ભાઈબંધ
August 21 2015
Written By Gurjar Upendra
કાઠિયાવાડમાં જૂનાગઢ ગામ.
ને એમાં દાદુશેઠ રહે.
દાદુશેઠ મૂળે તો દ્વારકાના વાઘેર અને એમની સાત પેઢીનો ધંધો લૂંટફાટનો. પણ દાદુશેઠમાં અક્કલ વધારે હતી એટલે એમણે ધંધામાં બુદ્ધિ લગાડી.
એક રૂપિયાના એકવીસ થયા.
અને એકવીસના એકવીસસો થયા.
લક્ષ્મી ઝપાટાબંધ વધવા લાગી. દાદુ વાઘેરને સહુ તુંકારે બોલાવતા હતા એને બદલે દાદુશેઠ થઈ રહ્યું. જે સગાંવહાલાં પહેલાં સામે પણ નહોતાં જોતાં તે બબ્બે દિવસે મળવા આવવા લાગ્યાં.
દાદુશેઠના ભાઈબંધો પણ વધી ગયા.
નગરશેઠ ને દીવાનજી, સેનાપતિ ને શરાફ સહુ સાથે દાદુશેઠને દોસ્તી થઈ ગઈ. જેમજેમ લક્ષ્મી વધતી ગઈ એમએમ ભાઈબંધોનાં હેત પણ વધતાં ગયાં. દાદુશેઠની સ્ત્રીનું નામ લખમી હતું. એમને એક દીકરો હતો. એનું નામ મૂળુ હતું.
દાદુ વાઘેરનું જેમ દાદુશેઠ થયું હતું એમ લખમીનું લક્ષ્મીબહેન થઈ ગયું હતું. શેઠની સાથે શેઠાણીનાં માનપાન પણ વધી ગયાં હતાં.
પણ લક્ષ્મીશેઠાણીને એક વાતની ભારે નવાઈ લાગતી હતી.
રોજ સવાર પડે છે ને શેઠને મળવા માટે કેટલાય શેઠિયાઓ ને સરદારો આવે છે; અને જે લોકો શેઠને મળવા આવે છે તેમાંથી કોઈ શેઠ માટે, કોઈ શેઠાણી માટે, તો કોઈ મૂળુ માટે કંઈ ને કંઈ ભેટ લેતા આવે છે.
પણ ખૂબીની વાત એ છે કે, શેઠ કોઈ મહેમાનને મળવા ગાદી ઉપરથી ઊભા નથી થતા. બધાને ગાદીએ બેઠાબેઠા જ આવકાર આપે છે. હસીને બધાની ભેટસોગાદો લઈ લે છે. મહેમાન વિદાય થાય છે ત્યારે પણ ગાદી ઉપરથી શેઠ ઊભા થતા નથી.
પણ બપોર પછી એક મેલોઘેલો માણસ રોજ શેઠને મળવા આવે છે. એ માણસ શેઠને શેઠ નથી કહેતો પણ બહારથી ‘દાદુ’… કરીને બૂમ પાડે છે. એનો અવાજ સાંભળીને શેઠ ગાદી ઉપરથી ઊભા થઈને બહાર જાય છે અને એને ભેટી પડે છે. આગ્રહ કરીને ઘરમાં લઈ આવે છે, પ્રેમથી નાસ્તો કરાવે છે અને વિદાય થાય છે ત્યારે શેઠ જાતે ઊભા થઈને એને બારણા સુધી વળાવવા જાય છે.
એ માણસનું નામ આદમ છે. આદમ જાતનો મિયાણો છે અને શેઠ કહે છે કે એ એમનો ભાઈબંધ છે.
શેઠાણીને નવાઈ લાગી છે.
આવો મેલોઘેલો માણસ શેઠનો ભાઈબંધ ? મોટામોટા ચમરબંધીને ય ના આપે એટલું માન શેઠ આ ભૂખડીબારસને શું કામ આપતા હશે ? નથી કોઈ દિવસ પાઈનીયે વસ્તુ લાવ્યો, તોય શેઠ એને ભાઈબંધ શું કામ કહેતા હશે ?
ધીમેધીમે શેઠાણીને આદમ મિયાણા ઉપર તિરસ્કાર આવવા માંડ્યો. આદમ ઘરમાં આવે કે શેઠાણી મોં ચઢાવવા લાગ્યાં.
દાદુશેઠ ચાલાક હતા. મનમાં સમજી ગયા કે આદમ આવે છે એ વાત શેઠાણીને નથી ગમતી. આ વાત શેઠના ખ્યાલમાં આવી કે મોં મલકી ગયું.
શેઠાણી કહે : કાં શેઠ, હસ્યા શું ?
શેઠ કહે : કોઈ ખાસ વાત નથી. અમસ્તું જ મોં મલકી ગયું.
શેઠાણી કહે : ના, ના, એમ અમસ્તું કંઈ તમો હસો નહીં.
શેઠાણીએ બહુ આગ્રહ કર્યો ત્યારે છેવટે શેઠ કહે : આ મારો દોસ્ત આદમ મિયાણો આવે છે ત્યારે તમે મોં ચઢાવો છો એ યાદ આવ્યું કે મોં મલકી ગયું.
શેઠાણી કહે : અમે તમને એ જ પૂછવાનાં હતાં.
શેઠ કહે : શું ?
શેઠાણી કહે : આપણે ત્યાં આટઆટલા શેઠિયાઓ આવે છે, મોંઘામૂલી ભેટ-સોગાદો લાવે છે પણ એમાંથી એકેયનો તમે આટલો આદરસત્કાર કરતા નથી અને આ મેલોઘેલો આદમ આવે છે એને સગા ભાઈની જેમ આવકાર આપો છો. એનું શું કારણ ?
શેઠ કહે : આદમ મારો ભાઈબંધ છે.
શેઠાણી કહે : અને આ બીજાઓ આવે છે એ તમારા ભાઈબંધો નથી ?
શેઠ કહે : ના.
શેઠાણી કહે : કેમ ?
શેઠ કહે કે એ લોકો મારા ભાઈબંધ હોત તો હું ગરીબ હતો ત્યારે પણ મને મળવા આવતા હોત ! આપણી પાસે પૈસા નહોતા ત્યારે એમાંથી કોઈ આપણી ખરખબર લેતું નહોતું. એવા વખતમાં પણ આદમ મારો દોસ્ત હતો. આ લોકો તો આપણી શેઠાઈના દોસ્તો છે, પૈસાના ભાઈબંધ છે; ધન ન હોય તો એ લોકો ઘડી વાર પણ ઊભા રહે નહીં.
શેઠાણી કહે : અમે આ વાત માનીએ નહીં.
શેઠ કહે : ભલે, તમારે ન માનવી હોય તો કંઈ નહીં. વખત આવશે ત્યારે ખબર પડશે.
શેઠાણી કંઈ બોલ્યાં નહીં,
એમ કરતાં-કરતાં એક વરસ પસાર થઈ ગયું.
શેઠાણી આદમની વાતને ભૂલી જવાય આવ્યાં.
એવામાં એક દિવસ શેઠ એકાએક હાંફળાફાંફળા ઘેર આવ્યા. મોં પર લોહીનો છાંટો ના મળે. શેઠને આવા વેશમાં જોયા કે શેઠાણીના પેટમાં ફાળ પડી ગઈ. કહે આજે આમ ગભરાયેલા કેમ લાગો છો ? શું થયું છે ?
શેઠ કહે : ગજબ થઈ ગયો છે !
શેઠાણી કહે : પણ વાત શી છે ?
શેઠ કહે : વેપારમાં મોટી ખોટ આવી ગઈ છે.
શેઠાણી કહે : ઓહો, એમાં શું થઈ ગયું ? વેપારમાં તો કોઈ વાર નફો થાય તો કોઈ વાર ખોટ પણ જાય. એમાં આમ ગભરાવાનું શું ? કાલ સવારે પાછો નફો થશે, વેપારમાં તો આવું ચાલ્યા જ કરે.
શેઠ કહે : પણ આ તો એવું નથી. ખોટ એવડી મોટી છે કે બધું વેચી દેવું પડશે. પહેર્યે કપડે બહાર નીકળી જઈશું.
શેઠાણી કહે : હા, પણ એક વાત નહીં બને. આપણા મૂળુ ના શરીર પર છે એટલાં ઘરેણાં રહેવા દેવાં પડશે.
શેઠ કહે : ભલે.
શેઠને માથે ગરીબાઈ આવી ગઈ. મોટી હવેલી ખાલી કરીને નાના ઘરમાં રહેવા જવું પડ્યું. નોકર-ચાકરને રજા આપી દીધી. શેઠાણી બધું કામ હાથે કરવા લાગ્યાં.
ઘરમાંથી ધન ગયું, એ સાથે જ શેઠના દોસ્તો, ભાઈબંધોની સંખ્યા ઘટવા લાગી. પહેલાં રોજના દોઢસો માણસો મળવા આવતા હતા. એ હવે સાવ બંધ થઈ ગયા. ભેટ-સોગાદનું તો નામે ના રહ્યું.
પણ રોજ બપોર થાય છે કે પેલો મિયાણો આવે છે. શેઠને એટલા જ હેતથી ભેટે છે. થોડી વાર આડીઅવળી વાત કરે છે ને ચાલ્યો જાય છે… એક દિવસની વાત.
શેઠ બહારગામ ગયા હતા. કહેલું કે સાંજે પાછો આવી જઈશ. શેઠાણી ઘરમાં કામ કરતાં હતાં. એવામાં એકાએક ઘરની બહાર કોલાહલ સંભળાયો. શેઠાણી બહાર આવ્યાં. બહાર છોકરાંનું મોટું ટોળું ઊભું હતું. શેઠાણીને જોયાં કે એક છોકરો કહે : મૂળુની બા, તમારા મૂળુને લૂંટારાઓ લઈ ગયા !
શેઠાણીના પેટમાં ફાળ પડી. મોં ઉપરથી લોહી ઊડી ગયું. કહે : કોણ લઈ ગયું ?
એક મોટો છોકરો કહે : અમે ભાગોળે રમતા હતા ત્યાં ઘોડા ઉપર બેસીને બે લૂંટારાઓ આવ્યા. મૂળુના શરીર ઉપર દાગીના હતા એ જોઈને એક લૂંટારાએ ઘોડાને ઊભો રાખ્યો અને નીચે ઊતરીને મૂળુને પકડીને બેસાડી દીધો ઘોડા ઉપર અને પછી ગિરનાર તરફ ઘોડાને દોડાવી મૂક્યો.
શેઠાણી ગભરાયાં.
શેઠ ઘરમાં નહીં મૂળુને લૂંટારાઓ લઈ ગયા છે. હવે કોની મદદ માગવી ?
એ વખતે શેઠાણીને શેઠના ભાઈબંધ પેલા શેઠિયાઓ યાદ આવ્યા, દીવાન અને સેનાપતિ યાદ આવ્યા. શેઠાણી તો ઊપડ્યાં.
એકએકને ઘેર જઈને ખોળો પાથરીને વિનંતી કરી કે ભાઈ, શેઠ ઘેર નથી અને મારા મૂળુને લૂંટારા લઈ ગયા છે. તમે કંઈ મદદ કરો.
પણ કોઈએ શેઠાણીની વાતને એક કાનેથી સાંભળીને બીજે કાનેથી કાઢી નાખી; તો કોઈએ કહ્યું કે, શું કરીએ ? અમે તો હમણાં દોડી જાત પણ અત્યારે જ બીજું કામ આવીને પડ્યું છે !
આમ શેઠાણીને કોઈએ કંઈ મદદ ના કરી.
છેવટે બધે ફરીને થાક્યાં ત્યારે શેઠાણીને યાદ આવ્યું ને શેઠાણી દોડ્યાં આદમને ઘેર. આદમે શેઠાણીને હાંફળાંફાંફળાં આવતાં જોયાં કે સામે દોડ્યો. કહે : શું છે, ભાભી ? આજે આમ રઘવાયાં કેમ દેખાવ છો ?
શેઠાણી કહે : ગજબ થઈ ગયો છે, આદમભાઈ. તમારા ભાઈ ઘેર નથી અને મૂળુને લૂંટારા લઈ ગયા છે.
આદમ તરત ઘરમાં દોડ્યો. જઈને એની તલવાર લઈ આવ્યો. આંગણે બાંધેલી ઘોડી છોડી. કહે : લૂંટારા કઈ બાજુ ગયા છે ?
શેઠાણી કહે : ગિરનાર તરફ ગયા છે.
આદમે ઘોડી ગિરનાર તરફ દોડાવી મૂકી.
આદમને ગયાને થોડી વાર થઈ એવામાં જ શેઠ ઘેર આવી પહોંચ્યા. શેઠાણીનું મોં પડી ગયેલું હતું, રડવા જેવાં થઈ ગયાં હતાં. શેઠ કહે : શું થયું ? મૂળુ ક્યાં ગયો ?
શેઠાણીએ રડતાંરડતાં બધી વાત કહી.
તરત જ શેઠ ઘોડા ઉપર બેસીને ઊપડ્યા. સાથે તલવાર લઈ લીધી. મારમાર કરતો ઘોડો ગિરનાર તરફ દોડાવી મૂક્યો.
આ બાજુ આદમ લૂંટારાઓના ઘોડાઓનું પગેરું જોતો ઘોડી દોડાવે જાય છે. મનમાં એમ છે કે, હમણાં લૂંટારા દેખાયા છે ને હમણાં ધડથી ડોકાં જુદાં કર્યાં છે.
એમ કરતાં ખૂબ આઘે નીકળી ગયો.
દૂરથી બે ઘોડેસવાર જતા દેખાયા. મોંએ બુકાનીઓ બાંધેલી જોઈ કે આદમ સમજી ગયો. આ જ પેલા લૂંટારા.
આદમે તો તલવાર બહાર કાઢી ! બૂમ પાડીને કહે : ઊભા રહેજો ચોરટાઓ !
લૂંટારાઓએ જોયું કે આદમ એકલો છે એટલે બેય જણાએ ઘોડા ઊભા રાખ્યા ને તલવારો બહાર કાઢી.
એક બાજુ આદમ એકલો ને બીજી બાજુ બે લૂંટારા.
તલવારની રમઝટ ચાલી.
આદમ જીવ ઉપર આવીને લડ્યો અને બેય લૂંટારાઓને ખલાસ કરી નાખ્યા.
આદમને પણ ઘણા ઘા વાગ્યા.
એનું શરીર લોહીથી તરબોળ થઈ ગયું, અને એ બેભાન થઈને પડ્યો.
દાદુશેઠ મારતે ઘોડે પાછળ આવી પહોંચ્યા. જુએ છે તો બે બહારવટિયા મરી ગયેલા પડ્યા છે. આદમ ઘાયલ થઈ ગયો છે ને મૂળુ એક બાજુ બેઠોબેઠો રડે છે.
આદમને ઘોડા ઉપર નાખીને શેઠ ઘેર લઈને આવ્યા. શેઠાણીને કહે : કાં, જોયું ને ? સાચો ભાઈબંધ તે આ આદમ ! બીજા બધા પૈસાના ભાઈબંધ હતા. તે પૈસા હતા ત્યાં સુધી રહ્યા. આપણો સાચો ભાઈબંધ હતો આ આદમ, તે આપણા માટે જીવ આપવા પણ તૈયાર થઈ ગયો.
શેઠાણી શું બોલે ?
આદમની સગા ભાઈ જેવી ચાકરી કરીને શેઠે એને સાજો કર્યો.
થોડા વખતમાં તો શેઠનો ધંધો પાછો ધમધોકાર ચાલતો થઈ ગયો. પહેલાંના કરતાંય વધારે ધનવાન થઈ ગયા. ફરી પાછા લોકો ભેટસોગાદો લઈને આવવા લાગ્યા.
પણ હવે શેઠાણી સમજી ગયાં છે. બધાને એ હસતે મોંએ આવકાર આપે છે, પણ આદમ બપોરે આવે છે ત્યારે શેઠાણી એને સગા ભાઈ કરતાંય વધારે માન આપે છે.
સાચા-ખોટાનો ભેદ હવે શેઠાણીને સમજાઈ ગયો છે.
– નવનીત સેવક
More from Gurjar Upendra
More Stories
Interactive Games
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.