ગુરુભક્ત આરુણિ

September 17 2015
Written By GujaratilexiconGurjar Upendra

 

એક નદીને તીરે ધૌમ્ય ઋષિનો આશ્રમ. આશ્રમમાં અનેક શિષ્યો. શિષ્યાઓ પણ ખરી. કોઈ પાસેના ગામથી નો કોઈ દૂરના ગામથી એમ બધાં ભણવા આવેલાં. ગુરુ એમને વેદ ભણાવે, પુરાણ ભણાવે, બધાં શાસ્ત્રો ભણાવે.

 

સવાર થાય ને આશ્રમ વેદોના મંત્રોના અવાજથી ગાજી ઊઠે. હોમ-હવનના અગ્નિનો પવિત્ર ધુમાડો આકાશમાં ચધવા લાગે. કોઈ શિષ્ય શાસ્ત્રના મંત્રો બોલતો હોય તો કોઈ આશ્રમના કામમાં મદદમાં લાગી ગયો હોય. કોઈ ઝાડને પાણી પાતો હોય, કોઈ ફૂલો વીણતો હોય, ને કોઈ ગાય દોહતો હોય. કોઈ ધ્યાનમાં ડૂબેલો હોય ને કોઈ ઝાડની ડાળી પર ભીનાં વલ્કલ સૂકવતો હોય. કોઈ શિષ્યા આશ્રમના હરણની દેખભાળ કરતી હોય. ઋષિ શિષ્યો જોડે ઊભા રહી અસ્ત્રશસ્ત્ર પણ શીખવે અને વિદ્યા પણ આપે. ઋષિપત્ની હરણાંને ધરો ને દાભ ખવરાવતાં હોય.

 

ભણવા આવેલા શિષ્યોમાંના એકનું નામ આરુણિ. આશ્રમમાં દાખલ થયો ત્યારથી ગુરુ માટે એને ભારે આદર. ગુરુ માટે સ્નાનના જળની વ્યવસ્થા કરવી, તેમની પથારી કરવી, તેમના ચરણ તળાંસવા, તેમને હોમની તૈયારીમાં મદદ કરવી એમ બધાં કામ તે ઉમંગથી કરે. ગુરુની સેવામાંથી વખત બચે તેમાં તે ગુરુભાઇઓને પણ ઉપયોગી થાય : કોઈની ઓરડી વાળી આપે, કોઈ માંદાની પથારી કરી આપે, કોઈ થાકેલાના ક્યારા સીંચી આપે, કોઈનું વલ્કલ સાંધી આપે.

 

ગુરુની પણ આરુણિ તરફ મીઠી નજર. એની પૂરી સારસંભાળ લે.

 

એક સવારે સંધ્યા અને હવન કરી બધા શિષ્યો ગુરુને પ્રણામ કરવા આવ્યા. ગુરુએ જોયું કે એમાં આરુણિ ન હતો. આકાશ વાદળથી ઘેરાયેલું હતું. વીજળી કાટકા લેતી હતી. પવન જોરથી ફૂંકાતો હતો. મેઘની ભારે ગર્જના થતી હતી.

 

એમને યાદ આવ્યું : "ગઈ કાલે સાંજે આવું જ વાતાવરણ જામ્યું હતું ને વરસાદ થયો હતો. બધા આગળ હું બોલ્યો હતો ખરો કે આ વરસાદનાં પાણી આપણા ખેતરની પાળ તોડી ન નાખે તો સારું. આરુણિ ત્યાં તો નહિ ગયો હોય? વરસાદ તો આખી રાત પડ્યા કર્યો છે."

 

એમણે બીજા શિષ્યોને પૂછ્યું, "તમે કોઈએ આરુણિને જોયો?"

 

શિષ્યોએ કહ્યું, "ગુરુજી! ગઈ કાલ સાંજ પછી એ દેખાયો નથી."

 

ત્યાં તો વરસાદ તૂટી પડ્યો.

 

આવા વરસાદમાં આરુણિ ત્યાં રહે તો એને કેટલું બધું સહન કરવું પડે !

 

બે શિષ્યોને સાથે લઈ ગુરુ આરુણિને શોધવા નીકળી પડ્યા. "ઓ આરુણિ !", "ઓ આરુણિ !" એવી બૂમો પાડતા તેઓ આશ્રમથી ઘણે ડાંગરના ક્યારડા હતા ત્યાં આવી પહોંચ્યા.

 

ક્યારડા પાસે ઊભા રહી ચારે તરફ નજર કરી. કોઈ દેખાયું નહિ.

 

ગુરુએ ફરીથી મોર્‍એથી બૂમો મારી, "બેટા આરુણિ !, બેટા આરુણિ !"

 

ત્યાં તો દૂરથી અવાજ આવ્યો, "ગુરુદેવ ! હું અહીં છું. આ ઓતરાદી પાળ તરફ આવો."

 

ધૌમ્ય અને શિષ્યો ઓતરાદી પાળ તરફ દોડી ગયા.

 

ધૌમ્યે નજર કરી તો આરુણિ ક્યારડાના અંદરના ભાગમાં પાળની આડો પડેલો હતો.

 

આરિણુ બોલ્યો, "ના ગુરુદેવ ! ઊભો નહિ થાઉં, એમ કરું તો આ ક્યારડાનું બધું પાણી વહી જાય. પાળમાં આ જગ્યાએ કાણું પડેલું છે. તે કાણા આડું મેં મારું શરીર ગોઠવ્યું છે. કાણું પુરાય પછી જ મારાથી ઉઠાય."

 

ઋષિએ શંખ ફૂંક્યો. આશ્રમમાંથી ઘણા શિષ્યો દોડી આવ્યા. ચોમેરથી માટી પથરા વગેરે લાવીને તેમણે કાણું પૂરી દીધું.

 

કાણું પુરાયું એટલે હાડમાંસના જીવતા પાળા સમા આરુણિને ધૌમ્યે આજ્ઞા કરી, "આરુણિ ! ઊભો થા."

આરુણિ ઊભો થયો, ગુરુના પગમાં પડ્યો અને બોલ્યો, "ગુરુજી ! મારી કથની કહું?"

 

ગુરુએ કહ્યું, "કહે, વત્સ !"

 

આરુણિ બોલ્યો, "ગુરુદેવ ! કાલે સાંજે હું એકલો ફરતો-ફરતો ડાંગરના ક્યારડા પાસે આવ્યો હતો. મેં જોયું તો ક્યારડાની આ પાળમાં કાણું પડેલું હતું અને તેમાંથી પાણી વહી જતું હતું. તમે અમને કહ્યું હતું કે, 'આજે વરસાદ જેરદાર છે. એનું પાણી આપણા ખેતરની પાળ તોડી ન નાખે તો સારુ. પાળ તૂટી જશે અને પાણી વહી જશે તો ડાંગર નહિ પાકે.' મેં ક્યારડામાંથી માટી લઈને કાણું પૂરવા મથી જોયું. કાણું તો મોટું થવા લાગ્યું. પાણી વધારે ને વધારે વધી જવા લાગ્યું. આશ્રમમાં ખબર આપવા આવું ને બીજાને મદદે બોલાવું એટલામાં તો બધું જ પાણી વહી જાય. એટલે હું કાણા આડે સૂઈ ગયો ને પાણી વહી જતું અટકી ગયું. રાત આખી વરસાદ પડ્યા કર્યો એટલે ન અવાયું. મને માફ કરો."

 

ઋષિ બોલ્યા, "વત્સ ! માત્ર ક્ષમા આપું કે તારા કાર્યની પ્રશંસા કરું?"

 

આરુણિના ચકેરા ઉપર ક્ષોભની લાગણી ઊપસી આવી.

 

ધૌમ્યનો ચકેરો પ્રસન્નતાથી ખીલી ઊઠ્યો.

 

આરુણિના આ કાર્યથી ધૌમ્ય ખૂબ ખુશ થયા અને બોલ્યા, "વત્સ, ભારે વસમી પીડા સહન કરી તેં ! મારા તને આશીર્વાદ છે. તારા મોં ઉપર હું વેદોનો અને શાસ્ત્રોનો પ્રકાશ દેખું છું. તારી વિદ્યા સફળ થાઓ. હવે તારો વિદ્યાભ્યાસ પૂરો થયો. તું મનફાવે ત્યારે ઘેર જઈ શકે છે."

 

ગુરુ અને શિષ્યો ઋષિને લઈ આશ્રમમાં પાછા ફર્યા. સૌએ આરુણિની ભારે પ્રશંસા કરી.

 

બીજા દિવસે ગુરુએ હાથમાં વિદ્યાના ગ્રંથો લીધા ને આરુણિને વિદાય અર્થે તેડ્યો. આરુણિએ ગુરુચરણે ઝૂકીને એમની ચરણરજ લઈને આશ્રમની વિદાય લીધી.

 

આરુણિને બધી વિદ્યા આવડી ગઈ. આશ્રમથી ઘેર આવ્યા પછી એ ઉદ્દાલક નામે ઓળખાયો. ઉદ્દાલક એટલે પાણીનો બંધ.

 

આ ઉદ્દાલકને પછી ગુરુના આશીર્વાદથી જ્ઞાન અને સુખ પ્રાપ્ત થયાં. સમર્થ જ્ઞાની તરીકે ઉદ્દાલક ઉર્ફે આરુણિનું નામ પંકાઈ ગયું.

 

More from Gurjar Upendra

More Stories

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects