ગોપુના દોસ્તો
August 20 2015
Written By Gurjar Upendra
એક છોકરો, ગોપાળ એનું નામ, પણ બધા એને ગોપુ કહે.
ગોપુના ઘરમાં ઘરઘર રમવાનાં રમકડાં.
થાળી, વાટકી ને ચમચી. ગોપુ એમની સાથે રમતો.
ગોપુએ એક કૂતરી પાળેલી, નામ એનું ઝમકુડી.
ગોપુનો એક દોસ્ત રામુ, બીજી એક દોસ્ત રમતુડી.
ગોપુ નિશાળે જતો, ભણતો, ને ગીત ગાતો :
હું રામુ ને રમતુડી,
ઝમક-ઝમક ઝમકુડી,
થાળી-વાટકી ચમચુડી,
ઝમક ઝમક ઝમકુડી.
આજે રવિવાર, રજાનો દિવસ, મોજમસ્તીનો દિવસ.
ગોપુ ને એના દોસ્તો રમવા ભેગા થયા.
‘નિશાળ, નિશાળ રમીએ આજે!’ ગોપુએ કીધું.
‘હા, હું પટાવાળો પિન્ટુ બનું!’ રામુ નાચવા લાગ્યો.
‘ને હું બનું ટીચર!…’ ગોપુય નાચવા લાગ્યો.
‘હું શું બનું?’ રમતુડી બોલી. ‘ને હું?…’ વાટકી બોલી.
‘તું? તું સ્ટુડન્ટ! ને વાટકી, તુંય સ્ટુડન્ટ!’
‘તો, ભલે!’ રમતુડી રાજી થઈ ગઈ. વાટકીય ખુશ.
રામુએ થાળી લીધી, ને ચમચી લઈને ઘંટ વગાડ્યો.
રમતુડી, ને વાટકી બેસી ગયાં.
ગોપુ ગરજી ગરજીને બોલવા માંડ્યો : ઘંટ જોરથી વગાડ, છોકરાં સરખાં બેસો!’
થોડીકવારમાં ધમાચકડી મચી ગઈ ઘરમાં.
ઓરડાનું બારણું ખૂલ્યું.
ગોપુના પપ્પાને રાતપાળીની નોકરી, ઉજાગરો તે એ ભર-ઊંઘમાંથી જાગ્યા. એમની લાલચોળ આંખો જોઈ કે : ‘બાપરે!’ ગોપુભૈ સા’એબ સૌથી પહેલાં ભાગ્યા.
બિલ્લીને જોતા ઉંદર ભાગે તેમ રામુ, રમતુડી જાય નાઠાં – પોતપોતાનાં ઘેર : ‘બાપરે, ભાગો રે… માર્યા રે!’
પણ બિચારાં થાળી-વાટકી ને ચમચુડી પકડાઈ ગયાં!
ગોપુના પપ્પાએ ત્રણેયને ઊંચાં કરી કરીને પછાડ્યાં.
થાળી-વાટકીને ગોબા પડી ગયા.
ચમચુડી ઢીલીઢફ ને એકદમ વાંકી વળી ગઈ.
ઘરના બારણા આગળ બેઠેલી ઝમકુડીય દોડી, પૂંછડી પટપટાવતી. એનેય વગર વાંકે છુટ્ટી ચંપલનો માર મળ્યો.
થાળી કહે : ‘મારે હવે ગોપુના ઘરમાં નથી રહેવું!’
વાટકી કહે : ‘મારેય નથી રહેવું!’
ચમચુડી લંગડાતી લંગડાતી બોલી : ‘હુંય આ ચાલી!’ આ ત્રણેય ચાલતાં ચાલતાં એક બંગલામાં ગયાં.
બંગલામાં રહેતા બે છોકરાએ : ‘આવો’, કીધું નહીં! એમને જોઈને છોકરાની મમ્મીએ મોં મચકોડ્યું. થોડીવાર થઈ ત્યાં કામવાળી આવી, ગુસ્સે થઈને એણે છણકો કર્યો : ‘લ્યા, તમને કોણે અહીં બોલાવ્યાં છે?’
થાળી-વાટકી ને ચમચુડી કીચનના બારણે થંભી ગયાં.
એ લોકો એક-બીજાના મોં સામે જોવા લાગ્યાં : ‘આ તો અપમાન કે’વાય, ચાલો, તો હવે બીજા બંગલામાં!’ થાળી બોલી.
એ ત્રણેય ગયાં બીજા બંગલામાં. પણ ત્યાંય કોઈએ એમનો ભાવ ના પૂછ્યો, એક શેઠાણી જેવી જાડી બાઈએ તો ચમચૂડીને બારી બહાર ફેંકી દીધી : ‘આવી ચમચી તે વળી બંગલામાં સારી લાગતી હશે!’ એણે નોકરાણીને વઢી નાંખી, નોકરાણીએ તો તરત વાટકી-થાળીનેય ઊંચકીને ફેંક્યાં-બારણા બહાર…છેક આંગણામાં!
હવે? થાળી-વાટકી ને ચમચૂડી રોવા જેવાં થઈ ગયાં. પછી તો એ બોલ્યા-ચાલ્યા વગર ફરી પાછાં ગયાં – ગોપુને ઘેર.
ગોપુ ઓટલે બેઠો હતો, મોં ચઢાવીને.
ગોપુની મમ્મીય લમણે હાથ દઈને રસોડામાં બેઠી હતી.
ઝમકુડી આંગણાના ખૂણામાં લપાઈને બેઠી હતી.
થાળી-વાટકી, ને ચમચૂડી શો તાલ થાય છે એ જોઈ રહ્યાં, આંગણાના ખૂણે ઊભાં રહીને.
ગોપુના પપ્પા આવ્યા : ‘લ્યા, ચાલ, ખાવા ઊઠ!’
‘મારે ખાવું-પીવું નથી.’
‘તો ભણવા બેસ!’
‘મારે ભણવુંય નથી, ને ગણવુંય નથી!’
‘એક તો ધમાલ કરીને મારી ઊંઘ બગાડી ને હવે રિસાઈને બેઠો છે!?
ગોપુની મમ્મી આવી : ‘ગોપુ, ચાલ, તને નવાં ઇસ્ટીલના થાળી-વાટકી ને ચમચી લાવી દઈશ બસ!’
‘ના, ના, મને મારાં દોસ્ત જોઈએ! મારે ખાવું નથી!’
‘તો મારેય ખાવું નથી!’ મમ્મી એની પાસે બેસી ગઈ. પપ્પા બોલ્યા : ‘તારી મમ્મી ના ખાય તો મારેય ઉપવાસ આજે!’
ઝમકુડી ચમકી, એ ઊભી થઈ ગઈ. ભસવા માંડી.
અરે! આ શું! ઓટલા પર ખડીંગ! ખડીંગ!!
‘હેય!’ કહીને ગોપુએ કૂદકો માર્યો. એ ગાવા લાગ્યો :
ઝમકઝમક ઝમકુડી!
થાળી-વાટકી-ચમચૂડી!
ગોપુનો ગાવાનો અવાજ સાંભળીને હેય! હેય! હેય! કરતાં રામુ ને રમતુડી દોડી આવ્યાં તરત જ.
પછી એ સૌ ભેગાં મળીને નાચવા લાગ્યાં : ‘એલા, તમે બધાં ક્યાં રફ્ફુચક્કર થઈ ગ્યાં’તાં?
હેં!’ ગોપુની મમ્મી હસી પડી, પણ એમની સામે એક શબ્દયે બોલે કે ચાલે એ બીજાં! …હેય! હેય! કરતાં બધાં ગાવા લાગ્યાં :
ગોપુ, રામુ, રમતુડી, ઝમક ઝમક ઝમકુડી,
તાળી લઈને નાચે કેવાં થાળી-વાટકી-ચમચૂડી!
– રમેશ ત્રિવેદી
More from Gurjar Upendra
More Stories
Interactive Games
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.