ડુંગળીની આત્મકથા

August 24 2015
Written By GujaratilexiconGurjar Upendra

હું એક ડુંગળી છું. મારો જન્મ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના ડિંડોરી ગામમાં થયો હતો. મારા જન્મ માટે ખેડૂતે ખૂબ જ મહેનત કરી હતી. મારા જન્મ સમયે ખેડૂત અને તેનો પરિવાર ઘણો ખુશ હતો. તેમની લાગણીઓ અને ખુશી જોઈને હું પણ રાજી થઈ ગઈ હતી. મને જમીનમાંથી બહાર કાઢી સાફ-સફાઈ કરી બીજી ડુંગળીના ઢગલામાં સામેલ કરવામાં આવી. ઢગલામાં બીજી ડુંગળીઓ સાથે મારી દોસ્તી થઈ. અમે બધી ડુંગળીઓ જમીનમાંથી બહાર આવીને આ નવી દુનિયાને જોઈ રોમાંચિત થઈ ગઈ હતી.

હવે અમને કાંટા પર તોલી બારદાનમાં ભરવામાં આવી. કાંટા પર વજન કરતી વખતે એક મજૂર બીજા મજૂર સાથે વાતો કરતો હતો કે ‘અત્યારે મોંઘામાં મોંઘી ડુંગળી છે.’ આ વાત સાંભળી મને મારી જાત પર અભિમાન થયું. સામેની તરફ ખુલ્લા મેદાનમાં મૂળા અને કોબીજનો ઢગલો પડ્યો હતો પણ તેની તરફ કોઈનુંય ધ્યાન ન હતું . બધાની નજર માત્ર અમારી તરફ હતી. એક ભાઈ એમ કહેતા હતા કે, ‘અત્યારે તો ડુંગળીને ખુલ્લા ખેતરમાં ના મુકાય. તેને તો બંધ ગોડાઉન માં જ રખાય. આવી મોંઘી અને કિંમતી ડુંગળી કોઈ ચોરી જાય તો ?’ ‘ચોરી’નો શબ્દ સાંભળી મારા મનમાં ડર ઘર કરી ગયો અને મોંઘા હોવાનું અભિમાન ઘટી ગયું .

‘બીજા દિવસે બજારમાં લઇ જઈશું’ એવી પરસ્પર થતી વાતો સાંભળીને કુતૂહલ થયું. બજાર એટલે ખેતર અને ગામથી દૂર કોઈ નવી દુનિયામાં જવા મળશે એમ વિચારી આનંદ થયો. વહેલી સવારે ટ્રકમાં બધા બારદાન ભરી અમને બજારમાં લઈ જવામાં આવી. બજારમાં બીજી ઘણી શાકભાજીઓ જોઈ નવું જાણવા મળ્યું. છતાં બજારમાં પણ ડુંગળીની જ બોલબાલા હતી ! મોટા અવાજે બુમો પાડીને ડુંગળીના સોદા થતા હતા પરંતુ અમારા ખેડૂતને અમારો ભાવ સસ્તો લાગતાં અમારી હરાજી ના થઈ શકી અને અમારે વીલાં મોઢે ગામ પાછું જવું પડ્યું. ખેડૂતે ગામ પરત ફરતાં ટ્રક ચાલક સાથે વાત કરી કે ‘કાલે સવારે ફરીથી આપણે ડુંગળી શહેરમાં ઊંચી કિંમતે વેચીશું.’ બીજા દિવસે શહેરમાં ઊંચા ભાવે વેચાણ થાય એની અમારે રાહ જોવી રહી. એ પછી બીજા દિવસની સવાર પડતાં જ ખેડૂત અમને લઈ શહેરમાં વેચવા નીકળ્યો. શહેરમાં ચાર રસ્તા પર ખેડૂતે બુમ પાડી કે ‘લઈ લો મોંઘી ડુંગળી સસ્તામાં…., રસ્તાનો માલ સસ્તામાં….’ દશ જ મિનિટમાં લોકોની ભીડ જામી ગઈ ! અમને પણ આટલી બધી ભીડ જોવાનો પહેલવહેલ અનુભવ થયો. હવે અમારો ભાવ બોલાયો ૬૦ રૂ. કિલો. ભાવ સાંભળતા જ અડધા લોકો તિરસ્કારની નજર કરી દૂર હટ્યાં અને બબડતાં બબડતાં પાછા વળી ગયા. આ તિરસ્કારની નજર જોઈ મોંઘા હોવાનું અભિમાન ઓગળવા લાગ્યું . જે લોકો ખરીદી કરતાં હતાં એ પણ એમ બોલતા હતા કે ‘આ તો સ્વાદની મજબૂરી છે, બાકી આવી મોંઘી ડુંગળી કોણ ખરીદે ? આવી ડુંગળી ખરીદવા કરતાં તેનો ત્યાગ જ કરવો જોઈએ.’ આવા કડવાવેણ સાંભળી મન હચમચી ગયું. ગરીબો તો દૂરથી જ જોઈને બોલતાં હતાં કે ‘પહેલાં ડુંગળી સમારતા આંખોમાં પાણી આવતાં હતાં પણ હવે તો ભાવ સાંભળીને દૂરથી જ આંસુ આવે છે.’ ગરીબો કહે કે ડુંગળી તો આપણી કસ્તુરી હતી અને તે પણ મોંઘી થઇ ગઈ. હવે તો તે અમીરોની થાળીઓ માં જ શોભે. ગરીબોના આંસુ જોઈ અમારું પણ મન ભરાઈ આવ્યું અને મનમાં ચિંતા થઈ કે અમારું શું થશે ?

વધુ ભીડને કારણે પોલીસ આવતાં અમારું વેચાણ અટકાવી દીધું અને લોકોને ભગાડી મૂક્યા. હવે તો ખેડૂત પણ થાકી ગયો હતો તેથી કંટાળીને પાછા ગામ પાછો ફર્યો. ખેડૂત મૂંઝવણમાં હતો. એને થતું કે આ ડુંગળીઓનું શું કરું ? મોડી રાત્રે પુરવઠા ખાતાનો દરોડો પડ્યો અને વધુ જથ્થાના સંગ્રહ માટે ખેડૂતને દંડ કર્યો તથા ચેતવણી પણ આપી કે કાલે સવારે નીચી કિમંતે પણ ડુંગળી બજારમાં વેચી મારવી. ખેડૂત હવે ક્રોધિત થઈ ગયો અને રાત્રે જ અમને શોપિંગ મૉલના મનેજરને વ્યાજબી ભાવે વેચી આવ્યો. હવે અમારું નવું ઠેકાણું એરકંડીશન શોપિંગ મૉલ હતું. મૉલમાં ડુંગળી માટે બધી શાકભાજી કરતાં અલગ અને અલાયદું કાઉન્ટર હતું. લોકો અમારો ભાવ જોઈ મૂળો ખરીદીને અમારો તિરસ્કાર કરતાં નીકળી જતાં. જોતજોતામાં મૂળો વેચાઈ ગયો અને અમારી તો બોણી પણ થઇ ન હતી ! મેનેજરે બપોર પડતાં જ અમારી કિમંત ઘટાડી દીધી. હવે કદાચ અમારું વેચાણ થશે તેવી આશા બંધાઈ. એટલામાં એક શેઠાણી મૉલમાં આવતાં અમારી નજર તેમના પર પડી પણ તેમની એક નજર અમારી પર ના પડતાં અમને ઘણો અફસોસ થયો. એવામાં જ એક ફાઈવસ્ટાર હોટલના મેનજરની નજર પડતાં તેને અમારી કિમંત વ્યાજબી લાગી. તેઓ અમને ખરીદીને હોટલમાં લઈ ગયા.

ફાઈવસ્ટાર હોટલમાં જતાં અમે બધી ડુંગળીઓ થોડી ખુશ હતી અને એવામાં અમને ખબર પડી કે ટોચના ઉદ્યોગપતિની પાર્ટી માટે અમારી ખરીદી થઈ છે – તેથી અમારું ઓગળેલું અભિમાન ફરી વધ્યું. હવે રસોઈયાએ એક એક પડ દૂર કરી સમારવાની તૈયારી કરી ત્યાં જ અંત નજીક જોતાં અમે બધી ડુંગળીઓ રોવા માંડી. કપાતાં કપાતાં ખેતરથી હોટલ સુધીની સફર યાદ આવી ગઈ અને ફરી ડુંગળીનો જન્મ ના મળે તેવો અંતિમ વિચાર આવ્યો. આખરે લોકોને રડાવતાં અમે ડુંગળીઓએ રડતાં રડતાં મોંઘવારીની દુનિયામાંથી વિદાય લીધી.

– રૂપેન પટેલ

More from Gurjar Upendra

More Others

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects