ઘરગથ્થુ અને દેશી ઉપચાર …(જરા અજમાવી જુઓ …) …
August 04 2015
Written By Gurjar Upendra
જવ
આયુર્વેદિય મતે જવ તૂરા, મધુર, શીતળ, મળને ઉખેડનાર, મૃદુ, વ્રણ-ચાંદા માટે હિતાવહ, લૂખા, બુદ્ધિ તથા જઠરાગ્નિ વધારનાર, પચી ગયા પછી તીખા, સ્વર માટે હિતકારી, બળ આપનાર, વાયુ તથા મળને નીચે ધકેલનાર, પચવામાં હલકા, વર્ણ સ્થિર કરનાર, ગળા તથા ત્વચાના રોગો, કફ, પિત્ત, મેદ, પથરી, ડાયાબિટીસ, સોજા, દમ, તરસ, ઉધરસ મટાડનાર છે. ડાયાબિટીસમાં એક ટાઈમ જવની ભાખરી જ ખાવી અથવા ઘઉં-જવની સરખા ભાગે રોટલી ખાવી. એક ચમચો જવનો ભૂકો કરી તેનો ઉકાળો સવાર-સાંજ પીવાથી મૂત્ર માર્ગની પથરી, સોજા, અપચો મટે છે.
લસણ
આયુર્વેદના શ્રેષ્ઠ ઔષધોમાં લસણની ગણતરી થાય છે. રસોન, લશુન, મ્લેચ્છકંદ વગેરે લસણના સંસ્કૃત નામો છે. ‘લશુન અશ્નાતિહૃદરોગાદિન અશનુતેવા રસાયનાદિ ગુણાન યશ ભોજને.’ હૃદયના રોગોને જે ખાઈ જાય છે, રસાયનાદિ ગુણોને જે હજમ કરે છે, તેથી લશુન. લસણ બે જાતનું થાય છે (૧) એક કળીનું (૨) સાદું લસણ વાયુ પ્રકોપના અને હૃદયના રોગોમાં સારું પરિણામ આપે છે. લસણ મેધાવર્ધક, વર્ણ સુધારનાર, આંખો અને હૃદયને હિતકર, ગેસ, અજીર્ણ, મંદાગ્નિ, કબજિયાત, કફ, શ્વાસ, શરદીમાં હિતકર છે.
ચંદન
આયુર્વેદમાં સુખડને ‘ચંદન’ કહે છે. આ ચંદન કડવું, તીખું, તૂરૂ, શીતળ- ઠંડું, વાજીકરણ, કાંતિવર્ધક, કામવર્ધક, સુગંધિત, રુક્ષ, આનંદકર, લઘુ તથા હૃદયને હિતકારી છે. તે પિત્ત, ભ્રમ, ઊલટી, તાવ, કૃમિ, તૃષા, સંતાપ, મુખ રોગ, બળતરા, શ્રમ, શોષ, વિષ, કફ તથા રક્તદોષનો નાશ કરે છે. જે ચંદન ગાંઠવાળું, જડ, સફેદ, ઘસવાથી પીળું, સુગંધિત, કાપવાથી લાલ, સ્વાદે કડવું, શીતળ હોય તે ઉત્તમ જાણવું. ઔષધમાં તેનો ઉપયોગ કરવો.
મહુડો
આયુર્વેદિય મતે મહુડાનાં ફૂલ સ્વાદમાં મધુર, પચવામાં ભારે, ઠંડા, પુષ્ટિકર્તા, બળ તથા વીર્યવર્ધક, વાયુ અને પિત્તનો નાશ કરનારા છે. આ મહુડાના ફૂલમાંથી ગુલકંદ બનાવાય છે. મહુડાનાં ફૂલ અને સાકર સરખા વજને લઈ ખૂબ મસળી કાચની બરણીમાં ભરી તેને એક મહિનો તડકામાં મૂકવાથી મહુડાનાં ફૂલનો ગુલકંદ તૈયાર થાય છે. એક ચમચી જેટલો આ ગુલકંદ સવાર-સાંજ લેવાથી શરીરની આંતરિક ગરમી, મૂત્રદાહ, પૂયમેહ, મંદ જ્વર, અગ્નિમાંદ્ય, રક્તબગાડ, મૂત્રાવરોધ મટે છે.
કપૂર
આપણા દેશમાં કેળની જાતનું એક ઝાડ છે. તેમાંથી ‘કપૂર’ કાઢે છે. આ ઝાડને ‘કપૂર કેળ’ કહે છે. કપૂર બનાવવાની રીત જુદા જુદા દેશમાં જુદી જુદી હોય છે. કપૂર એ ઝાડના ગરમાંથી નીતરનારું અને પોતાની મેળે ઘટ્ટ થતું મૂળનું નૈર્સિગક તેલ છે. કપૂરના ત્રણ પ્રકાર છે. (૧) ભીમસેની કપૂર (૨) પત્રી કપૂર અને (૩) ચીની કપૂર. કપૂર સહેજ મધુર, કડવું, શીતળ, ચક્ષુષ્ય, વાજીકર, મૃદુ, મદકારક, કફ, દાહ, તરસ, કંઠ રોગ, મોળ, દુર્ગંધ મળ-ગેસની દુર્ગંધ, ઉદર શૂળ, મૂત્રકૃચ્છ્ર અને પ્રમેહમાં હિતાવહ છે.
કપાસ
આયુર્વેદ ઔષધ ‘કાર્ર્પાસ’ એ જ આપણો ‘કપાસ.’ એ વર્ષાયુ છોડ બે-ત્રણ હાથ ઊંચા થાય છે. તેની ૧૧ જાત અને સેંકડો ઉપજાતિ છે. કપાસના જીંડવા પાકે ત્યારે તે સ્વયં ફાટે છે અને તેમાંથી રૂ નીકળે છે. આ રૂ વચ્ચે કપાસના બીજ હોય છે. તેને કપાસિયા કહે છે. તેમાંથી તેલ નીકળે છે. જે ખાવામાં અને ઔષધમાં વપરાય છે. કપાસના જીંડવા મીઠા, પૌષ્ટિક, મૂત્રવર્ધક, રક્તવર્ધક અને કર્ણનાદ મટાડે છે. કપાસિયા બીજ ધાવણ વધારનાર, વજન વધારનાર, સ્નિગ્ધ અને મધુર છે.
કારેલા
આયુર્વેદિય ઔષધ કારેલીના વેલા થાય છે. તેનાં ફળો એ જ કારેલા. એનું શાક થાય છે અને ઔષધમાં વપરાય છે. કારેલા ઘણા કડવા હોય છે. ભારતમાં સફેદ અને લીલા બે જાતના કારેલા થાય છે. કારેલા કડવા, સહેજ તીખટ, અગ્નિદીપક, વીર્ય ઘટાડનાર, મળને તોડનાર, રુચિકારક, પચવામાં લઘુ, વાતલ અને પિત્તનાશક છે. તે રક્તદોષ, અરુચિ, કફ, શ્વાસ, વ્રણ, ત્વચા રોગ, કફ, કૃમિ, કોઢ, કુષ્ઠ, જ્વર, પ્રમેહ, આફરો અને કમળાનો નાશ કરે છે. ડાયાબિટીસમાં ખૂબ હિતાવહ છે.
આમલીના ગુણકર્મ
આમલી જ્યારે પાકે ત્યારે મધુર, મળ સરકાવનાર, હૃદયને માટે સારી, ખાટી, મળને તોડનાર, રુચિકારક, ભૂખ લગાડનાર, ઉષ્ણ, રુક્ષ અને બસ્તિશોધક છે તથા વ્રણ-ચાંદા, કફ, વાયુ અને કૃમિનો નાશ કરે છે. નવી આમલી વાયુ અને કફ કરનાર છે. એક વર્ષ જૂની આમલી વાયુ અને પિત્તશામક હોય છે. આમલીનાં ફૂલ તુરા, ખાટા, સ્વાદિષ્ટ, વિશદ, જઠરાગ્નિ પ્રદીપક તથા વાયુ, કફ અને પ્રમેહનાશક છે. કાચી તો વાયુ અને પિત્તકારક છે.
નાળિયેર-૬
આપણા ગુજરાતમાં શોઢલ નામના વૈદ્ય થઈ ગયા. તેમના ગદનિગ્રહ નામના ગ્રંથમાં લખાયું છે કે, ક્ષયરોગમાં માથું દુઃખે તો નાળિયેરનું દૂધ અથવા નાળિયેરનું પાણી સાકર નાખી પીવું જોઈએ. ભાવમિશ્રે સૂર્યાવર્ત, આધાશીશી- માયગ્રેનમાં પણ આ ઉપચાર જ સૂચવ્યો છે. પેશાબ અટકીને આવતો હોય ટીપે ટીપે ઊતરતો હોય, દાહ- બળતરા થતી હોય, એને માટે તથા રક્તપિત્ત માટે યોગરત્નાકર ગ્રંથમાં એક પ્રયોગ આપવામાં આવ્યો છે. નાળિયેરના પાણીમાં ગોળ અને ધાણાનું ચૂર્ણ નાખી સવાર-સાંજ પીવા આપવું.
ગંઠોડા
આયુર્વેદિય ઔષધ ‘પીપ્પલીમૂલ’ એ જ આપણા ‘ગંઠોડા’. આ ગંઠોડા એ અનિંદ્રાનું ઉત્તમ ઔષધ છે. આયુર્વેદિય મતે વાયુનો પ્રકોપ થવાથી ઊંઘ ઊડી જાય છે. અને કફનો પ્રકોપ થવાથી ઊંઘ વધારે આવે છે. વાયુની શાંતિ માટે અને કફના શમન માટે ગંઠોડા ઉત્તમ છે. ગંઠોડાનું બારીક ચૂર્ણ પા થી અડધી ચમચી જેટલું એનાથી બમણા ગોળ સાથે ખૂબ ચાવીને રાત્રે જમ્યા પછી ખાવું અને ઉપર ભેંસનું દૂધ પીવું. આ ઔષધ ઉપચારથી ઊંઘ સારી આવે છે. કફના રોગોમાં ખૂબ રાહત થાય છે.
કરિયાતું
આયુર્વેદમાં ‘કરિયાતું’ ઉત્તમ ઔષધ છે. તેની બે જાત છે, એક દેશી કરિયાતું, બીજું નેપાળી કરિયાતું. નેપાળી વધુ ગુણદાયી હોવાથી ઔષધમાં એ જ વાપરવું. કરિયાતાના છોડ નાના હાથ દોઢ હાથ ઊંચા થાય છે. તેનાં પાન નાના સરખા લાંબા હોય છે. તેનો છોડ સુકાયા પછી ડાંખળા ઔષધમાં વપરાય છે. કરિયાતું કડવું, વાતલ, વ્રણ રોપણ, સારક, શીતળ, પથ્યકર, લઘુ અને રુક્ષ છે. એ તૃષા, કફ, પિત્ત, તાવ, કોઢ, ખંજવાળ, સોજા, કૃમિ, દાહ, શૂળ, પ્રમેહ, ઉદરરોગ વગેરેમાં વિભિન્ન રીતે પ્રયોજાય છે.
ચંદનાસવ
આયુર્વેદનું એક પ્રસિદ્ધ દ્રવ ઔષધ છે ‘ચંદનાસવ’. ઉત્તમ દ્રવ ઔષધોમાં તેની ગણત્રી થાય છે. ચંદન મુખ્ય ઔષધ હોવાથી તેનું નામ ચંદનાસવ અપાયું છે. આ ચંદનાસવ ચારથી છ ચમચીની માત્રામાં એમાં એટલું જ પાણી મેળવી સવાર-સાંજ પીવાથી હૃદય માટે હિતકારક, જઠરાગ્નિ સંદિપક, બલ્ય એટલે કે બળ આપનાર, શરીરને પુષ્ટ કરનાર, શુક્રમેહનો નાશ કરનાર. શરીરની આંતરિક ગરમીને દૂર કરનાર તથા મૂત્રમાર્ગ માટે હિતકર છે. મગજને શાંત રાખે છે.
સર્પગંધા
ઔષધનું નામ છે. ‘સર્પગંધા’. આખા ભારતમાં આ દવા થાય છે. સર્પગંધાના છોડને લાલ ફૂલો આવે છે અને ઔષધમાં તેના મૂળ વપરાય છે. જે કડવા હોય છે. આ મૂળ લોહીના ઊંચા દબાણમાં, ગાંડપણમાં, અનિંદ્રામાં ખૂબ જ ઉપયોગી છે. હાઈ બ્લડપ્રેશરમાં ઉપયોગી હોવાથી ઘણી ફાર્મસીઓ સર્પગંધા ટેબ્લેટ બનાવે છે. સર્પગંધા ઉત્તેજના શામક હોવાથી ઊંઘ સારી આવે છે. લો બ્લડપ્રેસરના દર્દીએ આ દવા અનિદ્રા હોય તો પણ લેવી નહીં. ગર્ભાવસ્થામાં તેનો ઉપયોગ કરવો નહીં.
તાંદળજાનો ઉપયોગ
આપણે ત્યાં તાંદળજાની ભાજી બારે માસ મળે છે, ખવાય છે. આ ભાજી વિષ હરનારી, દવાની આડઅસર દૂર કરનારી છે. ઉગ્ર દવાથી એસિડિટી કે અલ્સર થાય તો આ ભાજીનો એકદમ તાજો રસ સવારે, બપોરે અને રાત્રે પીવો જોઈએ. સ્ત્રીઓને થતા પ્રદર અને લોહીવામાં તાંદળજાનો રસ ચોખાના ઓસામણમાં મિશ્ર કરી પીવો. ન ભાવે તો સાકર મિશ્ર કરાય. તાંદળજાનો રસ ખરજવા પર લગાડવાથી મટે છે. ધાવણ વધારનાર હોવાથી તાંદળજાનો રસ પ્રસૂતાએ પીવો.
More from Gurjar Upendra
More Others
Interactive Games
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.