ગુજરાતના મહાનગર અમદાવાદમાં વસતા ગુજરાતી હાસ્ય કલાકાર મહેશભાઈ વૈદ્ય એક પ્રતિભાશાળી વ્યક્તિ છે. છેલ્લાં ચાલીસ વર્ષથી ગુજરાતી રંગભૂમિમાં અનેક નાટકો, હાસ્યના કાર્યક્રમો તથા ટીવી સીરિયલો કરેલ છે. પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના અનહદ પ્રેમ અને આશીર્વાદથી દેશ-વિદેશમાં માતૃભાષા ગુજરાતીમાં મિમીક્રી અને હાસ્યના અનેક કાર્યક્રમો કરી ચૂક્યા છે. હાલમાં નિવૃત્ત જીવનમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થામાં સાંસ્કૃતિક વિભાગમાં કાર્યરત છે. તેમને પોતાની ઑડિયો-વીડિયો બહાર પાડવા કરતાં જીવંત કાર્યક્રમમાં જ વધુ રસ છે. તેઓને મન હસતો પ્રેક્ષક એ જ તેમનું સન્માન અને પારિતોષિક છે. હસતાં પ્રેક્ષકોને જ પોતાનું માન-સન્માન ગણતા હાસ્યના આ બેતાજ બાદશાહ અને ગુજરાતી ભાષાપ્રેમી એવા મહેશભાઈએ GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત, માતૃભાષા ગુજરાતીના પ્રચારહેતુ તૈયાર કરાયેલી પ્રશ્નાવલિના આપેલા રસપ્રદ ઉત્તરોને ચાલો વાંચીએ.
માતૃભાષા ગુજરાતીનો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો આપ શું આપો ?
મને મારી મા અને ગુજરાતી માતૃભાષા સમાન લાગે છે. બોલવામાં બોલ પહેલો હો જો “મા” ! મોં ભરાઈ જાય એવા ભાવથી ગુજરાતીમાં બોલાતો શબ્દ “મા” છે. સમગ્ર વિશ્વમાં જ્યાં ગુજરાતી પહોંચ્યા છે ત્યાં ત્યાં ગુજરાતી ભાષા પહોંચી છે. વિશ્વફલક પર પથરાયેલી ભાષા એટલે ગુજરાતી.
આપને ગમતા કોઈ ગુજરાતી ગીતનું નામ જણાવો.
આંધળી માનો કાગળ ( કવિ શ્રી ઇન્દુલાલ ગાંધી )
આપને ગમતી કોઈ ટુંકીવાર્તા તથા નવલકથાનું નામ જણાવશો?
ટૂંકીવાર્તાઃ આરતી, નવકલથાઃ સરસ્વતીચંદ્ર
આપણી ભાષાઃ આપણી સંસ્કૃતિ– આ સૂત્રને આપના વિચારો મુજબ ટુંકમાં સમજાવશો ?
આપણી ભાષા આપણી સંસ્કૃતિનો પર્યાય છે. ઘણા શબ્દો, ઘણી કહેવતો એવી છે કે જેનો બીજી કોઈ ભાષામાં પર્યાય નથી. હાલના ફાસ્ટ યુગમાં લોકો પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો આગ્રહ રાખે છે પરંતુ, માતૃભાષામાં જ્ઞાન ગોળની ગોળીની જેમ મગજમાં ઊતરી જાય છે પરંતુ અંગ્રેજીનું જ્ઞાન ઇન્જેકશન ની સોયની જેમ પીડા સાથે પ્રસરે છે. મા અને આયાનાં કામ સરખાં છે પણ માનો કડવો ઘૂંટ બાળક સહેલાઈથી ઉતારે છે જ્યારે આયાનો મીઠો ઘૂંટ ઊતરતાં વાર લાગે છે. પ્રેમસભર જ્ઞાન મેળવવાનો સહેલો રસ્તો માતૃભાષા ગુજરાતી જ છે.
ગુજરાતી ભાષાની કઈ ફિલ્મ આપને સૌથી વધુ ગમેછે? તથા આપના પ્રિય ગુજરાતી ફિલ્મી કલાકારો કોણ છે ?
“માલવપતિ મુંજ”… શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી (ખૂબ સાહિત્યિક તથા જ્ઞાની કલાકાર છે)
કયું ગુજરાતી નાટક આપને સૌથી વધુ ગમેછે?
“યંગ થીયેટર્સ”નું “અભિષેક” (વર્ષ – 1973), દિનેશ શુક્લ
આપના પ્રિય ગુજરાતી સાહિત્ય સર્જકોનાં નામ જણાવશો?
પન્નાલાલ પટેલ, ક. મા. મુનશી, દલપતરામ, ચીનુ મોદી, કાજલ ઓઝા વૈદ્ય, માધવ રામાનુજ, બકુલ ત્રિપાઠી, જય વસાવડા, અશોક દવે, પ્રબોધ જોશી, દામુ સાંગાણી, રફીક પઠાણ, મનીષ વૈદ્ય.
આપનું મનગમતું ગુજરાતી પુસ્તક કયું છે ?
“માણસાઈના દીવા”
આપને ગમતી એક-બે ગુજરાતી કહેવતો અથવા રૂઢિપ્રયોગો જણાવો.
“જણનારીમાં જોર નહીં તો સુયાણી શું કરે ?”, “ડુંગરા દૂરથી રળિયામણા”
આપણે માતૃભાષાને ચાહીએ છીએ – આ બાબત કેવી રીતે સાબિત કરી શકીએ ?
ગુજરાતી બોલવાનો આગ્રહ રાખો. આપણા રાજ્યમાં વસતા બિનગુજરાતીને પણ આપણી ભાષાથી વાકેફ કરો.
માતૃભાષાના રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે શું કરવું જોઇએ ? આપનાં મંતવ્યો જણાવો.
સૌ પ્રથમ તો દરેક ગુજરાતીએ ગુજરાતમાં ગુજરાતીમાં જ બોલવાનો આગ્રહ રાખવો. અંગ્રેજી માધ્યમની શાળાઓમાં માતૃભાષા ગુજરાતી ફરજિયાત વિષય તરીકે રાખવી. આપણાં બાળકોને દાદા-દાદી દ્વારા લોકવાર્તાઓ કહી આપણી સંસ્કૃતિથી પરિચિત રાખવાં અને ધર્મસ્થાનોમાં લઈ જવાં જ્યાં ગુજરાતીનો ખૂબ જ વ્યાપ હોય છે.
ગુજરાતી ભાષાના પ્રચાર માટે બહુમૂલ્ય યોગદાન આપનાર એક-બે મહાનુભાવો તથા સંસ્થાઓનાં નામ જણાવશો ?
અખા ભગત, દલપતરામ કવિ, ક. મા. મુનશી, ટ્રાન્સ મીડિયા – મુંબઈ, ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાતી સાહિત્ય પરિષદ અને તેના મહાનુભાવો.
આપના પ્રેરણાદાયી વિચારો ગુજરાતી ભાષાના એક-બે સુવિચારો દ્વારા અમારા મિેત્રોને કહો.
બોલો “પ ફ બ ભ મ ” હોઠથી (ગુજરાતી ચિત્રપટઃ સંતુ રંગીલી (૧૯૭૬), ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ, સ્વરઃ મુકેશ અને આશા ભોસલે. ગુજરાતી શીખવતા ગીતના શબ્દો છે.)
“વાંચે ગુજરાતી, બોલે ગુજરાતી”
ગુજરાતી ભાષાને લગતી કોઈ યાદગાર ઘટના આપના જીવનમાં બની હોય તો જણાવશો.
અમેરિકામાં સબ-વે સૅન્ડવિચની દુકાને મારા મિત્રની ગેરહાજરીમાં કાઉન્ટર પર ઊભો હતો. એક અંગ્રેજ બાઈ આવીને કહે, “તું ના આપીશ સૅન્ડવીચ…!” મેં કહ્યું, “સારું નહીં આપું.” પછી ખબર પડી કે તે બાઈ અંગ્રેજીમાં બોલી કે Tuna Fish Sandwich. જેનો ઉચ્ચાર ગુજરાતીમાં સંભળાય – તું ના આપીશ સૅન્ડવિચ.
શ્રી મહેશ વૈદ્ય
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.