ઈશ્વરનો જન્મ – પથ્થર યુગની એક પરિકલ્પના
September 15 2015
Written By Gurjar Upendra
ગીચ જંગલમાં, ઝાડની એક ડાળી પર, સાંજના ધુંધળા ઉજાસમાં મનુ ફસાયેલો પડ્યો હતો. આખી બપોર તે એક હરણના શીકાર માટે તેની પાછળ દોડતો રહ્યો હતો. આમ તો જો કે તે નીશાન તરફ પથ્થર ફેંકવામાં પાવરધો હતો; પણ આ હરણ તેનાથી વધારે ચપળ હતું. મનુનાં બધાં નીશાન તેણે ચુકવી દીધાં હતાં અને મનુની કમર પરની ચામડાની કોથળીમાં સંઘરેલા બધા પથ્થર પણ ખલાસ થઈ ગયા હતા. ઘાસ અને ઝાડીથી ભરેલી જંગલની જમીન પરથી તે બીજા પથ્થર વીણી લે એટલી વારમાં તો એ ચાલાક હરણું ગીચ ઝાડીઓની પાછળ રફુચક્કર થઈ ગયું હતું.
મનુ ગુફાવાસી હતો. તેની બે પત્નીઓ અને પાંચ બાળકો સાથે જંગલના એક કોરાણે આવેલા પર્વતની ગુફામાં એ રહેતો હતો. બીજાં કુટુમ્બો પણ આજુબાજુની ગુફાઓમાં રહેતાં હતાં. શીકાર કરવો અને ઝાડ પરથી ફળો અને સુકા મેવા પાડવા; આ બે પર જ એમનો ગુજારો થતો. આમ તો બધા પુરુષો સાથે જ શીકાર માટે સવારે નીકળી પડતા. પણ તે દીવસે મનુ તેમનાથી અનાયાસ વીખુટો પડી ગયો હતો. આ કમબખ્ત હરણનો પીછો એકધ્યાનથી કરવામાં આમ બન્યું હતું.
ઝાડીઓમાં તે હરણની ભાળ મેળવતાં મેળવતાં, તેને બે લીલી ચળકતી આંખો દેખાણી. તેની ચાલાક આંખોને સમજતાં વાર ન લાગી કે કોઈક જંગલી અને માંસાહારી જાનવર તેની તરફ ધ્યાનથી તાકી રહ્યું હતું. અને મનુ ભાગવાનો વીચાર કરે તે પહેલાં જ એક જોરાવર વાઘ ઝાડીમાંથી તેની તરફ લપક્યો. અને લો ! શીકારીનો જ શીકાર થઈ જવાની નોબત બજી !
બીજી તરફની ખુલ્લી જમીન પર મનુ એની બધી તાકાત ભેગી કરી, મુઠીઓ વાળીને ભાગ્યો. એ વાઘે તેનો પુર ઝડપે પીછો કર્યો. મનુને ખબર પડી ગઈ કે, તેનાથી એ વાઘ કરતાં વધારે ઝડપથી દોડી શકાય તેમ ન હતું અને થોડીક જ વારમાં વાઘ તેનો કોળીયો કરી જશે.
મનુને તરત જ સુઝ્યું કે, પોતે ઝાડ પર ચઢી જાય, તો જ મોતના આ સાક્ષાત પીછામાંથી બચી શકે. તે નજીકના એક ઝાડ તરફ ગાંડાની માફક દોડ્યો અને ઠીક ઠીક ઉંચે પણ ચઢી ગયો. પણ વાઘે ઉંચા થઈને એક થપાટ તો મારી જ લીધી અને તેના ઘુંટણને ચીરી નાંખ્યો. મનુ અત્યંત પીડામાં ચીસ પાડી ઉઠ્યો. તેના ડાબા પગમાંથી દડ, દડ, દડ લોહી નીતરતું હોવા છતાં; બધી તાકાત ભેગી કરીને વાઘ તેને પકડી ન શકે એટલી ઉંચાઈએ તો તે ચઢી જ ગયો. તેને લાગ્યું કે તે બેભાન થઈ જશે. પણ તેણે ઉંડો શ્વાસ લઈ, દાંત ભીડી, તેના બન્ને હાથે ઝાડની એક ડાળી સાથે બાથ ભીડેલી રાખી.
અને આ જ સ્થીતીમાં તે સખત હાંફતો પડ્યો રહ્યો. વાઘ તેના નીચે પડી જવાની રાહ જોતો, ઝાડની નીચે જ ઉભો રહ્યો. લાગ જોઈને અને થોડીક કળ વળતાં, તે થોડોક વધારે ઉંચે, સલામત જગ્યાએ ચઢી ગયો. વાઘને બદલે દીપડો હોત તો તો તે ક્યારનોય મરણ શરણ થઈ ગયો હોત, તે વીચારે તેને પોતાનું નસીબ કાંઈક સારું લાગ્યું.
આમ ને આમ કલાકેક વીતી ગયો. સુરજ ક્ષીતીજની પાર જવા માંડ્યો અને અંધારું ઘેરાવા લાગ્યું. નીચે વાઘ પણ દેખાતો બંધ થઈ ગયો. અને આ જ સમે તેને ક્યાંક બાજુમાંથી એક સીસકારો સંભળાયો. સાવ આછા પ્રકાશમાં તેને બાજુમાંથી કાંઈક સળવળાટ થતો જણાયો. કશુંક લીસ્સું તેને સ્પર્શીને સરકી રહ્યું હતું. કાળોતરો નાગ તો નથી ને ? ભયનું એક લખલખું તેના શરીરમાં ફરી વળ્યું. તેણે ચુંચી નજર કરીને આજુબાજુ જોઈ લીધું. સદભાગ્યે એક વેલો તેની સાવ નજીકમાં લબડતો હતો. તેણે બધું બળ એકઠું કરી તેને પકડી, ગાંડા વાંદરાની જેમ હીંચ્યો. જુની આવડતથી તે ઝાડની બીજી ડાળી પર આવી પહોંચ્યો અને મરજીવાની જેમ, વેલો છોડી તે ડાળી તેણે પકડી લીધી. તે માંડ માંડ નીચે પડવામાંથી બચ્યો. તેના ડાબા પગમાં જબરદસ્ત સણકારો તો થયો જ , પણ એની તરફ લક્ષ્ય આપવાનું તેને પોસાય તેમ ક્યાં હતું ?
અને આ ડાળી ઉપર જ મનુ અમાસની એ કાજળ કાળી રાતમાં પડેલો રહ્યો. આખા દીવસનાં ભુખ અને સખત પરીશ્રમને કારણે તેના પેટમાં તો વીણાંચુટાં થતાં હતાં. દુર ક્ષીતીજમાં કાળાં ડીબાંગ વાદળો ઘેરાયેલાં હતાં. તે વધારે ને વધારે ઘનઘોર થવાં લાગ્યાં અને છેવટે ઝરમર ઝરમર ટીપાં પડવાની શરુઆત પણ થઈ ગઈ. થોડી વારમાં જ તો હળવી બુંદો અને પછી તો બારે મેઘ મુશળધાર તુટી પડ્યા. તે બરાબર લથપથ થઈ ગયો હતો અને અશક્તીમાં કણસતો હતો. શીયાળાની તે નીષ્ઠુર રાતે ઠંડો, જલ્લાદ જેવો પવન પણ તીણા સુસવાટા મારતો, તેના શરીરને આરપાર વીંધી નાંખતો હતો. તેની કાયા ઠંડી અને ભયના કારણે થરથર ધ્રુજતી હતી. આટલું અધુરું હોય તેમ, તેને બીજા ભયની કલ્પના થવા લાગી કે આ દુશ્મન વરસાદે ગુફામાં સલામત પાછા ફરવાના જંગલમાં રસ્તે છોડેલાં બધાં જ સગડ ધોઈ નાંખ્યાં હશે. અને વળી સાંજની આ ભયાવહ ઘટનામાં ગુફા તરફની દીશાનો અંદાજો તો તે ક્યારનોય ગુમાવી ચુક્યો હતો !
મનુને લાગ્યું કે, તેનું મરણ હવે નીશ્ચીત છે. તે શબની જેમ ડાળી પર જેમ તેમ લટકેલી દશામાં પડ્યો રહ્યો. આ અવસ્થામાં તેની આંખો ક્યારે મીંચાઈ ગઈ, તેની તેને ખબર જ ન પડી. તેની આ દયામણી નીયતીમાં, પોતાના જીવનના કરુણ અંતના સપનાની ભયાવહ દુનીયામાં તે ખોવાઈ ગયો. મોંમાંથી ભયાનક આગ અને ઝેર ઓકતા, ઉડતા ડ્રેગનોએ તેને ચારે તરફથી ઘેરી લીધો હતો. ભયની પરાકાષ્ઠાની તીવ્ર લાગણી સીવાય કશું જ તેના હોવાપણામાં બાકી રહ્યું ન હતું.
તેની આવી અવસ્થા કંઈ કેટલાય સમય માટે ચાલુ રહી. એવી જાગ્રત–અજાગ્રત અવસ્થામાં જ ક્યાંકથી વહેલી સવાર સળવળવાટ કરવા લાગી. ઘેરાં વાદળો તો ક્યારનાંય સમેટાઈ ગયાં હતાં. રહ્યાં સહ્યાં વાદળોની આડશમાંથી, દુર દુરથી સુર્યનાં પહેલાં કીરણો અંધકારનાં અંચળાને હળુ હળુ સમેટવાં લાગ્યાં. ઉષાના એ ઝાંખા ઉજાસમાં તેના શબવત શરીરમાંથી તેની પાંપણો, જીવનના રહ્યા સહ્યા અસ્તીત્વને ઝંકૃત કરતી ખુલી. ન કશો વીચાર, ભય કે મૃત્યુની કોઈ લાગણી પણ હવે બચી હતી. જીવન અને મૃત્યુની વચ્ચેની એ કોઈક અણજાણ અવસ્થા હતી. તેની ખુલ્લી આંખો શુન્યવત્ બનીને આકાશના ઝાંખા ઉજાસને તાકી રહી અને એમાં ધીમે ધીમે વધુ ને વધુ પ્રકાશ પ્રવેશતો રહ્યો.
ઝાડની ડાળીઓની આડશમાંથી તેણે દુર દુર કાળા આકાશમાં વાદળો આકાર લેતાં જોયાં. ધીમે ધીમે તેને તેનો આકાર દેખાવા માંડ્યો. એનો રંગ પણ ધીમે ધીમે બદલાવા માંડ્યો. પહેલાં થોડોક રાખોડી, પછી આછો પીળો, પછી હળવો કેસરી, પછી ઘેરો કેસરી, પછી લાલાશ પડતો અને છેવટે અંગાર જેવા લાલ રંગોમાં વાદળો રંગાયાં. આ લાલચોળ વાદળોને વીંધીને એમની વચ્ચેથી સુર્યનાં પ્રથમ કીરણો તેની સમક્ષ આવી ઉભાં. કોઈ મહાન અસ્તીત્વની વીશાળ અને લાલચોળ આંખ ઉભરવા માંડી. તેનું સમગ્ર હોવાપણું એક ઉંડી એકલતામાંથી આળસ મરડીને અંગડાવા લાગ્યું. હળુ–હળુ તેના શરીરમાં જીવનનો આછો–પાતળો સંચાર થવા લાગ્યો. કશાય આકાર કે રુપ વીનાનું, અજાણ્યું અને અતીવીશાળ હોવાપણું તેના સમસ્ત હોવાપણાને ઘેરી વળ્યું હોય તેવી અનુભુતી તેને થવા માંડી. એ લાલચોળ આંખમાંથી સુર્યનાં સોનેરી કીરણો રેલાવા માંડ્યાં. તે જાણે કે, એને કાંઈક કહી રહ્યાં હતાં. એનો એ ગુપ્ત સંદેશ તેનું જાગૃત મન ઝીલી શકે તેવા કોઈ જાણીતા શબ્દ કે ઈશારા વીનાનો હતો. એ સંદેશની તો તેનું હોવાપણું માત્ર અનુભુતી જ કરી શકે તેમ હતું – કોઈ સમજણ તો નહીં જ.
આ સાવ નવા નક્કોર અનુભવથી તેના રોમેરોમમાં કોઈક અજાણી ઝણઝણાટી થઈ આવી. અને આ નુતન અનુભુતીના આવીર્ભાવે તેની જીવંતતા પણ ધીમેથી સંચાર કરતી સળવળવા લાગતી હોય તેમ તેને લાગવા માંડ્યું. તે અ–હોવાપણામાંથી હોવાપણામાં ધીમા પગરવ પાડી રહ્યો હતો. તેનાં અંગ–પ્રત્યંગ ધીમે ધીમે જાગૃત થવાં માંડ્યાં અને નુતન જીવનના પગરણ તે અનુભવી રહ્યો. તેના પગનો દુખાવો અને પીડા આશ્ચર્યજનક રીતે ઓછાં થઈ ગયાં હતાં. મનુ ધીમે ધીમે ડાળ પરથી નીચે ઉતરવા લાગ્યો. છેવટે થડ પરથી સરકીને જમીન પર આવીને ઉભો અને કોઈ ઈચ્છા વગર, દીશાના કોઈ ભાન વગર કે તે શોધવાની કોઈ આકાંક્ષા વગર ચાલવા લાગ્યો.
કોઈક અજાણી તાકાત તેને ચાલવા અને ચાલતા જ રહેવા માટે લાલાયીત કરી રહી હતી. હવે સુર્ય તો ઉંચો આવી ગયો હતો અને પેલા અજ્ઞાત હોવાપણાની મહાકાય આંખ પણ અદૃશ્ય થઈ ગઈ હતી. બધાં વાદળોને વાયરો વાળી ગયો હતો. પ્રગલ્ભ અને તરોતાજા સવારમાં તે ક્યાં જઈ રહ્યો હતો : તેના કોઈ ભાન વગર, કેવળ આનંદની પરાકાષ્ઠાના અપ્રતીમ ભાવમાં તે બસ ખેંચાઈ રહ્યો હતો. અપાર શાંતી અને સમાધીની અનુભુતીમાં કોઈ અજાણ બળ વડે તે દોરાઈ રહ્યો હતો. તેની આજુબાજુની સૃષ્ટીનું તેને કશું જ ભાન ન હતું, અથવા એનો એને માટે કોઈ અર્થ ન હતો.
ધીમે ધીમે તેની સમાધી–સ્થીતી ઓસરવા માંડી. તેને આજુબાજુનું પર્યાવરણ પરીચીત લાગવા માંડ્યું. ઝાડ, પાન, ઘાસ, પાષાણ, ધીમે ધીમે તેને જાણીતાં લાગવા માંડ્યાં. તેને હવે સમજાયું કે તે પોતાના જુના અને જાણીતા નીવાસસ્થાનની નજીક સરકી રહ્યો છે. તેની ગુફા દુરથી દેખાઈ રહી હતી. ડાબો પગ સહેજ લંગડાતો હોવા છતાં, આનંદના અતીરેકમાં હવે તે દોડવા લાગ્યો.
થોડા જ વખતમાં મનુ તેના આપ્તજનો વચ્ચે ઘેરાઈ ગયો. તેની વહાલી પત્નીઓ અને તેનાં બાળકો; તેના સાથીઓ અને પાડોશીઓ વીંટળાઈ વળ્યાં. આનંદની કીલકારીઓ, વહાલની બાથો, ખોરાક અને પાણીની વચ્ચે તે પોતાના ગઈ બપોર પછીના અનુભવો વર્ણવવા લાગ્યો. ભાવી સાથેની તેની મુઠભેડ અને તેમાંથી તેના ચમત્કારીક ઉગારાની અજાયબ વાતો તેના મુખેથી ઉતરવા લાગી. પણ મનુના માનસમાં એ પ્રલયકારી પળોની વીશાળ અને લાલચોળ આંખ સતત ડોકાતી રહી.
તે ઘટના આકારહીન, રુપહીન, અજાણી હોવા છતાં મનુએ તેનો આભાર માન્યો. તે જ દીવ્ય અને સોનેરી આંખે તેને નવજીવન બક્ષ્યું હતું અને તેને હેમ–ખેમ ઉગારી, સ્વજનો વચ્ચે ગુફા ભેગો કર્યો હતો. મનુએ તેને ‘ઈશ્વર’ કહ્યો.
ત્યારે જ ઈશ્વરનો જન્મ થયો અને ત્યારથી જ માનવમનમાં તે હરહમેશ વસતો રહ્યો છે
(Gadyasoor બ્લોગમાંથી સાભાર)
More from Gurjar Upendra
More Article
Interactive Games
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ