તારે ક્યાં સુધી એ વાતને પકડી રાખવી છે?
August 27 2015
Written By Gurjar Upendra
ઇસ દૌર કે રિશ્તોં મેં વફા ઢૂંઢ રહે હો,
અચ્છા હૈ ચલો, કુછ તો નયા ઢૂંઢ રહે હો.
– રાજેન્દ્ર ચાંદ.
દરેક વાત, દરેક વાદ, દરેક વિવાદ અને દરેક ફરિયાદનો એક અંત હોવો જોઈએ. દરેક દિવસને એક રાત હોય છે. દરેક વાક્યને એક પૂર્ણવિરામ હોય છે. જેનો આરંભ હોય એનો અંત પણ હોય જ છે. જિંદગીમાં ઘણી બાબતો એવી હોય છે જે ખેંચાતી જ હોય છે. કઈ વાતને કેટલી ખેંચવી અને તેનો અંત ક્યારે લાવવો એ માણસના હાથની વાત હોય છે. ઘણી વખત આપણે જે કરી શકવા સમર્થ હોઈએ એ જ કરતા હોતા નથી. વાતને ખેંચતા રહીએ છીએ. વિવાદને વકરાવતા રહીએ છીએ. ઝઘડાને એટલે જામવા દઈએ છીએ કે પછી એ ઓગળતો જ નથી. આપણા દિલ ઉપર જે ભાર હોય છે એનું સર્જન મોટાભાગે તો આપણે જ કર્યું હોય છે. દોષી આપણે હોઈએ છીએ અને જવાબદાર કોઈને ઠેરવતા હોઈએ છીએ.
રાત ગઈ, બાત ગઈ, એવું આપણે બોલીએ છીએ, પણ હકીકતમાં કેટલી વાત એવી હોય છે જે રાત સાથે ખતમ થતી હોય છે?ઘણી વખત તો શ્વાસ ખૂટી જાય છે પણ જીદ ખૂટતી નથી. આપણાં મોટાભાગનાં દુઃખનું કારણ એ જ હોય છે કે આપણે કંઈ છોડતા નથી. દર્દને પંપાળ્યે રાખવાથી દર્દ ખતમ થતું નથી. શરીરનું કોઈ અંગ નક્કામું થઈ જાય ત્યારે તેને પણ ઓપરેશન કરીને કપાવવું પડતું હોય છે. આપણી અંદર પડેલી કેટલી બધી નક્કામી ચીજોને, વાતોને, ઘટનાઓને અને ઝઘડાઓને આપણે સંઘરી રાખતા હોઈએ છીએ.
એક પતિ-પત્ની હતાં. બંને વચ્ચે સામાન્ય બાબતમાં ઝઘડો થયો. ત્રણ દિવસ બંને એકબીજા સાથે ન બોલ્યાં. ચોથા દિવસે પત્નીએ કહ્યું કે હવે ક્યાં સુધી આપણે આ વાત લંબાવવી છે? આવું કરીને આપણે એકબીજાને સજા આપીએ છીએ કે આપણે જ આપણી સજા ભોગવીએ છીએ? ભૂલ થાય એ સ્વાભાવિક છે. ભૂલ થઈ જતી હોય છે. ભૂલની સજા મળે એ પણ સ્વીકારી લઈએ. સજા પણ કેટલી હોવી જોઈએ? દરેક ભૂલની એક ચોક્કસ સજા હોય છે. સજા ભૂલથી મોટી ન થઈ જાય એની પણ માણસે દરકાર રાખવી જોઈએ.
આપણે ઘણી વખત એવું કહેતાં હોઈએ છીએ કે, બસ હવે બહુ થયું. આ વાતનો અંત લાવ. વાત પૂરી તો કરવી પડશેને? આપણે જીદ પણ કોની સાથે કરતાં હોઈએ છીએ? મોટાભાગે આપણી વ્યક્તિ સાથે જ આપણે પંગો લેતા હોઈએ છીએ. જેના વગર આપણને ચાલવાનું નથી, જેને આપણા વગર ચાલતું નથી એની સાથે જ આપણે વાત લંબાવતા રહીએ છીએ. એક પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા રહેતા. કંઈ ઝઘડો થાય એટલે પતિ તરત જ સોરી કહી દેતો. એનો વાંક ન હોય તોપણ એ સોરી કહી દેતો. એક વખત પત્નીએ કહ્યું કે તને ખબર છે કે તારો વાંક નથી, મને પણ ખબર હોય છે કે ભૂલ મારી હોય છે છતાં પણ તું કેમ સોરી કહી દે છે? પતિએ કહ્યું કે, મારે તારી સાથે ઝઘડો વધારવો હોતો નથી. હું તને ખૂબ પ્રેમ કરું છું. સોરી કહેવું એ પણ મારા પ્રેમનો જ એક પ્રકાર છે. તારી સાથે ઝઘડો વધારીને મારે શું કરવું છે? હા, ઘણી વખત ગુસ્સો આવી જાય છે. ઘણી વખત એમ થઈ આવે છે કે તારી સાથે વાત જ નથી કરવી. જોકે, પછી હું વિચારું છું કે તારી સાથે પ્રેમ થયો ત્યારે તારી સાથે વાત કરવા હું કેટલો બેતાબ બની જતો હતો. તારું મોઢું જોવા તલસતો હતો. તારા ઘરની બહાર ચક્કર માર્યા રાખતો. તારા મોઢે માત્ર હલો સાંભળવા ફોન કર્યે રાખતો. આજે તું મારી સાથે છે. તારી સાથે રહેવા મેં પ્રાર્થનાઓ કરી છે. હવે મારે તારી સાથેની એકેય ક્ષણ બગાડવી નથી. હા, હું સોરી કહી દઉં છું, તને રાજી રાખવા તને હસતી જોવા, તને હળવી જોવા અને તારી સાથે ખુશીથી જીવવા! મારા માટે તું દુનિયાની સૌથી ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છે. સોરી કહી દેવાથી જો કોઈ વાતનો અંત આવી જતો હોય તો હું હજાર વખત પણ સોરી કહેવા તૈયાર છું. મારી તને એટલી જ રિક્વેસ્ટ છે કે હું સોરી કહીં દઉં પછી તું એ વાતનો અંત લાવી દેજે અને પાછી હતી એવી જ થઈ જજે.
વિવાદ અને ઝઘડા એની સાથે જ થવાના છે જે આપણી નજીક છે. દૂરના લોકો સાથેની દુશ્મની માણસ નિભાવી લે છે, એની સામે લડી પણ લે છે. પોતાની વ્યક્તિ સાથે જ માણસ લડી શકતો નથી. પ્રોબ્લેમ એ હોય છે કે એ જતું પણ કરી શકતો નથી. આખી દુનિયાને સારું લગાડવા મથતો માણસ પોતાની સૌથી અંગત વ્યક્તિને સારું લાગે એ માટે ભાગ્યે જ કંઈક કરતો હોય છે. સારું લાગે એવું ન કરે તોપણ કંઈ નહીં, ખરાબ લાગે એવું ન કરે તોપણ એ મોટી વાત છે. દરેક માણસની એક પ્રકૃતિ હોય છે. આ પ્રકૃતિને આપણે કેટલી સમજતાં અને સ્વીકારતાં હોઈએ છીએ? આપણી પણ એક પ્રકૃતિ હોય છે.
આપણી પ્રકૃતિ, આપણો સ્વભાવ, આપણી આદતો, આપણી માન્યતા અને આપણી ફિતરત જે સ્વીકારતા હોય છે એનો પણ આપણે કેટલો સ્વીકાર કરતાં હોઈએ છીએ?
એક પતિ-પત્ની હતાં. બંનેના સ્વભાવમાં આસમાન-જમીનનો ફર્ક હતો. પતિને સતત એવું લાગતું કે મારી પત્ની મને ગમે એ રીતે મને પ્રેમ કરતી નથી. હું ઇચ્છું એમ મારી સાથે રહેતી નથી. છતાં એ તેને પ્રેમ કરતો હતો. પત્નીને સમજાવવાના પણ ખૂબ પ્રયાસો કર્યા. પતિને કોઈ સફળતા મળતી ન હતી. શું કરવું એની એને સમજ પડતી ન હતી. એક વખત તેણે મિત્રને પોતાની સમસ્યા કહી અને કંઈક રસ્તો બતાવવા કહ્યું. મિત્ર કંઈ રસ્તો બતાવે એ પહેલાં તેણે બે વાત કરી અને કહ્યું કે આ બે સિવાયનો ત્રીજો કોઈ રસ્તો તારી પાસે હોય તો જ તું મને કહેજે.
તેણે મિત્રને કહ્યું કે એક તો એ કે તું છોડી દેવાની કે છેડો ફાડવાની વાત ન કરતો. મારે તેનાથી જુદું નથી થવું. એના મનમાં જે હોય તે પણ હું એને ખૂબ પ્રેમ કરું છું. એની મને ખબર છે. એ વાત કરવી બહુ ઇઝી છે કે ન ફાવતું હોય તો છોડી દેવાનું. હું એને ઉકેલ નથી માનતો. એટલે છોડવાની વાત ન કરતો. બીજી વાત એ કે તેને કન્વીન્સ કરવાની કે સમજાવવાની વાત પણ ન કરતો. હું એને પૂરતું સમજાવી ચૂક્યો છું. તેનામાં કોઈ ફેર નથી. આ બે સિવાયની કંઈ વાત હોય તો તું મને કર. મિત્રએ કહ્યું, હા છે, એ બે સિવાયનો પણ એક રસ્તો છે. એ રસ્તો એ છે કે એ જેવી છે એવી તું એને સ્વીકાર. તેની રીત, તેની સમજણ અને તેના વિચાર કદાચ જુદા હશે. સ્વીકાર એ પણ સમર્પણ જ છે. તું એને પ્રેમ કરતો રહે. એને તારા પર પ્રેમ નથી એવું લાગતું નથી. જો એવું હોત તો એના તરફથી જ કંઈક થયું હોત. પ્રેમ આપણી જ રીતે મળે એ જરૂરી નથી. એની રીતે પ્રેમ મેળવી જો. પ્રેમ તો દરેક વ્યક્તિમાં હોય જ છે, એની રીતો અલગ અલગ હોય છે.
તમને જેના પર લાગણી હોય છે, તમે જેને પ્રેમ કરો છો એના માટે જરૂરી છે કે તમે તમારી રીતે પ્રેમ કરો અને એને એની રીતે કરવા દો. વાદવિવાદ કે ઝઘડા ત્યાં સુધી જ લંબાતા હોય છે જ્યાં સુધી આપણે તેને ખેંચતા રહીએ છીએ અને લંબાવતા હોઈએ છીએ. પૂર્ણવિરામ આપણા હાથમાં જ હોય છે, બસ એને યોગ્ય સમયે મૂકતાં આવડવું જોઈએ!
છેલ્લો સીન :
કંઈ પણ કરતા પહેલાં જરાક વિચારજો કે એવું કરીને તમે શું સાબિત કરવા ઇચ્છો છો? જેનો કોઈ અર્થ ન હોય એવું સાબિત કરવાના ખોટા પ્રયાસોમાં જ ઘણી વખત અનર્થ થઈ જતો હોય છે. -કેયુ
('સંદેશ', સંસ્કાર પૂર્તિ, તા. 02 ઓગસ્ટ, 2015. રવિવાર. 'ચિંતનની પળે' કોલમ)
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
More from Gurjar Upendra
More Article
Interactive Games
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.