ભારતના કિશોરો પર પ્રોસેસ્ડ ફૂડનું ખતરનાક આક્રમણ

July 27 2015
Written By GujaratilexiconGurjar Upendra

તમે તમારા બાળકને સિગારેટ પીવા આપશો? હાનિકારક પ્રિઝર્વેટિવ્ઝ, એડીટિવ્ઝ, ખાંડ અને કૃત્રિમ રંગોવાળા જંકફૂડનું પણ વ્યસન થાય છે

સર ફ્રાન્સિસ બેકને આજથી ૩૮૪ વર્ષ પહેલાં કહેલું- એક માનવની મૂર્ખાઈ બીજા તકસાધુ વેપારી માટે ધનના ઢગલા ખડકાય છે. આજે આખા ભારતને મૂરખ બનાવીને ઠંડાં પીણાંની મિલ્ટનેશનલ કંપનીઓ તેના જંકફૂડ પીરસે છે. તેમાં ૧ ઓક્ટોબર, ૨૦૦૯થી ભારતના શોખીન મૂરખ લોકો માટે જવની નવી પ્રોડક્ટ મુંબઈની બજારમાં મૂકીને અમેરિકામાં ઘોડા ખાય છે, તે જવને રૂપાળા અને કૃત્રિમ સ્વાદવાળા બનાવીને લૂંટવા આવ્યા છે.

આજે ભૂંડા ટીનપેકડ નાસ્તાનું આક્રમણ ભારત પર થઈ રહ્યું છે. ‘ધ એન્ડ ઓફ ફૂડ’ નામના પુસ્તકમાં પોલ રોબર્ટ્સ લખે છે કે બ્રેકફાસ્ટ સિરિયલ નામનો રૂપાળા નામવાળો વાસી નાસ્તો કિશોરો ઝાપટે તે માટે અમેરિકન ફૂડ ઇન્ડસ્ટ્રી ૩૩ અબજ ડોલર માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગમાં ખર્ચે છે. આજે અમેરિકા અને હવે ભારતમાં વાસી નાસ્તા,ફ્રેંચ ફ્રાયઝ, ક્વેકર્સ ઓટસ, કોલાના પીણાં વગેરેનું એડવર્ટાઇઝિંગ બજેટ મોટરકાર ઇન્ડસ્ટ્રીના બજેટ પછી બીજે નંબરે આવે છે.

બીબીસીએ આધારભૂત આંકડા મેળવીને લખેલું કે સોફ્ટ ડ્રિક્સ અને સવારના વાસી રૂપાળા નાસ્તાની ફૂડ ઇન્ડસ્ટ્રી ૧૨૬ અબજ ડોલરની છે, એટલે કે વર્ષે તેનો ઊથલો રૂ.૬ લાખ કરોડનો છે. વાસી નાસ્તા બનાવતી કંપનીનાં ડબલાં યુરોપ-અમેરિકામાં ઓછાં ખપતાં હતાં. તેથી હવે તેઓ તેનું વ્યસન પાડવા ભારતમાં કરોડોના એડવર્ટાઇઝિંગ બજેટ સાથે ખાબક્યા છે.

આવા વાસી નાસ્તા તમારાં બાળકો સવાર-સાંજ નહીં, આખો દિવસ ભૂખ વગર ઝાપટે તેવા કૃત્રિમ સ્વાદવાળા બનાવે છે અને આખો દિવસ ખાધા કરે તેવી જાહેરખબરો છપાવે છે. તેમાં રેડિયેશનની ખતરનાક પ્રક્રિયા હોય છે. અનેક હાનિકારક પ્રિઝર્વેટિવ્ઝ, એડીટિવ્ઝ, ખાંડ અને કત્રિમ રંગો હોય છે.

આવા નાસ્તા ભારતમાં આવે છે ત્યારે જાહેરખબરભૂખ્યા જૂનાં અંગ્રેજી અખબારો ચંડાળની જેમ પૈસા કમાવા તેવા નાસ્તાને પ્રચલિત કરવામાં મદદ કરે છે. કોઈ પણ ખાધચીજને એક વર્ષ કે બે વર્ષ પહેલાં પેક કરી તેને બજારમાં મૂકીને કમાવાનું સહેલું કે સસ્તું નથી. અઢળક જાહેરાત કરવી પડે છે. ફિલ્મી હીરો અને રમતવીરો જેવા ધનભૂખ્યા સેલિબ્રિટીના એન્ડોર્સમેન્ટ મેળવાય છે, તેમને સ્પોન્સર કરનારા મળી જાય છે. બાળકોને આંટીમાં લેવા તેને ઇનામી યોજના કે ખાવાની સ્પર્ધા યોજાય છે તેમાં સંડોવે છે.

તમે તમારા બાળકને સિગારેટ પીવા આપશો? કોકેન જેવું કેફી પદાર્થવાળું પીણું આપશો? નહીં આપો. કારણ કે એનાથી ખરાબ આદત પડે છે. વ્યસન થાય છે, પરંતુ તમે સવારે સુધરેલા બની ગયા હો તો ખાંડથી ભરપૂર, ચરબીવાળા, અતિ નમકવાળા અને રૂપાળા ડબ્બામાં પેક કરેલા નાસ્તા ખુશીથી આપો છો. આવા જંકફૂડનું પણ વ્યસન થાય છે તેવું કેથી અર્નેસ્ટ નામની મહિલા પત્રકાર ‘બિઝનેસ વીક’માં લખે છે. આજે આવા નાસ્તા કરીને યુરોપ-અમેરિકાનો દરેક ત્રીજો બાળક સ્થૂળદેહી-અદોદળો અને ભંભૂટિયા જેવો થઈ ગયો છે. જલદી રોગનો ભોગ બને છે.

ડો.ડેવિડ કેસલર ‘ધ એન્ડ ઓફ ઓવર ઈટિંગ’ નામના પુસ્તકમાં લખે છે: કોઈ પણ જંકફૂડમાં જો ખાંડ, ચરબી અને મીઠું હોય તો તે બાળકના મગજને સ્ટીમ્યુલેટ કરે છે-જે રીતે સિગારેટ મગજને કૃત્રિમ ઉત્તેજના આપે છે. દારૂ તમારા મગજને ઉત્તેજિત કરે છે તે રીતે જંકફૂડ બાળકોનાં મગજને ઉત્તેજિત કરીને તેનું વ્યસન પાડે છે. વળી બાળકોને આ વાસી નાસ્તા સ્વાદિષ્ટ લાગે છે એટલે હંમેશાં અકરાંતિયાં થઈને ખાય છે. ડો.કેસલર કહે છે કે જંકફૂડ કંપનીની બદમાસી થકી બાળકો ૨૫ ટકા વધુ ખાય છે અને તે માટે બાળક કરતાં તેનાં અજ્ઞાન માબાપો વધુ જવાબદાર છે.

પરંતુ સબૂર, તમે પૂછશો કે ભારત પર નવું આક્રમણ કરનારી આ જવની પ્રોડક્ટ શું છે? આપણે શરૂથી જવને જાણીએ. અંગ્રેજીમાં જવને ઓટ્સ અગર બાર્લી કહે છે. સંસ્કતમાં યવ કહે છે. યજ્ઞમાં જવ હોમાતા. આપણી માતાઓ ખેતરમાંથી આવેલા જવની ધેંશ બનાવીને તાજી તાજી ખવડાવતી. ઉત્તર ભારતમાં અને બિહારમાં આજેય સાતુ તરીકે જવ ખવાય છે.

તમિળમાં અરિગુ કહે છે. તેલુગુમાં યવધાન્ય કહે છે. ફારસીમાં જવ કહે છે, જે અસલી જવ આવતા તેમાં રાસાયણિક ખાતર કે કોઈ જ દવા છંટાતી નહીં. આ જવ ગર્ભવતી સ્ત્રીના ગર્ભને સ્થિર કરવા અને ગર્ભપાત ન થાય તે માટે જવ-તલ-સાકરનું સરખે ભાગે ચૂર્ણ કરી મધમાં ચટાવાતું. ધાતુપુષ્ટિ (વીર્ય વધારવા) માટે જવનો આટો ગાયનું તાજું ઘી અને સાકર નાખીને તોલાભર મરી (એક રતલ જવ હોય તો જ) બે એલચી દાણા એ બધાનો ભૂકો કરીને વૈદો કલઈ કરેલા વાસણમાં તપાવીને પછી રાત્રે કપડું બાંધીને ખુલ્લી જગ્યામાં ઝાકળમાં રાખતા, પછી સવારે ગાયના દૂધ સાથે એ ચૂર્ણ પીવાતું!

આ જવની ખેતી ભારતમાં ઓછી થવા માંડી છે પણ ઓસ્ટ્રેલિયામાં ઘોડાનો ઉછેર બહુ થાય છે ત્યાં ઘોડાને જવ ખવરાવવા જવની ખેતી ખૂબ થાય છે. વધુપડતી થાય છે. વધારાના જે જવ ઘોડા ખાય છે તેને જંકફૂડવાળા સસ્તેથી આયાત કરીને તેને રૂપાળા-સ્વાદિષ્ટ બનાવીને આપણને મૂરખ બનાવવા આવે છે.

અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં જવ ખૂબ પાકવા માંડ્યા અને પાણીને ભાવે મળતા હતા ત્યારે ૧૮૭૭માં ૧૩૨ વર્ષ પહેલાં ફર્ડિનાન્ડ શુમેકર અને જ્હોન સ્યુઅર્ટ નામના બે તિકડમબાજે ઓટમિલ સિરિયલ કંપની શરૂ કરી. શંકા હતી કે લોકો આ ઓટનો નાસ્તો કેમ ખરીદશે, કારણ કે જવ તો ગરીબનો ખોરાક છે. ધનિકનાં બાળકો તેને કેમ ખાશે? એટલે ક્વેકર્સ ઓટ્સ નામ આપીને તેને પ્રતિષ્ઠા અપાવી.

તમે જાણતા હશો કે પિશ્ચમમાં એક ક્વેકર્સ ગ્રૂપ છે. એ લોકો માનવજાતના મિત્રો છે તેવો દાવો કરે છે. એ લોકો ઈશ્વરના મિત્ર છે તેમ ૧૬૫૦થી કહેતા આવેલા, એટલે ઓટને રૂપાળા બનાવીને વેચવા ડબ્બાપેક નાસ્તાને ક્વેકર્સ ઓટ્સ કહેવામાં આવ્યા! ૧૯૦૧માં આ બે ભાગીદારો સાથે હેન્રી પાર્સન ક્રોમવેલ નામનો સુપર તિકડમબાજ ભળ્યો અને તેણે કવેકર્સ લોકો વાંધો ન લે તે માટે કવેકર્સ ઓટ્સના પેટન્ટ જલદી જલદી લઈ લીધા. આમ આ અમેરિકન સિરિયલ કંપની જબ્બર નફો કરવા માંડી. જે કોઈ ક્વેકર્સ ઓટનું ડબલું ખરીદે તેને ૧૯૨૦માં એક રેડિયો ભેટ અપાતો.

ક્વેકર્સ ઓટ્સ જલદી ચાલ્યા નહીં એટલે ક્વેકર કંપનીએ ચોકલેટ અને તેની ફિલ્મ બનાવતી કંપની દ્વારા એક ફિલ્મ બનાવી. એ પછી અમેરિકા-યુરોપમાં ૨૧મી સદીમાં લોકો બાળકો માટેના નાસ્તા વિશે જાગૃત થતાં આવી કંપનીઓના નાસ્તાની ખપત ઓછી થતાં લાગ્યું કે ભારત નામનો મૂરખ દેશ છે ત્યાં કંઈ પણ અમેરિકન બ્રાન્ડ હોય જાહેરખબરને જોરે કંઈ પણ ખાવાનો ફેશનેબલ કચરો ખપાવી શકાય છે. એટલે હવે આવી કંપનીઓ ભારત તરફ ખેંચાઈ રહી છે.

૧૯૮૦ના દાયકામાં હોલિવૂડના એક હીરોને અમુક બ્રાંડના જંકફૂડ ખાતો બતાવે છે, આવા ભારતનાં જાહેરખબરની ભૂખવાળા હડકાયાઓ છે તેવા ફિલ્મસ્ટારો અને સ્પોર્ટ્સમેનોને આંતરીને જંકફૂડ કંપનીની જાહેરાતો હવે તમારા માથે મરાશે. ફરી ફરી જે ‘વધુપડતા ભણેલા’ છે અને જે તેમનાં બાળકોને જંકફૂડના રવાડે ચડાવવાના છે, તેમણે નાસ્તાના ઉત્પાદકોને બિઝનેસમાં કોઈ નૈતિકતા કે માપદંડો હોતા નથી, એ જાણો લેવું જોઈએ.

હવે ભારતમાં જંકફૂડ ઇન્ડસ્ટ્રી મોટે પાયે ખાબકતાં જગતમાં જંકફૂડ ઉધોગ ૧૫૦ અબજ ડોલરનો ઊથલો કરશે. નવું જંકફૂડ લોન્ચ કરનારી મિલ્ટનેશનલ કંપની દાવો કરે છે કે પંજાબ, મઘ્ય પ્રદેશ, કણાર્ટક અને રાજસ્થાનના ૪૦,૦૦૦ ખેડૂતો પાસે ૫૦,૦૦૦ એકરમાં જવની ખેતી કરાવાશે. અત્યારે તો આપણી આંખમાં ધૂળ નાખવાના સમાચાર છે તેવી શંકા પડે છે, પણ હાલ તુરત ઓસ્ટ્રેલિયામાં જે ઘોડા ખાય છે તે જવને પ્રોસેસ કરીને તેને ભારતમાં સુંદર પેકિંગમાં વેચાય છે.

હેન્રી મીલર નામના વિખ્યાત સાહિત્યકારે અમેરિકન ફૂડ ઇન્ડસ્ટ્રીની બદમાશીને પ્રગટ કરતાં ૧૯૪૭માં લખેલું કે અમેરિકન લોકો એટલા મૂરખ છે જે ગાર્બેજ ખાવા તૈયાર છે, (ગાર્બેજ એટલે ઉકરડામાં નાખવા જેવી ચીજ.) જો એ ગાર્બેજની ઉપર તમે કેચઅપ નાખો, ચીલી સોસ નાખો અને પીપર ભભરાવો તો અમેરિકનો ગાર્બેજ પણ સ્વાદિષ્ટ લાગતાં આરોગી જશે! હવે આપણને ગાર્બેજ ખવડાવવા અમેરિકન ફૂડ કંપનીઓ તૂટી પડી છે.

– શ્રી કાંતિ ભટ્ટ 

More from Gurjar Upendra

More Article

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

,

નવેમ્બર , 2024

શુક્રવાર

22

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects