ગંગલી ગાંડીના રિસામણા
January 11 2020
Written By Modern Bhatt
ગામને પાદર ઓટલો.ઓટલાની વચ્ચોવચ લીમડો. એનો શીતળ છાંયો, તમે ઘડીક બેસો તો ઊંઘ આવી જાય એવો પવન આવે. ઘરડાબુઢા ને કામ વગરના બધા બેઠા હોય. ચ્હાની કીટલીને ને કપ-રકાબીના ખખડાટની સાથે આખા ગામની ચોવટ ચાલતી હોય. કોણ આવ્યું, કોણ ગયું. કોનું મંડાણું ને કોનું તૂટયું. અલકમલકની વાતો વહેતી હોય. વાત કોઈની પણ હોય, તેમાં સ્ત્રીતો આવે આવે ને આવે જ. એમાંય પાછા જો ભુરુભા ને ખોડો ડાવર ભેગા થઈ જાય, પછી તો જોઈ લો મણારાજ ! કોઈ ઊઠવાનું નામ ના લે, એવા વાતોના તડાકા બોલતા હોય. એટલું ખરું કે એમની વાતમાં હુંકારો ભરવા વાળું કોઈ હોવું જોઈએ. આજે અકરચક્કરમાંથી બધા ભેગા થઈ ગયેલા.
” કાલે વાત અધૂરી મૂકેલી બાપુ, ઇ તો ક્યો.” ખોડા ડાવરે દાણો દાબ્યો.
બાપુ બસ એટલીજ રાહ જોઈ રહયા હતા. એ વાત કરવાના ભારે રસિયા. વાતને લોડવી લોડવીને એવી આગળ વધારેને કે, સાંભળનારના મનમાં એમ થાયા કરે કે, હેં ! હવે શું થાશે ! હવે આગળ શું આવશે ?
” ખોડા, ભઈને કઉં, ગંગાને એના હાહરે મેલવા અમે ત્રણ જણા ગયા હતા. કેટલા જણા ? ” જમણો હાથ ઊંચો કરી ત્રણ આંગળીઓ ખોડાની સામે ધરીને એ અટક્યા.
” ત્રણ જણા” ખોડાએ હોંકારો દીધો.
” હા તો અમે ત્રણ જણા, ગંગલીને લઈને ચાલતા ચાલતા એ આંબલીના જુના ખખડધજ ઝાડ પાસે અડધી રાતે બારેક વાગે પો’ચ્યા. ભાઈને કઉં, કેટલા વાગે ? ”
” બાર વાગે ”
” હા..આ.. એમ બાર વાગે. સુમસામ વગડો ! ભેંકાર વાગે ! તમારાંનો તીણો તિણો અવાજ, આખા શરીરમાં કમકમાટી છૂટે હો ! પવન સુસવાટા મારે ! ક્યો મહિનો હતો ખબર છે ? ”
” ના ભુરુભા મને ક્યાંથી ખબર હોય !”
” ભઈને કઉં, પોહ મહિનો હતો. કડકડતી હાડ ગાળી નાખે તેવી ટાઢ ! અને ઉપરથી પાછી અંધારી રાત.”
” ભારે કરી ! ” વેલાએ ટાપશી પુરી ” તોય બાપુ તમે હેંમત કરી, એ આમલીના ઝાડવાળો મારગ પકડવાની ? ”
” ભઈ ને કઉં, શું થાય ? વેલા, એ ગંગલી એના હાહરેથી રિહાઈને ચોથી વખત પાછી આવેલી. કેટલામી વખત ? ”
” ચોથી વખત.” વેલાએ હુંકારો ભરવાની પોતાની ફરજ સંભાળી.
” તું હાચો હો, ચોથી વખત મારા બેટાની, ગંગલી ! શી ખબર શું કઠતું હતું, એ ભમરાળીને, તે ભઈ ને કઉં, એના હાહરે, એ ટાંટિયો ટકાવીને રે’તી જ ન’તી. મા વગરની છોડી હતી. આથી એની ભાભીએ ગંગાબૂન.. ગંગાબૂન.. કરીને બહુ ફટવાળી હતી. એના ભઈ ભલીયાએ, પોતાનો ભાર ઊતરવા, એ તેર વરહની હતી ને પરણાવેલી દીધેલી.”
ચલમમાં આંગળી નાખીને ભોંય પર ઠપકારતા ભૃરુભા આગળ બોલ્યા.
” આ ભલિયો, ઇ તો બિચારો જેટલી વખત ગંગલી એના હાહરેથી રિહાઈને આવે, એટલા વખત એને મારી મારીને સોઈતારો લઈ નાખતો, તોય રાંડ પાંચ ગાઉનો મારગ કાપી અડધી રાતે પિયરમાં આવતી રે. કેટલા ગાઉ ?”
” પાંચ ગાઉ ” માથામાં ખંજવાળતાં બીજલ જવાબ આપતાં બોલ્યો, ” શું છોડી તારી જિગર ! ”
” તે બાપુ બધા જાણતા હતા કે એ ભલગામળે જવું હોય તો એ આંબલીવાળો જ મારગ. ને આગળ જાતાં ઓલ્યું હઇ(સઇ) તલાવળું. એની પાળ ઉપરથી હેડવાનું.તમેતો હાથે કરીને ઉપાધિ વોરી હતી. ભૂતની આંબલી ને સઇ તલાવળાના અવગતિયા જીવોની આખા મલકને ખબર, ને તોય તમે એજ મારગે રાત ઉપર જ્યા ?” અરજણ કુંભારે આંખનાં ભવાં ચડાવીને અચરજ વ્યક્ત કર્યું.
” આ પરગણાના લોકોમાં એવી વાયકા છે કે, સઇનો છોકરો પરણીને વળતો થયેલો. તેની જાન ગાડામાં આવતી હશે ને વિહામો ખાવા એ તલાવળાના કાંઠે ગાડાં છોડેલાં . એમાં પરણીને આવેલી નવીવહુ તલાવળાના પાણીમાં પગ ધોવા ગયેલી. તળાવમાં એ જગ્યાએ ઊંડો ખાડો. ને વહુનો પગ લપસ્યો, તે પડી ખાડામાં ને ડૂબવા લાગી. બચાવો….બચાવો..એવી રાડો ઊઠી હતી, ને એનો પીઠી ચોળેલો ઘરવાળો એને બચાવવા પાણીમાં કૂદી પડ્યો હતો. તેથી વરવધૂ બેય ડૂબી ગયેલાં, ને કાંઠે ઊભેલાં નિસહાય થઈને જોતાં રહી ગયેલાં. પછીતો પરણેતરના વાઘા પહેરેલી હાલતમાં બેય લાશોને ત્યાંજ તળાવની પાળ પર અગ્નિદાહ દીધેલો. ત્યારથી આ તલાવળું સઇ તલાવળું કહેવાય છે. આ બે વરઘડિયાંના અવગતિયા જીવ એ તલાવળામાં હજુએ ભટકે છે. કોઈ દિવસે કે રાત્રે આ તળાવની પાળ પરથી પસાર થાય ત્યારે કેટલાયને ” બચાવો…બચાવો..જેવા ગેબી અવાજ સંભળાય છે. ને તમે એ માર્ગે રાતે જાવાનું જોખમ લીધું ? ભારે જિગરના લીધા હો બાપુ ! અને ઈતો તમે હતા એટલે , બીજા કોઈ હાલીમવાલીનું કામ નઇ. ” રાજીયો હાવરોબાવરો થઈ ગયો, છતાં, આ સઇ તલાવળાની આખી લોકવાયકા કહી સંભળાવી.
” ભઈને કઉં, રાજીયા, તારી વાત સોળઆની હાચી. એ ગાંડીના મનામણાનું વહટારું (પંચાયત) કુટવા ઇના હાહરે અમે ગયા’તા ત્યારે ગંગલીના જેઠે શરત કરેલી કે, ” ઈને અમારે ઘરે મેલવાની હોય તો મોડામાં મોડો અમાવાસાનો દા’ડો છેલ્લો. નઈ તો અમારે ગંગાવહુ ધરમેય ના ખપે, રાખજો તમારી છોડી તમારે ઘરે. અમે તઇણ વાર તેડવા આવેલા,પણ એની ભાભીએ ગંગાને આમારા ભેગી ના મેલી. તો હવે તમે પંચવાળા જાતે આવી ને અમારે ઘેર મેલી જાવ. ” એ ચલમમાંથી ધુમાડો ઉડાડતાં બોલ્યા.
” મારા બેટે ! મારાએ આકરી શરત મેલી હો બાપુ ! એ વખતે આ એસટીએ ચોં હતી . ખોડો ડાવર લમણો ખંજવાળતાં બોલયા.
” પણ રાત લેવાનું કાંઈ કારણ ? ” વેલાએ અધીરાઈથી પૂછ્યું.
” વેલા તું વચમાં ડબકા ના મેલ, બધુંય આવશે બાપુની વાતમાં. તું ધ્યાણ ખમ.” ઇભલા સિપાઈથી રહેવાયું નહીં ” હા બાપુ થવા દ્યો તમ તમારે.”
” ભઈને કઉં , વાત જાણે એમ હતીને ઇભા, કે બીજા દિએ થાતો હતો બધવાર, કયો વાર ? ”
” બધવાર ” દપાજી ઠાકોરે હોંકરો દીધો.
” હા બધવાર, ને ગંગલીની ભાભીએ લત લીધેલી કે ‘ના ગંગાબુનને બધવારને દા’ડે હાહરે ના ઓળાવું. બધવાર, એ હારો વાર નથી. બે વરહથી રિહામણે બેઠી સે તે કોઈ વાતો કરે કે , જો મા વગરની છોડીને વાર-કવારે હાહરે ધકેલી દીધી.’ એ દિવસ એટલે પંચની શરત પ્રમાણે ગંગલીને સાસરે ઓળાવવાનો છેલ્લો દિવસ, અને પાછો બધવાર, અમેતો હલવાણા. ભઈને કઉં, અમે ત્રણ જણે જવાબદારી લીધેલી, એટલે ભલીયાના ઘરે ગયાને ગંગલીને તિયાર થાવાનું કીધું, તો મારા બેટાની થોડી વારતો એ પગથી જમીન ખોતરતી બેસી રહી. એનો ભઈ ભલીયો, બિચારો લાખ રૂપિયાનું માણહ ! એણે હાથમાં પરોણો (નાની પાતળી લાકડી) લીધો ને ગંગાને મારવા લીધી. અમે એને રોક્યો. ત્યાર પછી એ તિયાર થાવા ગઈ. ત્યાંતો એની બે-ત્રણ બહેનપણીઓ આવી, એમને પકડીને રડી. એની ભાભીની છાતીએ બાઝીને રડી. આમ વાળુટાણું કરી દીધું. એમાં અમારે રાત લેવી પડેલી.”
” શું એનાં નખરાં ! ભઈ ને કઉં, રિહામણે બેઠેલી ને હાહરે જાવા, અમે તિયાર થાવાનું કીધું તો મારા બેટાની એતો પટીયું પાડવા બેસી ગયેલી. આંખમાં મેસ નાખીને, માથામાં સુગનવાળું તેલ નાખ્યું ને લૂઘડાનું મોટું પોટકું બાંધેલું ને રાતા રંગનાં ચમપલિયાં. ચીયા રંગનાં ?” બાપુને ઉધરસ ચડી ગઈ તોય પ્રશ્ન કરી નાખ્યો.
” રાતા રંગનાં ” આ વખતે રાજીએ જવાબ આલ્યો.
” હું આગળ, મારી પાછળ ગંગલીગાંડી ને ગંગલીની પાછળ બીજા બે જણા. તે ભઈ ને કઉં, અમે તો ઉપડયા હો. મનમાં બીક કે , આ રાંડની ગાંડી, રાતના અંધારામાં પાછી વળી ના જાય. દુધનો દાઝયો છાસ ફૂંકીને પીએ, એટલે બે જણા એની પાછળ રાખેલા, કેટલા જણા ?”
” બે જણા. ” એક જવાનીયા એ જવાબ આપેલો.
” હેંડતાં , હેંડતાં અમેતો ભૂતની આંબલીએ પોંચ્યાને ભઈ ને કઉં, ગંગલીગાંડી કે, “તાપણું કરો મને ટાઢ ચડી છે.” બરોબર આંબલીના નેચે એણે તો માથે ઉપાળેલું પોટલું ઊતાર્યું હો ! શું કરીએ ! ભઈને કઉં, ઇ ટાણે તો ટાઢથી અમારાય દાંત કકળવા માંડયા હતા, હો રાજીયા ! રાતનું કાળું ડિબાંગ અંધારું ને એક બીજાનાં મોઢાં પણ ના દેખાય. હૂકી… હૂકી… ઈઈઈ કરીને સંભળાતી શિયાળની લાળી, મારાતો રદિયા આરપાર નીકળી જાય ને ઓલી ચિબરી તો ચક…ચરરર ચક…ચરર એવી બોલેને જાણે અમને ચેતવતી હોયને એમ. તોય એતો દાધારંગી કાંઈકથી બાવળના કાંટા લઈ આવીને અમારા કનેથી બાક્સ માંગીને કર્યુ તાપણું. ભઈ ને કઉં,રાજીયા તે દિ તારો બાપો ભેગો હો, ઇ કે, “આપણે આંબલી થી થોડે છેટે બીજું તાપણું કરીએ. ” તે અમેતો નોખું થોડે છેટે તાપણું કર્યું. કેટલે ? ”
” આંબલીથી થોડું છેટે ”
” હા બરોબર હમજ્યો, ને ખોડા ડાવર શું વાત કરું તમને, એયને બે મોટી હળાસો સળગવા માંડી ભડ…ભડ…ને ઝરાળમાંથી ફટ..ફટ…કરતા તણખારા ઊડી ઊડીને અધ્ધર જાય.
અમેતો તાપતા હતા, તાં અંબલીની ડાળો હલવા માંડી. આંબલી ઉપરથી ફડ.. ફડ.. ફડ કરતો કાંઈક અવાજ આવવા લાગ્યો. મારા રદિયામાંથી એક લખલખું નેકળી ગયું હો, એમાં રાજીયા તારા બાપાએ મને કીધું, ” આમ જુઓતો.” મેં ફરીને જોયું તો તાપણાના અજવાળામાં અમારા બધાના બે… બે ..મોટા રાકસસ જેવડા પડછાયા દેખણા હો . અમારા એક જણના બે-બે પડછાયા ! કેટલા? ”
” એક માણહના બે પડછાંયા ! હોય નઇ બાપુ શું વાત કરો છો તમે ?” ગગજી માસ્તરે ફાટેલી આંખે સવાલ કર્યો.
” આ મારી સગી આંખે જોએલા. મોટા રાકસસ જેવા પડછાંયા. એક જણના બે છાંયલા એય ને લાંબા….લાંબા.” બાપુએ ખોંખારો ખાધો ત્યારે માંડ એટલા શબ્દો પુરા કરી શક્યા.
” નાણીયો રબારી અમારા ભેગો. કડબના પૂળા જેવી મૂછો, ને હાથમાં કડિયાળી લાકડી, છતાં લાંબા લાંબા પડછાયા જોઈને એની તો ફેં ફાટી ગઈ. મને તો લાગેલું કે, એને પેશાબ છૂટી ગયું હશે. એ સૌથી પેલાં ગામ ભણી પોબારા ગણી ગયો. ત્યાર પછી રાજીયા, તારા બાપે મુઠીઓ વાળીને દોટ મૂકેલી.
તાપણાની ઝરાળના અજવાળે મેં ગંગલી તરફ નજર કરી, તો મારી બેટી હાથ લાંબા કરી કરી ગરમાવો લેતી’તી. મેં બૂમ મારી, ” ભાગ ‘લી છોડી ભાગ ! ” તોયે એના પેટનું પાણી ના હલ્યું ! આંબલી હેઠળ બેઠી બેઠી, મારી બેટી તનકારા મારે ! જરાય બીક નઇ. ને….હું ? પડછાંયા બાજુ નજર કરું ને મને કમકમાટી આવી જાય ! આવી વીતી ! પછી હું એકલો શું કરું ? ગંગલીગાંડીને, મેલ પડી ને હું એ ભાગ્યો. ભઈ ને કઉં, તે વેલું આવે આપણું ગામ. અંધારે અથડાતા કુટાતા અમે ત્રણે જણા ગામના પાદરના ચબૂતરે ભેગા થયા, તારે ખબર પડી કે ગાંડી હજુ વળીને આવી નથી. ” ગળાનો કફ કાઢતાં બાપુ બોલ્યા.
” ભારે થઈ તમારાથી, પછી એ ગંગલીનું શું થયું હતું ? ભૂત ભરખી ગયું હશે હેં બાપુ ! ” વેલાએ પૂછ્યું ને ઓટલા ઉપરના બીજા બે-ત્રણ જણાએ ઘોંટણીયાભેર ઊભા થઈને વાતનો અંત સાંભળવા કાન માંડયા.
” ભઈ ને કઉ , મર્દ કહેવાય એ ગંગલી હો ! અમારા ત્રણ જણાનાં તો ધોતિયાં ઢીલાં થઈ ગયાં ! પણ એ અસ્ત્રીની જાત હતી તોએ, ભૂતળાંની સાડાબારી રાખ્યા વગર અમાસનો સૂરજ ઊગે ઇ પે’લાં તો ભલગામળે જઇ ને બેસી ગઈ એના અસલ ઘરમાં, એવું જાણવા મળેલું.
ત્યારની ઘડીને આજનો દાડો , એ ગાંડી એના હાહરે ઠરીને રેહતી થઈ. આ જોયું નઇ ? બે છોકરાં લઈને કાલ એસટીમાંથી ઊતરી હતી. મેં તો એ ગોઝારી રાત પછી પે’લીવાર એને જોઈ. ”
સરદારખાન મલેક સિપુર તા. સંખેશ્વર જી. પાટણ ઉત્તર ગુજરાત. 94269 31781
More from Modern Bhatt
More Stories
Interactive Games
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.