લોકેટ – ધીરુબહેન પટેલ
September 08 2015
Written By Gurjar Upendra
સુધરાઈના તરણહોજમાંથી નીકળીને ત્રણે છોકરાઓ દદડતા શરીરે થોડો વખત તો એમના એમ જ બેસી રહ્યા. પછી કંઈક સ્વસ્થ થયા પછી એકબીજા સાથે આંખો મેળવીને હળવા સ્મિતની આપલે થઈ.
“મઝા આવી, નહીં?” લલિતે પૂછ્યું.
“એ ભરત, તેં આ ગળામાં શું બાંધ્યું છે?” રિશી બોલ્યો. ભરતે દોરામાં બાંધેલું નાનકડી દાબડી જેવું લોકેટ જરાક પાછળ નાખીને કહ્યું, “કંઈ નહીં.”
“અરે યાર, હનુમાનજી છે કે ગણપતિ, જરા જોવા તો દે!”
ભરતને એના આ બન્ને દોસ્તો બહુ ગમતા હતા. છતાં લોકેટમાંની છબી કોઈને બતાવવાનું તો એને મન નહોતું જ. એણે કંઈ જવાબ ન આપ્યો.
“જોવા દેને!” નહીં મળવા જઈએ; બસ. તારો માલ તને મુબારક. કેવી છે? બહુ રૂપાળી છે?”
ભરત શાંત પ્રકૃતિનો હતો. બંને બાજુના મારા સામે એ ઝાઝું ન ટકી શક્યો. આખરે એણે લોકેટ ખોલ્યું.
“ઓ માય ગોડ! આ તો તારી મમ્મી છે!”
“બસ, જે છે તે એ જ છે. મારી મમ્મી.. પ્લી-ઝ, હવે કોઈને કહેતા નહીં.” ભરતના અવાજમાં એવું કંઈક હતું કે રિશી અને લલિત છોભીલા પડી ગયા. ત્યાર પછીની વાતચીત બીજા જ સ્તર પર ચાલી ગઈ.
મંજુલાબહેન માધ્યમિક શાળાનાં શિક્ષક હતાં. રહેણીકરણી, પહેરવેશ, બોલવાની ઢબછબ બધું સભ્ય અને સામાન્ય. કોઈનું ખાસ ધ્યાન ન જાય. રસ્તાની ધારે ઊગેલા પારસપીપળા જેવું થોડોક છાંયડો આપે અને પછી ભુલાઈ જાય એવું વ્યક્તિત્વ.
માદીકરો ઘણા વખતથી એકલાં જ રહેતાં હતાં. કોઈ સગાંવહાલાંનો ખાસ આવરોજાવરો હતો નહીં. દિવાળી વખતે થોડાં કોઈ ને કોઈ ભગવાનનાં ચિત્રોવાળાં કાર્ડ આવતાં અને મંજુલાબહેન રાતે ચશ્માં ચડાવીને જવાબો પણ લખતાં. ભરત આ બધું પહેલેથી જોતો આવ્યો હતો અને એને કશી પડપૂછ કરવાની ટેવ જ નહોતી. એને માત્ર એટલી જ ખબર હતી કે એનું ભણતર, કપડાં, તબિયત અને થોડા નાનાનાના મોજશોખનું ધ્યાન મા બરાબર રાખતી અને પૈસાની તંગી કેવી હોય એની એને ખબર પડવા દેતી નહીં.
એક વખત એને એકબે છોકરાઓનું જોઈને શૂર ચડ્યું અને એણે પૂછી નાખ્યું “મમ્મી, હું સવારમાં છાપાં નાખવા જાઉં?”
બહુ નવાઈ પામીને મંજુલાબહેન બોલ્યાં, “કેમ?”
“આમ તો કંઈ નહીં – પણ સ્ટોલવાળો પૈસા આપે છે.”
“તારે કેટલા જોઈએ છે? હું આપીશને તને! અત્યારે તારો ભણવાનો વખત છે, બરાબર ભણી નાખ, પછી નિરાંતે કમાજે. પછી તો મારુંય પેન્શન આવશે. તારે જે કામધંધો કરવો હોય એ કરજે. આપણને કશી મુશ્કેલી નડવાની નથી.”
“વારુ.”
પછી એ બાબત કશી ચર્ચા થઈ નહીં. ભરતે મન દઈને ભણવા માંડ્યું અને પહેલાબીજાથી પાછળ નંબર ન આવે એનું ધ્યાન રાખ્યું.
મંજુલાબહેનનું નાનકડું પણ સુઘડ ઘર જે અંદર પગ મૂકે એને ગમી જતું. થોડીઘણી મહેમાનગતિ પણ થતી અને બધા વારતહેવાર વ્યવસ્થિત ઊજવાતા. આડોશપાડોશમાં અને નિશાળમાં એમની શાખ સારી હતી.
પણ ભરતે કોલેજમાં પગ મૂક્યો ત્યાર પછી એકાએક પલટો આવ્યો. મંજુલાબહેન વાળુ પત્યા પછી થોડી વારે બહાર નીકળવા લાગ્યાં – અલબત્ત, કોઈ કોઈ વાર જ.. કલાકેકમાં પાછાં આવી જતાં અને પછી કશી વાત કર્યા વગર સૂઈ જતાં. ભરત મા ઘરમાં છે એની આસાયેશ અનુભવતો અને વાંચ્યા કરતો કે સૂઈ જતો.
એક વખત બાજુવાળા દલસુખકાકાએ કહ્યું, “જમાનો બહુ બારીક આવ્યો છે, ભરત ! બૈરાં માણસે રાતવરત બહાર નીકળવું સારું નહીં. જોઈતુંકરતું તું લાવી આપતો હહોય તો ?”
“હેં ? હા. હું ધ્યાન રાખીશ.”
“આ તો લાંબા વખતનો પાડોશ એટલે કહી નાખ્યું. બાકી તારી મા એટલે લાખ રૂપિયાનું માણસ. એમાં મીનમેખ નહીં.”
ત્યાર બાદ ઘણા વખત લગી ભરત આશ્ચર્યમાં ડૂબેલો રહ્યો. આખરે દલસુખકાકા કહેવા શું માગતા હતા? પછી એણે યત્નપૂર્વક એ વાત મનમાંથી હડસેલી કાઢી.
મહિના પછી જોયું કે માની આંખો નીચે કાળાશ છવાતી જાય છે. કેટલીક વાર કામ કરતાં કરતાં અધવચ્ચે બેસી જાય છે અને પહેલાંના જેવી કલબલાટ કરતી વાતો પણ સંભળાતી નથી.
આખરે એણે એક દિવસ કહ્યું, “મમ્મી, આજે સાંજે મેં ડોક્ટર પાઠકની એપોઈન્ટમેન્ટ લીધી છે આપણે સાત વાગ્યે જવાનું છે.”
મંજુલાબહેનનો ચહેરો ફીકો પડી ગયો… “હાય હાય, તને શું થયું છે ભરત ?”
“હું તો બરાબર છું. મારે તને લઈ જવી છે.”
“મને? શું કરવા?”
“મારી મરજી.”
“અરે!”
મંજુલાબહેનને ઘણું બધું કહેવું હતું પણ એ બોલી ન શક્યાં. છોકરો મોટો થઈ ગયો છે અને હવે એ પોતાનું ધાર્યું જ કરવાનો છે એની સમજ પડી ગઈ. મનમાં થોડો ડર પણ લાગ્યો અને આકાશમાં તરતી આવતી રંગીન વાદળી જેવું ગૌરવ પણ જાગ્યું… કોઈ ચિંતા કરે, હુકમ ચલાવે એ પણ કેટલો સુખદ અનુભવ છે!
ડાક્ટરી તપાસમાં તો કંઈ ખાસ નીકળ્યું નહીં. પણ ભરતને લાગ્યું કે ઘર પહેલાંના જેવું નથી રહ્યું. પહેલાં કરકસર, પછી કંજૂસાઈ અને આખરે ચિંતાનાં વાદળ છવાવા માંડ્યાં છે. મા રાતે ઘડી ઘડી બહાર જાય છે, ઘણી વાર મોડી આવે છે – બાબત શી છે તે કંઈ સમજાતું નથી.
એક દિવસ એણે કહી નાખ્યું, “એવું કંઈ કામ હોય તો તારે મને કહેવું. તું બરાબર આરામ કરને !”
મંજુલાબહેન એની સામે કચવાટથી જોઈ રહ્યાં, “બધાં પોતપોતાની રીતે કામ અને આરામ કરતાં જ હોય.”
“પણ…”
“તારા કામમાં હું માથું મારું છું કે ભરત, શું વાંચ્યું ને કેટલું વાંચ્યું?”
“એવું નથી, આ તો…’’
“બસ ! ખોટી મગજમારી નહીં કર.”
મંજુલાબહેન તો પાસું ફેરવીને સૂઈ ગયાં પણ ભરતને ઊંઘ ન આવી. માનો આવો કંઠસ્વર એણે ક્યારેય સાંભળ્યો નહોતો. આવી રુક્ષતા અનુભવી નહોતી. અચાનક ધરતીકંપ થાય ને એક અણધારી તિરાડ પડતાં આખી ભૂમિરચના બદલાઈ જાય એવું કંઈક થયું હતું. એને આખી રાત ઊંઘ ન આવી. બીજે દિવસે પણ ચેન ન પડ્યું. ભોગજોગે કોઈકે તે દિવસે હસતાં હસતાં પણ કહી નાખ્યું, “હજી તારી મમ્મી દેખાડવી તો ખરી, હોં ભરત !”
“વોટ ડુ યુ મીન?” ગુસ્સે થઈને ભરત એની સાથે મારામારી કરી બેઠો. પેલો ગભરાઈ ગયો. આ શાંત અને સાલસ છોકરો કોઈના ઉપર હાથ ઉપાડે એવું તો એણે કલ્પ્યું જ નહોતું. અને એટલેથી અંત થોડો આવ્યો હતો? કોઈના હાથે અજાણતાં મધપૂડો છંછેડાઈ જાય અને બધી મધમાખીઓ ગણગણાટને ડંખ સાથે એને ઘેરી વળે એવી અસહાય દશા ભરતની થઈ ગઈ. ક્યાંક એને જોઈને એકદમ ચૂપ થઈ જવું, ક્યાંક આંખોના ઈશારા, ક્યાંક દબાયેલું હાસ્ય… આ બધું શું હતું ? જાણ્યા વગર ચેન નહીં જ પડે, નહીં જ પડે.
આખરે તે રાતે એ મંજુલાબહેન ઘરની બહાર નીકળ્યાં પછી થોડી વારે એમની પાછળ પાછળ ગયો… કેવો ગંદો ને અજાણ્યો મહોલ્લો… પોતાના શહેરમાં આવી પણ કોઈ જગ્યા હતી ખરી ? મંજુલાબહેન તો ચિરપરિચિત હોય એમ સડસડાટ ચાલ્યાં જતાં હતાં. ભરતને બેય બાજુનો ડર હતો. કદાચ માની નજર પડે અને પોતાને જોઈ જાય તો? અને ઘણો છેટે રહે ને મા ક્યાં ગઈ તેની બરાબર ખબર ન પડે તો ?
છતાં ગમે તેમ કરીને એ જ્યાં મા જવા માગતી હતી અને પહોંચી ત્યાં લગી ગયો તો ખરો પણ એનું મન છેક જ વિક્ષિપ્ત થઈ ગયું હતું. આવી ગલીચ જગ્યાએ રાતના અંધકારમાં મા આવે – પોતાની મા ?
છતાં ધ્રૂજતાં દેહમનને જેમ તેમ કાબૂમાં રાખીને એ દરવાજા લગી પહોંચ્યો તો ખરો અને અંદર નજર નાખી. જમીન પર નાખેલી મેલી ફાટેલી ગોદડી પર એક દાઢીવાળો લૂંગી પહેરેલો માણસ પડ્યો હતો. માને જોઈને એ ઊઠ્યો અને લથડતાં અવાજે બોલ્યો – ‘’મ-મનજુ ? તું આવી ?”
“ભાગ લાગ્યા છે મારા તે આવું જને ! હવે તમે મહેરબાની કરીને સરકારી દવાખાનામાં જાઓ અને દાખલ થઈ જાઓ. પછી કંઈક ઠીક થાય એટલે ભાઈ પાસે ચાલ્યા જજો-“
“પૈસા ક્યાં છે ?”
“છે. હું આપીશ. કહેશો તો દાખલ કરાવવાયે એક દહાડાની રજા લઈને આવીશ. પણ હવે મારા પર મહેરબાની કરો ને જતા રહો.”
“છ… છ… છોકરો ? એ નહીં મળે ?”
“ના, એને કશી ખબર નથી એ ભણે છે. માંડ માંડ આ શહેરમાં ઠરીઠામ થયાં છીએ, હવે અમને જીવવા દો.”
“ને હું ? હું શું કરું ?”
“એ બધો વિચાર પુનીને લઈને ભાગી ગયા ત્યારે નહોતો કર્યો ?”
“એ જ મારી પાછળ પડી હતી.”
“ખોટી નિંદા કરીને પાપનાં પોટલાં ન બાંધો તો સારું.”
“મને ભૂખ લાગી છે.”
“ખાવાનું લાવી છું. ને બોલો, સરકારી દવાખાનાની તપાસ કરું ?”
પેલો માણસ અકરાંતિયાની માફક ખાવાના પર તૂટી પડ્યો હતો. એણે માંડ માંડ ઊંચું જોઈને કહ્યું, “નાખી આવ ત્યાં – બીજું શું ?”
“હે ભગવાન !” કહીને મંજુલાબહેન ત્યાં જરાક સમુંનમું કરવા લાગ્યાં એટલામાં ભરત ચીવી દીધેલા પૂતળાની જેમ ત્યાંથી ભાગ્યો અને જેમ તેમ ઘરે પહોંચ્યો.
માતા આવતાં પહેલાં જરાક ઠીકઠાક થઈને પથારીમાં પડ્યો તો ખરો પણ પછી એનાથી ન રહેવાયું. ઊઠીને પેલું ફેંકી દીધેલું લોકેટ પાછું શોધીને ગળે બાંધી દીધું અને આસ્તેથી થાબડ્યું.
– ધીરુબહેન પટેલ
(‘નવનીત સમર્પણ’ સામયિકના ઓગસ્ટ, ૨૦૧૫ના અંકમાંથી સાભાર)
More from Gurjar Upendra
More Stories
Interactive Games
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.