાર – નવલકથાકાર વગેરે…)
નામોની યાદી બહુ લાંબી છે. તેમાંનાં જૂજ નામ જણાવું છું : પન્નાલાલ પટેલ, રમેશ પારેખ, ચંદ્રેશ મકવાણા, હરીન્દ્ર દવે વગેરે રંગભૂમિના નાટ્યકારો – શૈલેષ દવે, પ્રવિણ સોલંકી, અરવિંદ જોશી
આપનું મનગમતું ગુજરાતી પુસ્તક કયું છે ?
(ગુજરાતીમાં રૂપાંતરિત) એકલની પગદંડી – હરીન્દ્ર દવે
આપને ગમતી એક-બે ગુજરાતી કહેવતો અથવા રૂઢિપ્રયોગો જણાવો.
નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન
આપણે માતૃભાષાને ચાહીએ છીએ – આ બાબત કેવી રીતે સાબિત કરી શકીએ ?
પોતાનું બાળક ગમે તે માધ્યમમાં ભણતું હોય પરંતુ ઘરમાં મા-બાપે તેની સાથે માતૃભાષામાં જ વાત કરવી. બાળક ચૌદ વર્ષનું થાય ત્યાં સુધી ઘરમાં માતા-પિતાએ માતૃભાષામાં બોલચાલનો વ્યવહાર રાખી બાળકને માતૃભાષા પ્રત્યે સાહજિક રીતે પ્રેરિત કરવું.
માતૃભાષાના રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે શું કરવું જોઈએ ? આપનાં મંતવ્યો જણાવો.
ગુજરાતમાં 85 ટકા લોકોને એવી ચિંતા સતાવે છે કે માતૃભાષા ગુજરાતી એક દિવસ મરી પરવારશે પણ એવું ક્યારેય થવાનું નથી. આપણે નવી વસ્તુઓને સ્વીકારતા થવું પડશે. અન્ય ભાષામાંથી આવતા નવા શબ્દોને ગુજરાતીમાં ઉમેરીને ભાષાને વિસ્તૃત – સમૃદ્ધ કરી શકાય. ગુજરાતી સાહિત્ય, નાટકો, ફિલ્મો, ટીવી શ્રેણીઓ પ્રત્યે આજે પણ અનેક લોકો રસ ધરાવે છે. અવારનવાર થતા ગુજરાતી કાર્યક્રમો અને તેમાં ભાવકોનો ભરપૂર પ્રેમ જોઈને લાગે છે કે ગુજરાતી ભાષા ચિરકાળ સુધી પોષાતી રહેશે.
ગુજરાતી ભાષાના પ્રચાર માટે બહુમૂલ્ય યોગદાન આપનાર એક-બે મહાનુભાવો તથા સંસ્થાઓનાં નામ જણાવશો ?
ગુજરાતીઓનું ગૌરવ, ગરિમા અને અસ્મિતા અકબંધ રાખવાની દિશામાં અગ્રેસર ભૂમિકા ભજવતા ગુજરાતી વિકાસ મંચના પ્રમુખ તથા ટ્રાન્સમીડિયાના અને સોહમ ચેનલના ચેરમેન જસ્મિન શાહ (મુંબઈ).
આપના પ્રેરણાદાયી વિચારો ગુજરાતી ભાષાના એક-બે સુવિચારો દ્વારા અમારા મિેત્રોને કહો.
નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન
ગુજરાતી ભાષાને લગતી કોઈ યાદગાર ઘટના આપના જીવનમાં બની હોય તો જણાવશો.
મારા ખ્યાલ મુજબ ગુજરાતી ભાષાને લઈને એવી કોઈ યાદગાર ઘટના બની નથી.
અમારી Gujaratilexicon (GL) સાઇટમાં કયા વિભાગો આપને વધુ ગમે છે ?
ગુજરાતીલેક્સિકનની હજુ મેં મુલાકાત લીધી નથી. એકવાર તેને શાંતિથી જોઈને પછીથી ચોક્કસ જણાવીશ.
શ્રી હિતેનકુમાર
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.