મૂર્ખ કોણ ?
August 19 2015
Written By Gurjar Upendra
એક હતો રાજા. તેના દરબારમાં ઘણાં નરરત્નો હતા. નરરત્નો એટલે જુદાં-જુદાં ક્ષેત્રનાં બુદ્ધિશાળી માણસો. પણ રાજાને વિચાર થયો, ‘આપણા રાજ્યમાં એક મૂર્ખરત્ન પણ હોવો જોઈએ. એના માટે પણ ગાદી પડવી જોઈએ.’
તેથી તેણે પ્રધાનજીને કહ્યું, ‘મૂર્ખરત્નની ગાદી ખાલી છે. દેશ-વિદેશમાં ફરો ને જે સૌથી મૂર્ખ હોય તેને શોધી લાવો. ‘ પ્રધાનજીએ આજ્ઞા માથે ચઢાવી. મહિનાઓ સુધી પ્રધાનજી અને સૈનિકો ફર્યા, પણ મૂર્ખ મળ્યો નહીં.
પછી એક ઝાડ પર તેમણે એક માણસ જોયો. તે જે ડાળી પર બેઠો હતો, તેને જ કાપતો હતો. પ્રધાનજી તે વ્યક્તિને રાજા પાસે લઈ આવ્યા. રાજાને બધી વાત કરી. રાજાને સંતોષ થયો.
પછી રાજાએ તે માણસના ગળામાં ‘મૂર્ખનો સરદાર’ એવું પાટિયું પહેરાવ્યું. માણસે પૂછ્યું, ‘આ પાટિયું મારે ક્યાં સુધી પહેરી રાખવાનું ?’ રાજા કહે,’તારાથી મોટો મૂર્ખ ન મળે ત્યાં સુધી .’ દિવસો વીત્યા. એકવાર રાજા બીમાર થયા. તેમનો મૃત્યુનો સમય આવી ગયો હતો.
રાજાએ મૂર્ખરત્નને પણ યાદ કર્યો. મૂર્ખરત્ન આવ્યો. તેણે રાજાને પૂછ્યું, ‘શુ થયું રાજાજી ?’ રાજા કહે, ‘ હું લાંબી યાત્રાએ ઊપડું છું !’ મૂર્ખરત્નને બધી ખબર પડી ગઈ. તેણે રાજાને પૂછ્યું, ‘ તમે આ યાત્રા માટે કાંઈ તૈયારી કરી છે? ભજન-ભક્તિ કર્યાં છે ?’
રાજા કહે, ‘ ના. રાજ્ય ચલાવવામાંથી સમય જ ક્યાં મળતો હતો.’ આવું સાંભળ્યું કે તરત જ મૂર્ખરત્ને ‘મૂર્ખનો સરદાર’નું પાટિયું રાજાના ગળામાં પહેરાવી દીધું ને કહ્યું, ‘માણસ નાની મુસાફરી હોય તેનીય તૈયારી કરે છે. તમે ભગવાનના ઘરે જવાની લાંબી મુસાફરીનીય કાંઈ તૈયારી ન કરી. મારા કરતાં મોટા મૂર્ખ તમે છો.’
બોધ : આ દુનિયા છોડી એકવાર બધાને મૃત્યુની લાંબી મુસાફરીએ જવાનું જ છે. જેણે જીવન દરમ્યાન ભજન-ભક્તિ-સત્સંગ કરી પોતાનું કલ્યાણ ન કર્યું, તે ગમે તેટલો સત્તાવાળો, પૈસાવાળો કે દુનિયાની દષ્ટિએ મોટો હોય, તોપણ ‘મૂર્ખનો સરદાર જ કહેવાય.
More from Gurjar Upendra
More Stories
Interactive Games
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.