સાધારણ કભી શિક્ષક નહીં હોતા!

August 05 2015
Written By GujaratilexiconGurjar Upendra

આ ધરતી પર અવતરેલી પ્રત્યેક વ્યક્તિનું જીવન વિશિષ્ટ હોય છે. કષ્ટો અને અનુભવોથી ભરપૂર હોય છે. સાદું, સીધું, સરળ નથી હોતું. જીવનનાં થોડાં વર્ષો તો સંઘર્ષમય હોય છે જ. જીવનના કંટકમય માર્ગમાંથી રસ્તો શોધવો એ શિક્ષણનું પરિણામ છે.

દુ:ખદ એ છે કે અત્યારના જનજીવનમાં શિક્ષણ ડિગ્રી, કારકિર્દી અને કમાણી સાથે સઘન રીતે જોડાયેલું છે, જીવન સાથે સમગ્રતાથી નહીં. પદ અને પૈસો જીવનનાં મહત્ત્વનાં અંગો છે એ સાચું, પણ સમગ્ર જીવન નહીં. ખરેખર તો શિક્ષણ માનવીના જીવનને ઘડે છે, જીવનનાં સઘળાં અંગોને સ્પર્શે છે, તેથી શિક્ષણને ખંડ-ખંડમાં જોવાને બદલે સમગ્રતાથી… અખંડપણે જોવું જોઈએ.

માનવજીવનને ઘડનારા આવા મહાન અને અસાધારણ તત્ત્વ શિક્ષણ સાથે જે વ્યક્તિ જોડાય તે સાધારણ તો ન હોઈ શકે, ન હોવી જોઈએ. જે વ્યક્તિના દૃષ્ટિક્ષેત્રમાં ‘શિક્ષણ’ આ રીતે સમાયેલું હોય, સચવાયેલું હોય તેણે જ શિક્ષક બનવું જોઈએ. શિક્ષકનું અસાધારણપણું જળવાઈ રહે તે ખૂબ મહત્ત્વનું છે. એની દૃષ્ટિમાં પ્રત્યેક બાળક એક વિદ્યાર્થી તરીકે જ માત્ર નહીં, ભવિષ્યના ઉત્તમ માનવી તરીકે ગોઠવાવો જોઈએ. શિક્ષકે વિદ્યાર્થીને Degree (પદ) અને Dignity (ગરિમા) બંને આપવાં જોઈએ.

આવું ત્યારે જ સંભવે જ્યારે શિક્ષક આદર્શ વાચક, ઉત્તમ ચિંતક અને પવિત્ર સાધક હોય. શિક્ષણકાર્ય એના માટે વ્યવસાય નહીં, વ્રત હોય. શિક્ષણનું સાધ્ય ઉત્તમ મનુષ્યોનું નિર્માણ છે. તેથી શિક્ષક એનો સાધક બનવો જોઈએ અને જીવન-નિર્માણ એની સાધના. આમ થાય તો સમાજજીવન અને રાષ્ટ્ર સમૃદ્ધ બને. મનુષ્ય સમગ્ર સૃષ્ટિનું કેન્દ્રબિન્દુ અને ચાલકબળ છે. એની ગુણવત્તાના આધારે સૃષ્ટિ ધબકે છે.

માનવજીવનનું કેન્દ્રબિન્દુ શિક્ષણ છે અને સૃષ્ટિનું કેન્દ્રબિન્દુ માનવ છે. તેથી શિક્ષણ કેટલું મહત્ત્વનું તત્ત્વ છે એ સમજી શકાય તેમ છે.

શિક્ષણપ્રક્રિયા દ્વારા વ્યક્તિનું ઊર્ધ્વીકરણ અપેક્ષિત છે. વિચાર-વાણી-વ્યવહારને જો ઊર્ધ્વીકરણનો સ્પર્શ થયો હશે તો અધ:પતનને કોઈ સ્થાન નથી. અને આવું થશે તો નૈતિકતા અને જીવનમૂલ્યોના જતનની ચિંતા નહીં કરવી પડે. વ્યક્તિ-વ્યક્તિના ઊર્ધ્વીકરણમાં જ સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિ નિહિત છે. શિક્ષણની પ્રક્રિયામાં ઊર્ધ્વીકરણની વાત વિચારવી એ જ શિક્ષણના ઘડવૈયાઓનું સૌથી મહત્ત્વનું કાર્ય હોઈ શકે.

 

 

More from Gurjar Upendra

More Article

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects