ગુજરાતી ફૉન્ટ રીડર – ગુજરાતીલેક્સિકનની વિશેષ પ્રસ્તુતિ

September 21 2015
Written By GujaratilexiconGurjar Upendra

મોબાઇલમાં ગુજરાતી વંચાવું જોઈએ એ એક જરૂરિયાત છે, પણ આ જરૂરિયાત જે લોકોને છે બે પ્રકારના છે : એક, એવા લોકો જેમની જરૂર વૉટ્સઍપમાં આવેલા ગુજરાતી મેસેજિસ વાંચવા પૂરતી હોય. લોકો સ્માર્ટફોનના જૂના જોગી હોય અને સ્માર્ટફોન ખરીદતી વખતે જરૂરી સ્પેસિફિકેશન્સની એમની યાદીમાં ગુજરાતી ફૉન્ટની જરૂરિયાતનો ક્રમ ઘણો નીચે હોય.

બીજો પ્રકાર એવા લોકોનો છે, જેમને ફોનમાં બધું અંગ્રેજીમાં હોવાને કારણે તકલીફ પડતી હોય. હકીકત છે કે સ્માર્ટફોનનો વપરાશ સતત વધી રહ્યો છે ત્યારે અંગ્રેજી ભાષા જેમને બિલકુલ ફાવતી નથી, પણ સ્માર્ટફોન જેમના હાથમાં આવી ગયા છે એવા લોકોનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે.

કમ્પ્યૂટર-ઇન્ટરનેટ પર સ્થાનિક ભાષાઓ માટે, નવાં બધાં પીસીમાં કોઈ વધારાના ફોન્ટ નાખ્યા વિના વિવિધ ભાષાનું કન્ટેન્ટ વાંચી શકાય એવી યુનિકોડ ફૉન્ટની સગવડ વર્ષોથી આવી ગઈ અને તેની સરખામણીમાં સ્માર્ટફોનનું ચલણ વધ્યું. આ વાતને પણ વર્ષો થયાં હોવા છતાં ઍન્ડ્રોઇડ જેવી બહોળા પ્રમાણમાં વપરાતી ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા સ્માર્ટફોનમાં હજી પણ ગુજરાતી (કે બીજી સ્થાનિક ભાષાના) ફૉન્ટ હશે એવી ખાતરી હોતી નથી ! પીસીમાં આપણે નવા ફોન્ટ ઇન્સ્ટોલ કરી શકીએ છીએ, પણ સ્માર્ટફોનને રૂટ કર્યા વિના શક્ય હોતું નથી.

સદ્ભાગ્યે, ઉપર લખ્યા બંને પ્રકારના લોકોની તકલીફ હળવી કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને ઘણે અંશે સફળ પણ થઈ રહ્યા છે. પહેલાં તો, જે લોકો પોતાના મોબાઇલમાં ગુજરાતી વેબસાઇટ્સ વાંચવા માગતા હતા તેમની સમસ્યા તો યુસી બ્રાઉઝરનો ઉપયોગ કરવાથી અને ફાયરફૉક્સમાં ગુજરાતી લેંગ્વેજ પેકેજનું એડઓન ઇન્સ્ટોલ કરી દેવાથી ઉકેલાઈ જાય છે. ફેસબુકની ઍપમાં જે લોકો ગુજરાતી ફૉન્ટનો ઉપયોગ ઇચ્છે છે તેમને ફેસબુની મુખ્ય નહીં તો લાઇટ ઍપમાં થોડી-ઘણી અગવડો સાથે સગવડ મળી જાય છે.

વૉટ્સઍપનો પ્રશ્ન પણ હવે ઘણી સારી રીતે ઉકેલાઈ ગયો છે. ઍન્ડ્રોઇડ ફોનની ખાસિયત કે ખામી એ છે કે તેમાં ઑપરેટિંગ સિસ્ટમમાં ફૉન્ટ હોય, પણ એપમાં ફૉન્ટ હોય તો તેમાં ગુજરાતી દેખાઈ શકે ખરું. પરિણામે પ્લે સ્ટોરમાં થોડી તપાસ કરો તો એવી ઘણી બધી ઍપ મળી જાય, જેમાં વૉટ્સઍપ કે ફેસબુક જેવી જગ્યાએ જોવા મળતું (પણ વંચાતું !) ગુજરાતી કન્ટેન્ટ કૉપી કરીને પેલી કન્વર્ટર ઍપમાં પેસ્ટ કરતાં ત્યાં ગુજરાતી વાંચી શકાય (આ રીતેઍપમાં ગુજરાતી લખીને પછી ઇચ્છીએ ત્યાં પેસ્ટ કરી શકાય એવી એપ પણ ઘણી આવી ગઈ છે).

હવે આમાં ગુજરાતીલેક્સિકન તરફથી એક સરસ ઉમેરો થયો છે. 24 ઑગસ્ટે ‘ગુજરાતી વિશ્વભાષા દિવસ’ (કવિ નર્મદનો જન્મદિવસ) નિમિત્તે ગુજરાતીલેક્સિકને ગુજરાતી ફૉન્ટ રીડર ઍપ રજૂ કરી છે. ઍપ ઇન્સ્ટોલ કરી, તમે વૉટ્સઍપમાં કોઈ ગુજરાતી અને ખાલીખમ ભાસતો મેસેજ જુઓ તો ફક્ત તેને હળવો સ્પર્શ કરતાં મેસેજને કૉપી કરવાનો વિકલ્પ કરશે. તેને કૉપી કરતાં, વૉટ્સઍપની ઉપર એક વિન્ડોમાં મેસેજ ગુજરાતીમાં વાંચી શકાશે ! આપણે ટેક્સ્ટને બીજે ક્યાંય પેસ્ટ કરવાની જરૂર રહેતી નથી. જોકે અમુક ફોનમાં જોડિયા અક્ષરો હજી બરાબર વંચાતા નથી, પણ આટલી સગવડેય ઘણા લોકો માટે ઘણી છે !

જેમને ‘મોબાઇલમાં ગુજરાતી ફોન્ટ તો જોઈએ જ’ એવા લોકો માટે ઘણી ભારતીય કંપનીઓ સ્થાનિક ભાષાઓની સગવડ ઉમેરી રહી છે. ઇન્ટેક્સે માતૃભાષા ઍપની મદદથી સગવડ કરી છે, તો માઇક્રોમેક્સે બીજી રીતે. આઇબોલનાં ઘણાં ખરાં ટેબલેટમાં પણ ગુજરાતી ફૉન્ટ હોય છે. સેમસંગનાં લગભગ તમામ મોડેલમાં ઘણા સમયથી ગુજરાતી અને બીજી સ્થાનિક ભાષાના ફૉન્ટ જોવા મળે છે.

હવે વાત કરીએ બીજા પ્રકારના લોકોની, જેમને સ્માર્ટફોનમાં જોવા મળતું બધું લખાણ પોતાની ભાષામાં હોય તો વધુ માફક આવે તેમ છે. સેમસંગના સ્માર્ટફોન ખરીદનારા લોકો કેટેગરીમાં આવતા નથી, છતાં કંપનીએ ફોનના સમગ્ર ઇન્ટરફેસને સ્થાનિક ભાષામાં ફેરવવાની સગવડ આપી છે (આવી શરૂઆત કદાચ નોકિયા કંપનીએ સાદા ફોનમાં કરી હતી). સગવડ લૉન્ચ થઈ ત્યારે ઍપ્લિકેશન્સ માટે ‘અરજી’ શબ્દ વાંચીને ભદ્રંભદ્રને પણ રમૂજનાં ગલગલિયાં થાય એવી સ્થિતિ હતી, પણ હવે સ્થિતિ ખાસ્સી સુધરી છે.

હજી આગળની વાત છે કે મેંગલોર અને મુંબઈમાંની કેટલીક કંપનીઓ સ્થાનિક ભાષામાં ચલાવી શકાય એવી આખે આખી મોબાઇલ ઑપરેટિંગ સિસ્ટમ વિક્સાવી રહી છે. અલબત્ત ઓએસ ઍન્ડ્રોઇડ આધારિત હશે. ઓએસ ઉપરાંત, 10 જેટલી ભારતીય ભાષાઓમાં દસ હજારથી વધુ ઍપ્લિકેશન્સ પણ મળે એવી સ્થાનિક ભાષાની આખી ઇકોસિસ્ટમ વિકસાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. મુખ્ય પ્રવાહના ઍન્ડ્રોઇડમાં બધું ઘણે અંશે આવી ગયું છે એટલે અલગ ઓએસ કેટલી સફળ રહેશે એ બાબતે આપણને શંકા રહે, પણ સ્માર્ટફોનના વેચાણમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સને પાછળ રાખી દેનારી માઇક્રોમેક્સ કંપની પોતે પહેલ કરી રહી છે એટલે સમાજના અમુક વર્ગમાં એને બહોળી લોકપ્રિયતા મળી પણ શકે છે. ઓએસમાં ભારતીય ભાષાઓનું કી-બોર્ડ હશે, જે સ્થાનિક ભાષાના શબ્દો, માત્રા વગેરે પ્રીડિક્ટ પણ કરી શકશે. ઘણા લોકો માટે આવો ફોન વરદાનરૂપ સાબિત થઈ શકે છે.
(સાભાર – સૌજન્ય : www.cybersafar.com, ગુજરાતી મોબાઇલ, સાયબર સફર,  હિમાંશુ કીકાણી)

More from Gurjar Upendra

More Article

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects