અવનવી માહિતી
August 31 2015
Written By Gurjar Upendra
શાસ્ત્રો મુજબ આ શિવલિંગ તમારી મનોકામના પૂરી કરી શકે છે
શાસ્ત્રોમાં શિવલિંગનાં અનેક પ્રકારનાં વર્ણનો છે. જો કોઈ પોતાની મનોકામના મુજબ જે-તે શિવલિંગની પૂજા કરવામાં આવે તો તેની ઇચ્છા ખૂબ જ જલદી પૂરી થાય છે ત્યારે આવો, જાણીએ કયું શિવલિંગ તમારી કઈ ઇચ્છા પૂરી કરે છે. ભૂમિ ખરીદવાની ઇચ્છાવાળા વ્યક્તિએ ફૂલોનું શિવલિંગ બનાવી તેની પૂજા કરવી જોઈએ. ખાંડ (મોરસ)નું શિવલિંગ બનાવી તેની પૂજા કરવાથી માનસિક અને પારિવારિક સુખશાંતિ મળે છે. વાંસની કૂંપળોને ફૂટીને તેનું શિવલિંગ બનાવી પૂજા કરવાથી વંશવૃદ્ધિ થાય છે. ચાંદીથી બનેલા શિવલિંગ અને તેનો રુદ્રાભિષેક કરવાથી આર્થિક સંકટો દૂર થાય છે. ધન અને સમૃદ્ધિની ઇચ્છાવાળા લોકોએ પિત્તળ અથવા તો સોનામાંથી બનેલ શિવલિંગની પૂજા કરવી જોઈએ, પારાથી બનેલ શિવલિંગની પૂજા કરવાથી ધન, સુખ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઘાસને પીસી તેમાંથી બનાવેલ શિવલિંગની પૂજા અને રુદ્રાભિષેક કરવાથી અકાળ મૃત્યુનો ડર દૂર કરે છે અને આયુષ્યવૃૃદ્ધિ કરે છે.
બોલો… માણસ દર્દીને ભેંસનો બાટલો ચઢાવી દીધો…
આપણા દેશના સરકારી દવાખાનામાં ગરીબ દર્દીઓને માણસની માફક નહીં ઢોરની જેમ સારવાર અપાય છે એવું સાંભળ્યુ તો હતું, પરંતુ આ પ્રકારની સાક્ષાત્ લાલિયા વાડી મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાની સરકારી હૉસ્પિટલમાં પ્રકાશમાં આવી છે. અહીંના જિલ્લા સ્તરીય એક દવાખાનામાં પુરુષ વિભાગમાં મુન્ના નામનો એક ગરીબ દર્દી સારવાર લેવા ગયો ત્યારે ત્યારે તેને ઇન્જેક્શન લગાવ્યા બાદ ગ્લુકોજની બોટલ ચડાવવામાં આવી જેના પર લખેલું હતું ‘ઓન્લી ફોર એનિમલ’ (ફક્ત પ્રાણીઓ માટે જ). આ વાંચી દર્દીના પરિવારજનોએ ભારે ધાંધલ મચાવી હતી. વિવાદ વધતો જોઈ સત્તાવાળાઓએ એ જ જૂનો જવાબ આપ્યો, મામલાની તપાસ કરીશું. દોષીઓ બચશે નહીં.
વાહ વિજય ઠાકુર, વટ છે તમારો…!
મુંબઈમાં એક ટૅક્સીચાલક એવા છે જે મુશ્કેલ સમયમાં દર્દીઓને હૉસ્પિટલમાં પહોંચાડે છે, તે પણ એકદમ વાજબી દરે. જ્યારે હૉસ્પિટલમાં દાખલ લોકોના તો તે પૈસા પણ લેતા નથી. ૭૩ વર્ષના ટૅક્સીચાલક વિજય ઠાકુર અગાઉ જામેલા એન્જિનિયર હતા અને આજે કમાય છે તેના કરતાં ત્રણગણું કમાતા. થોડાં વર્ષો અગાઉ તેમના પત્ની પ્રસૂતિની પીડાથી તરફડિયાં મારતાં હતાં અને રાતના સમયે હૉસ્પિટલ લઈ જવા કોઈ જ તૈયાર ન થતાં પત્નીનું તેમની નજર સામે જ અવસાન થતાં તેઓએ ૧૮ વર્ષ જૂની પોતાના એન્જિનિયરિંગની નોકરી છોડી ટૅક્સીચાલક બની ગયા અને દિવસ-રાત જરૂરિયાતમંદ લોકોને હૉસ્પિટલ પહોંચાડી રહ્યા છે.
અહીં એક ઢોલી પાછળ ૧૪૦ આહીર યુવતીઓ સતી થઈ હતી
ઢોલીડાનો ઢોલ : રાપર પાસે વૃજવાણી નામનું ગામ છે, જ્યાં એક ઢોલી પાછળ ૧૪૦ આહીર યુવતીઓએ કટાર ખાઈ જીવ દીધો હતો. સાડા પાંચસો વર્ષ જૂની આ વાત છે. વૃજવાણીમાં એક ઢોલીએ એટલો સરસ ઢોલ વગાડ્યો કે ગામની આહીર યુવતીઓ ઘર-પરિવારને ભૂલી સળંગ ત્રણ-ત્રણ દિવસ સુધી રાસ રમતી રહી.
માલ, ઢોર, છોકરાં, છૈયાંને રેઢાં મેલી રાસ રમતી અને ઢોલીના ઢોલની પાછળ ઘેલી આહીર યુવતીઓને પાછી વાળવા ગામના આહીર યુવકોએ ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ કહે છે કે, ઢોલ ઢબૂકે કે તરત યુવતીઓ ઘેલી બની અને તેના તાલે નૃત્યમાં જોડાઈ જતી હતી. આખરે યુવાનોએ ઢોલીને મારી નાખ્યો. આહીરાણીઓને આહીરોનું આ કૃત્ય માફક ન આવ્યું અને ઢોલી તરફનો તેમનો પ્રેમ ગણો કે તેમના આહીરો દ્વારા એક કલાકારનો જીવ લેવાના પાપ બદલનું પ્રાયશ્ર્ચિત્ત ગણો, રાસ રમતી બધી આહીરાણીઓ સતી થઈ. વૃજવાણીમાં આહીર સ્મારકમાં બધી આહીરાણીઓનાં નામ સાથેની મૂર્તિઓ મૂકવામાં આવી છે.
અપરાધી મુર્ગા હાજિર હો…
કાનપુરના કર્નલગંજ વિસ્તારમાંના એક મરઘા વિરુદ્ધ યુપી પોલીસે મારપીટ અને શાંતિભંગ કરવાનો કેસ નોંધ્યો છે. પોલીસ મુજબ મરઘાને કારણે બે પક્ષના લોકો સામ-સામે આવી ગયા હતા જેના કારણે રમખાણ મચ્યું હતું, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. બનાવ એવો હતો કે, કાનપુરના કર્નલગંજ વિસ્તારના લુથૌરા મહોલ્લાના રામઉગ્રહ નામના વ્યક્તિનો પાલતુ મરઘો એટલો ઉગ્ર બની ગયો કે, તેણે ગુલજાર નામના એક યુવકને ચાંચ મારી જેથી પેલા યુવકે તેને સામે લાત મારી. આ જોઈ રામઉગ્રહના પુત્રે ગુલઝારને લાફો ઝીંકી દીધો, જેના જવાબમાં ગુલઝારના સમર્થનમાં તેની સંબંધી મહિલાઓએ મોરચો સંભાળ્યો ત્યાં મરઘા અને રામઉગ્રહ પક્ષની મહિલાઓએ પણ યુદ્ધનું બ્યૂગલ ફૂંક્યું અને જોત-જોતામાં આખો વિસ્તાર થોડીવાર માટે પથ્થરયુગમાં પહોંચી ગયો. હવે બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ સામ-સામે ફરિયાદ નોંધાવી છે જેના લઈને ગમે ત્યારે મરઘા મહાશયને કોર્ટનું તેડું આવી શકે છે.
પુરુષપ્રધાન સમાજ વિરુદ્ધ ફ્રાન્સની મહિલાઓનું અનોખું પ્રદર્શન
કોઈપણ બાબતનો વિરોધ દર્શાવવા લોકો પોત-પોતાની રીતો ક્યારેક તો અજીબો-ગરીબ રીતે અપનાવતા હોય છે. ફ્રાન્સની મહિલાઓ પણ હાલ કાંઈક આવા જ અજીબો-ગરીબ મૂડમાં જણાય છે. ફ્રાન્સની પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાનો વિરોધ કરવા હમણાં અહીંની મહિલાઓનાં ટોળેટોળાં ચહેરા પર નકલી દાઢી લગાવીને પુરુષોના વર્ચસ્વવાળી બેઠકોમાં વિરોધની ધડબડાટી બોલાવી રહી છે. લા બાર્બે નામના આ મહિલા સંગઠન મુજબ ફ્રાન્સની પુરુષપ્રધાન સમાજવ્યવસ્થામાં પાછલાં ૧૦૦ વર્ષોમાં કોઈ જ પરિવર્તન આવ્યું નથી. પહેલાં પુરુષો દાઢી-મૂછ રાખતા હતા, જ્યારે આજના પુરુષો દાઢી-મૂછ રાખતા નથી. પુરુષોમાં બસ આટલું જ પરિવર્તન આવ્યું છે. બાકી તેમની માનસિકતા તો આજે પણ ૧૦૦ વર્ષ જૂની છે, માટે અમે દાઢી-મૂછ લગાવીને આ વ્યવસ્થાનો વિરોધ કરી રહ્યાં છીએ.
મગરના મોંમાંથી હેમખેમ બહાર આવ્યો આ ટેણિયો
અમેરિકાનો નવ વર્ષનો એક બાળક આજકાલ તેની બહાદુરીથી અનેક બાળકો માટે આદર્શ બની ગયો છે. જેમ્સબોર્ન નામનો આ ટેણિયો થોડા સમય પહેલાં ફ્લોરિડાના એક તળાવમાં તરવા માટે ગયો હતો ત્યારે તળાવના એક મગરે તેનો પગ પકડી લીધો, પરંતુ આ ટેણિયાએ ડર્યા વગર પોતાની સૂઝબૂઝથી પોતાની તમામ તાકાતથી મગરના જડબામાં જોરદાર મુક્કા પર મુક્કા વર્ષાવ્યા અને મદદ માટે બૂમાબૂમ કરી. આ સાંભળી કેટલાક લોકો તેની મદદે આવ્યા અને તેને બચાવી લીધો. તેના પગ અને શરીર પર મગરના કરડવાનાં અનેક નિશાનો છે અને પગમાં મગરનો એક દાંત પણ તૂટી ભરાઈ ગયો હતો, જેને ડૉક્ટરોએ ઑપરેશન થકી કાઢી લીધો હતો. જેમ્સ એ દાંતને પોતાની બહાદુરીના પ્રતીક રૂપે હંમેશા પોતાની પાસે રાખવા માંગે છે.
હિન્દુ મહિલાની સારવાર માટે હજના પૈસા ખર્ચી નાખ્યા
૫૦ વર્ષ પહેલાં જમશેદપુરની ઉમાદેવી નામની મહિલાએ કોમી તોફાનોમાં અમીના બી નામની મુસ્લિમ મહિલાને જીવના જોખમે તોફાનીઓથી બચાવી લીધી હતી. તો હવે આ અમીના બી એ પોતાની એ મદદગારનો જીવ બચાવવા માટે પોતાની આજીવન બચાવેલી મૂડી દાવ પર લગાવી દીધી છે, ત્યાં સુધી કે આ નેકદિલ મહિલાએ હજ પઢવા માટે પાઈ પાઈ કરી બચાવેલા રૂપિયા પણ ઉમાદેવીની સારવાર માટે ખર્ચી કાઢ્યા છે. ૭૫ વર્ષનાં ઉમાદેવીની કિડની ખરાબ થઈ ગઈ છે. પુત્રો છે પણ તેમને છોડી અમેરિકા ચાલ્યા ગયા છે અને ઉમાદેવીનું ઘર પણ તેઓએ વેચી માર્યું છે. હાલ આ એકાકી મહિલાને ૭૦ વર્ષનાં અમીના બી એ આશરો આપ્યો છે. તે હવે ઉમાદેવીને બચાવવા પોતાની કિડની આપવા પણ તૈયાર છે. હરપળ ઉમાદેવીની સંભાળ રાખનાર અમીના બી કહે છે કે, ઉમા સાજી થઈ જાય તો હું સમજીશ કે, મેં હજ પઢી લીધી છે.
– સૌજન્ય : સાધના સાપ્તાહિક
More from Gurjar Upendra
More Others
Interactive Games
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ