ઊગમણી સાંજ

February 03 2015

                            

દર્દીઓ પાસેનો દિવસનો છેલ્લો રાઉંડ લઈ ડૉ. સચદેવ ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતાં. ત્યાંજ એક યુવતીને બેભાનાવસ્થામાં લઈ એક યુવક ડૉ. સચદેવની હોસ્પિટલમાં આવ્યો.  

એ યુવક નું નામ ઋષભ હતું.

“હું દરિયા કિનારે ટહેલતો હતો ને દરિયામાં આ યુવતી ડુબતી હતી. કિનારે લાવી જોયું તો એ બેભાન થઈ ગઈ હતી. નજીકમાં જ તમારી હોસ્પિટલ હતી એટલે તરત અહી લઈ આવ્યો. કોઇ પણ વ્યક્તિને ડુબતી બચાવવી એ જ માનવતા છે ને..” ઋષભે કહ્યું. અને હોસ્પિટલના કામમાંથી પરવારી ગયેલા ડૉ. સચદેવ યુવતીના ભાનમાં આવવાની રાહ જોતા ઋષભ સાથે વાતોએ વળગ્યા.

એ એના પિતા સાથે રહેતો હતો. ફેમિલિમાં બીજું કોઇ નહોતું. એ ભણેલો હતો. નોકરી કરતો હતો ને પાંચ આંકડાનો પગાર હતો……..ને પછી તો બીજી ઘણી વાતો કરી. ડૉ.સચદેવ એની વાતોથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે મોડી રાત થઈ હોવા છતાં ઘરે જવાનું જ ભુલી ગયા. ઘરેથી પત્ની નો ફોન આવ્યો ને એમની વાતો અટકી… યુવતી હજુ ભાનમાં આવી નહોતી.

નર્સને જરુરી સુચનાઓ આપી એ ઘરે જવા નીકળ્યા. ઋષભને પણ એમણે ઘરે જવાનું કહ્યું. બીજે દિવસે યુવતીએ ધીરે ધીરે આંખો ખોલી પોતે ક્યાં છે એ જોવા ચારે બાજુ નજર ફેરવી. એ એક હોસ્પિટલનાં ઓરડાનાં પલંગ પર હતી.. આજુબાજુ અપરિચિત ચહેરાઓ હતા. આધેડ ઉંમરનાં ડૉ. સચદેવ અને બે પરિચારિકા. બધાની નજર એની ઉપર હતી. એ ભાનમાં આવતાં જ બધાનાં ચહેરાઓ પર સ્મિત આવ્યું.

“તારું નામ શું છે દીકરા ? ”ડૉ.એ એને પુછ્યું. યુવતી મૌન.

“બેટા , તું દરિયામાં તણાતી હતી. એક યુવક બચાવીને તને અહીં લાવ્યો.” ડૉ. સચદેવે કહ્યું.

માન્યતા રડી પડી. “મને શું કામ બચાવી ડૉ.? મારે નથી જીવવું.”

“એવું ન બોલાય દીકરા. મનુષ્ય જીવન બહુ પુણ્યશાળીને મળે.” ડૉ.એ એના માથા પર હાથ ફેરવી કહ્યું.

“પણ મારા જીવનમાં જીવવા જેવું કશું રહ્યું નથી. ”

પછી એણે ડૉ.ને ટુંકમાં બધી આપવીતી કહી કે,

એનું નામ માન્યતા છે..

કિશોર વયમાં પોતાની માતાની ઈજ્જત બચાવવા એણે એક યુવકની હત્યા કરી….. સગીર હોવાથી બે વર્ષ જુવેનાઈલ કસ્ટડી માં રાખી ને પછી જેલમાં. જેલમાં સરકારી ઓફિસરોને ખુશ કરવા જેલર મહિલા કેદીઓનો ઉપયોગ કરતી. અને માન્યતાનાં જેલમાં ગયા પછી મોટેભાગે એની જ પસંદગી થતી. જો પોતે ના પાડે તો જેલર મારતી.. એનું કુમળું શરીર એ માર સહન નહોતું કરી શકતું અને એ જેલરને તાબે થઈ જતી. પોતે જેલમાં રહી એટલા દિવસોમાં એના ઘરેથી પણ કોઇ એને મળવા આવતું નહોતું ત્યારે…..એ એકલી મુંઝાતી રહેતી અને જેલરનાં જુલ્મ સહન કરતી રહેતી……

જ્યારે જેલમાંથી મુક્તિ મળી ત્યારે સ્વજનોને મળવાની ખુશી સાથે એ ઘરે ગઈ પણ ત્યાં ઘર નહોતું. એક મોટું બીલ્ડીંગ ઉભું હતું. આસપાસના મકાનો પણ નહોતાં ને એનાં માતા-પિતાના સમાચાર આપી શકે એવું પણ કોઇ નહોતું. જેલમાં જુલ્મ સહન કરી નબળા પડી ગયેલા એના મને એને આત્મહત્યા કરવાની જ પ્રેરણા આપી અને એ સમુદ્રમાં સમાઈ જીવન ટુંકાવવા માગતી હતી.

“મોત એ કોઇ જ સમસ્યાનું સમાધાન નથી દીકરા.” ડૉ. સચદેવે એને સમજાવ્યું. માન્યતા મૌન રહી. સાંજે જ્યારે ડૉ. રાઉંડ પર આવ્યા ત્યારે એમની સાથે એક બીજો અપરિચિત ચહેરો હતો.

“બેટા, આ ઋષભ છે.” ડૉ.એ એની ઓળખાણ આપતા કહ્યું , “ આ જ યુવક તને ડૂબતી બચાવીને…” જાણે એણે કોઇ ગુનો કર્યો હોય એમ માન્યતા એને જોઇ રહી. ઘણા વર્ષો જેલમાં હતી. એને માટે કોઇ યુવક સાથે ઓળખાણ નો આ પહેલો પ્રસંગ હતો. શું બોલવું એ એને સમજ નહી પડી એટલે માન્યતાએ માત્ર સ્મિતથી કામ ચલાવ્યું. થોડી ઔપચારિક વાતો કરી ઋષભ ગયો.

“બેટા, હવે તેં શું વિચાર્યું છે અહી થી રજા મળશે પછી ક્યાં જશે ?” બીજે દિવસે ડૉ.સચદેવે એને પુછ્યું.

“મેં હજુ કંઈ જ વિચાર્યુ નથી. મને તો દુનિયામાંથી જ જવાનો વિચાર આવે છે.”

“હા! તેં તારી જેલવાળી વાત ઋષભને તો નથી કરી ને ?”

“ના એવો મોકો હજુ નથી મળ્યો. આજે આવશે તો કરી દઈશ.”

“ના.. ના દીકરા જોજે એવી ભૂલ કરતી. ભૂતકાળ ભુલીને નવેસર થી જીવન જીવવાનો પ્રયત્ન કર દીકરી. ”

“ તો પછી ડૉ. તમે જ અહી તમારી હોસ્પિટલમાં કામ આપી દો.” એણે મજાકના સ્વરે કહ્યું.

થોડું વિચારી ડૉ.એ પુછ્યું , “ તને આ ઋષભ કેવો લાગ્યો ? ”

“હું સમજી નહી.” એને તો એ દુશ્મન જેવો જ લાગતો હતો જેણે એને મરતાં અટકાવી.

“ઋષભ કુંવારો  છે. સારી નોકરી છે. સ્વભાવે પણ મને તો સારો લાગ્યો. એના પિતા સીવાય બીજું કોઇ નથી. જો તને પસંદ હોય તો હું વાત કરું..” આટલા દિવસમાં ડૉ.સચદેવ જ્યારે પ્ણ માન્યતા પાસે આવતા એને જીવનનું મૂલ્ય સમજાવતા અને નવેસરથી જીન્દગી શરુ કરવા કહેતા.

“પણ મારી કથની જાણ્યા પછી…. ” માન્યતાએ શંકા બતાવી.

 “જરુર શું છે એને એ કહેવાની ? હમણાં તું આરામ કર.. પછી વિચારીને મને કહેજે ” દેખાવે ઋષભ સાધારણ હતો પણ એની વાતો માં જાદુ હતો. એ માન્યતાની કાળજી પણ ખુબ લેતો. ધીરે ધીરે એને ઋષભ ગમવા લાગ્યો..

દીકરીની જેમ વિદાય કરતાં ડૉ. સચદેવે માન્યતાને પોતાના જેલવાસની વાત ઋષભને ન જણાવવાની સલાહ આપી. માન્યતા દુલ્હન બની ઋષભનાં ઘરે આવી. માન્યતા ખુબજ ખુશ હતી. એના બધા દુ:ખોનો જાણે અંત આવી ગયો. બંને શોપીંગ કરતા, ફરવા જતા. ઋષભની કાળજીથી માન્યતાનું રૂપ નીખરી આવ્યું. એનું શરીર પણ ભરાયું હતું. હવે એ ખુબજ સુંદર દેખાતી હતી.

એક રાતે ઋષભનાં પિતા માન્યતાના રૂમમાં આવ્યા. નશામાં ચકચૂર હતા. એમણે માન્યતા સાથે જબરદસ્તી… તે એના પિતાની મજબૂત પકડ સામે હારી ગઈ. બીજે દિવસે જ્યારે માન્યતાએ આ વાત ઋષભને કહી તો એણે એના પિતાનો પક્ષ લીધો.

“આવું તો હવે રોજ થશે.”

“એટલે ?”

“એટલે એમ કે અમારું આ જ કામ છે. જ્યારે ડૉ.સચદેવે મને તારી આત્મહત્યાના પ્રયાસની વાત કરી ત્યારે મનમાં હું ખૂબ ખુશ થયો અને જ્યારે એમણે મારી સામે તારી સાથે લગ્ન નો પ્રસ્તાવ મુક્યો ત્યારે તો…. હવે જ્યારે તને તારી જીન્દગી માટે પ્રેમ જ નથી તો અમારું થોડું ભલું કર ને !” એણે માન્યતાને કહ્યું. માન્યતા તો અવાક જ થઈ ગઈ.

આ બધું સહન કરતાં થોડાં વર્ષ વીતી ગયાં. એનું શરીર ગળાતું હતું. એને તાવ પણ રહેતો હતો. હવે એના રૂપનાં ઘરાક મળતા નહોતાં અને એક દિવસ તિમિરે માન્યતાને પણ રસ્તા પર રઝળતી કરી દીધી ત્યારે એનું શરીર તાવથી તપતું હતું. ચાલતાં ચાલતાં એ ડૉ.સચદેવને ત્યાં ગઈ અને હોસ્પિટલનાં પગથિયા પર જ ઢળી પડી.. ભાનમાં આવતાં જ માન્યતાએ ડૉ. સચદેવને જોયાં.

“તું તો લગ્ન પછી આ બાપને ભુલી જ ગઈ. આટલા સમય તને મારી યાદ… ઋષભ સાથે લડવું પડશે. મારી દીકરીની આવી કેવી હાલત કરી નાખી. ” માન્યતાએ કંઈ જવાબ ના આપ્યો. બસ એની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. એ કેવી રીતે કહે કે પોતાની આ હાલત માટે ઋષભ જ જવાબદાર છે. એ માન્યતાને ઘરની બહાર નીકળાવા જ દેતો નહોતો.

“ મેં ઋષભને ફોન કર્યો હતો એ કહેવા કે તું અહી છે પણ એણે ફોન ના ઉપાડ્યો. ઘરે મેસેજ મુક્યો હોવા છતાં એ તારી ખબર કાઢવા આવ્યો નહીં. શું થયું છે દીકરા ? કોઇ ઝગડો તો નથી થયો ને ? ” ડૉ.ના આટલા લાગણી ભરેલાં શબ્દો સાંભળી એ રડી પડી. ડૉ.સચદેવને કંઇ સમજ ન પડી એમણે એને રડવા દીધી. થોડી શાંત થતાં કારણ પુછ્યું અને માન્યતાએ માંડીને બધી વાત કરી. વાત સાંભળી ડૉ. ને આઘાત લાગ્યો.

“મારું નસીબ કે હું એને મળી બીજું શું . ” માન્યતાએ ગળગળા સ્વરે કહ્યું.

“ના બેટા આ તારું નસીબ નહી મારી ભૂલ છે.” ડૉ.સચદેવની આંખોમાં પાણી આવી ગયાં.

“બેટા , તું પોલીસમાં કેમ જણાવતી નથી ? ” થોડીવાર રહી ડૉ.એ કહ્યું.

“હું તો બરબાદ થઈ ચૂકી છું હવે પોલીસને જણાવીને શું કરું ? ”

“ જો દીકરા, તારી જેમ બીજી દીકરીઓની…”

ઘણું સમજાવ્યા પછી એ માની. પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવી અને ઋષભનાં ઘરનું સરનામું આપ્યું. એને અને એના પાર્ટનરને પોલીસે પોતાના કબ્જામાં લીધા.

હવે ડૉ.એ માન્યતાની સારવાર પર ધ્યાન આપ્યું. બધા ટેસ્ટ કરાવ્યા. ને રીપોર્ટ આવ્યાં ત્યારે તો એ બસ રડી જ પડ્યાં. એને માટે પોતાને દોષી માનવા લાગ્યા. માન્યતાને એઇડ્સ થયાનો રીપોર્ટ હતો. એમણે માન્યતાને એના રોગથી માહિતગાર કરી. જોકે માન્યતાને તો આનો થોડો અણસાર તો આવી જ ગયો હતો. હવે તો માન્યતાને બસ મોતની જ પ્રતિક્ષા હતી.

એક દિવસ સંધ્યા ટાણે દરિયા કિનારાનાં એક ખડક પર બેસી એ પોતાની લાઈફને રીવાઈંડ કરી જોતી હતી. પોતાની જીન્દગીનાં એક પછી એક પાનાં એની નજર સામે આવતાં હતાં. હમણાં સૂર્ય આથમી જશે એમ જ એક દિવસ પોતાની જીંદગીનો સૂર્ય પણ આથમી જશે.

“માન્યતા, તમે મારી સાથે લગ્ન કરશો ?” એક અજાણ્યા અવાજે એ ભૂતકાળમાંથી વર્તમાનમાં આવી. એણે અવાજની દિશામાં જોયું. એક યુવાન એની તરફ જોતો હતો.

પોતે એ યુવાનથી પરિચિત નહોતી. “સોરી , તમે મને કંઈ કહ્યું ? ”

“હા. હું તમારી સાથે લગ્ન કરવા માગું છું.” એ યુવાને કહ્યું.

“ પણ… પણ હું તમને ઓળખતી નથી. તમે મારા વિશે જાણતા નથી ને તમે મારી સામે લગ્ન નો પ્રસ્તાવ મુકો છો ? ” માન્યતાને નવાઈ લાગી.

“હા. ડૉ.સચદેવે મને તમારી બાબતમાં બધું જ જણાવ્યું છે. ”

એ યુવાન માન્યતાની બાજુમાં જ ખડક પર થોડું અંતર રાખી બેસી ગયો.

“અને મારા વિશે હું તમને જણાવું. મારું નામ પારસ. પારસ દવે. તમારી જેમ હું પણ પરિણિત હતો. બીઝનેસનાં કામમાં હંમેશા વ્યસ્ત હું મારી પત્નીને સમય નહોતો આપી શકતો. સમયને બદલે હું એને જોઈએ એટલા રૂપિયા આપી દેતો. એના પરિણામે એ છકી ગઈ. એ અનેક પુરુષો સાથે ફરવા લાગી. ધીરે ધીરે એ પુરુષો સાથે દૈહિક સંબધો પણ બાંધી બેઠી જેની મને કલ્પના પણ નહોતી. અનેક પુરુષો સાથે સંબધ બાંધવાથી એ એઈડ્સની શિકાર બની અને મને પણ એ રોગનો રોગી બનાવતી ગઈ. થોડાં સમય પહેલાંજ આ રોગથી પીડાઈને એ મૃત્યુ પામી અને હું મૃત્યુની રાહ જોઈ રહ્યો છું. ડૉ.સચદેવ અને એમનાં કેટલાક મિત્રો મળીને એક સંસ્થા ચલાવે છે જેમાં આ રોગથી પીડીત સમાજથી તિરસ્કૃત લોકોને જીવન જીવવાના બીજા મોકા રૂપે એમના લગ્ન કરાવે છે. એમણે આજે મને બોલાવીને તમારા વિશે જણાવ્યું અને પૂછ્યું કે હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું કે નહીં ? આમતો તમને લગ્નની કોઇ જરુરિયાત નહીં લાગશે પણ આ રોગ સાથે જીવવા કોઇની હુંફ જોઈએ અને એ માટે કોઇ પોતાનું જોઇએ. એક પુરુષ અને એક સ્ત્રીને લગ્નનાં બંધન વિના સાથે રહેવાનું સમાજમાં ઘણું અઘરું છે એ તો તમે જાણતાંજ હશો. તો હવે તમે કહો છો લગ્ન માટે તૈયાર ?” માન્યતા કંઈ બોલી ના શકી. એ તો એ યુવાનને બસ જોતી જ રહી. પોતાના વિશે બધું જાણ્યા પછી અને પોતે પણ મોતના બારણે ઉભો હોવા છતાં આ યુવાન પોતાને લગ્ન માટે પ્રપોઝ કરી રહ્યો છે અને નવજીવનની વાત કરે છે.

માન્યતાએ જ્યારે કોઇ જવાબ ના આપ્યો ત્યારે પારસે એની નજીક જઈ પોતાના બંને હાથમાં એનો  હાથ લઈ કહ્યું.  

“ચાલો આપણે આપણા જીવનની આ ડૂબતી સાંજને ઉગમણી સાંજ બનાવીએ.” અને થોડું વિચારી માન્યતાએ પોતાનો બીજો હાથ પારસના હાથ પર મુકતા આંખમાં આંસુ સાથે હકારમાં ડોકું હલાવ્યું.

*** http://www.pratilipi.com/nimisha-dalal *** 

More from નિમિષા ?????

More Stories

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects