પ્રાર્થનાથી આધિ, વ્યાધિ અને ઉપાધિ ટળે?
September 18 2015
Written By Gurjar Upendra
ઉત્તર છે: જરૂર ટળે, પ્રાર્થનાની શકિતમાં શ્રદ્ધા અને આંતરિક સાત્ત્વિકતા હોય તો.
તમારી હજાર હજાર અપેક્ષાઓમાં ઇશ્વર કઇ અપેક્ષાની પ્રાર્થના સાંભળે? માત્ર એક અબળખા લઇને જીવો અને પ્રાર્થના કરો તો રોગ પણ નહીં થાય અને થશે તો જલદી સાજા થશો.
શું પ્રાર્થના કે રામનામ કે કસબી ફેરવવાથી રોગ કે સંકટ ટળે? ટ્વેન્ટી-ટ્વેન્ટીની ક્રિકેટ મેચ ચાલતી હોય ત્યારે શિલ્પા શેટ્ટી એની ક્રિકેટ ટીમની જીત માટે અને નીતા અંબાણી પોતાની ટીમના વિજય માટે મંત્રજાપ કરે કે પ્રાર્થના કરે તો તેમની ટીમ જીતે? રોગની બાબતમાં પ્રાર્થના કે નમાજ કે રામનામની અસર અંગે મહર્ષિ ચરકે લખ્યું છે અને મહાત્મા ગાંધીજીએ ‘હરિજનબંધુ’ના ૨૪-૩-૧૯૪૬ના અંકમાં ૬૩ વર્ષ પહેલાં લખ્યું છે કે રામનામ એક રામબાણ ઔષધ છે. હા એક શરત છે.
ઉપરની બે માનુનીએ વિજય માટે પ્રાર્થના કરતી વખતે તેમાં ઉમેરો કરવો જોઇએ કે, ‘હે ભગવાન! મારા પ્રોજેકટમાં વિજય અપાવજે અને એમાં સફળતા ન મળે તો એ નિષ્ફળતા સ્પોર્ટસમેન સ્પિરિટથી સહન કરવાની શકિત આપજે.’ રોગમુકિત માટે પ્રાર્થનાનો આશરો લેતી વખતે આ છેલ્લે બોલવું કે, ‘હે ભગવાન! રોગ સારો ન થાય તો એ રોગને સહેવાની શકિત આપજે!’ મહદ્ અંશે રોગમાં પ્રાર્થના કારગત થાય છે કે નહીં તેની વાત આપણે ચર્ચીએ.
કુદરતી ઉપચારમાં રામનામનું પણ સ્થાન છે તેવું ગાંધીજીએ લખેલું. તે પછી તે સમયના વૈધરાજ ગણેશ શાસ્ત્રીએ ગાંધીજીને કહેલું કે આ પ્રકારનું સાહિત્ય આયુર્વેદમાં છે જ. તેમાંય ઇશ્વરનામ કે રામનામનું સ્થાન પણ છે. ચરક અને વાગ્ભટ્ટે પણ આ શ્રદ્ધા વિષે લખ્યું છે. વિષ્ણુસહસ્ત્ર નામનો પણ મહિમા છે.
વિષ્ણુ સહસ્ત્રમૂર્ધાનમ્ ચરાચરપતિવિભૂમ્
સ્તુવન નામ સહસ્ત્રેણ જવરાન સર્વાન વ્યપોહતિ
અર્થાત્ ચરાચરના સ્વામી એવા વિષ્ણુના હજાર નામમાંથી એક નામનો જપ કરવાથી સર્વ રોગ સારા થાય છે. ૨૧મી સદીમાં આ વાત પર શ્રદ્ધા રાખનારા કેટલા? નીતા, મીતા, રીટા, ગીતા કે કોઇપણ બહેને પ્રાર્થના પછી ધાર્યું પરિણામ ન મળે તો તેની પ્રાર્થના ફોગટ ગઇ છે તેમ માનવું? શ્રદ્ધા હોય તો એમ માની શકાય કે એ પ્રાર્થના ઇશ્વર પાસે રજિસ્ટર થઇ છે. તમારે સફળતા માટે ધીરજ ધરવી પડશે. રોગની બાબતમાં પણ આ લાગુ પડે છે. રાજકારણમાં અને હાલમાં થયેલી લોકસભાની ચૂંટણી પહેલા કેટલાય ઉમેદવારો બદરીનાથ-કેદારનાથ ગયેલા. મુંબઇના ભાજપનેતા ગજાનન કીર્તિકર અને બીજાએ લાલકૃષ્ણ અડવાણીના પ્રધાનપદ માટે મુંબઇમાં દાદરના સિદ્ધિવિનાયકની પૂજા કરેલી.
ઘણાએ એકેશ્વરી દેવીના મંદિર કે મદુરાઇના મીનાક્ષી મંદિરમાં દેવતાઓની પૂજા કરેલી. બાલા નાંદગાવકર નામના ઉમેદવારની પત્નીએ તેના પતિ જીતે નહીં ત્યાં સુધી પગમાં સ્લીપર ન પહેરવાની બાધા લીધેલી. આ શ્રદ્ધા કે અંધશ્રદ્ધા પ્રત્યે કોઇ જ વિરોધ નથી પરંતુ જેમ યજ્ઞ કરીને ‘ન ઇદમ મમ્’ (આ હું જે કાંઇ કરું છું તે મારું નથી. ઇશ્વર! એ તમારું જ છે અને તે તમને અર્પણ છે) બોલાય છે તેમ વિજય કે સિદ્ધિ ન મળે તો એ પરાજયને પચાવવાની તાકાત માટેની પણ પ્રાર્થના બનવી જોઇએ. કેન્સર કે બીજા અસાઘ્ય વ્યાધિમાં ઉપચાર સાથે ઇશ્વર ઉપરની શ્રદ્ધા કે પ્રાર્થનાના બળની ચર્ચા હવે આપણે કરીએ.
તમે અમેરિકા જાઓ તો કેલિફોર્નિયામાં માલીબુ નામના બીચરિસોર્ટ ગણાતા દરિયાઇ શહેરમાં જરૂર જ. ત્યાં એમ. ડી. થયેલા ડો. ઓ. કાર્લ સિમોનટોનનું ઓલ્ટરનેટિવ હીલિંગ(વૈકિલ્પક ચિકિત્સા) માટેનું ધ સિમોનટોન કેન્સર સેન્ટર છે. અહીં હજારો કેન્સરના દર્દી કાં સંપૂર્ણ સારા થયા છે અથવા રાહત મેળવીને પાછા ફરે છે. આ ડોકટરને મહાન પદાર્થ વિજ્ઞાની ડો. ફ્રિફ કાપ્રા મળ્યા હતા. તેમણે એક સુંદર સત્ય કહ્યું હતું: When you are depressed the whole body is depressed and it translates to the cellular level.. અર્થાત્ જયારે તમે ઘોર નિરાશામાં હો છો ત્યારે આખા શરીરની સિસ્ટમ હતાશાથી નબળી પડે છે. તમારી હતાશા તમારા કોષેકોષમાં પ્રસરી વળે છે.
એટલે ડો. સિમોનટોન કહે છે કે બીમારીમાં કે નિષ્ફળતામાં સૌથી મહત્ત્વનું એ છે કે આશાવંત રહો. તમે રમતિયાળ બનો. હોપલેસનેસથી દૂર રહો. એવું વલણ રાખશો તો વૈકિલ્પક ચિકિત્સા કે ઔષધ જલદી કામ કરશે. ભારતમાં તેમનું ૨૫૩ રૂપિયાનું પુસ્તક ‘ગેટિંગ વેલ અગેન’ દિલ્હીમાં મળે છે. તે વાંચશો તો લાગશે કે તમને બીમારીને સારી કરવાની સુવર્ણચાવી મળી ગઇ. તે પુસ્તકનું સૂત્ર છે કે જયારે જીવનમાં અનિશ્વિતતા આવે ત્યારે પ્રાર્થના કરવાથી અને આશા રાખવાથી તમે કંઇ જ ગુમાવતા નથી. સૌથી મહત્ત્વની વાત ડો. સિમોનટોને કહેલી તે આપણે બધાએ જાણવા જેવી છે.
તેમણે કહેલું કે ઇશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે પણ એ તમારી કેટકેટલી પ્રાર્થનાઓ સાંભળે? તમારી અપેક્ષાઓને સીમા હોવી ઇએ કે નહીં? સૌપ્રથમ તો આ ૨૧મી સદી ‘ઇન્ફોર્મેશન ઓવરલોડેડ’ છે. તમે વાપરી ન શકો તેટલી, ગણી ગણાય નહીં એટલી માહિતી ઇન્ટરનેટમાંથી કે ચારેકોરથી તમને મળે છે. તમે અનેક ધંધા કરો છો.
તમારી પ્રેમપાત્ર વ્યકિત એક નહીં, અનેક છે. તમારો પતિ તેના ભાઇ સાથે કંકાસ કરે તેમાં જીતે, ક્રિકેટમાં જીતે, રિફાઇનિંગમાં જીતે, સમુદ્રમાં તેલ શોધવામાં જીતે, દિલ્હીમાં સરકાર સાથેની વગમાં જીતે એવી હજાર હજાર અપેક્ષાઓમાં ઇશ્વર તમારી કઇ અપેક્ષાની પ્રાર્થના સાંભળે? માત્ર એક અબળખા લઇને જીવો અને પ્રાર્થના કરો તો રોગ પણ નહીં થાય અને થશે તો જલદી સાજા થશો.
ઉપરની ડો. સિમોનટોનની વાતને ‘ફ્યુચર શોક’ નામના વિદ્વતાભરેલા અને આજની મંદીની ૧૯૭૦માં આગાહી કરનારા એલ્વિન ટોફલરે પુરસ્કૃત કરી હતી. તેમણે ‘ફ્યુચર શોક’માં બહુ સરસ વાત કરી છે. આપણી વાસના, ધનની ભૂખ, કારકિર્દીની સફળતા એ તમામ માટેની દોડને જાણે કોઇ સીમા નથી. તમારે સાંજ પડયે વિવિધ પ્રકારના નિર્ણય લેવા પડે છે. તમને ઝડપથી જોઇએ છે. યુ કેન સ્પીડ અપ ધ કંપનીઝ, યુ કેન સ્પીડ અપ ધ મશીન્સ, યુ કેન સ્પીડ અપ યોર વર્કર્સ. આ બધાને તમે પૂંછડાં મરડીને કે ચાબુક મારીને હાંકી શકો પણ ભાવિ એટલું ઝડપથી આવે છે કે ટેકરી ઉપર તમે તમારા આંગળાભેર ટીંગાઇ રહો તેવી હાલત થાય છે. તમે પ્રાર્થનારૂપ પૂંછડું મરડીને તમારી અનેકવિધ ઇરછા માટે ઇશ્વરને કનડી શકો નહીં.
તમારી સફળતા કે નિષ્ફળતા તમારી પર્સનાલિટી ઉપર આધાર રાખે છે. ડો. ફ્રિફ કાપ્રાએ ૧૯-૯-૦૪ના લંડનના અખબાર ‘ગાર્ડિયન’ના ઇન્ટવ્યુંમાં કહેલું, ‘જીવનમાં હંમેશાં ટિર્નંગ પોઇન્ટ આવે જ છે. તે માટે તમારે ધીરજ રાખવી ઇએ. સૌથી મહત્ત્વની વાત એ છે કે You have to surrender to the moment. ઇશ્વરે આ પળે તમને જે રિણામ આપ્યું હોય કે તમારી સામે સારી કે નરસી પળે સંયોગો આપ્યા હોય તેને પચાવતા અને તે પળને ઇશ્વરની આજ્ઞા માનીને તેને તાબે થતાં શીખવું ઇએ. તમારા મનને ‘પેનિક’ (ભયગ્રસ્તતા) માં રાખવું ન ઇએ. આવું કરો તો પણ પ્રાર્થનાનું બળ વધુ ચોટડુક બને છે.’ આ પ્રકારે દરેક ક્ષણને સરન્ડર કરતાં આવડશે તો બીમારી પણ સારી થઇ જશે. ડો. કાર્લ સિમોનટોને તેનાં કેન્સર સેન્ટરમાં કેટલાય સફળ ઉધોગપતિઓનાં કેન્સર સારાં કર્યા છે.
તેમનાં વલણ અને સફળતા-નિષ્ફળતા પ્રત્યેના અભિગમને તંદુરસ્ત બનાવ્યો છે. ડોકટર એના દર્દીને કહેતા: હું અહીં તમારો રોગ નહીં પણ તમારી કવોલિટી ઓફ લાઇફ એન્ડ કવોલિટી ઓફ ડેથને સુધારવા માગું છું. હા તમારે મૃત્યુની અનિવાર્યતા પણ સ્વીકારવી પડે. એ નહીં સ્વીકારો તો તમે જીવનને પણ નકારશો.
લંડનની બ્રુનેલ યુનિવર્સિટીમાં ડો. ફ્રિફ કાપ્રાએ મે ૧૯૭૪માં એક વૈદકીય કોન્ફરન્સ બોલાવી. તેમાં હ્યુમન પોટેન્શિયલની ચર્ચા થયેલી. હેલ્થ અને હીલિંગમાં દર્દી-ડોકટરે કેવો નવો અભિગમ લેવો તેની ચર્ચા યુરોપ અને ઉત્તર અમેરિકાના ૫૦ જેટલા વિદ્વાન ડોકટરોએ કરેલી. તેમાં માઇન્ડ એન્ડ બોડીના કનેકશનની પણ ચર્ચા થયેલી. આ કનેકશનમાં પ્રાર્થના જબ્બર કામ કરે છે, તેવું વિદ્વાનોએ કબૂલ કરેલું. તે પરિષદમાં ડો. શ્રીમતી માર્ગરેટ લોકે ભાગ લીધેલો. ડો. માર્ગરેટે એમ.ડી.ની ડીગ્રી લીધી પણ તેણે વૈકિલ્પક ચિકિત્સા અને હોલીસ્ટિક હેલ્થ એટલે કે શરીરને મંદિર માનીને એ શરીરને પવિત્ર રાખવાની માનવીની ફરજ વિષે ચીની સાહિત્ય ખૂબ વાંચેલું.
ડો. ફ્રિફ કાપ્રાને પ્રાર્થનાબળ અને સ્પિરિરયુઆલિટીથી રોગને સારા કરવાની વાતની ધૂન લાગેલી. તે ડો. સ્ટાન ગ્રોફને મળ્યા. આ ડોકટરે તેમને પ્રાણાયામ અને બીજી કુદરતી ઉપચારની પદ્ધતિ શીખવી સાથે કહ્યું કે ટ્રીટમેન્ટ દરમિયાન તમારી બુદ્ધિને થોડીવાર હોલીડે આપ. તમારી તમામ લાગણીનાં દ્વાર એક અદ્રશ્ય બળના પ્રવેશ માટે ખોલ. સાથે તેમણે બીથોવન સિમ્ફની અને વેગનરના ઓપેરાની મનને શાંતિ આપનારા મ્યુઝિકની કેસેટો સંભળાવી. ઉપરાંત વેદના કેટલાક શ્લોક સંભળાવ્યા. સંસ્કૃતના શ્લોકો સાથે ભજનો સંભળાવ્યાં. આ બધા થકી પણ રોગ સારા થયા છે.
મેડિટેશન પણ એક પ્રાર્થના જ છે. પ્રાર્થનાનું બળ મોટું છે તે અમને મહુવામાં જયારે દુષ્કાળ પડે ત્યારે કે માલણ નદીમાં મોટાં પૂર આવે ત્યારે શ્રદ્ધાળુ લોકો દ્વારા વા મળતું. શુદ્ધ શબ્દ આર્તનાદ છે પણ અમારો કાઠિયાવાડી શબ્દ આરદા છે. દુષ્કાળમાં વરસાદ પડે તે માટેની આરદા અને નૃસિંહજીના મંદિરમાં અખંડ કૃષ્ણધૂન દ્વારા કરતા. જામનગર-પોરબંદરથી માંડીને આવી જ આરદા તમે આર.કે. નારાયણની વાર્તા પરથી બનેલી ફિલ્મ ‘ગાઇડ’માં એક ગામના મંદિરમાં ઇ છે. દેવ આનંદે મને-કમને ઉપવાસ કરવા પડે છે. રામધૂન કે કૃષ્ણધૂન ગવાતાની સાથે વરસાદ આવે છે. માલણ નદીમાં ભજન ગાતાં ગાતાં નદીમાં શ્રીફળ ચૂંદડી પધરાવાય એટલે નદીનાં પૂર ઊતરી જ જાય તેવી શ્રદ્ધા હતી.
કિશોરવયે અમે યેલું પણ ખરું કે માતાજીની ચૂંદડી પધરાવતા નદીનાં પૂર તુરંત ઓસરતાં! ૧૯૬૫માં હું જે. કૃષ્ણમૂર્તિને વાંચતો. વિનોબાનો ‘શિષ્ય’ હતો. કેદારનાથજીના વિચારો વંચાવેલા પણ છતાં મારા કાકાના પુત્રને પાસપોર્ટ મળતો નહોતો ત્યારે મેં કુળદેવી ભવાની માતાની માનતા માની ઉપવાસ કર્યો. તમને કદાચ વિચિત્ર લાગશે પણ બે જ દિવસમાં એને પાસપોર્ટ મળી ગયો! આ માત્ર યોગાનુયોગ હશે પણ આવું આપણે ભારતીય સંસ્કાર થકી કરીએ જ છીએ. મેડમ રૂથ ગ્લેડ હીલ લંડન ટાઇમ્સમાં આઘ્યાત્મિક કટાર લખે છે. તેણે ૨૧/૨/૦૧ ના રોજ લખેલું કે‘Loss of faith is a danger to us all…’ તમે શ્રદ્ધા ખોઇ બેસશો તો તમે આખી દુનિયાને માઠી અસર પહોંચાડશો. શ્રદ્ધા સામૂહિક બને ત્યારે વધુ બળૂકી બને છે.
લંડનના ‘સન-ડે ટેલીગ્રાફ’માં હેલ્થની કટાર ચાલે છે. તેમાં ડો. જેમ્સ લે ફાનુ વાચકોના પ્રશ્નોના જવાબ પણ આપે છે. એક વાચકે પૂછ્યું કે મારા કાનમાં સતત કોઇ વ્હીસલ મારતું હોય તેવા અવાજ રાતદિવસ આવે છે. અવાજના આ સણકાથી હું ત્રાસી ગયો છું. ઊંઘ આવતી નથી. મારે શું કરવું? ખરેખર તો ડો. જેમ્સ ફાનુ એલોપથિક ડોકટર છે પણ તેણે વાચકના પ્રશ્નનો આ રીતે જવાબ આપ્યો: ‘કાનમાં સણકા આવે કે અવાજ આવે તેનાં ઘણાં કારણો હોય છે, જેમાંના અમુક માનસિક પણ હોય… વાચકમિત્ર, તમારા જેવી જ ફરિયાદ ૨૫૦૯ વર્ષ પહેલાં મહાન ગ્રીક ફિલસૂફ એરિસ્ટોટલને હતી. તેણે સાંભળેલું કે Buzzing in the ears ceases when a greater sound (ઇશ્વરની શ્રદ્ધા)drives out the less. એરિસ્ટોટલે આ લોજિકનો શ્રદ્ધાપૂર્વક ઉપયોગ કર્યો. તે જમાનામાં એક સેલ્ટીક પંથનાં સંત સ્પર્શ અને પ્રાર્થનાથી રોગ સારા કરતા. તેથી લોકો સ્ટીવાલ નામના ગામે જતા.
સંત વિવિધ બીમારી સ્પર્શથી અને પ્રાર્થનાથી સારી કરતા પણ જેના કાનમાં સણકા આવે કે વિચિત્ર અવાજ આવે તેના કાન ઉપર ચર્ચનો મોટો ઘંટ મૂકતા અને રથી વગાડતા… અને કાનના સણકા ચાલ્યા જતા! એરિસ્ટોટલે zindagi zidgi આ ઉપાય અજમાવેલો. આ બતાવે છે કે શ્રદ્ધાના અને પ્રાર્થનાના બળનો ઉપયોગ એરિસ્ટોટલે પણ લેવો પડયો હતો!’
More from Gurjar Upendra
More Article
Interactive Games
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.