જન્મઃ ૦૮-૦૭-૧૯૩૮
અભ્યાસ: બી.એ., એલ.એલ.બી., પત્રકારત્વમાં ડિપ્લોમા
પારિતોષિકોઃ હાસ્ય પુસ્તકો માટે સાહિત્ય અકાદમીના ચાર પારિતોષિકો તથા સાહિત્ય પરિષદ દ્વારા જ્યોતીન્દ્ર દવે પારિતોષિક મેળવેલ છે.
તેમનું જાણીતું પુસ્તક ‘સરવાળે ભાગાકાર’ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતમાં બી.એ.માં પાઠ્યપુસ્તક તરીકે સ્વીકૃતિ પામેલ છે. અત્યાર સુધીમાં તેમનાં ૧૨ પુસ્તકો પ્રગટ થયેલ છે. તેમના મનમાં ગુજરાતી ભાષા માટે ખૂબ જ પ્રેમ અને અસ્મિતાની લાગણી છે. ગુજરાતી ભાષાના ગૌરવ તથા પ્રચાર – પ્રસાર અને પુરસ્કાર માટે તેઓ સતત પ્રયત્નશીલ છે.
GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત, માતૃભાષા ગુજરાતીના પ્રચાર હેતુ તૈયાર કરાયેલી પ્રશ્નાવલિના તેમણે આપેલા રસપ્રદ ઉત્તરોને ચાલો વાંચીએ….
માતૃભાષા ગુજરાતીનો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો આપ શું આપો ?
માતૃભાષા ગુજરાતી અંગેના તેમના વિચારો કવિ શ્રી વિપિન પરીખના નીચેના કાવ્ય દ્વારા રજૂ કરેલ છે :
‘મીઠા મધુને મીઠા મેહુલા રે…એથી મીઠી મારી ગુજરાતી ભાષા’. એ ભાષામાં હું વિચારું છું અને દુનિયાને પણ તે મારફત સમજું છું.
આપને ગમતા કોઈ ગુજરાતી ગીતનું નામ જણાવો.
કવિ શ્રી વેણીભાઈ પુરોહિત દ્વારા લખાયેલું ‘તારી આંખનો અફિણી…’.
આપને ગમતી કોઈ ટૂંકીવાર્તા તથા નવલકથાનું નામ જણાવશો ?
ટૂંકી વાર્તા: દસ લાખની નોટ, લેખક: રજનીકુમાર પંડ્યા ; નવલકથા: ગુજરાતનો નાથ
આપણી ભાષાઃ આપણી સંસ્કૃતિ – આ સૂત્રને આપના વિચારો મુજબ ટૂંકમાં સમજાવશો ?
સંસ્કૃતિની સમજ ભાષા મારફત જ ઘડાય છે. ભાષા મારફત જ આપણી સંસ્કૃતિની સુવાસ ફેલાવી શકાય છે.
ગુજરાતી ભાષાની કઈ ફિલ્મ આપને સૌથી વધુ ગમે છે ? તથા આપના પ્રિય ગુજરાતી ફિલ્મી કલાકારો કોણ છે ?
ગુજરાતી ફિલ્મ – ‘કેવી રીતે જઈશ ?’ ઘણી ગમેલી. જૂની ફિલ્મોમાં છગન રોમિયોની અદાકારી ગમેલી, અર્વાચીન સમયમાં સદાબહાર પદ્મશ્રી ઉપેન્દ્રભાઈ ત્રિવેદી ગમે.
કયું ગુજરાતી નાટક આપને સૌથી વધુ ગમે છે ?
ગુજરાતી નાટકમાં ‘ખેલંદો’ ખૂબ ગમેલું. ગુજરાતી ટીવી કાર્યક્રમોમાં GTPL પર રજૂ થતા ડાયરા ગમે છે.
આપના પ્રિય ગુજરાતી સાહિત્ય સર્જકોનાં નામ જણાવશો ? (કવિ – લેખક – નાટ્યકાર – નવલકથાકાર વગેરે…)
કનૈયાલાલ મુનશી, ગુણવંત આચાર્ય તથા જ્યોતીન્દ્ર દવેની રચનાઓ દ્વારા હું ખૂબ પ્રભાવિત થયો છું. તેઓ સૌ મારા પ્રિય સાહિત્ય સર્જકો છે.
આપનું મનગમતું ગુજરાતી પુસ્તક કયું છે ?
એક નામ આપવું ખૂબ અઘરું થઈ પડે…પણ ‘અમે બધા’ તથા ‘ગુજરાતનો નાથ’ કહી શકાય.
આપને ગમતી એક-બે ગુજરાતી કહેવતો અથવા રૂઢિપ્રયોગો જણાવો.
રૂઢિપ્રયોગો: જાવા દ્યો ઘા એ ઘા
કહેવતો: બોલે તેનાં બોર વેચાય (બહુ બોલે તો બોર એટલે કે કંટાળો પણ પેદા કરે), જાગ્યા ત્યારથી સવાર (મારી સવાર સાત – આઠ વાગે ગણાય)
આપણે માતૃભાષાને ચાહીએ છીએ – આ બાબત કેવી રીતે સાબિત કરી શકીએ ?
સરળ ગુજરાતી ભાષામાં બોલીને…(મતલબ કે ભદ્રંભદ્ર જેવું નહીં)
માતૃભાષાના રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે શું કરવું જોઈએ ? આપનાં મંતવ્યો જણાવો.
શક્ય તેટલો માતૃભાષાનો ઉપયોગ કરવો. આજથી ૪૮ વર્ષ પહેલાં મારાં લગ્ન થયાં હતાં, ત્યારે મિત્રો માટેના આમંત્રણપત્ર અંગ્રેજીમાં જ છપાતાં. મેં તે વખતે ગુજરાતીમાં છપાવેલ.(કદાચ આવો પ્રયાસ પ્રથમ હશે.)
ગુજરાતી ભાષાના પ્રચાર માટે બહુમૂલ્ય યોગદાન આપનાર એક-બે મહાનુભાવો તથા સંસ્થાઓનાં નામ જણાવશો ?
ગુજરાત વિશ્વકોશ-અમદાવાદ, ન્યૂજર્સીનું મૅગેઝિન ગુજરાત દર્પણ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ચંદરયા ફાઉન્ડેશન.
આપના પ્રેરણાદાયી વિચારો ગુજરાતી ભાષાના એક-બે સુવિચારો દ્વારા અમારા મિેત્રોને કહો.
અમારા વિસ્તારમાં હરતાં-ફરતાં મેં જોયું છે કે, બૂટ-ચંપલની ડઝન દુકાનો છે પણ પુસ્તકની એક પણ નથી. લાગે છે આપણે આપણા માથા કરતાં પગની વધારે ચિંતા કરીએ છીએ.
ગુજરાતી ભાષાને લગતી કોઈ યાદગાર ઘટના આપના જીવનમાં બની હોય તો જણાવશો.
બચપણમાં મેં જોયેલું કે મારા મોસાળમાં ગુજરાતી પુસ્તકોનું સમૂહમાં બેસીને વાંચન થતું હતું.
માતૃભાષાનાં સેવાકાર્યોને બિરદાવતાં (GL) નો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો શું આપો ?
ગુજરાતીલેક્સિકન આજની ઘડીને રળિયામણી બનાવી રહ્યું છે. ભાષાની આવતી કાલ તેજસ્વી જણાય છે તે શુભશુકન દીસે છે.
શ્રી નિરંજન ત્રિવેદી
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.