શાંતિ
February 04 2015
Written By નિમિષા ?????
પ્રભાતનાં સોનેરી કિરણો પૃથ્વી પર ફેલાયા. રજનીની વિદાય સાથે ઉષાનું આગમન થયું. એક નવી સવાર. શહેર આખું રજાની બે દિવસની આળસ મરડી ઊભું થયું. જે લોકો નોકરી કરતાં હતાં એ લોકો પોતપોતાને કામે જવા દોડાદોડી કરવા લાગ્યાં અને બાકીનાં ઘરનાં કામમાં જોતરાઈ ગયાં. ઉષાના કિરણો સાગર પર પડતાં એક નયનરમ્ય દ્રશ્ય સરજાઈ ગયું પણ શહેરનાં લોકો પાસે કુદરતને માણવાનો સમયજ ક્યાં હતો ? આવા નયનરમ્ય દ્રશ્યોને માણવા વિદેશીઓ આવતાં. સાગરકિનારાની પાંચસિતારા હોટલોમાં રોકાતા અને આવા નયનરમ્ય દ્રશ્યોને માણતાં. એ જ કિનારા પર આવેલા માલેતુજારોના ફ્લેટ્સમાં રહેતાં તવંગરો પાસે આવા કુદરતી દ્રશ્યોને માણવાનો સમય નહોતો. સવાર પડતાં ની સાથે જ બંને જગ્યાએ ચહલ પહલ શરુ થઈ ગઈ અને ચહલપહલ શરુ થઈ સાગરકિનારાની પાંચસિતારા હોટલો અને પાસે ઉભેલી ઘણી બહુમંઝિલ ઈમારતોની ફૂટપાથ પર પણ.
“રૂપલી આજે સોમવાર થયો. હું નંદુડીને લઈને પેલી પારનાં મહાદેવનાં મંદિરે જાઉં છું. તું દેવલાને લઈને આપણી રોજની જગ્યાએ આવી જજે.” ચમને પોતાની પત્નીને કહ્યું. રૂપલીએ નંદુડી સામે નજર કરી એ પોતાના ફાટેલા ફ્રોકથી ભાઈના નાકનો શેઢો લૂછવાની કોશિશ કરતી હતી. દેવલો મોં ફેરવી લેતો હતો. એને નાક સાફ નહોતું કરાવવું.
“એ ના…ના…આજે તમે એકલાજ જાઓ. આ દેવલાનું શરીર જરા ગરમ છે. નંદુડી સાથે હોય તો દેવલાને સાચવે ને.” રૂપલી એ કહ્યું.
ચમન કહે, “અરે રૂપલી , તું ભુલી ગઈ ? આજે સોમવાર છે ને પેલા શેઠ દર સોમવારે પુરી ને શાક વહેંચે છે. હું તો કહુ છું તું પણ આપણા રોજના મંદિરે જવાનું છોડી મારી સાથે જ આવ.”
“પણ પછી એ મંદિરમાં આપણી બેસવાની જગ્યા જતી રહેશે. આમ પણ પેલો મગનીઓ આવ્યો છે ત્યારથી બધી જ જગ્યા એના બાપની હોય એમ જ વર્તે છે.” રૂપલીએ ચિંતા વ્યક્ત કરી.
મોટા શહેરોમાં ભિખારીઓનાં પોતાનાં વિસ્તારો હોય છે. એકબીજાનાં વિસ્તારમાં ભીખ માગવા પણ જઈ ના શકાય. નવાઈ લાગે છે ને ? ખેર ! એ એમની જુદી જ દુનિયા છે.
ચમને રૂપલીને ફરી સમજાવી “ગરમ-ગરમ પુરીશાક તો મલશે ને ? બસ..” થોડી આનાકાની પછી રૂપલી માની ગઈ. ઘરનો સામાન ખૂણામાં મૂકી દીધો. સામાનમાં તો શું હોય ? એક ગોબાયેલી તપેલી, એક કાણી તાસક, બે ગોબાયેલાં પવાલા,એક નાનું પાણીનું માટલું ને બે ફાટેલી ગોદડીઓ. જેમાંથી એક નો ઉપયોગ એ લોકો પાથરવવામાં અને એક્નો ઉપયોગ ઓઢવામાં કરતાં. ચારપાંચ લાકડા ચુલો સળગાવવા માટે અને રોટલા કરવા માટીની એક તાવડી. બસ આ પૂરું રાચરચીલું એ લોકોનું. બધા સપરિવાર મહાદેવના મંદિરે જવા નીકળ્યા. એમના પરિવારમાં ચમન, સાત મહિનાની ગર્ભવતી એની પત્ની રૂપલી ,ચાર વરસની દીકરી નંદુડી અને બે વરસનો દીકરો દેવલો. ફૂટપાથ પર છ ફૂટનું એમનું ભાડાનું ઘર. તમને થશે કે ભાડાનું ? ફૂટપાથ પર તે વળી કોણ ભાડું વસુલ કરે ? પણ રોજ નવી જગ્યા શોધવી ના પડે એટલે મોટા શહેરોમાં પોલીસોને ભાડું ચુકવવું પડતું હોય છે જેથી રાતે શાંતિથી સૂઈ શકાય.
બપોરે શેઠે આપેલું ગરમ ગરમ પુરીશાક ખાઈને સામેના પીપળાના ઝાડ નીચે એમણે આરામ કર્યો. આ માલેતુજારો ખરાખોટાં કામો કરતાં અને એ પાપો માંથી મુક્તિ મેળવવા આવા કેટલાયે દાન કરતાં. એનાથી એમને એ પાપોથી છુટકારો મળતો હશે કે કેમ એ તો ભગવાન જ જાણે પણ અઠવાડિયે એક વાર ભિખારીઓને પેટ ભરીને ખાવાનું જરૂર મળતું અને તે પણ ગરમ ગરમ. સાંજે પોટલીમાં સંતાડેલા પુરીશાક ખાઈને બધા પોતાના કહેવાતા ‘ઘરે’ આવ્યાં. સંધ્યાની પાછળ રજનીનું આગમન થઈ ચૂક્યું હતું. બધા ફૂટપાથી પડોશીઓ સાથે બેસીને પોતપોતાના એ દિવસના અનુભવો વહેંચતા હતાં અને એકાએક ….
એકાએક…. ધન્… ધ.ન… ધન્…. ગોળીઓનાં અવાજથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું. એ અવાજ ક્યાંથી આવ્યો કે શેનો આવ્યો એ વિચારવા મળે એ પહેલાં તો રસ્તા પરથી પસાર થતાં કેટલાક લોકો રસ્તા પર જ ઢળી પડ્યાં. લોકોમાં ગભરાટ ફેલાયો અને લોકો નાસભાગ કરવા લાગ્યાં. ગોળીઓથી વિંધાઈને ઢળી પડવા લાગ્યાં. કોઇક ઘાયલ તો કેટલાંક સીધાં પ્રભુ પાસે. આ આતંકવાદીઓનો હુમલો હતો. પાંચસિતારા હોટલમાં રહેતાં વિદેશીઓને નિશાન બનાવી દેશને બદનામ કરવાનું કાવત્રું હતું.
ચમન આ ગોળીઓનાં હુમલાથી પોતાના પરિવારને બચાવવા નંદુડી અને દેવલાને ઉંચકી રૂપલીને બૂમો પાડતો સુરક્ષિત જગ્યા શોધવા દોડવા લાગ્યો. દૂ…ર એક દિવાલ દેખાઈ. ચમને નંદુડી અને દેવલાને ત્યાં ઉતાર્યા અને રૂપલીને લેવા દોડ્યો. રૂપલી તો ચમનની પાછળ પાછળજ ત્યાં પહોંચી ચુકી હતી. એણે ચમનને બૂમ મારી રૂપલીને ઠીકઠાક જોઈ ચમનના જીવમાં જીવ આવ્યો અને એ પોતાના પરિવાર પાસે જવા દોડ્યો પણ વચ્ચે યમરાજ આવી ને ચમનને લઈ ગયાં. ગોળીઓ નો વરસાદ ચમન અને બીજા ફૂટપાથી પડોશીઓ પર પડ્યો અને બધા ત્યાં જ ઢેર થઈ ગયાં. રૂપલી અવાક થઈને ચમનને જોઈ રહી. માત્ર બે જ સેકંડમાં બધું બની ગયું. ગોળીઓએ થોડો વિરામ લીધો ને રૂપલી દોડીને ચમનની લાશને ઘસડીને દિવાલ પછીતે લઈ આવી અને એને વળગીને રોવા લાગી. નંદુડી અને દેવલાને સમજ નહીં પડી કે આ શું થઈ ગયું. એ પણ ચમનની લાશને વળગીને રોવામાં રૂપલીનો સાથ આપવા લાગ્યા.
થોડા વિરામ બાદ ફરી ગોળીઓની ધણધણાટી શરૂ થઈ ગઈ અને આ વખતે બમણા વેગથી. થોડાં જ સમયમાં પોલીસ અને એમ્બ્યુલંસ આવી. ઘાયલો અને મૃતકોના શરીરો ઉઠાવીને લઈ ગઈ અને બાકી બચેલાને સુરક્ષિત જગ્યાએ ખસેડવા લાગી. રૂપલી પોલીસની નજર ચૂકવી દિવાલ પાછળ સંતાઈ ગઈ. એને બીક હતી કે બધું પતી ગયા પછી પોતાની સુવાની જગ્યા કોઇ પડાવી ન લે. હવે તો ચમન પણ નહતો. બે નાના બાળકો અને ત્રીજું પેટમાં. ક્યાં જશે પોતે જગ્યા શોધવા ? હવે પોલીસો પણ સામે ગોળીબાર કરવા લાગ્યા હતાં તો આતંકવાદીઓ પણ ક્યાં પાછા પડે એમ હતાં ? આખીરાત ધણધણાટી ચાલી અને પછી સવાર પડી.
રોજ રમણીય લાગતી સવાર આજે બિહામણી લાગતી હતી. રાતનાં અંધારામાં ઘટનાનો અંદાજ લગાવવો મુશ્કેલ હતો સવાર પડતાં જ એની ગંભીરતાં સમજાઈ. સરકારે લશ્કર બોલાવ્યું. સરહદ પરનાં યુદ્ધ જેવું વાતાવરણ થઈ ગયું. આખો દિવસ ગોળીઓનો ધણધણાટ ચાલુ જ રહ્યો હતો એમાં રૂપલી ખાવાનું શોધવા ક્યાં જાય ? આજુબાજુના કચરામાંથી ખાવાનું શોધી શોધીને બાળકોને ખવડાવ્યું અને પોતે કચરામાંથી વિદેશીઓએ પીધેલા પાણીના બાટલાઓ ઉઠાવીને થોડું પાણી પી લીધું. આમ એક દિવસ તો ગયો. પણ હજુ ગોળીઓની ધણધણાટી ઓછી થતી નહોતી. રાત પણ આમ જ પસાર થઈ ગઈ. બીજા દિવસની સવાર પડી. ભૂખથી હવે તો એના પેટના બાળકનું હલનચલન પણ ઓછું થઈ ગયું હતું. કચરામાંથી શોધેલું ખાવાનું ખલાસ થઈ ગયું હતું અને પાણી પણ ઓછું થઈ ગયું હતું. આજે સવારથી દેવલાનાં પેટમાં પાણી સિવાય કશું જ ગયું નહોતું. તાવથી દેવલાનું શરીર વધારે તપી ઉઠેલું અને એમાં પાછી ભૂખ. નાનકડો જીવ ક્યાં સુધી ઝઝુમે ? સાંજ પડતાં તો દેવલાનો જીવ દેવ પાસે પહોંચી ગયો. રૂપલીએ વિચાર્યું હતું કે અંધારામાં આમતેમ જઈ પોલીસોની નજર ચૂકવી ખાવાનું શોધી લાવશે પણ હવે દેવલાને તો ખાવાની જરૂર રહી નહીં. નંદુડી પણ મા ભૂખ લાગી છે ની માળા જપતી હતી. રૂપલીનો જીવ આતંકવાદીઓને ગાળો આપવા લાગ્યો હતો. ગોળીઓની ધણધણાટી ઓછી થવાનું નામ નહોતી લેતી. એણે હુમલાખોરોની દિશામાં નજર કરી. દૂર એને એક રોટલીનો ટૂકડો દેખાયો. કદાચ બારીમાં ઉભા ઉભા કોઇ આ તમાશો જોતાં જોતાં ખાતું હશે ને ગોળી વાગવાથી એ નીચે પડ્યું હોય અને એના હાથમાંથી રોટલી નો ટૂકડો પડી ગયો હોય. જે હોય તે. પણ રૂપલી ને તો એ ટૂકડામાં ભગવાન દેખાયા. નિશ્ચેષ્ટ દેવલાનું શરીર નંદુડીને સોંપીને રૂપલીએ કહ્યું,
“દીકરા, તું ભાઈને જો હું રોટલો લઈને આવું છું.” નંદુડી તો એમજ સમજતી હતી કે દેવલો ઊંઘે છે. એને માથે હાથ ફેરવતાં ફેરવતાં બોલતી હતી,
“ભઈલા, મા હમણાં રોટલો લઈને આવશે. આપણે બધા સાથે બેસીને ખાઈશું હોં ને ભઈલા ? ” રૂપલી ભૂખી, એના પેટનું બાળક પણ ભૂખું અને એની દીકરી પણ ભૂખી. આ બધાની સામે ગોળીબારની કોઇ વિસાત એને નહીં લાગી અને એ રોટલી ની દિશામાં દોડી. હજુ પોલીસની નજર પડે અને એ રૂપલીને રોકે એ પહેલાં તો ગોળી રૂપલીના શરીરની આરપાર નીકળી ગઈ અને એ ત્યાં જ ઢળી પડી. એના પેટનું બાળક પણ સહેજ તરફડીને શાંત થઈ ગયું. આ બાજુ નંદુડી ભાઈના માથા પર હાથ ફેરવતાં રોટલો ખાવાની આશામાં દેવલાની બાજુમાં એને ભેટીને સુઈ ગઈ રખેને ગોળીઓના અવાજથી ભાઈ જાગી જાય. એ ક્યાં જાણતી હતી કે હવે કોઇ અવાજ એના ભાઈને ઉઠાડી શકે એમ નથી. કાળરાત્રી પસાર થઈ ગઈ અને પાછી સવાર પડી. રૂપલીની લાશ શબવાહિનીમાં ઉઠાવીને લઈ જવાઈ. દેવલાને ભેટીને સૂતેલી નંદુડી સવાર પડી પણ ઊઠી જ નહીં. એ પણ પોતાના ભાઈ પાસે ચાલી નીકળી હતી.
હવે બધું શાંત થઈ ગયું હતું અને ચમનનું આખું કુંટુંબ તો કાયમ માટે શાંત થઈ ગયું હતું. આતંકવાદીઓ હોવા છતાં કેવી શાંતિ સ્થાપી ગયા હતાં?
More from નિમિષા ?????
More Stories
Interactive Games
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.