શાહબુદ્દીન રાઠોડ ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક છે. હાસ્ય અને મર્માળી વાતોની રજૂઆત આગવી શૈલીમાં કરવા માટે જાણીતા છે. તેમનો જન્મ ૯ ડિસેમ્બર, ૧૯૩૭, થાન, સુરેન્દ્રનગર ખાતે થયો હતો. વ્યવસાયે તેઓ એક શિક્ષક, હાસ્યકાર તથા લેખક છે.
તેમણે સર્જેલ પુસ્તકોની સર્જનયાત્રા આ પ્રમાણેની છે : મારે ક્યાં લખવું હતું ?, હસતાં-હસાવતાં, અણમોલ આતિથ્ય, સજ્જન મિત્રોના સંગાથે, દુઃખી થવાની કળા, શો મસ્ટ ગો ઓન, લાખ રૂપિયાની વાત, દેવું તો મરદ કરે, મારો ગધેડો દેખાય છે ?, હાસ્યનો વરઘોડો, દર્પણ જૂઠ ન બોલે. તેમણે ૧૦ પુસ્તકો ગુજરાતીમાં અને ૧ પુસ્તક હિંદીમાં લખ્યું છે. તેમનાં પુસ્તકોમાંથી ચાર બીજાં પુસ્તકો ડૉ. જગદીશ ત્રિવેદીએ સંપાદન કર્યાં છે.
નિર્દોષ હાસ્ય સર્જવું, રજૂ કરવું, જીવતરનાં સાદાં સત્યોને તેમાં વણી લેવાં, વાંચવા યોગ્ય કાંઈક લખવું અને લખવા યોગ્ય જીવન જીવવા પ્રયાસ કરવો, તેમને જે માધ્યમો મળ્યાં તેના દ્વારા વિશુદ્ધ હાસ્ય સમાજ સુધી પહોંચાડવાનો તેમણે સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે અને તે પ્રયાસ આજે પણ ચાલુ છે.
દેશ-પરદેશમાં હાસ્યના અનેક કાર્યક્રમો આપીને ગુજરાતી સાહિત્યપ્રેમી અને હાસ્યપ્રેમી જનતાના હૃદયમાં તેમણે વિશિષ્ટ સ્થાન પેદા કર્યું છે – આ તેમની અનોખી સિદ્ધિ છે.
GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત, માતૃભાષા ગુજરાતીના પ્રચાર હેતુ તૈયાર કરાયેલી પ્રશ્નાવલિના તેમણે આપેલા રસપ્રદ ઉત્તરોને ચાલો વાંચીએ.
માતૃભાષા ગુજરાતીનો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો આપ શું આપો ?
મારી માની ભાષા, મારી ભોમકાની ભાષા, મારા ભેરુબંધની ભાષા
આપને ગમતા કોઈ ગુજરાતી ગીતનું નામ જણાવો.
એજી અમે નિસરણી બનીને જુગ જુગ ઊભા રે, ચડનારા કોઈ નો પાયા હોજી – કવિશ્રી, દુલાભાયા કાગ
આપને ગમતી કોઈ ટૂંકીવાર્તા તથા નવલકથાનું નામ જણાવશો ?
પોસ્ટ ઑફિસ – ધૂમકેતુ (વાર્તા)
લોહીની સગાઈ – ઈશ્ચર પેટલીકર (વાર્તા)
ઝેર તો પીધાં છે જાણી જાણી – મનુભાઈ પંચોળી (નવલકથા)
આપણી ભાષાઃ આપણી સંસ્કૃતિ – આ સૂત્રને આપના વિચારો મુજબ ટૂંકમાં સમજાવશો ?
હૃદયમાં ભાવો ઉદ્ભવે અને સમાવી રાખવા જ્યારે અસહ્ય બને ત્યારે એ ભાવોને કોઈ પણ માધ્યમ દ્વારા વ્યક્ત કરવા જ પડે છે. જે ભાષામાં એ ઉત્તમમાં ઉત્તમ રીતે વ્યક્ત થાય એ છે આપણી માતૃભાષા, અન્યનું શોષણ ન કરતાં સહાયરૂપ બનવાની માનવીની ભાવના જ્યારે કાર્ય દ્વારા તેના જીવનમાં વ્યક્તથાય છે ત્યારે સભ્યતાનું સર્જન થાય છે. માનવીના હૃદયમાં ઊઠતા ઉમદા ભાવો, સત્ય, પ્રેમ, કરુણા અને પ્રજ્ઞા જેવા ઉત્તમ આદર્શો – સંગીત, નૃત્ય, નાટક, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, સાહિત્ય જેવા માધ્યમો દ્વારા કલાત્મક રીતે વ્યક્ત થાય છે ત્યારે સંસ્કૃતિનું સર્જન થાય છે. વિશ્ચ સંસ્કૃતિમાં ગુજરાતની સભ્યતા અને સંસ્કૃતિનું પ્રદાન અણમોલ છે.
ગુજરાતી ભાષાની કઈ ફિલ્મ આપને સૌથી વધુ ગમે છે ? તથા આપના પ્રિય ગુજરાતી ફિલ્મી કલાકારો કોણ છે ?
શાહબુદ્દીન રાઠોડનો હાસ્યઘોડો (ચલચિત્ર) જે હવે રીલીઝ થશે.
ગમતા ગુજરાતી કલાકાર – શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી (અભિનય સમ્રાટ)
કયું ગુજરાતી નાટક આપને સૌથી વધુ ગમે છે ?
અભિનય સમ્રાટ, નાટક, ગુજરાતી પ્રોગ્રામ : ડાયરો
આપના પ્રિય ગુજરાતી સાહિત્ય સર્જકોનાં નામ જણાવશો ? (કવિ – લેખક – નાટ્યકાર – નવલકથાકાર વગેરે…)
કવિ : કવિશ્રી દાદ
લેખક : મનુભાઈ પંચોલી (દર્શક)
નાટ્યકાર : ચં.ચી. મહેતા
નવલકથાકાર : કનૈયાલાલ મુનશી
વિવેચક : ભૂપત વડોદરિયા
આપનું મનગમતું ગુજરાતી પુસ્તક કયું છે ?
ગુજરાતનો નાથ – કનૈયાલાલ મુનશી
આપને ગમતી એક-બે ગુજરાતી કહેવતો અથવા રૂઢિપ્રયોગો જણાવો.
નેળનાં ગાડાં નેળમાં નથી રે’તાં
સમજૂતિ : સાંકડા રસ્તામાં ચાલતાં ગાડાં કાંઈ સાંકડા રસ્તામાં કાયમ માટે ન રહે બહાર નીકળે.
નેળ : સાંકડો રસ્તો
વરસશે ત્યારે તો વાડમાં એ વરસશે
સમજૂતિ : વરસાદ વરસે છે ત્યારે બધે વરસે છે. વાડીમાં અને વાડમાં પણ સ્થિતિ સુધરે છે ત્યારે ચારે તરફથી ફાયદો થાય છે.
આપણે માતૃભાષાને ચાહીએ છીએ – આ બાબત કેવી રીતે સાબિત કરી શકીએ ?
પરિવારમાં માતૃભાષામાં વાત કરીને માતૃભાષાનાં અખબારો વાંચીને માતૃભાષાનાં મેગેઝીનો, પુસ્તકોને પ્રોત્સાહન આપીને.
માતૃભાષાના રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે શું કરવું જોઈએ ? આપનાં મંતવ્યો જણાવો.
માતૃભાષામાં જે કાંઈ શ્રેષ્ઠ સર્જનો થયાં છે તેને આકાશવાણી, દૂરદર્શન, ટીવી સિરીયલ, પુસ્તકો, મેગેઝીન, ફિલ્મ – જે માધ્યમો સુલભ હોય તેના દ્વારા લોકો સુધી પહોંચાડવાનો સંનિષ્ઠ પ્રયાસ શ્રેષ્ઠ માર્ગ છે
ગુજરાતી ભાષાના પ્રચાર માટે બહુમૂલ્ય યોગદાન આપનાર એક-બે મહાનુભાવો તથા સંસ્થાઓનાં નામ જણાવશો ?
પ્રફુલ્લ દવે : લોકગાયક
હેમંત ચૌહાણ : ભજનિક
ભિખુદાન ગઢવી : લોકકલાકાર
ગુજરાતી સાહિત્ય પરિષદ
આપના પ્રેરણાદાયી વિચારો ગુજરાતી ભાષાના એક-બે સુવિચારો દ્વારા અમારા મિેત્રોને કહો.
સુખ અને દુ:ખ બંનેથી માનવી જ્યારે પર થઈ જાય છે ત્યારે એ આનંદની ભૂમિકાએ પહોંચે છે. આનંદ જ્યારે વિશુદ્ધ બને છે ત્યારે પરમાનંદ બને છે અને પરમાનંદ પરમાત્મા સુધી પહોંચાડે છે. તમે ખડખડાટ હસો છો ત્યારે વિચાર બંધ થઈ જાય છે સાથે જ મનનું વિસર્જન થઈ જાય છે અને સાથે અહં પણ વિલીન થઈ જાય છે. અહંવિહીન દશાનો આનંદ અનેરો હોય છે એટલે હાસ્ય એ ધ્યાનનું પ્રવેશદ્વાર છે. હસો, હસાવો અને હસી નાખો.
ગુજરાતી ભાષાને લગતી કોઈ યાદગાર ઘટના આપના જીવનમાં બની હોય તો જણાવશો.
છેલ્લાં 45 વર્ષથી સહકુટુંબ સાથે બેસીને માણી શકે તેવું નિર્દોષ હાસ્ય સર્જીને રજૂ કરવાનો પ્રયાસ કરું છું, દેશમાં અને વિદેશમાં એ જ મારે માટે યાદગાર ઘટના છે.
શ્રી શાહબુદ્દીન રાઠોડ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.