મિત્રતા – એક અણમોલ સ્નેહસંબંધ
August 03 2015
Written By Gurjar Upendra
તારી મૈત્રીમાં કઈ સાર લાગે છે,
કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જિંદગીની કડવાશમાં થઈ એક મિત્રતા મધુર,
બાકી તો આવી મિત્રતા થવામાં પણ વાર લાગે છે.
દુનિયાનો દરેક સંબંધ આપણા જન્મ સાથે જોડાયેલો હોય છે, જેને બદલી શકવો અસંભવ છે. જન્મ લેતાની સાથે જ મળતા સંબંધો ઇચ્છો કે ન ઇચ્છો હંમેશાં જોડાયેલા રહે છે પણ આ સંબંધોથી અલગ એક સંબંધ છે મિત્રતાનો. મિત્રતા એક એવો સંબંધ છે જેને આપણે પોતાની સમજથી જોડી શકીએ છીએ. મિત્ર આપણે પોતે જ પસંદ કરીએ છીએ. જીવનમાં પગલે પગલે આપણને અલગ-અલગ લોકો મળે છે, કેટલાક લોકો સાથે સારી ઓળખાણ પણ થઈ જાય છે, પણ બહુ ઓછા એવા લોકો હોય છે જેમને આપણે મિત્ર કહી શકીએ છીએ. જેને મળતાં જ આત્મીય ખુશીનો અહેસાસ થાય છે.
મુશ્કેલીની કોઈપણ ઘડીમાં આપણને જે વ્યક્તિની મદદની સવિશેષ જરૂર પડે તે વ્યક્તિ મિત્ર જ હોય છે. મુશ્કેલી ચાહે ગમે તેવી હોય જો આપનો મિત્ર આપનો સાથ ન છોડે તો આપ સહજ રીતે જ તેનાથી ઉપર આવી શકો છો. આપનો મિત્ર સાચો હોય તો નિ:સંદેહ આપ દુનિયાના ગણ્યગાંઠ્યા નસીબદારોમાંના એક છો. સમયની સાથે-સાથે મિત્રતાના અર્થ પણ બદલાયા છે. આજે જ્યાં મોટેભાગે મિત્રતા પોતાનો સ્વાર્થ, મતલબ અને સ્ટેટસ જોઈને કરવામાં આવે છે, ત્યાં પહેલાંના સમયમાં મિત્રતા માત્ર અને માત્ર હૃદયથી બંધાતી હતી. આપણી સામે અનેક એવાં ઉદાહરણો છે જેમાં મિત્રતામાં મહાનતા જોઈ શકાય છે.
શ્રીરામ અને શ્રીકૃષ્ણની મિત્રતા પૂજનીય છે. તેમણે પોતાના મિત્રો માટે બધાં બંધનો તોડી મિત્રધર્મનું પાલન કર્યું. શ્રીરામે સુગ્રીવની મિત્રતા માટે બાલીવધ કર્યો હતો, આજે પણ કેટલાક લોકો રામના આ કાર્યને ખોટું ગણાવે છે. પણ શ્રીરામે મિત્રતા માટે બાલીનો વધ કરી સુગ્રીવને કષ્ટોમાંથી મુક્તિ અપાવી હતી. શ્રીરામના જીવનમાં આવા અનેક મિત્રો હતા, દરેક પર શ્રીરામ પોતાની કૃપા વરસાવતા રહ્યા. શ્રીકૃષ્ણ અને સુદામાની મિત્રતાની બરાબરી કરવાનું કોઈ વિચારી પણ ન શકે.
શ્રીકૃષ્ણએ સુદામા સાથે મિત્રતા નિભાવી દોસ્તીનું અદ્ભુત ઉદાહરણ સ્થાપિત કર્યું છે. તેમણે એ જ દર્શાવ્યું છે કે મિત્રતામાં અમીરી-ગરીબી, ઊંચ-નીચ, ભેદ-ભાવ જેવી ભાવનાઓ માટે કોઈ સ્થાન નથી. શ્રીકૃષ્ણ સ્વયં પરમાત્મા છે પણ તેમણે મિત્રતાને વશ થઈને સુદામાના ચરણ પણ ધોયા અને તેમનું યથાયોગ્ય સ્વાગત પણ કર્યું.
આધુનિકતા અને સ્વાર્થની ચકાચોંધમાં આજે મિત્રતાને એક માધ્યમ બનાવી દેવામાં આવ્યું છે. સામાન્ય રીતે આજના લોકોની માનસિકતા એ જ હોય છે કે જો કોઈ પોતાને કામ લાગી શકે તો તેની મિત્રતા કરી લેવામાં આવે અને કામ પતી જાય ત્યારે તુરંત જ મિત્રને ભૂલી જવાનો. એવા જ કેટલાક લોકો એમ કહે છે કે મિત્રતા બરાબરી વાળા લોકો સાથે કરવી જોઈએ. ત્યારે એટલું જ કહી શકાય કે મિત્રતાને માધ્યમ માનવામાં ન આવે, દોસ્તી તો ભાવનાઓનો અતૂટ સંબંધ છે જેમાં શરીર અલગ-અલગ હોય છે પણ બંનેનો આત્મા એક જ હોય છે. સહુથી સફળ મિત્રતા એ જ છે જેમાં મિત્રોને એકબીજાને સમજવા માટે શબ્દોની આવશ્યકતા પણ ન રહે. મિત્રતાની સીમાને સમજવી અને તેને શબ્દોમાં વ્યક્ત કરવી બિલકુલ અસંભવ નથી. આજે દરરોજ અનેક મિત્રતા માત્ર અહંની ભાવનાને લીધે તૂટી જાય છે કે પછી તોડી દેવામાં આવે છે. પ્રયત્ન કરો કે અહંની ભાવનામાંથી ઉપર ઊઠીને પોતાના મિત્રને સમજી શકો, તેને જવા ન દો કારણ કે આપનો મિત્ર જ જીવનના દરેક કદમ પર આપને સાથ આપી શકે છે.
મિત્રનો અર્થ શું થાય જાણો છો તમે ?
– એક સાચો મિત્ર હજારો સંબંધીઓની ગરજ સારે છે.
– કોઈ પણ માણસ નકામો નથી, જો એ કોઈનો સારો મિત્ર હોય તો.
– મિત્રો એટલે બે શરીર અને એક આત્મા.
– અજવાળામાં એકલા ચાલવા કરતાં અંધારામાં મિત્ર સાથે ચાલવું વધું સારું.
– કંઈ પણ બોલ્યા વિના આપણી આંખો જોઈને આપણું દુ:ખ સમજી જાય તે મિત્ર.
– આપણી સફળતા જોઈને આપણા કરતાં પણ વધુ ખુશ થાય તે મિત્ર.
– મિત્ર એક એવું ગુલાબ છે તે તમારા જીવનને પોતાની સુગંધથી ભરી દે છે.
– અંધારામાં એક આશાનું કિરણ એટલે મિત્ર.
– મુશળધાર વરસાદમાં પણ તમારા આંસુને ઓળખી લે તે મિત્ર.
– તમારી આંખમાંથી પડતાં આંસુ ઝીલી લે તે મિત્ર.
– મિત્ર એટલે જેની પર તમે આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકો.
જીવનમાં મિત્ર ના હોત તો !
આ જીવનને જીવન કેમ કહેવું ?
મિત્રતા એક એવો દીપ છે કે જેમાં,
બંને એ એકસાથે બળવું જ પડે.
મિત્રતા એક એવો ધોધ કે જેમાં,
પડ્યાં પછી પણ વહેતાં રહેવું પડે.
મિત્રતા એક ખુલ્લું રણ કે જેમાં,
આસ પાસ બધું જ દૃશ્યમાન છે.
મિત્રતા એક મોટું ઝરણું કે જેમાં,
વહેતાં વહેતાં જીવન જીવી જવાય.
મિત્રતા એક એવો સંબંધ કે જે,
જીવનનો ધબકાર અને શ્વાસ છે.
એટલે જ મિત્રોથી જીવું છું હું કે જે,
મારા માટે જીવાનો આધાર અને પ્રાણ છે.
-સર્વદમન
– 2 ઑગસ્ટ 2015, મિત્રતાદિવસ વિશેષ લેખ
More from Gurjar Upendra
More Article
Interactive Games
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં