ટૉરેન્ટો દર્શન – ડૉ. જયકુમાર ર. શુક્લ
July 29 2015
Written By Gurjar Upendra
માર્ચ, 2000માં મારો પુત્ર અમિત ટૉરન્ટો (કૅનૅડા) ગયો ત્યારે પશ્ચિમના દેશમાં જવાની તેની ખ્વાઈશ ફળીભૂત થઈ. આ અગાઉ તે 1997માં કિસુમુ (કેન્યા, પૂર્વ આફ્રિકા) સર્વિસ માટે ગયો હતો, અને તે બે વર્ષ ત્યાં રહ્યો પણ હતો. ટૉરન્ટો ગયા બાદ, દોઢેક વર્ષ પછી અમને ત્યાં બોલાવવાનો તેનો આગ્રહ હતો અને જુલાઈ 2002માં સુશીલા તથા હું ત્યાં જઈ શક્યાં. કૅનેડા જઈએ ત્યારે થોડાં સપ્તાહ યુનાઈટેડ સ્ટેટ્સ પણ ફરવા-જોવા જવાનો ઈરાદો હતો, એટલે અમે અમેરિકા અને કૅનેડા બંને દેશોના વિઝા લઈને જુલાઈની પાંચમીએ વહેલી સવારે અમદાવાદથી ઊપડ્યાં અને કેનેડાનો સમય આપણાથી સાડા દસ કલાક પાછળ હોવાથી, લંડન થઈને પાંચમી જુલાઈની સાંજે ટોરન્ટો પહોંચી ગયાં. ત્યાં ઉનાળામાં દિવસ ઘણો લાંબો હોવાથી, રાતના 9.30 વાગ્યે અંધારું થયું.
ટૉરન્ટો કૅનૅડાના ઑન્ટારિયો પ્રાન્તનું પાટનગર તથા કૅનૅડાનું સૌથી મોટું શહેર છે. ટૉરન્ટો ત્યાંનું મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર છે. તે લેક ઑન્ટારિયોની ઉત્તર પશ્ચિમે (વાયવ્ય) આવેલું છે. ગ્રેટ લેઈકનું તે સૌથી વધુ મહત્વનું બંદર છે. તે વસ્તુઓનું ઉત્પાદન, નાણાંકીય બાબતો અને વાહનવ્યવહારનું કૅનૅડાનું મુખ્ય મથક છે. કૅનૅડાના 35 ટકા જેટલા ઉદ્યોગો ટૉરન્ટોની આસપાસ 160 કિ.મીના અંતરે આવેલા છે. ટૉરન્ટોનું સ્ટૉક એક્ષચેન્જ દેશમાં સૌથી મોટું છે. ત્યાં ટેલિવિઝન અને સિનેમા ઉત્પાદન, છાપકામ તથા પ્રકાશનનું કામ કૅનૅડાનાં અન્ય શહેરોની તુલનામાં સૌથી વધુ થાય છે. દેશનાં મહત્વનાં પુસ્તકાલયો તથા સંગ્રહાલયો ત્યાં આવેલાં છે. તે મહત્વનું સાંસ્કૃતિક કેન્દ્ર છે.
ઈ.સ. 1600 અને 1700 વચ્ચેના સમયમાં ત્યાંનાં આદિવાસીઓ લેક ઑન્ટારિયો અને લેક હુરોન વચ્ચે જવા-આવવાના માર્ગમાં ટૉરન્ટો આવતું. બ્રિટિશ કૉલોનીના લેફટેન્ટ ગવર્નરે 1793માં ત્યાં વસવાટ શરૂ કર્યો અને તેને યૉર્ક નામ આપ્યું. ઈ.સ. 1834 માં તે નામ બદલીને ‘ટૉરન્ટો’ રાખવામાં આવ્યું. ત્યાંની હુરોન ભાષામાં તેનો અર્થ ‘મિલનસ્થળ’ થાય છે. ટૉરન્ટો 630 ચોરસ કિ.મીના વિસ્તારમાં ફેલાયેલું છે. ઑન્ટારિયો પ્રાન્તનાં 25 ટકા તથા કૅનૅડા દેશનાં 10 ટકા લોકો, માત્ર આ શહેરમાં વસે છે. ત્યાં ભારતીયોનાં કેટલાંક મંદિરો છે. તેમાં ગણેશમંદિર, વિષ્ણુમંદિર, શિવમંદિર, સનાતનમંદિર, સ્વામિનારાયણમંદિર વગેરેનો સમાવેશ થાય છે. સનાતનમંદિર તથા સ્વામિનારાયણ મંદિરનો વહીવટ ગુજરાતીઓ સંભાળે છે.
એક દિવસ અમિત સાથે, ડાઉનટાઉન જવા માટે અમે ત્યાંની બસ તથા સબવે (અન્ડર ગ્રાઉન્ડ ઈલેકટ્રિક ટ્રેન) મારફતે ગયાં. ત્યાં બસમાં કંડકટર હોતા નથી. મુસાફરો ખાનગી દુકાનોમાંથી બસની ટિકિટો ખરીદીને પાસે રાખતાં હોય છે. બસમાં બેસતી વખતે, ડ્રાઈવરની સીટ પાસેની નાની પેટીમાં ટિકિટ નાખવાની અથવા તેમાં નાણાં નાખવાનાં. બધાં પોતાની જાતે, લાઈનમાં આવીને બેસે. કોઈ આગળ જતા રહેવા બીજાને ધક્કો મારે નહિ. એ જ રીતે સબવે-લોકલ ટ્રેનમાં પણ આપણા જેવી ધક્કામુક્કી અને દોડાદોડી એ લોકોને ન ફાવે ! બસ અને ટ્રેન વગેરે સ્વચ્છ તથા લોકોમાં આત્મશિસ્ત. ટ્રેનના દરવાજા સ્વયં સંચાલિત હોય છે. ટ્રેન ઊભી રહે, પછી દરવાજા ખૂલે અને ટ્રેન ઊપડતાં અગાઉ બંધ થઈ જાય. સ્ટેશનમાં બધાં પ્લૅટફોર્મ સ્વચ્છ અને બધી સૂચનાઓ લખી હોય. તેથી અજાણ્યા માણસે પણ ઘણું ખરું પૂછવું ન પડે.
14મી જુલાઈ, 2002 ને રવિવારે અમે ડાઉનટાઉનમાં, યંગ સ્ટ્રીટ પર આવેલ ઈટન સેન્ટર જોવા ગયાં. તે ત્રણ માળનું ટૉરન્ટોનું સૌથી મોટું શૉપિંગ કૉમ્પલેક્ષ છે. તેમાં આશરે 300 દુકાનો તથા ઑફિસોની ત્રણ ઈમારતો આવેલી છે. તેમાંની એક ઈમારત 36, બીજી 35 અને ત્રીજી 26 માળની છે. તેમાં એસ્કેલેટર તથા લિફટની વ્યવસ્થા પૂરતાં પ્રમાણમાં છે. ત્યાંથી અમે ડાઉનટાઉનમાં આગળ ગયાં. ત્યાં વિશ્વની સૌથી ઊંચી 50 ઈમારતોમાંની ત્રણ આવેલી છે. તેમાંની એક ‘કૅનૅડિયન પ્લેસ’ – તે 72 માળની બૅંક અને ઑફિસ ટાવર છે. તેની ઊંચાઈ 290 મીટર 951 ફીટ છે. બીજી 68 માળની ઈમારત ‘સ્કોશિયા પ્લાઝા’ 275 મીટર (902 ફીટ) ની ઊંચાઈ ધરાવે છે. ત્રીજી ઈમારત 51 માળની ‘કૅનૅડા ટ્રસ્ટ ટાવર’ ની ઈમારત 261 મીટર (856 ફીટ)ની ઊંચાઈ ધરાવે છે. તેની પાસે આવેલ કૅનૅડિયન નૅશનલ – ‘સી.એન.ટાવર’ વિશ્વની સૌથી ઊંચી ફ્રી – સ્ટેન્ડિંગ ઈમારતોમાંની એક છે. તે કોન્ક્રીટ અને સ્ટીલની બનાવેલી તથા 1815 ફીટ ઊંચી છે. તેમાં ઉપર જવા માટે ઝડપી લિફટ અને ભોંયતળિયે વિવિધ વસ્તુઓ વેચતી વિશાળ દુકાનો છે. અમે ટિકિટો ખરીદીને ઉપર ગયાં. ત્યાં મુલાકાતીઓની લાંબી લાઈન હતી. તેમાં ઑબ્ઝર્વેશન ડેક – નિરીક્ષણ કક્ષ પરથી જોતાં – ચારે બાજુથી સમગ્ર ટૉરન્ટો શહેરનું વિહંગાવલોકન કર્યું. તેના વિશાળ લાંબા માર્ગો સાપના લિસોટા જેટલા નાના તથા ત્યાંની ભવ્ય ઈમારતો દેખાવ માટે ગોઠવેલાં મોડેલો જેવી દેખાતી હતી. સી.એન.ટાવરના એક માળનું તળિયું જાડા પારદર્શક કાચનું બનાવેલું છે. સી.એન.ટાવરની પાસે આવેલા ‘સ્કાઈ ડેમ’ સ્પોર્ટસ સ્ટૅડિયમ છે. તેનું છાપરું ખોલી શકાય એવું રીટ્રેક્ટેબલ છે. તે આઠ એકર (3.2 હૅકટર) જમીનમાં પથરાયેલું છે. તેમાં એક હોટલ, મનોરંજન હોલ, કેટલીક રેસ્ટોરાં, સભાખંડો તથા હેલ્થ કલબનો સમાવેશ થાય છે.
એક દિવસ અમે ડાઉનટાઉન પાસે સરોવરની આગળ આવેલ, સાંસ્કૃતિક, મનોરંજન તથા વિશ્રાંતિના સંકુલ ‘ઑન્ટારિયો પ્લેસ’ જોવા ગયાં. તેમાં એક નાટકશાળા, પ્રદર્શન કક્ષ, બાળકો માટેનો વૉટર પાર્ક, પર્યટન-સ્થળ, આઈમૅક્સ થીએટર વગેરે આવેલાં છે. તેની પૂર્વમાં હાર્બર ફ્રન્ટ કેન્દ્ર આવેલું છે. તેમાં અનેક આર્ટ ગૅલરીઝ, દુકાનો, રેસ્ટોરાં, પ્રદર્શન માટેનાં ક્ષેત્રો અને નાટકો, સંગીત તથા નૃત્યના કાર્યક્રમો માટેનાં થીએટરો આવેલાં છે. સરોવરની આગળ ‘એક્ઝિબિશન પ્લેસ’ આવેલ છે. તેમાં કૅનૅડિયન નૅશનલ એક્ઝિબિશનનું સ્થળ છે. ત્યાં પ્રતિ વર્ષ ઑગસ્ટ-સપ્ટેમબરમાં મોટો મેળો ભરાય છે, ત્યારે હજારો લોકો ત્યાં ભેગાં થાય છે.
ટૉરેન્ટોના ડાઉનટાઉનની ઉત્તરે કવીન્સ પાર્કમાં ઑન્ટારિયો પાર્લામેન્ટ બિલ્ડિંગ્ઝ આવેલાં છે. તે પાર્કની પશ્ચિમે યુનિવર્સિટી ઑફ ટૉરન્ટોનું વિશાળ કૅમ્પસ જોઈને અમે આગળ વધ્યાં. ટૉરન્ટો શહેરની આજુબાજુ આવેલ ગ્રેટર ટૉરન્ટો એરિયામાં ઉત્તરે મારખમ અને અરોરા, પૂર્વમાં ઓશાવા તથા વ્હિટબી અને પશ્ચિમે બ્રેમ્પટન તથા મિસિસાગા આવેલાં છે. એંસી તથા નેવુંના દાયકાઓમાં ગ્રેટર ટૉરન્ટો એરિયાનો વિકાસ ખૂબ ઝડપથી થયો છે. તે દરમિયાન ખેતીની વિશાળ જમીનોમાં અનેક મકાનો, શાળાઓ, હૉસ્પિટલો અને વ્યાપારી સંકુલો નવાં બાંધેલાં જોવા મળ્યાં.
કૅનૅડામાં ટૉરન્ટો અનેક વંશીય જાતિઓ ધરાવતું શહેર છે. આ શહેરમાં 150 વંશીય જૂથો વસે છે, જે 100 કરતાં વધારે ભાષાઓ બોલે છે. ટૉરન્ટો એરિયામાં સૌથી મોટાં વંશીય જૂથ ઈંગલિશ, સ્કૉટિશ અને આઈરિશ કુળનાં છે. વીસમી સદીની મધ્યમાં, અનેક યુરોપિયનો ખાસ કરીને ઈટાલિયનો તથા પોટર્યુગીઝો ટૉરન્ટોમાં આવ્યા હતા. બીજાં મોટાં વંશીય જૂથોમાં, ચાઈનીઝ, જર્મન અને ભારત, પાકિસ્તાન તથા શ્રીલંકાનાં લોકોનો સમાવેશ થાય છે. વિવિધ સંસ્કૃતિઓના સંમિશ્રણને લીધે સમગ્ર ટૉરન્ટો શહેરમાં વિવિધ પ્રકારની ખોરાકની વાનગીઓ તથા વૈવિધ્યપૂર્ણ મનોરંજન વગેરે ઉપલબ્ધ છે. બીજા દેશોમાંથી તથા કૅનૅડાના અન્ય પ્રદેશોમાંથી ટૉરન્ટોમાં મોટી સંખ્યામાં વસાહતીઓ આવતાં હોવાથી, ત્યાં હવે રહેઠાણનાં મકાનોની તંગી પડે છે. અને મકાનમાલિકો પ્રતિવર્ષ ભાડાં વધારે છે.
ટૉરન્ટોમાં ત્રણ યુનિવર્સિટીઓ છે : યુનિવર્સિટી ઑફ ટૉરન્ટો. યૉર્ક યુનિવર્સિટી અને રાયર્સન પોલિટેકનિક યુનિવર્સિટી. આ ત્રણેમાં યુનિવર્સિટી ઑફ ટૉરન્ટો 1827માં સ્થપાઈ હતી, તે સૌથી જૂની તથા સૌથી મોટી યુનિવર્સિટી છે. ટૉરન્ટોની અન્ય શિક્ષણ સંસ્થાઓમાં નૅશનલ બેલે સ્કૂલ, ધી ઑન્ટારિયો કૉલેજ ઑફ આર્ટ અને ધ રોયલ કૉન્ઝર્વેટરી ઑફ મ્યૂઝિકનો સમાવેશ થાય છે.
ટૉરન્ટો એક વિશાળ શહેર છે. તે જોતાં ત્યાં-અમેરિકાનાં અન્ય શહેરો જેવાં કે ન્યૂયોર્ક, શિકાગો, ડેટ્રોઈટ વગેરેની સરખામણીમાં હિંસક ગુનાઓનું પ્રમાણ ઘણું ઓછું છે. તેથી પરદેશીઓ મોટી સંખ્યામાં ટૉરન્ટોમાં વસવાનું પસંદ કરે છે. ટૉરન્ટોનાં લોકોનું જીવનધોરણ ઊંચું છે. ત્યાંના સૌથી વધુ ગરીબ લોકોમાં ઘરવિહોણાં લોકોની સંખ્યા થોડાં વરસોથી વધતી જાય છે. તેથી રોજ રાત્રે હજારો લોકો આશ્રયસ્થાનો અથવા શહેરની શેરીઓમાં ખુલ્લામાં સૂઈ જાય છે. આવા ઘરવિહોણાં લોકોમાં બેકારો, માનસિક અસ્થિરતાવાળા અને ઘરમાંથી નાસી ગયેલા યુવાનોનો સમાવેશ થાય છે.
ટૉરન્ટો પ્રમાણમાં ઘણું સ્વચ્છ અને સુંદર શહેર હોવા છતાં ત્યાંના સરોવરનું પાણી અને કેટલાક વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ વધવા લાગ્યું છે. ત્યાંની આર્ટ ગેલ્રેરી ઑફ ઑન્ટારિયોમાં બ્રિટિશ શિલ્પી હેન્રી મૂરે કરેલો સૌથી મોટો સંગ્રહ છે. આ આર્ટ ગૅલૅરીમાં કૅનૅડાના કલાકારો દ્વારા કરવામાં આવેલો ચિત્રોનો સંગ્રહ પણ છે. સૌથી મોટો કલાકૃતિઓનો સંગ્રહ પાટનગર ઓટાવામાં આવેલ નેશનલ ગૅલરિ ઑફ કૅનૅડામાં સાચવવામાં આવ્યો છે. કૅનૅડાનો સૌથી મોટો સંગ્રહાલય રૉયલ ઑન્ટારિયો મ્યૂઝીઅમ ટૉરન્ટોમાં આવેલ છે. અમે એક દિવસમાં તે પૂરેપૂરો જોઈ શક્યા નહિ. તેમાં પુરાતત્વ, નૃવંશવિદ્યા, ખનીજવિદ્યા અને પ્રાચીન પ્રાણીશાસ્ત્રને લગતા અનેક નમૂના પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તેમાં ચીનના નમૂનાનો સૌથી મોટો સંગ્રહ છે. તેમાં મરીન મ્યૂઝીઅમ ઑફ અપર કૅનૅડાના વિભાગમાં ત્યાંના ગ્રેટ લેક્સ અને સેન્ટ લૉરેન્સની નદી પરના વહાણવટાનો વિકાસ કઈ રીતે થયો તે દર્શાવેલ છે.
ઑન્ટારિયો સાયન્સ સેન્ટર ત્રણ ઈમારતોમં નવ મુખ્ય ખંડોમાં સમાવવામાં આવેલું છે. તેમાં વૈજ્ઞાનિક તથા ટેકનોલોજિકલ વિષયોને લગતાં નમૂના ઘણી મોટી સંખ્યામાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ટૉરન્ટો પબ્લિક લાઈબ્રેરીની શાખાઓ શહેરના દરેક વિસ્તારમાં આવેલી છે. હું સ્કારબરોની પબ્લિક લાઈબ્રેરીમાં વારંવાર જતો, કારણ કે તે અમારા રહેઠાણની નજીક આવેલ છે. તેમાં ઈંગલિશ, ફ્રેન્ચ, ચાઈનીઝ, ગુજરાતી, હિન્દી વગેરે ભાષાનાં પુસ્તકો, ઑડિયો-વિડિઓ કેસેટો, સી.ડી. વગેરે મોટી સંખ્યામાં ઉપલબ્ધ છે. તેમાં કમ્પ્યૂટર વડે ઈન્ટરનેટનો ઉપયોગ કરવાની, ઈ-મેઈલ કરવાની તથા બાળકોને કમ્પ્યૂટર પર રમતો રમવાની સુવિધા છે.
બીજા તો અનેક ફરવાલાયક સ્થળો આ શહેરમાં આવેલા છે પણ આમ, એકંદરે ટોરન્ટો ખૂબ જ સુંદર અને માણવા તેમજ રહેવા-ફરવાલાયક શહેર છે.
‘કુમાર’ સામાયિક – ઑકટોબર 2004માંથી સાભાર
More from Gurjar Upendra
More Article
Interactive Games
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.