લાગણીવશ હૃદય!
August 14 2015
Written By
Gurjar Upendra
તું ન માને કહ્યું, તું ન વર્તે સમય,
લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!
છે મને રાત દી એક તારો જ ભય.
લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!
જોતજોતાંમાં થઈ જાય તારું દફન,
વાતો વાતોમાં થઈ જાય અશ્રુ-વહન.
દવ દીસે છે કદી તો કદી જળપ્રલય,
લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!
કોઈ દુઃખિયાનું દુઃખ જોઈ ડૂબી જવું,
હોય સૌન્દર્ય સામે તો કહેવું જ શું!
અસ્ત તારો ઘડીમાં, ઘડીમાં ઉદય,
લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!
એ ખરું છે કે દુઃખ મુજથી સે’વાય ના.
એ ય સાચું તને કાંઈ કે’વાય ના.
હાર એ ને ગણું કે ગણું હું વિજય?
લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!
આભ ધરતીને આવી ભલેને અડે,
તારે પગલે જ મારે વિહરવું પડે!
તારી હઠ પર છે કુરબાન લાખો વિનય,
લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!
મારે પડખે રહી કોઈનો દમ ન ભર,
સાવ બાળક ન બન, ઉદ્ધતાઇ ન કર!
બીક સંજોગની છે, બૂરો છે સમય,
લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!
એક વાતાવરણ સરજીએ હર પળે.
આ જગતની સભા કાન દઈ સાંભળે,
હું કવિતા બનું, તું બની જા વિષય.
લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!
એક સોનેરી અપરાધની તું સજા,
પાત્રમાં દુઃખના જાણે ભરી છે મઝા,
જખ્મ રંગીન છે, દર્દ આનંદમય,
લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!
પારકી આગમાં જઈને હોમાય છે.
તારે કારણ ‘ગની’ પણ વગોવાય છે.
લોક ચર્ચાનો એ થઇ પડ્યો છે વિષય,
લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!
More from Gurjar Upendra



More Kavita



Interactive Games

Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ