ફિલિપ ક્લાર્ક – જાણીતા ગુજરાતી કવિ, ગઝલકાર તથા બાળ સાહિત્યકાર
નામ : ફિલિપ ક્લાર્ક, જન્મ : 23 – 12 – 1940
ફિલિપ કલાર્ક ગુજરાતી ભાષાના જાણીતા કવિ, ગઝલકાર તથા બાળ સાહિત્યકાર છે. બાળ સાહિત્ય, કવિતા, ગીત, ગઝલ, હાસ્ય, લઘુકથા વગેરેનાં 35થી વધુ પુસ્તકો પ્રકાશિત થયેલ છે. ગુજરાતીનાં પ્રધાન સામાયિકોમાં પણ તેમની રચનાઓ અનેકવાર પ્રકાશિત થઈ છે.
અગાઉ શિક્ષક તરીકે સેવા બજાવેલ છે. હિંદી વિષય સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરેલ છે. હિંદીની વિનીત પરીક્ષા પણ ઉત્તીર્ણ કરેલ છે. હાલ નિવૃત્ત સરકારી કર્મચારી તરીકે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે કાયમી નિવાસ કરીને રહે છે તથા શક્ય તેટલી ભાષા અને સાહિત્યની સેવાઓ બજાવે છે.
વિશેષ સિદ્ધિઓમાં તેમણે ગુજરાત સાહિત્ય અકાદમીના 3 પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું નટવર માળવી પારિતોષિક તથા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પુરસ્કાર પણ હાંસલ કરેલ છે. ગુજરાતી સાહિત્ય પરિષદ મધ્યસ્થ સમિતિ સભ્ય તરીકે માતૃભાષાની સેવાઓ બજાવેલ છે. દૂરદર્શન તેમજ આકાશવાણીના માન્ય કવિ તરીકે પ્રસ્થાપિત થયેલ છે. ગુજરાત સાહિત્ય અકાદમી પરામર્શક તરીકે સેવાઓ આપેલ છે. જુદી જુદી સંસ્થાઓમાં નિર્ણાયક તરીકે અનેકવાર સેવાઓ બજાવેલ છે.
GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત માતૃભાષા ગુજરાતીના પ્રચાર – પ્રસાર માટે ગુજરાતીલેક્સિકનને તેમણે આપેલા રસપ્રદ ઉત્તરોને ચાલો માણીએ.
માતૃભાષા ગુજરાતીનો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો આપ શું આપો ?
માતૃભાષા ગુજરાતી એટલે માના ધાવણ, ગળથૂથી અને હાલરડાંમાંથી મળેલી ભાષા.
આપને ગમતા કોઈ ગુજરાતી ગીતનું નામ જણાવો.
તારી આંખનો અફિણી (કવિ – વેણીભાઈ પુરોહિત), ફિલ્મ : દીવાદાંડી (૧૯૫૦), સંગીતકાર : અજીત મર્ચન્ટ, સ્વર : દિલીપ ધોળકિયા
આપને ગમતી કોઈ ટૂંકીવાર્તા તથા નવલકથાનું નામ જણાવશો ?
ધૂમકેતુ રચિત – પોસ્ટ ઑફિસ
આપણી ભાષાઃ આપણી સંસ્કૃતિ – આ સૂત્રને આપના વિચારો મુજબ ટૂંકમાં સમજાવશો ?
હૃદયના, લાગણીના અને પ્રેમના ભાવો વ્યક્ત કરવાની સંસ્કૃતિ અને સંસ્કારનો સમન્વય એટલે ગુજરાતી.
આપને ગમેલું ગુજરાતી ભાષાનું કોઈ ચલચિત્ર ? જેમનો અભિનય ગમ્યો હોય તેવા અભિનેતા ?
ફિલ્મ : પાતળી પરમાર (સને 1978), કલાકાર : ઉપેન્દ્ર ત્રિવેદી (અભિનય સમ્રાટ)
કયું ગુજરાતી નાટક આપને સૌથી વધુ ગમે છે ?
એક ડાળનાં પંખી
આપના પ્રિય ગુજરાતી સાહિત્ય સર્જકોનાં નામ જણાવશો ? (કવિ – લેખક – નાટ્યકાર – નવલકથાકાર વગેરે…)
કવિ : ઉમાશંકર જોષી, નાટ્યકાર : સોહિલ વિરાણી, નવલકથાકાર : પ્રિયકાન્ત પરીખ, વિવેચક : સુરેશ દલાલ અને સુરેશ જોશી.
આપનું મનગમતું ગુજરાતી પુસ્તક કયું છે ?
ગાંધીજીની આત્મકથા
આપને ગમતી એક-બે ગુજરાતી કહેવતો અથવા રૂઢિપ્રયોગો જણાવો.
કહેવતો : સંપ ત્યાં જંપ, મન હોય તો માળવે જવાય
આપણે માતૃભાષાને ચાહીએ છીએ – આ બાબત કેવી રીતે સાબિત કરી શકીએ ?
માતૃભાષામાં જ વાત કરીએ, ઘરમાં તેમજ અન્ય વ્યવહારમાં માતૃભાષા બોલવાનો જ આગ્રહ રાખીએ.આપણે બાળકોને પ્રથમ માતૃભાષા તરફ વાળીએ.
માતૃભાષાના રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે શું કરવું જોઈએ ? આપનાં મંતવ્યો જણાવો.
માતૃભાષાના રક્ષણ માટે શાળાઓમાં તેને ફરજીયાત વિષય બનાવીએ, કચેરીઓ અને જીવન વ્યવહારમાં તેનો છૂટથી ઉપયોગ કરીએ. મનોરંજનનાં માધ્યમો અને સાંસ્કૃતિક પ્રોગ્રામોમાં તેને જ પ્રાધાન્ય આપીએ.
ગુજરાતી ભાષાના પ્રચાર માટે બહુમૂલ્ય યોગદાન આપનાર એક-બે મહાનુભાવો તથા સંસ્થાઓનાં નામ જણાવશો ?
ગુજરાત વિદ્યાપીઠ, કલાપી, ઝવેરચંદ મેઘાણી.
આપના પ્રેરણાદાયી વિચારો ગુજરાતી ભાષાના એક-બે સુવિચારો દ્વારા અમારા મિેત્રોને કહો.
અંગ્રેજી વહીવટની, હિન્દી તખતાની જ્યારે ગુજરાતી કલા, સંસ્કૃતિ અને કવિતાની ભાષા છે.
ગુજરાતી ભાષાને લગતી કોઈ યાદગાર ઘટના આપના જીવનમાં બની હોય તો જણાવશો.
એક શાળામાં વક્તૃત્વ સ્પર્ધા હતી. વિષય હતો – નવી પેઢી. જેમાં ગમે તે ભાષામાં બોલવાની છૂટ હતી. ઘણા વિદ્યાર્થીઓ વટ ખાતર અંગ્રેજીમાં તો કેટલાક હિંદીમાં બોલ્યા. કેટલાક બોલ્યા માતૃભાષા ગુજરાતીમાં. અંગ્રેજી તેમજ હિંદી બોલનાર વિદ્યાર્થીઓ ગુજરાતી હતા પણ શ્રેષ્ઠ વક્તા તરીકે નિર્ણાયક તરીકે મેં ગુજરાતીમાં બોલનાર વિદ્યાર્થીને જાહેર કર્યો. તેની રજૂઆત અને શબ્દાર્થ ભાવપૂર્ણ હતા, જ્યારે હિંદી અને ગુજરાતી મુદ્દા માત્ર યંત્રવત્ બોલી ગયા હોય તેમ લાગ્યું. સૌથી વધુ તાળીઓ અને દાદ ગુજરાતીમાં બોલનાર વિદ્યાર્થીને જ મળી.
માતૃભાષાનાં સેવાકાર્યોને બિરદાવતાં (GL) નો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો શું આપો ?
આધુનિક ટેક્નોલૉજીના ઉપયોગથી માતૃભાષાનો બહોળો અને કલાત્મક ઉપયોગ થઈ શકે, ઘણાં બઘાં ભાષાકીય કામ માતૃભાષામાં સરળતાથી થઈ શકે, નાનામાં નાની વ્યક્તિ સમજી શકે એવી રજૂઆત દ્વારા માતૃભાષાની બહુમૂલ્ય સેવા બજાવેલ છે.
શ્રી ફિલિપ ક્લાર્ક
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ