કોને કહું ?

February 03 2015

તાળીઓનાં ગડગડાટથી આખો હોલ ગુંજી રહ્યો હતો. આજે નંદિની પરીખનાં લેખનકાર્યને બિરદાવવા એનું સન્માન થઈ રહ્યું હતું. નંદિની ખુબજ સરળ ભાષામાં વાર્તાઓ લખતી. જેમાં રોજિન્દા ઉપયોગમાં લેવાતી ભાષાનો ઉપયોગ વધુ થતો. જેને કારણે દરેક વયજુથનાં વાચકો એની વાર્તાઓ પસંદ કરતાં. ખૂબજ ટુંકા ગાળામાં એ ખુબ લોકપ્રિય લેખિકા બની ગઈ હતી.

“પ્રિય મિત્રો., આજે આપણે અહી નંદિનીબેન નું સન્માન કરવા એકઠા થયા છીએ ત્યારે હું એમનો થોડો પરિચય આપી દઉ. ગુજરાતનાં એક નાનકડા ગામમાં એમનો જન્મ થયો…..” સ્ટેજ પર નંદિંની ની ઓળખવિધિ ચાલી રહી હતી.

“નંદિની.. એ બેટા નંદુ… ઝો તો તાર મોટે માસ્ટરજીએ હુ મોકલ્યુ સે ?”

“શું બાપુ ?” બોલતા નંદુ બહાર આવી..

“ઝો એ શહેર જ્યાતા ત્યોંથી તારા માટ આ સોપડીઓ લાયા સે. મન રસ્તામોં મલ્યા તો કહે સે કે તમાર નંદુડી ને વાંસવાનું બહુ ગમે સે તે હું શેર જ્યોતો તે આ સોપડીઓ લાયો સું. તમ એને આલી દેજો.” ચોપડીઓ જોઇને તો નંદુ ખુશ થઈ ગઈ.

“થેંક્યુ બાપુ..” બોલતી ચોપડીઓ લઈને એ અંદર જતી રહી. એના બાપુને સમજ નહી પડી નંદુ શું બોલીને ગઈ પણ અંગ્રેજીમાં કશુંક બોલી એટલી સમજ પડી.

“તે કહું સું આ સોરીને તમારે સોપડીઓ વંસાવીને હું કરવું સે. હવે કોઇ હારો સોરો ગોતી ન સોરીન પૈણાઈ દો. આ સોપડીઓ લઈન આખો દા’ડો પડી રહે સે ને ઘરનાં કોઈ કોમ કરતી નથ. તે હા..હરે જાહેને તે હાહુ કા..ઢી મેલહે. ” નંદિનીની બાએ એના બાપુને પાણીનું પવાલું આપતાં કહ્યું.

“તે મારી સોરી આટલી હુશિયાર સે તે એને ઓ’ય ગોમડાનાં સોરા હારે નથ પૈણાવવી. એને મોટે તો સહેરનો કોઈ સાયેબ લાઈસ. ને એટલો પૈહો અહે ને ક એને કોમ કરવાની ઝરુર જ નો પડે.”

“ઓ..હો..હો..! તે એવો સાયેબ તમને ચ્યોંથી મલહે ?”

“એ તારે હુ કોમ ? મેં માસ્ટરજીન કહી દીધું સે કે સહેરમાં મારી નંદુ ને લાયક કોઈ હોય તો કેઝો.” નંદિનીના બાપુએ ધોતિયાથી મોં લુછ્તાં કહ્યું.  અને સાચેજ એક દિવસ માસ્ટરજી નીરવની વાત લઈને આવ્યા.

“નીરવ અનાથ છે. જાતે જ મહેનત કરી ધંધો ઉભો કર્યો છે. બિલ્ડર છે. મોટા મોટા મકાનો બાંધે ને એ. ખૂબ પૈસો છે. ઘરમાં નોકરચાકર ગાડીઓ બધું જ છે. એને સુંદર દેખાવડી છોકરી જોઇએ છે તે મેં આપણી નંદુની વાત કરી છે. રાજ કરશે તમારી નંદુ.”

નીરવે નંદિનીને જોઇ. નંદિની દેખાવે ખૂબ જ સુંદર હતી. ગૌરવર્ણી પાતળી નમણી કાયા. લંબગોળ ચહેરો. મૃગનયની કહી શકાય એવી અણિયાળી આંખો ગુલાબી પાતળા હોઠ અને લાંબા વાળ એનાં સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી દેતા. ગામડાના સાદા કપડામાં પણ એનું રૂપ ખીલી ઉઠતું હતું. નીરવને નંદિની પસંદ આવી અને નીરવ સાથે પરણીને નંદિની શહેરમાં આવી.

તાળીઓનાં અવાજથી ગામડાની નંદુ પાછી શહેરની નંદિની બની ગઈ.

“એમણે એમનાં ૪ વાર્તાસંગ્રહો માટે રાજ્ય સરકારનાં પુરસ્કાર મેળવ્યાં છે. તેમજ એમના વાર્તાસંગ્રહ ‘તરસ’ ને તો ગયા વર્ષનો બેસ્ટ સેલીંગ એવોર્ડ પણ મળ્યો છે………

હવે હું પ્રમુખશ્રી અને એક જાણીતા લેખિકા શ્રીમતિ કુસુમબેન દેસાઈને શ્રીમતિ નંદિનીબેન નું સન્માન કરવા આમંત્રિત કરીશ. કુસુમબેન..” અને પ્રમુખશ્રીએ શાલ ઓઢાડી નંદિનીબેન નું સન્માન કર્યું. આખો હોલ ફરીથી તાળીઓનાં અવાજથી ગૂંજી રહ્યો. તાળીઓનાં અવાજ વચ્ચે પ્રમુખશ્રી કુસુમબેને એ માઈક સંભાળ્યું ને હોલમાં શાંતિ થઈ ગઈ.

“મિત્રો આજે મને ખૂબ જ આનંદ થાય છે. એક નારીનાં સહિત્ય ક્ષેત્રના પ્રદાન માટે એને સન્માનિત કરાઈ રહી છે. મને હંમેશા ખુશી થાય છે જ્યારે કોઈ નારી, એક ગૃહિણિ કોઇ સાહિત્ય સર્જન કરે. એક નારી એ એક પત્ની, એક માતા.. હોય છે. એને ઘરને સાચવતાં સાહિત્યને માટે સમય કાઢવાનો હોય છે અને જે નારી આમ કરી શકે છે તે સન્માન ને પાત્ર તો છે જ. હું પણ એક નારી છું ને જાણું છું કે સંસાર અને સાહિત્યમાં સંતુલન રાખવું કેટલું અઘરું છે. નંદિનીબેન આ કરી શક્યા છે. સાહિત્ય પરિષદનાં સામાયિકમાં મેં એમની વાર્તાઓ વાંચી છે. એ સમાજનાં પ્રશ્નોને ખૂબ જ સરળ ભાષામાં વાર્તા સ્વરૂપે આપણા વાચકો સમક્ષ મૂકે છે. એમની આ સિધ્ધિ માટે હું એમને ખુબ અભિનંદન આપું છું. આમ જ સાહિત્ય ક્ષેત્રે એ ખૂબ પ્રગતિ કરે એવા એમને મારા આશિર્વાદ છે.” ફરી તાળીઓના અવાજો વચ્ચે પ્રમુખશ્રીએ પોતાનું વ્યાખ્યાન પૂરું કર્યું. અને સંચાલકે નંદિનીબેન ને એમના ચાહકોને કંઈક કહેવા વિનંતિ કરી.

“માનનીય પ્રમુખશ્રી, લેખકમિત્રો અને મારા પ્રિય પ્રશંસકો,

આજે જ્યારે મને આ સન્માન મળી રહ્યું છે ત્યારે પ્રથમ તો હું મારા બાપુ અને અમારા ગામનાં માસ્ટરજી નો આભાર માનીશ. એમણે મને નાનપણથી જ પુસ્તકોની વચ્ચે જીવવાની તક આપી અને મારી બા, જેણે એની નામરજી છતાં મને વાંચવાની સગવડ કરી આપી. આ મંચ પરથી હું એમનો આભાર માનું છું. આજે સદેહે તો એ લોકો મારી સાથે નથી પણ જ્યાં હશે ત્યાં એમનો આત્મા જરુર ખુશ થતો હશે. બીજો આભાર મારા લેખકમિત્ર એવા મયુરભાઈ ભટ્ટનો. જેમણે મને લખવાની પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું……

છેલ્લે, મુખ્ય આભારતો હું મારા વાચકોનો માનીશ. જેમણે મારી દરેક વાર્તાઓને રસ પ્રુર્વક વાંચી અને પસંદ કરી. મને આ સન્માન આપવા બદલ ફરીથી આપ સૌનો આભાર માનું છું ” તાળીઓનાં ગડગડાટ થી હોલ ગૂંજી રહ્યો. કાર્યક્રમ પતાવી નંદિની બહાર નીકળી. મયુર એની રાહ જોતા હતા.

“અભિનંદન નંદિની આજે તેં મારું એક સપનું પુરું કર્યું. મેં કહ્યું હતું ને કે તું આ કરી શકશે.” મયુરે હાથ મિલાવતાં નંદિનીને કહ્યું.

“હા. અને એની પાછળ તમારી પણ તો એટલી જ મહેનત છે ને !” નંદિનીએ મયુરને કહ્યું.

“તો આજે સાંજની આપણી પાર્ટી પાક્કીને ?” મયુરે પાર્ટી માગી.

“હા, પાક્કી. તો મળીએ સાંજે.” કહી નંદિની પોતાની ગાડીમાં બેઠી.. “ચાલો , હું તમને તમારા ઘરે ડ્રોપ કરી દઉ.”

“ના…  ના.. હું મારી ગાડી લાવ્યો છું ને મારે એક કામ પણ છે. તું નીકળ. સાંજે તો મળીએ જ છીએ ને !”

“ઓકે ધેન સી યુ ઇન ઈવનીંગ. બાય.” નંદિનીએ કાર હંકારી મૂકી.  

નંદિનીનાં કાનમાં એ તાળીઓનો અવાજ ગૂંજી ઉઠ્યો જે વર્ષો પહેલાં મયુરને માટે હતો. મયુર સ્ટેજ પર વક્તવ્ય આપતાં હતાં. ત્યારે પણ આમ જ તાળીઓનો ગડગડાટ હતો પણ એ મયુર માટે હતો. પ્રેક્ષકગણની છેલ્લી હરોળમાં નંદિની બેઠી હતી. એનાં હાથમાં હતો એક કાર્ડ જેમાં વક્તાઓની યાદી અને એમનાં વક્તવ્યનાં વિષયો લખેલાં હતાં. સ્ટેજ પર વક્તા તરીકે મયુર હતાં અને એમનો વિષય હતો ‘ સાહિત્ય અને શિક્ષણ’. એ બોલી રહ્યાં હતાં ને નંદિની એમનાં વાણી પ્રવાહમાં તણાતી જતી હતી. નંદિની મયુરની વાક્છટાથી ખૂબજ પ્રભાવિત થઈ ગઈ. આમ તો એક લેખક તરીકે એ એમને ઓળખતી જ હતી. એમની વાર્તાઓ,એમની કવિતાઓ,એમનાં નિબંધો, એ અનેક વિષયો પર લખતાં ને મોટે ભાગે એમનું દરેક લેખન નંદિની વાંચતી પણ એમને રૂબરૂ સાંભળવાનો મોકો એને પહેલી વાર જ મળ્યો હતો. કાર્યક્રમ પૂરો થતાં એ મયુરને મળવાની તક શોધતી બહાર એક કારને ટેકે ઉભી હતી. એના આશ્ચર્ય વચ્ચે મયુર એની તરફ જ આવતાં હતાં. નંદિનીના ધબકારા એકદમ વધી ગયાં.

“એક્ષક્યુઝ મી….” એને કાને અવાજ પડ્યો ને એ ચમકી. મયુર ક્યારે એની પાસે આવી ગયાં એની એને ખબરજ નહોતી પડી. એ મયુરની જ ગાડીનો ટેકો લઈ ઉભી હતી.

 “સોરી” બોલી એ ખસી ને મયુરને સ્માઈલ આપી. કારમાં બેસી ગયેલ મયુરને કહ્યું “ખૂબ જ સરસ વક્તવ્ય આપ્યું તમે. શિક્ષણનાં આવા મુદ્દા પર તો તમારા જેવા લેખક જ વિચારી શકે.”

“થેંક યુ. બાય ધ વે તમે….?”

“મારું નામ નંદિની છે. નંદિની નીરવ પરીખ. મેં તમારા બધા જ વાર્તાસંગ્રહો વાંચ્યા છે.”

“ઓ….હ ! થેંક્યુ. તો તમે શહેરનાં મોટા બિલ્ડર નીરવ પરીખનાં પત્ની છો ?” નંદિનીએ હકારમાં ડોકું હલાવી હા કહ્યું. “એક બિલ્ડરનાં પત્નીને સાહિત્યમાં પણ રસ છે. ગુડ.. ગુડ ” થોડીવાર મૌન રહ્યા પછી “ ચાલો તો હું રજા લઉ ? ફરી કોઇ સાહિત્યનાં કાર્યક્રમમાં ભેગા થઈશું.” કહી મયુરે કાર હંકારી મુકી.

મયુરની કાર નજરથી ઓઝલ ના થઈ ત્યાં સુધી નંદિની એને જોતી રહી.

                             *     *     *     *      *

“આજે તો બહુ જ થાકી ગઈ. હવેથી આવી પાર્ટીઓમાં મને ના લઈ જશો.” મોડી રાત્રે પાર્ટીમાંથી આવી બેડમાં પડતાં નંદિનીએ કહ્યું.

“અરે ! આવી પાર્ટીઓમાં મારો વટ પડે, મારી પાર્ટનર સુંદર હોય એ માટે તો તારી સાથે લગ્ન કર્યા છે અને તું મને મારી સાથે પાર્ટીઓમાં આવવાની જ ના પાડે છે ?” નીરવે એને આલિંગનમાં લેતાં કહ્યું.

“આજે નહીં નીરવ. બહુ થાકી ગઈ છું.” પણ નીરવ સાંભળે તો ને. એને માટે નંદિનીની મરજીનું કોઇ મહત્વ નહોતું.  નંદિનીએ એને વશ થવું જ પડતું. નંદિનીનાં કાનમાં નીરવનાં શબ્દો ગુંજતા રહ્યાં “પાર્ટીઓમાં વટ પડે એટલે…….” શું નીરવે પોતાની માત્ર સુંદરતા જ જોઇને એની સાથે લગ્ન કર્યા હતાં ? એને પોતાની નીરવ સાથે વીતેલી રાતો યાદ આવી. નીરવનો પોતાના દેહ પ્રત્યેનો જ લગાવ સમજાયો.

“નીરવ મને એક બાળક જોઇએ છે.” એક સવારે  નંદિનીએ ગ્લાસમાં ફ્રુટ જ્યુસ રેડતાં કહ્યું.

“અરે નંદુ ડાર્લિંગ, આ તો આપણા મજા કરવાનાં દિવસો છે અત્યારે ક્યાં બાળક ને તું વચ્ચે લાવે છે. આપણે અત્યારે બાળક નથી જોઇતું. ” જ્યુસ પીતાં પીતાં નીરવે કહ્યું.

“પણ નીરવ તમે સવારનાં જાઓ છો ને છેક રાતે આવો છો. મને ઘરમાં એકલાં નથી ગમતું. એક બાળક હોય તો મને પણ ઘરમાં ગમે.”

“તે તને કોણ કહે છે કે ઘરમાં પડી રહે. કોઇ કલબમાં જા.. શોપીંગ કર …” નીરવ થોડા ઉગ્ર સ્વરે બોલ્યો.

“ પણ…….”

“ બસ . હવે કોઇ ચર્ચા નહીં. મેં કહ્યું ને કે બાળક નહી જોઈએ એટલે નહી જોઇએ. આટલા વર્ષ થયાં લગ્નને પણ હજુ તને સમજ નથી પડતી કે મને શું જોઇએ છે ? તારી આ કાયાને જ તો હું પરણ્યો છું. બાકી ગામડાંની છોકરી સાથે શું કામ પરણું ? બાળક લાવીને તારે તારી આ કાયા બગાડવી છે ?” મોં લૂછી નેપકીન ટેબલ પર પછાડી નીરવ ઉભો થઈ ગયો. નંદિની ભીની આંખે એને જતો જોઇ રહી.

પોતાની એકલતા દૂર કરવા નંદિની પુસ્તકો વાંચતી. એક વાર ‘નારી જગત’ નામના સામયિકમાં એક અધુરી વાર્તા આપી હતી જેનો અંત લખવા વાચકોને કહેવામાં આવ્યું હતું. નંદિનીએ આમ જ એક વાર્તાનો અંત લખીને મોકલી આપ્યો. એ પસંદ થયો ને સામયિક માં છપાયો પણ ખરો. ત્યારે નંદિનીએ પોતાની ખુશી નીરવ સામે વ્યક્ત કરી તો એણે કહ્યું ,

“નંદિની, આ વાર્તા લખવામાં તને કેટલા રુપિયા મળે.”

“૨૦૦—૨૫૦ કેમ આમ પુછો છો ?” નંદિનીને નવાઈ લાગી.

“તને માત્ર ૨૦૦-૫૦૦ રુપિયામાં જ રસ છે ૨૦૦-૫૦૦ કરોડમાં નહીં ?” મયુરે સવાલ કર્યો.

“ એટલે ? હું સમજી નહીં.”

“પેલી પાર્ટીમાં એક મીનીસ્ટર આવ્યાં હતાં. એને તું ગમી ગઈ. જો તું એમને ખુશ કરે તો એક ૫૦૦ કરોડનો સરકારી પ્રોજેક્ટ મને મળે એમ છે.” નીરવે ખંધાઈથી સ્મિત કરતાં નંદિનીનાં શરીરને રમાડતાં કહ્યું.

“નીર…..વ….” નંદિનીએ ગુસ્સામાં નીરવને ધક્કો મારતાં લગભગ ચીસ જ પાડી… “તમે મને સમજો છો શું ? હું તમારી પત્ની છું.”

“તો હવે આવી સાહિત્યની સસ્તી વાતો મારી સાથે નહીં કરતી..” નીરવનો લાડ ગુસ્સામાં પરિવર્તિત થઈ ગયો.. અને એ બેડરૂમનો દરવાજો પછાડી રૂમની બહાર નીકળી ગયો.

નંદિની અવાક બનીને એને જતો જોઇ રહી.

સામયિકમાં પોતાની વાર્તા છપાયાની એની ખુશી આંસુ બની ગઈ પણ નીરવ એની સામે પણ જોયા વિના ઘરની બહાર જતો રહ્યો. નીરવને મન પુસ્તકો એ પસ્તી હતી. એને સાહિત્યમાં કોઇ જ રસ નહોતો.

એક દિવસ કંટાળો દૂર કરવા નંદિની કોમ્પ્યુટર પર ફેસબુક  ખોલીને બેઠી હતી. ત્યાં જ એની નજર સામે મયુરની પ્રોફાઈલ આવી. એણે ફ્રેંડ્સ રીક્વેસ્ટ મોકલી. ને એના આશ્ચર્ય વચ્ચે એમણે તરત જ એમણે એ સ્વીકારી લીધી. એ ઓનલાઈન જ હતાં. નંદિનીએ એમનો આભાર માન્યો ને મયુરે પણ કહ્યું કે એને નવા મિત્રો બનાવવા ગમે છે. એ દિવસે વાત ત્યાં જ પુરી થઈ ગઈ. બીજે દિવસે જ્યારે નંદિની કોમ્પ્યુટર પર વાર્તા લખવા બેઠી ત્યારે આમ જ એને મયુર ઓનલાઈન છે કે નહી એ જોવાનું મન થયું. અને મયુર ઓનલાઈન હતાં.

“કેમ છો ?” નંદિની એ મેસેજ મુક્યો.

“મઝામાં. તમે ?” મયુર

“હું પણ. ઓળખાણ પડી ? ” નંદિની

“ના.. સોરી….”

“ હું નંદિની.. નંદિની પરીખ. ”

“ઓહ… હા. બિલ્ડર નીરવ પરીખનાં પત્ની. બોલો બોલો કેમ છો ? શું ચાલે છે ? કંઈ નવું વાંચન ? ”

“મને નંદિની તરીકે ઓળખશો તો વધુ ગમશે.” કહી નંદિનીએ નવા વાંચેલા પુસ્તકો વિશે વાત કરવી શરુ કરી.  

“ તમારા વિશે કંઈક વધારે જણાવો.” મયુરને નંદિનીની વાતોમાં રસ પડ્યો.

“હું તો એક ગૃહીણી છું. વાંચનનો શોખ ધરાવું છું ને હમણાં હમણાં લેખનનું ભૂત વળગ્યું છે. હું પણ કંઈક લખવા માગું છું. હા… હા…”

“સરસ. તમે આગળ કશું લખ્યું છે ?” મયુરે પુછ્યું.

“ હા. મેં  ‘ નારી જગત ’ નામના સામયિકમાં ‘અધુરી વાર્તાનો અંત’ વિભાગમાં વાર્તાનો અંત લખીને મોકલ્યો હતો અને એમણે એ પસંદ કરીને છાપ્યો પણ હતો.” નંદિનીએ કહ્યું.

“ઓ..હો ! તો એ નંદિની તમે જ છો ? એ સામયિકમાં વાર્તાઓનાં અંત પસંદ કરવાનું કામ એમણે મને જ સોંપેલું હતું. તમારો લખેલો અંત વાંચ્યા પછી તમને મળવાની ઇચ્છા હતી પણ એમાં તમારા નામ સિવાય તમારી બીજી કોઇ માહિતી નહી હતી. સરસ, ચાલો આખરે મળી તો ગયા. મારે તમને મળીને કહેવું હતું કે આમ ટુકડામાં લખો એના કરતાં આખી વાર્તા લખો ને ..”

“ખરેખર ? થેંક્સ… પણ મને લેખનનો ખાસ અનુભવ નથી બસ લખવાની ખાલી ઇચ્છા માત્ર છે.” નંદિનીએ કહ્યું.

“કંઈ પણ મેળવવા માટે એને પ્રાપ્ત કરવાની ઈચ્છા તો પહેલાં જ જોઇએ. માર્ગ તો પછી મળતાં જ રહે છે. તમે લખો અને જરુર પડે તો હું માર્ગદર્શન આપીશ.”

નંદિનીની ખુશી નો પાર નહોતો. એને તો ભાવતું હતું ને વૈદે કહ્યા જેવુ થયું.

મયુરે ફોન નંબર આપ્યો ને કહ્યું ગમે ત્યારે ફોન કરીને નંદિની એમના ઘરે આવી શકે છે.

એક દિવસ નંદિનીએ મયુરને ફોન કરી તેને મળવાનો સમય લીધો પોતાની વાર્તાઓ લઈ મયુરને ત્યાં પહોંચી ગઈ. મયુરે કેટલાંક સૂચનો કર્યા એ પ્રમાણે નંદિનીએ પોતાની વાર્તામાં થોડાં સુધારા કર્યા. અને આમ મુલાકાતો વધતી ગઈ.

મયુર નંદિનીથી ઘણાં મોટા હતાં. પણ દેખાવે લાગતાં નહોતાં. એમનાં વ્યક્તિત્વમાં , એમનાં શબ્દોમાં એક પ્રકારનું ખેંચાણ હતું. નંદિની હંમેશા એમાં ખોવાઈ જતી. વારંવાર મળવાને કારણે નંદિની મયુરનાં વિચારોમાં જ ખોવાયેલી રહેવા લાગી. ક્યારેક એ મયુરનાં શબ્દો વાગોળતી તો ક્યારેક એમનાં નામ લખેલા શબ્દો પર હાથ ફેરવતી.. ક્યારેક એમની તસવીર પર હાથ ફેરવતી તો કદીક એમની તસવીરને ચુમતી તો ક્યારેક વળી એ તસવીરને છાતીએ વળગાડીને સૂઈ જતી. નંદિની મયુર માટેનું પોતાનું આવું વર્તન સમજી નહોતી શકતી. હમણાં હમણાં તો પોતાનો જ હાથ પોતાના દેહ પર ફેરવતી ત્યારે કલ્પના કરતી કે એ મયુરનો હાથ છે અને એના શરીરમાં એક અજબ ઝણઝણાટી અનુભવતી. હવે તો મયુરને પણ નંદિનીની આંખોમાં પોતા માટેનું એ ગાંડપણ વંચાઈ રહ્યું હતું. સમજદાર મયુરે નંદિનીથી થોડું અંતર વધારી દીધું તો નાના બાળકની જેમ નંદિની જાણીજોઇને ભુલો કરી મયુરનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરવા લાગી. પોતાનું લક્ષ્ય લેખનની જગ્યાએ ક્યારે મયુર થઈ ગયું એ નંદિનીને ખબર જ નહી પડી. પણ મયુરની સમજમાં આવી ગયું હતું. મયુરના બતાવેલા સૂચનો થી નંદિની નું લેખન સુધર્યુ તો હતું. એટલે પોતાનો ધ્યેય ચૂકેલી નંદિનીને ફરી લેખનમાં કાર્યરત કરવા એક સાંધ્ય દૈનિકમાં નિયમિત વાર્તાઓ આપવાનું કામ મયુરે અપાવ્યું. હવે નંદિનીએ ફરજિયાત વાર્તા લખવી પડતી. એને આ કામ નહી કરવાનો વિચાર આવ્યો પણ મયુરની નારાજગી નો વિચાર કરી તેમ ન કર્યું. મયુર નિયમિત તેની વાર્તાઓ વાંચવાનો સમય કાઢતો અને ફોન પર નંદિનીની સૂચનો કરતો. નંદિનીનું મન લેખન માં પરોવાઈ તો ગયું પણ મયુરમાંથી હટ્યું નહીં. એ હંમેશા મયુરને ઝંખતી. રાતે તો એની હાલત ખૂબ ખરાબ થતી નીરવનો સ્પર્શ એ સહન નહોતી કરી શકતી. એક વાર એણે માંદગીનું બહાનું કરી મયુરને પોતાને ઘરે બોલાવ્યા. આજે તો પોતે મયુરમાં સમાઈને જ રહેશે. મયુરના આવતાં જ નંદિની એને વળગી પડી. મયુર ચમકી ગયા. એમણે પોતાની જાત સંભાળી ને નંદિની ને પોતાનાથી દૂર કરી.

“નંદિની, મારે તને એક સારી નામી લેખિકા તરીકે જોવી છે. હું તારી ભાવનાઓ નથી સમજતો એવું નથી. પણ હું આને તારી નાદાનિયત કહીશ. અત્યારે તું તારું લક્ષ્ય એક જ રાખ કે તારે સારું લેખન કરી નામના મેળવવી છે. હું તને બનતી મદદ કરીશ પણ હવે જ્યાં સુધી તું એક નામી લેખિકા બની નહી જાય ત્યાં સુધી આપણે મળીશું નહીં.”

નંદિનીએ વધુ ને વધુ સમય લખવામાં વીતાવવા માંડ્યો. શરુઆતમાં મયુરને મળવાની લાલચે અને પછી જેમ જેમ નામના મળતી ગઈ એમ નંદિની લેખનને સમર્પિત થઈ ગઈ. મયુર સાયકોલોજી જાણતા હતા. નંદિનીને એમણે લેખનમાં બીઝી કરી દીધી. એને પરિણામે આજે નંદિની એક સફળ લેખિકા તરીકે ઓળખાઇ રહી હતી.

સાંજે ડીનર પર બંને મળ્યાં ત્યારે નંદિનીએ ખુબ વાતો કરી. લોકો , પ્રકાશક , પ્રશંશકો… સાથેના પોતાના અનુભવો વિશે બસ એ બોલતી જ રહી બોલતી જ રહી… ને મયુર શાંતિથી એને સાંભળતા રહ્યાં…

રોજ કલાક બે કલાક સાહિત્ય ચર્ચા કરવી એ નંદિની અને મયુરનો નિત્યક્રમ બની ગયો.. કદીક ફોન પર તો કદીક રેસ્ટોરંટમાં. અને એક દિવસ સાંજે …

“નંદુ. ચાલ આપણે સાથે ચાર-પાંચ દિવસનાં વેકેશન પર જઈએ.” નંદિનીએ મયુરની આંખોમાં જોયું. જે પ્રેમ એ વર્ષોથી ઝંખતી હતી એ જ પ્રેમ એણે મયુરની આંખોમાં જોયો. એ કંઈ બોલી નહીં ને બસ મયુરની સામે જોયા કર્યું. મયુરે ટેબલ પર મુકેલા નંદિનીનાં હાથને પ્રેમથી દબાવ્યો. નંદિની મયુરનાં વેકેશનનો અર્થ સમજતી હતી અને એક વખત હતો જ્યારે એની પણ તો એ જ ઇચ્છા હતી. પણ કોણ જાણે કેમ આજે આ સાંભળી એને ખુશી નહોતી થતી. નંદિનીએ મયુર પરથી નજર હટાવીને આમ તેમ જોયું ત્યાં એની નજર રેસ્ટોરંટનાં પ્રવેશદ્વાર પર પડી. નીરવ કેટલાક ક્લાયંટ્સ સાથે રેસ્ટોરંટમાં પ્રવેશ્યો…એણે નંદિનીને જોઇ અને જોયો નંદિનીનાં હાથ પર મયુરનો હાથ…………

 

*** http://www.pratilipi.com/nimisha-dalal *** 

More from નિમિષા ?????

More Stories

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects