મારું ગામ

July 03 2015

એક તો મારો બનાસકાંઠા જીલ્લો એ ગુજરાતનો સૌથી છેવાડાનો અને સૌથી પછાત જીલ્લો (શિક્ષણ, આરોગ્ય, ખેતી, સિંચાઇ, ઉદ્યોગ-ધંધા, સાધનસગવડ વિગેરે બધાં જ ક્ષેત્રોમાં) અને એમાંય મારો વાવ તાલુકો બનાસકાંઠા જીલ્લાનો પણ સૌથી છેવાડાનો અને સૌથી પછાત તાલુકો. રાજ્યનો એટલા છેવાડાનો ભાગ કે ગુજરાતના અન્ય વિસ્તારમાં વસતા લોકોને અને કદાચ સરકારને પણ વાવ તાલુકાનું અસ્તિત્વ છે તે જ ખબર નહિ હોય. એને લીધે જ આજથી પચાસ વર્ષ પહેલાં વાવ તાલુકાને લગતા કોઈ સમાચાર ગુજરાતનાં તે વખતનાં જાણીતાં અખબારો (ગુજરાત સમાચાર, સંદેશ અને જનસત્તા)માં બેચાર મહીને નાની એવી કોલમમાં છપાય તો પણ અમને બહુ મોટી ઘટના લાગતી.

‘નબળા કુતરાને બગાઈઓ ઘણી’ એ ન્યાયે કુદરતે પણ વાવ તાલુકાને વિષમ વાતાવરણ આપ્યું છે. ઉનાળામાં સખત ગરમી તપાવે, શિયાળામાં ભયંકર ઠંડી થથરાવે, જયારે ચોમાસામાં ઓછો વરસાદ રડાવે. કચ્છના ભેંકાર રણ ઉપરથી અને સુઈગામ-નડાબેટ તરફની મીઠું પાકે એવી ખારી જમીન પરથી આવતા પવનો સમગ્ર વાતાવરણને ક્ષારમય બનાવી દે. ભૂતળનાં પાણી ઘણાં ઊંડાં અને તે પણ ખારાં. ચોમાસું સારું રહે તો વર્ષમાં એક પાક થાય નહીં તો રામરામ. પીવાના પાણીની પણ એવી તકલીફ કે વાવ તાલુકાનાં ૧૨૧ ગામોમાંથી લગભગ ૮૦ ગામોને ટેન્કર મારફતે અથવા ૬૦–૭૦ કી મી દૂર થી પાઈપલાઈન મારફતે પાણી આપવું પડતું.

પણ કુદરતનો એક કરિશ્મા હોય છે. બળબળતા વિશાળ રણમાં જયાં ચારેકોર રેતીનો સમંદર લહેરાતો હોય, પાણી તો ફક્ત મૃગજળરૂપે જ હોય અને ઝાડપાનને બદલે છૂટાંછવાયાં ઝાંખરાં જ નજરે પડતાં હોય, એવા રણની વચ્ચે પણ કયાંક સુંદર મઝાનો રણદ્વીપ હોય છે, જયાં નાની સરખી મીઠા પાણીની તલાવડી હોય, તેની ચારેકોર વૃક્ષો ની લીલોતરી હોય અને મનને શાતા મળે તેવું વાતાવરણ હોય. એ જ રીતે વાવ તાલુકામાં પણ કેટલાંક ગામો રણદ્વીપની જેમ મીઠું પાણી ધરાવતાં તળાવ-કૂવા  અને વૃક્ષો ની વનરાજીવાળાં હતાં. માડકા એવું એક ગામ.

મારા બાપા (પિતાજી), ચીમનલાલ ત્રિવેદી, માડકાની પ્રાથમિક  શાળામાં હેડમાસ્તર તરીકે વર્ષ ૧૯૫૭ થી ૧૯૬૫ સુધી રહ્યા. તે પહેલાં તેઓ વાવ તાલુકાનાં જ સુઈગામ અને ભોરોલ ગામોની શાળામાં હેડમાસ્તર હતા. તે દરમ્યાન સુઈગામ ખાતે વર્ષ ૧૯૫૩માં મારો જન્મ. બાદમાં ભોરોલ ખાતે વર્ષ ૧૯૫૫માં મારા નાના ભાઈ રમેશભાઈનો જન્મ અને માડકામાં વર્ષ ૧૯૫૭માં અમારાં સૌથી નાનાં  બેન રંજનબેનનો જન્મ. આમ માડકાના અમારા રહેવાશનો સમયગાળો વર્ષ ૧૯૫૭થી ૧૯૬૫ સુધીનો હતો. તે સમયગાળાનું એટલેકે અત્યારથી લગભગ પચાસેક વર્ષ પહેલાનું લોકજીવન અને સંસ્કૃતિનું ચિત્ર મેં જેવું અનુભવ્યું તેવું અહીં રજૂ  કરવાનો પ્રયત્ન કર્યો છે.

માડકા તે વખતે લગભગ બેએક હજારની વસ્તી ધરાવતું ખોબા જેવડું નાનકડું પણ રળિયામણું ગામ. ગામના એક છેડેથી બીજા છેડે ચાલીને જઈએ તો પણ આઠ દસ મિનીટમાં આરામથી પહોંચી જવાય. પણ ગામની વચ્ચે વિશાળ ચોકમાં એક બાજુ રૂપકડા જૈન દેરાસરની ધજા આકાશમાં લહેરાતી હોય, બીજી બાજુ જૈન ઉપાશ્રયમાં સ્તવન અને પ્રવચનની ગુંજ સંભળાતી હોય, સામે નિશાળમાં (પ્રાથમિક શાળા) વિદ્યાર્થીઓના ભણવાના અવાજો આવતા હોય, ચોકમાં ભૂલકાંઓની રમતગમતની ધમાચકડી ચાલતી હોય, ઘટાદાર લીમડાનાં વૃક્ષો ના લહેરાતા અવાજ સાથે પક્ષીઓનો કલરવ સંભળાતો હોય, ગામની સીમમાં મીઠા પાણીનું મોટું તળાવ બારેમાસ પાણી ભરેલું હિલોળા લેતું હોય, તેની એક બાજુ શિવાલય અને બીજી બાજુ હનુમાનજીની દેરીના ઘંટારવ સાંજ-સવાર તાલબદ્ધ રીતે ગુંજતા હોય, તળાવની ચારેબાજુ વડલા, પીપળા, લીમડા, આંબા, જાંબુડા જેવાં ઘટાદાર વૃક્ષો , આંખ ઠારે તેવી વનરાજી અને તેની ઉપર મોર, પોપટ, બુલબુલ, હોલા, કબૂતર, કાગડા, કાબર, ચકલીઓ જેવાં પક્ષીઓ કિલકિલાટ કરતાં હોય, જે માડકાને ખરેખર રળિયામણું ગામડું બનાવતાં હતાં. ઉપરાંત ગામની ચોતરફના વગડામાં વાંદરા, રોઝ (નીલગાય), સસલાં, શિયાળ, જેવાં પશુઓ; તેતર, લેલાં, લક્કડખોદ, સમડી, ગીધ, બગલા, જળકૂકડી, ટીટોડી, જેવાં પક્ષીઓ અને નોળિયો, ઘો, છછુંદર, કાચીંડા, સાપ, વીંછી, અજગર, કાચબા, જેવા અનેક જીવો મેં જાતે જોયેલા છે.   

જૂનો ઈતિહાસ ફંફોળતાં જાણવા મળે છે કે લગભગ ૪થા સૈકામાં માર્કંડઋષિએ આ ગામ વસાવેલું, જે માર્કંડ પરથી માડકા તરીકે જાણીતું થયું. માડકામાં મુખ્ય વસ્તી કણબી પટેલોની હતી. તે ઉપરાંત જૈન વાણીયા, બ્રાહ્મણ, દરબાર, સોની, સુથાર, ગઢવી, ખત્રી, રબારી, સાધુ, હરિજન વિગેરે જ્ઞાતિઓની વસ્તી હતી. મોટાભાગના લોકો સીધી કે આડકતરી રીતે ખેતીવાડીના વ્યવસાયમાં સંકળાયેલા હતા. જૈનો વેપારધંધામાં અને અન્ય કોમો તેમના પારિવારિક ધંધામાં જોડાયેલા હતા.

સુરક્ષાનાં કારણોસર જૈનો અને સોની જેવી જ્ઞાતિઓનાં રહેણાંક ગામની વચ્ચેના ભાગમાં હતાં. તે પછી બહારના ભાગમાં ઈતર કોમોનાં ઘર હતાં. ખેતીના ધંધામાં સીધી રીતે જોડાયેલા લોકો તથા પશુપાલન કરનારા રબારીઓને મોટી જગ્યાની જરૂર પડતી હોવાથી તેમનાં ઘર ગામની બહારની તરફ હતાં. અસ્પૃશ્યતાના કારણોસર દલિત કોમનાં ઘર  ગામની બહારની તરફ હતાં. તે વખતે મોટેભાગે જે તે જ્ઞાતિનાં રહેઠાણ એક વિસ્તારમાં જ રહેતાં. જેથી ગામની શેરીઓ પણ વાણિયાશેરી, કણબીશેરી, બ્રાહ્મણવાસ, સુથારવાસ, સોનીશેરી, દરજીવાસ એવાં નામથી ઓળખાતી. તે સમયે લગભગ બધાં ગામડાંઓમાં રહેઠાણની આ મુજબની વ્યવસ્થા હતી.

તે સમયે ગામડાઓમાં ભણતરનું પ્રમાણ ઘણું ઓછું હતું, તેથી નોકરી કરવાવાળો વર્ગ ખાસ હતો નહિ. વળી ગામમાં નોકરી કે રોજગારીની તક પણ ખાસ ન હતી. આખા ગામમાં નોકરિયાત વર્ગમાં ત્રણ-ચાર શિક્ષકો અને તલાટી, ટપાલી વિગેરે મળીને માંડ છ-સાત નોકરિયાત હતા. ગામમાં પ્રાથમિક શાળા, પોસ્ટ ઓફિસ અને ગ્રામપંચાયત કચેરી સિવાય અન્ય કોઈ સરકારી કચેરી (ઓફિસ) કે ખાનગી સંસ્થા હતી જ નહિ. આવી પરિસ્થિતિને લીધે તે સમયે કહેવાતું કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી.

સમયની સાથે હવે આ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ખેતીના ભોગે વેપાર તથા ઉદ્યોગોને વધારે મહત્વ આપવાની સરકારી નીતિઓને લીધે અને આધુનિક ખેતી વધુને વધુ ખર્ચાળ બની રહી હોવાથી નાના ખેડૂતો માટે ખેતી હવે નફાકારક રહી નથી. પેઢી દર પેઢી ખેતીની જમીનોનું વારસાઈ મુજબ વિભાજન થતું હોવાથી ખેડૂતો પાસે જમીનનો જથ્થો ઘટતો જાય છે, જેથી વિદેશોમાં થાય છે તેમ મોટા પાયા ઉપર ખેતી થઇ શકતી નથી. વળી આજની નવી પેઢી ખેતીને મજૂરી ગણે છે અને તેને બદલે ખુરશીમાં બેસીને કરવાની નોકરી (વ્હાઈટ કોલર જોબ)ને પહેલી પસંદગી ગણે છે. તદુપરાંત વેપાર તથા ઉદ્યોગનો વિકાસ વધારે થવાથી જમીનોની કિંમત અનેકગણી વધી ગઈ છે. જેથી નાના ખેડૂતો નવી જમીન ખરીદી શકતા નથી, પરંતુ પોતાની જમીનના સારા ભાવ આવવાથી તેને વેચીને શહેરમાં વેપાર-ધંધા માટે જવા લલચાઈ ગયા છે. આથી હવે ગામડાંની વસ્તી શહેરો તરફ સ્થળાંતર થઇ રહી છે, કારણકે શહેરોમાં ભણતર અને નોકરીધંધા માટે ઘણી તકો છે. આથી આજના સમયમાં વ્યવસાયની પસંદગીની વ્યાખ્યા પણ બદલાઈને કંઈક આવી થઇ ગઈ છે -ઉત્તમ સરકારી નોકરી, મધ્યમ વેપાર ધંધા અને કનિષ્ઠ ખેતી.

ગામના બજારની વાત કરું તો ગામમાં માંડ દસબાર દુકાનો હશે, જે સંપૂર્ણપણે જૈનોની હતી. તેમાંની મોટાભાગની ચોકની આસપાસ જ હતી. આ બધી દુકાનો કરિયાણાની અને કાપડની દુકાનો જ હતી. આજની પેઢીને કદાચ આશ્ચર્ય થશે, પણ વાસણ, કટલેરી, સ્ટેશનરી, હાર્ડવેર, મીઠાઈ વિગેરે તો ઠીક, પણ  હજામત, દરજી, દૂધ-દહીંની દુકાન (ડેરી), ચા-નાસ્તાની  હોટલ કે પાનનો ગલ્લો પણ ગામમાં ન હતો. આવી બધી ખરીદી માટે ગામલોકોને નજીકના મોટા ગામ વાવ જવું પડતું. હજામત, સિલાઈકામ, જેવા ધંધા કારીગરો પોતપોતાના ઘરેથી જ કરતા. ચા ની કીટલી પણ ફક્ત બસસ્ટેન્ડ પર એક જ જગ્યાએ હતી. મોટેભાગે રહેઠાણના અમુક ભાગમાં જ ધંધાની જગ્યા રહેતી, જેથી ધંધાની જગ્યા માટે અલગ ખર્ચ કરવો ન પડે અને ધંધાની દેખરેખ પણ સરળ રહે.   

ગામના ચોકમાં આવેલું જૈન દેરાસર એ શ્વેતાંબર જૈન સંપ્રદાયનું પ્રાચીન અને જાણીતું તીર્થધામ છે. મળતી માહિતી મુજબ આ તીર્થધામ આશરે એક હજાર વર્ષ જૂનું  હોવાનું કહેવાય છે. શ્રી શાન્તિનાથ ભગવાનનું મૂળ દેરાસર સંવત ૨૦૩૪માં એટલે કે સને ૧૯૭૭માં નવનિર્માણ થયેલ છે. જયારે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનના દેરાસરની પ્રતિષ્ઠા સંવત ૨૦૦૨માં એટલે કે સને ૧૯૪૫માં થયેલી છે. સફેદ આરસપહાણમાંથી બનેલા આ સુંદર દેરાસરમાં શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાન અને શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવાન તથા ખેતરપાળ  શ્રી મણીભદ્ર વીર અને શ્રી રંગાદાદાની પધરામણી કરેલ છે. પ્રાચીન અને મોટું જૈન તીર્થધામ હોવાથી દૂરદૂરથી જૈન દર્શનાથીઓ મોટી સંખ્યામાં દર્શન અને પૂજા કરવા આવે છે. દર વર્ષે પ્રતિષ્ઠા દિવસ વૈશાખ સુદ દશમના રોજ ખૂબ ધામધૂમથી ઉત્સવ મનાવાય છે.

દેરાસરના બહારના ભાગમાં દુકાનો બનાવેલી છે, જેના ધાબા ઉપર પક્ષીઓને ચણ નાખવામાં આવે છે. બાળપણમાં અમે જાતભાતનાં પક્ષીઓને ચણતાં જોવા માટે અવારનવાર અહીં આવતા. દેરાસરના ધ્વજદંડ ઉપર ઘણીવાર એક મોર બેસતો હતો. સાંજના સમયે આ મોર બાજુના ઝાડ પરથી મોટી પાંખો ફફડાવતો અને તીણો કેકારવ કરતો આવીને ધ્વજદંડ ઉપર નાનકડી જગ્યામાં ઉતરાણ કરતો ત્યારે જાણેકે વિમાનનું લેન્ડીંગ થતું હોય એવું જોવાલાયક દ્રશ્ય સર્જાતું !

દેરાસરની સામે જૈન ઉપાશ્રયનું બે માળનું મકાન છે, જેનો ઉપયોગ જૈન સાધુ તથા સાધ્વીજી જે ‘મહારાજ સાહેબ’ ના માનવાચક નામથી ઓળખાય છે, તેમના રહેઠાણ માટે તેમજ ધાર્મિક પૂજા, સામાયિક, પ્રવચન અને ધાર્મિક શિક્ષણ માટે થતો. મારા રહેઠાણથી એકદમ નજીક હોવાથી અને બાળમિત્રોમાં ઘણા જૈન હોવાથી હું અવારનવાર તેમની સાથે દેરાસર તથા ઉપાશ્રયમાં જતો. વાંચનના શોખને લીધે જૈનધર્મનાં પુસ્તકો વાંચતો અને નવકાર મંત્ર પણ કંઠસ્થ કરેલ.

જૈનોનાં ધાર્મિક સ્થળોની હિંદુઓનાં ધાર્મિક સ્થળો સાથે સરખામણી કરીએ તો પ્રથમ દ્રષ્ટિએ જૈનદેરાસરોની સ્વચ્છતા અને શાંતિ ઊડીને આંખે વળગે તેવાં હોય છે. હિંદુ મંદિરોમાં ભક્તો દ્વારા કંકુ, ચોખા, નાળિયેર, ફૂલ, અગરબત્તી, ચૂંદડી, દૂધ, ઘી, તેલ, સિંદુર, જાતજાતના પ્રસાદ વિગેરે અનેક પૂજાદ્રવ્યોનો પ્રમાણભાન વગર ઉપયોગ કરવામાં આવે છે. જે મંદિરના પરિસરને સ્વચ્છ રાખવામાં બાધારૂપ બને છે. આથી ભાવિકો આ પૂજાદ્રવ્યો પુજારીને જ આપે અને ફક્ત પુજારી જ તેનો ઉપયોગ કરી શકે તેવો નિયમ બનાવવામાં આવે તો કદાચ હિંદુ મંદિરો ચોખ્ખાં રહી શકે. આ નિરીક્ષણ સાથે સહમત હોય તે દરેક જણે પોતાનાથી જ શરૂઆત કરવી જોઈએ કે પોતે મંદિરને પૂજાદ્રવ્યોથી અસ્વચ્છ નહીં બનાવે.

તદુપરાંત હિંદુ મંદિરોમાં (અને અન્ય ધર્મનાં સ્થાનકોમાં પણ) લાઉડસ્પીકરનો બેફામ ઉપયોગ અવાજનું પ્રદૂષણ (નોઈઝ પોલ્યુશન) પેદા કરે છે, જેથી મંદિરમાં આવીને માનસિક શાંતિનો જે અનુભવ થવો જોઈએ તે થતો નથી. આ બાબતમાં પણ આપણે ગંભીરતાથી વિચારવાનો સમય હવે પાકી ગયો છે.

ઉપાશ્રયની બહારના ભાગમાં એક મોટો ઓટલો બનાવેલ છે, જેનો ઉપયોગ ગામના ચોતરા તરીકે થતો. સાંજના સમયે ગામના લોકો અહીં એકઠા થતા અને અલકમલકની વાતો તથા ગામગપાટા કરતા.

ચોક ગામની વચ્ચોવચ હતો, તેથી ગામના સામૂહિક   ઉત્સવ તથા મનોરંજનના બધા કાર્યક્રમો અહીં ઉજવાતા. અહીં નોરતાં (નવરાત્રી), ગોકુળઆઠમ (જન્માષ્ટમી), દિવાસો, અખાત્રીજ જેવા તહેવારોમાં ઢોલના તાલ ઉપર ગરબાની રમઝટ જામે. રાત્રિના સમયે કોઈવાર રામાયણ કે મહાભારતના પ્રસંગો અને પૃથ્વીરાજ ચૌહાણ કે જસમા ઓડણ જેવાની વાત લઈને નાટક ભજવતા રાવળીયા આવે તો કોઈવાર ભૂંગળ સાથે રંગલાને લાવીને ભવાઈયા ધૂમ મચાવે. કોઈવાર પ્રાચીન અને અર્વાચીન નાટકો ભજવતી નાટકમંડળી ગામના લોકોનું મનોરંજન કરે તો કોઈવાર સરકારના માહિતીખાતાની જીપ પ્રોજેક્ટર તથા જનરેટર લઈને આવે અને કોઈ નાનીસરખી ફિલ્મ બતાવે. તે જ રીતે દિવસના ભાગમાં ક્યારેક નટ અને મલ્લ જાતભાતના અંગકસરતના ખેલ રજૂ કરે તો ક્યારેક બજાણીયા દોરડા પર ચાલવાના અદભૂત ખેલ કરે. સાપ અને નોળીયો લઈને, મોરલી વગાડતો વાદી પણ આવે તો માંકડું અને રીંછ લઈને, ડુગડુગી વગાડતો મદારી પણ આવે. કોઈવાર જુદાજુદા વેશ પહેરીને મનોરંજન કરતો બહુરૂપી આવે તો કોઈવાર હાથી લઈને ફાળો ઉઘરાવતા સાધુઓ આવે. વળી ક્યારેક પિત્તળનાં વાસણને કલાઈ કરનારો આવે તો કયારેક રંગબેરંગી રમકડાં અને ઘરવપરાશની વસ્તુઓ વેચતો ફેરિયો પણ આવે.

આવો કોઈપણ ખેલ કે ઉત્સવ હોય અથવા હરખનો, શોકનો કે ઝઘડાનો કોઈપણ બનાવ બને, ગામના લોકો તરતજ ભેગા થઇ જતા અને જે તે પ્રસંગની મજા લેતા અથવા બીજાના દુઃખમાં સહભાગી થતા. તેનું મુખ્ય કારણ એ હતું કે તે વખતે લોકો પાસે પૈસા નહોતા, પણ સમય ઘણો હતો. જયારે આજના જમાનામાં પૈસો બધા પાસે ઘણો આવી ગયો છે, પણ સમય કોઈની પાસે નથી. એટલે સુધી કે મોટાં થઇ ગયા પછી સંતાનોને પોતાનાં માબાપ માટે પણ  સમય નથી !

અમારું રહેઠાણ ચોકની એકબાજુ આવેલ નિશાળની પાછળ ક્વાર્ટરમાં જ હતું, જેથી ચોકમાં ઉજવાતા દરેક પ્રસંગમાં સહભાગી થવાનું ઘેરબેઠાં જ થઇ જતું. હાલની પરિસ્થિતિ મુજબ તો ગામના બધા પ્રસંગો જો પોતાના ઘર પાસે જ ઉજવાય તો એવી જગ્યાએ રહેવાનું પણ ત્રાસદાયક થઇ પડે. પરંતુ તે જમાનામાં સામાજીક કે ધાર્મિક પ્રસંગો ઉજવવામાં અત્યારે જે રીતે લાઉડસ્પીકર, મ્યુઝીક સીસ્ટમ, બેન્ડવાજા, ફટાકડા વિગેરેના કાનના પડદા ફાડતા ઘોંઘાટીયા અવાજ, ટ્રાફિક વ્યવસ્થા ખોરવી દેતી ભીડ, ગુલાલ, કંકુ, ફૂલો અને ફટાકડાનો કચરો તથા સમયમર્યાદાના પાલનની વિવેકચૂક થાય છે તે નહોતી થતી. તે સમયે ગામમાં વીજળી હજુ આવી નહોતી અને પેટ્રોલ કે ડીઝલથી ચાલતાં કોઈ વાહન ગામમાં નહોતાં. જેથી આંખો આંજી દેતી ફોકસલાઈટો નહોતી કે બરાડતાં લાઉડસ્પીકર નહોતાં, વાહનોની ભીડ નહોતી કે પેટ્રોલના ધુમાડાનું પ્રદૂષણ નહોતું. વળી મોડી રાતે કે વહેલી સવારે પ્રસંગોની ઉજવણી થતી નહીં. જેથી અત્યારની જેમ પ્રસંગોની ઉજવણી વખતે અન્ય લોકોને કોઈ તકલીફનો ભોગ બનવું ન પડતું.

આ સંદર્ભમાં જાણીતા હાસ્યલેખક શાહબુદ્દીન રાઠોડ રજૂ  કરે છે તે વાત યાદ આવે છે. વિઠ્ઠલે પૂછ્યું કે મારે સમાજસેવા કરવી છે તો શું કરું. તેને જવાબ મળ્યો : “કોઈને નડતો નહિ.” આમ કેટલાક લોકો સમાજને ઉપયોગી કોઈ કામ ન કરે તો કઈ વાંધો નહિ, પરંતુ સમાજના સારા કામનો વિરોધ ના કરે તે જ મોટી વાત છે. આ જ રીતે લોકો પોતાનો પ્રસંગ ઉજવવામાં બીજા લોકોને કોઇપણ રીતે નડતરરૂપ ના બને તો તે પણ મોટી સમાજસેવા કરી ગણાય.   

 

પંચામૃત :

તમે કોઈપણ ઘરડાઘરમાં જઈને ત્યાંના વડીલોને પૂછશો કે તમારાં સંતાન શું કરે છે, તો જવાબ મળશે કે ડોકટર, વકીલ, અધિકારી, શિક્ષક કે વેપારી છે, પરંતુ ક્યારેય એવું સાંભળવા નહી મળે કે તેમનાં સંતાન અભણ ખેડૂત છે. તમે માનો કે ન માનો, પણ એ સત્ય છે કે અભણ ખેડૂતનાં માબાપને ક્યારેય ઘરડાઘરમાં જવાનો સમય નથી આવતો.

સુરેશભાઈ ત્રિવેદી

sctwav@gmail.com

 www.sctwav.wordpress.com

More from Sureshbhai Trivedi

More Article

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

,

નવેમ્બર , 2024

સોમવાર

25

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects