જન્મઃ ૬-૧૦-૧૯૪૦, અમદાવાદ.
૧૯૫૭માં એસ.એસ.સી., ૧૯૬૧માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ., ૧૯૬૩માં ગુજરાતી અને ભાષાવિજ્ઞાન વિષયોમાં એમ.એ., ૧૯૬૯માં પી.એચ.ડી., ૧૯૬૩થી ૧૯૬૬ સુધી એમ. એમ. શાહ મહિલા કૉલેજ, સુરેન્દ્રનગરમાં ગુજરાતીના પ્રાધ્યાપક અને પ્રિન્સિપાલ. ૧૯૬૬થી ૧૯૬૮ સુધી સરસપુર આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, અમદાવાદમાં પ્રાધ્યાપક અને ૧૯૬૮-૬૯માં ત્યાં જ આચાર્ય. ૧૯૬૯થી ૧૯૮૦ સુધી ભાષાવિજ્ઞાનના વ્યાખ્યાતા. ૧૯૮૦થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ભાષાવિજ્ઞાનના રીડર.
‘બે કિનારાની વચ્ચે’ (૧૯૮૨) અને ‘કૃષ્ણજન્મ’ (૧૯૮૩) એમની લઘુનવલો છે. ‘ભીલીની કિશોરકથાઓ’ (૧૯૭૬) અને ‘મનોરંજક બોધકથાઓ’ (૧૯૭૯) એમનું બાળસાહિત્ય છે. ‘ભાષા અને તેનું ભૌતિક સ્વરૂપ’ (૧૯૬૭), ‘બોલીવિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ’ (૧૯૭૪), ‘ભાષા, સમાજ અને સાહિત્ય’ (૧૯૭૫), ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ (૧૯૭૭), ‘ભાષા વિજ્ઞાન અને ભાષાકૌશલ્યોનું શિક્ષણ’ (૧૯૭૯), ‘સામાજિક ભાષાવિજ્ઞાન’ (૧૯૮૩) વગેરે એમનાં ભાષાશાસ્ત્રને લગતાં પુસ્તકો છે.
તેમણે પોતાના શબ્દોમાં આપેલો પોતાનો વિશિષ્ટ પરિચયઃ ડૉ. યોગેન્દ્ર ધીરુભાઈ વ્યાસ પૂર્વ ડિરેક્ટર, ભાષા સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી. પ્રો. અનંતરાય રાવળ, પ્રો. ઉમાશંકર જોશી અને પ્રો. પ્રબોધ પંડિતનો વિધાર્થી, ભંડારી, ડૉ. નીલોત્તલા ગાંધી, ડૉ. પી. જે. પટેલ, ડૉ. પિંકી પંડ્યા, ડૉ.અર્ચના પટેલ વગેરેનો પ્રોફેસર. પચાસ ઉપરાંત ગુજરાતી પુસ્તકોનો લખનાર, સંપૂર્ણ આર્યનારી અંજુબેનનો વર અને નટખટ હ્રિતુનો દાદો.
GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત, માતૃભાષા ગુજરાતીના પ્રચાર હેતુ તૈયાર કરાયેલી પ્રશ્નાવલિના તેમણે આપેલા રસપ્રદ ઉત્તરોને ચાલો વાંચીએ.
માતૃભાષા ગુજરાતીનો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો આપ શું આપો ?
ભારતીય આર્યકુળની સૌથી વધુ હાઈબ્રિડ અને લવચીક એવી ભાષા. કદાચ તેથી વધુ અસરકારક રીતે અવગમન સાધી શકનારી ભાષા.
આપને ગમતા કોઈ ગુજરાતી ગીતનું નામ જણાવો.
‘આજ મહારાજ! જલ ઉપર ઉદય જોઈને ચંદ્રને હૃદય હર્ષ જામે’ – એ ‘સાગર અને શશી’ – તેનો ઝૂલણા છંદ અને શંકરાભરણ રાગ.
આપને ગમતી કોઈ ટૂંકીવાર્તા તથા નવલકથાનું નામ જણાવશો ?
ટૂંકી વાર્તા – પોસ્ટઑફિસ – ધૂમકેતુ, નવલકથા – સરસ્વતીચંદ્ર – ગોવર્ધનરામ ત્રિપાઠી
આપણી ભાષાઃ આપણી સંસ્કૃતિ – આ સૂત્રને આપના વિચારો મુજબ ટૂંકમાં સમજાવશો ?
ભાષા ભૂંસાય તો સંસ્કૃતિ ભૂંસાય. ગુજરાતી સંસ્કૃતિ મળતાવડા-મિલનસાર પાપભીરૂ પ્રજાજનોની છે. ગુજરાતી ભાષામાં લાંબો સમય ઝઘડો કરવાનું ફાવતું નથી તેનું કારણ તેની પ્રજાની સંસ્કૃતિ.
ગુજરાતી ભાષાની કઈ ફિલ્મ આપને સૌથી વધુ ગમે છે ? તથા આપના પ્રિય ગુજરાતી ફિલ્મી કલાકારો કોણ છે ?
‘ભવની ભવાઈ’ અરવિંદ ત્રિવેદી, ઉપેન્દ્ર ત્રિવેદી, સરિતા જોશી
કયું ગુજરાતી નાટક આપને સૌથી વધુ ગમે છે ?
‘જળને પડદે’ – ‘કાન્ત’ના જીવન પર આધારિત, લેખકઃ પ્રો. સતીશ વ્યાસ
આપના પ્રિય ગુજરાતી સાહિત્ય સર્જકોનાં નામ જણાવશો ? (કવિ – લેખક – નાટ્યકાર – નવલકથાકાર વગેરે…)
પ્રેમાનંદ, અખો, નાનાલાલ, મુનશી, પન્નાલાલ, કાંત, ઉમાશંકર, સુંદરમ્, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, ધ્રુવ ભટ્ટ
આપનું મનગમતું ગુજરાતી પુસ્તક કયું છે ?
‘હિન્દસ્વરાજ’ – ગાંધીજી
આપને ગમતી એક-બે ગુજરાતી કહેવતો અથવા રૂઢિપ્રયોગો જણાવો.
કહેવતો – શિર સલામત તો પઘડિયાં બહોત, જીવતો નર ભદ્રા પામે
રૂઢિપ્રયોગો – અવાજ ઉઠાવવો, ખાઈ-પીને મંડવું
આપણે માતૃભાષાને ચાહીએ છીએ – આ બાબત કેવી રીતે સાબિત કરી શકીએ ?
માતૃભાષાને વધુ અને વધુ સાંભળીને, વાંચીને, બોલીને, લખીને અને એટલી વધુ અનુવાદિત કરીને આપણે માતૃભાષાને ચાહીએ છીએ તે સાબિત કરી શકાય.
માતૃભાષાના રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે શું કરવું જોઈએ ? આપનાં મંતવ્યો જણાવો.
માતૃભાષાને યોગ્ય જગ્યાએ, યોગ્ય રીતે સતત વાપરવી. પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ મેળવવું અને અન્ય અનેક ભાષાઓની કૃતિઓનો ગુજરાતીમાં અને ગુજરાતી કૃતિઓનો અન્ય અનેક ભાષાઓમાં અનુવાદ કરીને માતૃભાષાનું રક્ષણ, પ્રચાર, પ્રસાર કરી શકાય.
ગુજરાતી ભાષાના પ્રચાર માટે બહુમૂલ્ય યોગદાન આપનાર એક-બે મહાનુભાવો તથા સંસ્થાઓનાં નામ જણાવશો ?
મહાત્મા ગાંધીજી અને રતિલાલ ચંદરયા. ગૂજરાત વિધાપીઠ અને ગુજરાતીલેક્સિકોન.
આપના પ્રેરણાદાયી વિચારો ગુજરાતી ભાષાના એક-બે સુવિચારો દ્વારા અમારા મિેત્રોને કહો.
‘નમે તે સૌને ગમે’, “ જે હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્વય બદલાય નહીં”
ગુજરાતી ભાષાને લગતી કોઈ યાદગાર ઘટના આપના જીવનમાં બની હોય તો જણાવશો.
1965માં હું પૂના હતો ત્યાં સ્વ. ડૉ. પ્રબોધ પંડિત પાસે ‘થિયોસોફી સોસાયટી ઑફ ઇન્ડિયા’ – અદ્યારનાં શ્રી સીતાદેવી ગુજરાતી ભાષાનાં વાક્યો ‘ઇન્ડિયન લેંગ્વેજ હાઈ-વે ફોર ઑલ’ નામના તેમના પુસ્તકમાં સામેલ કરાવવા આવેલા. પ્રો. પંડિત મારા ગુરુ એટલે તેમણે તરત એ કામ મને સોંપ્યું. પંદર ભાષાઓ સાથે ગુજરાતીનાં વાક્યો (લગભગ પાંચસો જેટલાં) એ પુસ્તકમાં ઉમેરાવતાં મને ખૂબ ગૌરવ અને આનંદની લાગણી થયેલી. એ છસો પાનાંના દળદાર પુસ્તકમાં ગુજરાતી ભાષા સંદર્ભે મારું નામ છપાયેલું તે મારે માટે યાદગાર ઘટના હતી.
અમારી ગુજરાતીલેક્સિકોન વેબસાઇટમાં કયા વિભાગો આપને વધુ ગમે છે ?
નવા ને નવા શબ્દો ઉમેરતો વિભાગ ધ્યાનપાત્ર છે.
માતૃભાષાનાં સેવાકાર્યોને બિરદાવતાં (GL) નો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો શું આપો ?
વૈશ્વિક સ્તર ઉપર ગુજરાતી ભાષાના ફેલાવા માટે પ્રયત્નશીલ આ સેવાકાર્યનો જય હો.- ઘણું લાંબું ટકો.
શ્રી યોગેન્દ્ર ધીરુભાઈ વ્યાસ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.