આભાસ
February 03 2015
Written By નિમિષા ?????
આભાસ
રાતભર વરસીને વરસાદે થોડો વિસામો લીધો. રચનાને આવું વાતાવરણ ખૂબ ગમતું પણ અત્યારે એ માણવાનો સમય જ ક્યાં છે પ્રશાંતની ઓફિસ ઘરથી ઘણી દૂર હતી એટલે તે સવારે વહેલો નીકળી જતો. રચના સીધી રસોડામાં ઘૂસી ગઈ. એકતરફ ચાનું પાણી ચડાવી રીંકુને અને કરણને ઉઠાડ્યા. પ્રશાંતને માટે ટિફિન બનાવી તેને ઓફિસે મોકલ્યો. રીંકુને સ્કૂલે અને કરણને કોલેજ મોકલી રચના પોતાને માટે કોફી લઈ ગેલેરીમાં આવી. સવારનો આઠ વાગ્યા સુધીના સમયે તો જાણે કામની ગોળીઓનો વરસાદ વરસતો.. દરેકની ચીજ વસ્તુઓ સામે પડી હોય તોય ન દેખાય. સવારે દોડાદોડી ન થાય માટે તે બધું રાત્રેજ તૈયાર કરી દેતી પણ બધાને હાથમાં ને હાથમાં વસ્તુઓ આપવાની પોતે પાડેલી ટેવ તેને હેરાન કરી રહી હતી. પણ બધાજ જાય પછી તેને ત્રણ કલાક મળતા પોતાની મનગમતી પ્રવૃત્તિ કરવા માટે.. આજે તે આઇપોડ લઈ તેના પ્રિય ગુજરાતી ગીતો સાંભળવા બેઠી. ફ્લેટની ગેલેરીમાંથી સામે વિશાળ સમુદ્ર દેખાતો. તેને આ રીતે ગીતો સાંભળતા સમુદ્ર જોવો ગમતો.
“જવાબ દેને ક્યાં છે તું ? ઓ મારા દિલની આરઝુ…” ગીત વાગી રહ્યું હતું ને ત્યાંજ એક કબૂતર ગેલેરીની પાળી પર આવીને બેઠું. તેને પંખીઓ પણ ગમતા પણ આમ આટલા વરસમાં કદી કોઇ પક્ષી પાળી પર આવી બેસતાં તેણે જોયું નહોતું. એક નજર તેની પર કરી રચનાએ ફરી સમુદ્ર પર નજર સ્થિર કરી ને .. ને તેને ‘એનો’ ચહેરો દેખાયો. ‘એ’ ક્યાંથી ? પોતે સુખી લગ્નજીવનના સત્તાવીસ વર્ષ પાર કરી ચૂકી હતી અને આમ અચાનક આટલા વરસે ‘તેની’ યાદ ? તેણે આંખો ચોળી. ચહેરો ગાયબ.
“મન તારો સાથ અનુભવે તને આંખો દેખવા ચહે,
એકવાર આવો રુબરુ ઓ મારા દિલની આરઝુ… જવાબ દેને ક્યાં છે તું..”
પેલું કબૂતર ‘જવાબ દેને ..’ કડી વખતે ‘ઘું..ઘું..’ કરતું ગોળ ગોળ ફરતું. જાણે કહી રહ્યું હોય હું અહી છું. રચનાએ વિચાર્યું કે તે તેનો ભ્રમ માત્ર છે. એણે ફરી દરિયા પર નજર સ્થિર કરી તો.. તો એને ‘એ’ હાથ લંબાવી બોલાવતો દેખાયો અને પલક ઝપકતાં જ ગાયબ.
“તું ચાહે તે તને દઉં અસત ય ન જરી કહું
હું તારો એ ગુલામ છું તું મારા દિલની આરઝુ…. જવાબ દેને ક્યાં છે તું..”
રચનાએ ધ્યાન આપ્યું તો ખરેખર તે પંક્તિ વખતે કબૂતર ગોળ ફરતું જ હતું. આ કબૂતર પણ સંગીતપ્રેમી લાગે છે. છતાં પોતાનો ભ્રમ છે કે શું એ જાણવા રચનાએ બે ત્રણ વાર ગીત રીપીટ કર્યું પણ પેલું કબૂતર બીજી પંક્તિઓ વખતે સ્થિર થઈ પોતાને જોતું અને “જવાબ દે..” વખતે ગોળ ફરતું. તેણે કબૂતરની આંખો સાથે આંખો મેળવી તો તેના દિલમાં પરિચિતતાના વમળ ઊઠ્યા. રચનાને સમજ ન પડી કે આ શું છે ? કેમ તેને એમ લાગી રહ્યું છે કે ‘એ’ તેની આસપાસ છે.. આ રમતમાં કોફી પણ ઠંડી થઈ ગઈ. એકી ઘુંટડે કોફી પીને તે આઇપોડ લઈ રસોડામાં ગઈ. કપ મૂક્યો ને શાક સમારવાનું લઇ ડાઇનીંગ ટેબલ પર બેઠી પેલું કબૂતર તેની સામે ડાઇનીંગ ટેબલ પર બેઠું. રચનાએ તેને ઉડાડ્યું તો પાછું આવ્યું. એ ઉઠીને નહાવા ગઈ તો બાથરૂમના કાચની બહાર એનો પડછાયો. ઘરમાં એ જ્યાં જ્યાં જતી પેલું પાછળ પાછળ આવતું. બરાબર સમર્થની જેમ જ તો.
સમર્થ તેની કઝીન તૃષાનો ક્લાસમેટ. રચનાની કોલેજનો એ પહેલો દિવસ હતો. તેની કઝીન તૃષા તેના કરતાં એક વર્ષ મોટી હતી. પહેલા દિવસે રચના તૃષાના ગૃપમાં જ ઊભી હતી. સમર્થ પણ ત્યાં જ હતો. રચનાને પહેલી નજરે તે ગમી ગયો. સરસ કદ કાઠી, ગૌર વર્ણ, લહેરાતા વાળ ને એકદમ ભૂખરી આંખો. કોઇ ફિલ્મી હીરો જેવો જ દેખાતો હતો. અવાજ પણ એકદમ પહાડી હતો. પણ તે થોડો અભિમાની લાગ્યો. જુનિયર સાથે વાત કરવામાં એને રસ હોય એમ લાગ્યું નહીં. ત્યાર પછી તો રચનાએ પોતાના ક્લાસમાં પોતાનું ગૃપ બનાવી દીધું એટલે હવે તે તૃષાના ગૃપમાં જતી નહોતી. તૃષાની હાજરીમાં શરીફ બનતા સમર્થે જ્યાં રચના જાય ત્યાં જવાનું ચાલુ કર્યું. એ લાયબ્રેરી હોય કે કેંટીન.. રચનાને એ પીછો કરે તે ગમતું પણ તેણે જણાવા ન દીધું જાણે કોલેજના પહેલા દિવસનો બદલો લીધો. સમર્થ તેને મળવા માગતો તેની સાથે વાત કરવા માગતો પણ રચના તેનાથી દૂર રહેતી એનું બીજું પણ એક કારણ હતું. રચના તેના પિતાને ખૂબ પ્રેમ કરતી. એની બહેને જ્યારે લવમેરેજ કર્યા ત્યારે તેના પિતાને આત્મહત્યા કરતા રોકવા તેણે વચન આપ્યું હતું કે પોતે તેમની પસન્દગીથી જ લગ્ન કરશે. એટલે તે સમર્થ ગમતો હોવા છતાં એની સાથે પરિચય વધારવા માગતી નહોતી. એક તૃષાને તે દિલની વાત કરતી. તૃષા એને કહેતી કે પોતે અંકલને સમજાવશે પણ…
“હલ્લો રચના, કેમ બહાર બેઠી છે ? તને રમવાનું નથી ગમતું ?” નવરાત્રિમાં જોડી ન આવવાથી બહાર સ્કૂટર પર બેઠેલી રચના અવાજ સાંભળી ચમકી. એ સમર્થ હતો. એના ધબકારા એકદમ વધી ગયા. શું જવાબ આપવો એ સમજી ના શકીને બાઘાની જેમ તેની સામે જોઇ રહી. સમર્થે એના ચહેરા આગળ હાથ હલાવ્યો..
“હલો… હ…લો…..”
“હં.. હા, મારી જોડી નથી અને જોડી વિના તો કેમ રમવા જવાય ?” બોલી રચનાએ મોં ફેરવી લીધું.
એને સમર્થ સાથે મન મુકીને રમવાની ઇચ્છા થઈ ને સમર્થે કહ્યું મારી પણ જોડી નથી તને વાંધો ન હોય તો આપણે જોડી બનાવી રમી શકીએ. રચનાને તો ભાવતું હતું ને વૈદે કહ્યા જેવું થયું. તે દિવસે રચના મન મુકીને રમી. બીજા દિવસે પણ.. બે દિવસથી પપ્પા બહારગામ ગયેલા એટલે સમર્થને નજીક જોઇ પોતાનું પિતાને આપેલું વચન ભૂલાઇ ગયું ને ત્રીજે દિવસે પપ્પા આવ્યાને રચનાને પોતાની ભૂલ સમજાઈ. કોલેજમાં સમર્થે હિમ્મત કરીને રચનાને બોલાવી.
“હલ્લો રૂચિ.”
“રૂચિ ?”
“સોરી, રચના.”
“જુઓ મિસ્ટર, બે દિવસ મારી જોડી નહોતી આવી ને મારે રમવું હતું એટલે.. પણ એ બહાને તમે પરિચય વધારવાની કોશિશ ન કરતા. આપણી મુલાકાત બસ નવરાત્રિ પૂરતી જ સીમિત રાખશો તો સારું.”
“પણ..”
“મને તમારી સાથે પરિચિતતા વધારવાની કોઇ ઇચ્છા નથી.” આટલું બોલી રચના ત્યાંથી ચાલી ગઈ. ત્યાર પછી ઘણી વાર સમર્થે વાત કરવાની કોશિશ કરી પણ કદી રચનાએ સમર્થ સાથે વાત નહોતી કરી. એ ત્રાંસી નજરે કદીક તેને જોઇ લેતી ને કાયમ તેની ચોરી પકડાઈ જતી. સમર્થ એની સામે જોતો જ હોય. પછી તો એ પણ બંધ થઈ ગયું. સમર્થ ગ્રેજ્યુએટ થઈ ગયો ને નોકરીએ લાગી ગયો. સમર્થે તૃષા મારફત પણ એકાદવાર વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ..
પ્રશાંત જ્યારે રચનાને જોવા આવ્યો હતો ત્યારે તૃષાએ રચનાને સમજાવી હતી પણ રચનાને એ પિતાનો વિશ્વાસભંગ કરેલું લાગતું એટલે તૃષાને તેમ કરવા ન દીધું ને પ્રશાંત સાથે લગ્ન કરી લીધાં. આજે એ સુખી લગ્નજીવન ગાળી રહી હતી. બે સુંદર બાળકોની માતા હતી. પ્રશાંત તેને ખૂબ પ્રેમ કરતો. કોઇ વાતનું દુઃખ નહોતું. ત્યાં આજે આટલા વર્ષે કેમ સમર્થની યાદ આવી ને એ દેખાયો તે રચનાની સમજમાં ન આવ્યું. એનું ધ્યાન રહી રહીને પેલા કબૂતરમાં જતું. રસોઇ બનાવવાનો કોઇ મૂડ નહોતો. એ બેડરૂમમાં જઈને આડી પડી પેલું કબૂતરું પાછળ આવીને ડ્રેસિંગ ટેબલના કાચ પર બેઠું. સમર્થ પોતાનો પીછો કરતો ને ગમતું એમ હવે આ કબૂતરનું પાછળ પાછળ ફરવું તેને ગમવા લાગ્યું.
ડીંગ..ડોંગ.. ડોરબેલ વાગ્યો ને રચના ઝબકીને જાગી. ઘડિયાળમાં જોયું રીંકુના સ્કૂલેથી પાછા આવવાનો સમય પણ થઈ ગયો ને હજુ રસોઇ નથી બની. દરવાજો ખોલ્યો ને રીંકુજ હતી.
“મમ્મી આજે શું બનાવ્યું છે ?” બોલતી રીંકુ સીધી રસોડામાં ગઈ.
ત્યાં કંઈ જ તૈયાર ન જોઇને “મમ્મી હજુ કશું બનાવ્યું નથી ? તને ખબર છેને મારે ટ્યુશન જવાનું છે.” બોલતી પગ પછાડતી બહાર આવી.
“બેટા એવું છે ને કે..” રચના બોલવા ગઈ પણ..
“ઓ….હો..” રીંકુ રીસાઈ.
“ઓકે રીંકુ, રોટલીને જામ ખાઇશ ?” રચના જાણતી હતી કે રીંકુને જામ અને રોટલી બહુ ભાવે છે.
“હા..” રીંકુ ખુશ થતાં બોલી ને પછી શંકાથી રચના સામે જોયું “મમ્મી ?”
“હા બેટા, ચલ ગરમ રોટલી બનાવી દઉં.” રચના રસોડામાં જવા લાગી. રીંકુએ ડાઈનીંગ ટેબલ પરનો રોટલીનો ડબ્બો ખોલ્યો ને કહ્યું,
“મમ્મી, આ કાલની રોટલી પર જામ લગાડી આપશે તો પણ ચાલશે.” રચનાએ સારુ કહ્યું ને ફ્રીઝમાંથી જામની બોટલ લેવા ગઈ. રીંકુને ખૂબ નવાઈ લાગી. કાયમ મમ્મી જમવાના સમયે જામ અને રોટલી ખાવાની ના પડતી અને આજે સામેથી ?
રચનાને ખાવાની ઇચ્છા નહોતી અને કરણ ને પ્રશાંત તો સાંજે આવશે.. કામવાળી કામ કરીને ગઈ પછી રીંકુને ટ્યુશનમાં મુકી આવીને ગેલેરીના સમુદ્રને જોવા લાગી. ત્યાં પાળી પર સામે જ પેલુ કબૂતર આવી બેઠું. રચના એની સામે જોઇ રહી. આમને આમ કેટલો સમય વીતી ગયો એ ખબર ન પડી ને બધાનો ઘરે આવવાનો સમય થઈ ગયો. પ્રશાંત આજે ચાર વાગ્યામાં આવી ચડ્યો.
“રચના મારી બેગ તૈયાર કરીદે આજે રાતે મારે દસ દિવસ માટે ટુર પર જવાનું છે.” રચના માટે આ કંઈ નવી વાત નહોતી. પ્રશાંતને ઘણી વાર ઓફિસના કામથી ટુર પર જવું પડતું શરૂઆતમાં તે રચનાને પણ સાથે લઇ જતો દિવસે કામ અને સાંજે બન્ને ફરતા. પણ બાળકો થયા પછી હવે રચના જ ના પાડતી. એ ટુર પર જવાનો હોય ત્યારે જમતો નહી ખાલી ફ્રુટ જ્યુસ કે મિલ્ક્શેક પી લેતો. કરણ અને રીંકુને બહારથી ખાવાનું મંગાવી લેવાનું કહ્યું ત્યારે કરણને નવાઇ લાગી મમ્મી બહારનું ખાવાની એકદમ વિરોધી હતી. જે ખાવું હોય તે એજ ઘરમાં બનાવતી ને આજે ?
“મમ્મી ? તારી તબિયત તો સારી છે ને ?” રીંકુએ પૂછ્યું
“કેમ ? મને શું થયું છે ?”
“આ તો સવારે તેં મને જામ ને રોટલી આપી અને અત્યારે બહારનું…”
“નથી ખાવું તમારે બહારનું ? તો લાવ ઘરમાં બનાવી દઉ શું ખાવું છે ?” જરા ઊંચા અવાજે બોલી રચના ઊભી થઈ. રીંકુ અને કરણ બંને ચમકી ગયા. આટલા વરસમાં કદી મમ્મીનો ઊંચો અવાજ સાંભળ્યો નહોતો. કાયમ પ્રેમથી જ સમજાવતી. ભલે પછી એનું ગમતું ના કર્યું હોય તો પણ.
“એવું નથી મમ્મી પણ તારી તબિયતની ચિંતા થાય છે એટલે રીંકુએ પૂછ્યું.” કરણે એને પાછી બેસાડી.
“કંઈ નહી જરા માથું દુખતું હતું.” રચના સોફા પર માથું પાછું ટેકવીને આંખ બંધ કરી પડી રહી.
“અરે ! મમ્મી ! આ કબૂતર અહી ક્યાંથી આવ્યું ?” રીંકુ બેડરૂમમાંથી બામ લેવા ગઈ ને તેણે ડ્રેસિંગ ટેબલ પર કબૂતર જોયું. કરણ ઉડાડતો રહ્યો ને પેલું પાછું આવતું રહ્યું. આમ જેમ તેમ ચાર દિવસતો વીતી ગયા. ચોથે દિવસે રવિવાર હતો. કરણે રસોડાનો કારભાર ઉઠાવી લીધો.
“રીંકુ મમ્મીની તબિયત ઠીક નથી ને આજે એને ભાવતી પાણી પુરી બનાવીએ. તું મને મદદ કર.”
“પણ ભાઈ પુરી ? આપણને પુરી બનાવતા ક્યાં આવડે છે ?”
“પુરી બહારથી લઈ આવીશું ઓકે ?” પણ પોતાને ખૂબ ભાવતી પાણીપુરી ખાવાનો પણ મૂડ નહોતો.
“મમ્મી અમે કેટલા પ્રેમથી બનાવી છે ને તું..” રીંકુ રીસાઈ. રચનાએ એક પુરી ખાધી ખરેખર કરણે પાણી તો સરસ બનાવ્યું હતું પણ વધારે ખાવાની મરજી નહોતી થતી. એ તો બસ પોતાના વિચારોમાં જ ખોવાયેલી રહેતી. ચાર દિવસથી કબૂતરને બહાર કાઢવાના દરેક પ્રયત્નો નિષ્ફળ ગયા હતા પણ આજે સવારથી એ દેખાતું નહોતું.
“તારા વિના મૃત્યુ ગમે ને તારી સાથે જિન્દગી ને તારી સાથે જિન્દગી
હ્રદયનાં હિંચકે ઝુલાવું આવો તમે પ્રેમથી ઓ મારા દિલની આરઝુ…. જવાબ દેને ક્યાંછે તું….”
ગીતની પંક્તિઓ રચનાના કાનમાં ગૂંજી ઊઠી પણ પેલું કબૂતર……
એટલામાં તૃષાનો ફોન આવ્યો.
“રચના તને ખબર છે ને હું બેંગલોર ગઈ હતી ?”
“હા” રચનાએ ટૂંકો જવાબ આપ્યો.
”ત્યાં છાપામાં સમર્થનો ફોટો જોયો. એ કોઇ કંપની નો મેનેજીંગ ડીરેક્ટર હતો. એ હોસ્પિટલમાં હતો. હું એની ખબર જોવા ગઇ હતી. ખરેખર મારાથી એની હાલત જોવાતી નહોતી. આપણી કોલેજનો એ હીરો, એકદમ કાળો પડી ગયેલો ચહેરો, પાતળી લાકડી જેવું શરીર, ઊડી ઉતરી ગયેલી આંખો ને એકદમ તરડાઈ ગયેલો અવાજ. મને જોતા એની આંખોમાં ચમક આવી. એની બાજુમાં એની પત્ની બેઠી હતી. એણે મને કહ્યું કે : “થોડા સમય પહેલા એને કેંસર ડાયોગ્નાઈસ થયું. ત્યારથી એ રૂચિને યાદ કરે છે. એના વિશે મને ઘણી વાતો કરી છે. એક વાર તેને મળવા માગે છે. જાણવા માગે છે કે રૂચિને એને માટે પ્રેમ હતો કે નહી?” રચના હતપ્રભ થઈને આ સાંભળી રહી હતી એના ગળામાંથી અવાજ જ નહોતો નીકળતો.
“રચના.. રચના તું સાંભળે છે ને ?” તૃષાને તો રચનાની હાલતની જાણ ક્યાંથી હોય !
“સાચું કહું રચના તો મારાથી એની દશા જોવાતી નહોતી. ત્રણ દિવસ નિયમિત હું એની ખબર જોવા ગઈ હતી. એની આંખોમાં આજીજી હતી. હું તારુ વચન પાળી ન શકી રચના. મેં એને કહી દીધું કે તું પણ એટલી જ ઉત્કટતાથી એને પ્રેમ કરતી હતી. આ સાંભળીને તરત જ સમર્થનાં મોં પર સ્મિત આવી ગયું એણે એની પત્ની સામે જોયું જાણે કહેતો હોય મેં કહ્યું હતું ને કે રૂચિ મને પ્રેમ કરતી હતી. એની પત્ની બહુ જ સારી છે રચના એણે સમર્થનો હાથ પકડીને એની ખુશીમાં સાથ આપ્યોને એ જ સ્મિત સાથે એનો નિર્જીવ હાથ એની પત્નીના હાથમાંથી છૂટી ગયો.” તૃષાને એક ડૂસકું આવી ગયું ને રચનાના હાથમાંથી ફોન પડી ગયો.
*** http://www.pratilipi.com/nimisha-dalal ***
More from નિમિષા ?????
More Stories
Interactive Games
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ