ગુજરાત રાજ્યનું એક ધબકતું, વેગવંતુ અને મોજીલું શહેર એટલે તાપી નદીના કિનારે વસેલું સુરત શહેર.
કહેવાય છે કે, 15મી સદીના છેલ્લાં વર્ષોમાં ગોપી નામના બ્રાહ્મણે આ શહેર શોધ્યું હતું, જેને તેમણે સૂર્યપુર નામ આપ્યું હતું જેનો ઈ.સ. 1512 તેમજ 1530માં પોર્ટુગીઝ દ્વારા વિનાશ કરવામાં આવ્યો હતો. ઈ.સ. 1573માં મુઘલોએ સુરત શહેર જીતી લીધું. બ્રિટીશ અને ડચ બન્ને પ્રજાતિએ સુરતને જીતવાના પ્રયાસ કર્યા અને સને 1800થી સુરત બ્રિટીશરોના હસ્તક આવ્યું. સને 1520માં અસ્તિત્વમાં આવેલ ‘સૂર્યપુર’ ત્યારથી ‘સુરત’ બન્યું.
તાપી નદીના કાંઠે વસેલું સુરત ‘પોર્ટ સીટી’ પણ કહેવાતું હતું. ભારતના દરેક ધર્મ-રાજ્યની જાતિ, જ્ઞાતિના લોકોને પોતાનામાં સમાવીને બેઠેલા આ શહેરમાં તમને ગુજરાતી, સૂરતી બોલી સહિત, સૌરાષ્ટ્રની કાઠિયાવાડી, પારસી, મરાઠી, હિન્દી સહિત અનેક ભારતીય ભાષા સાંભળવા મળશે.
ભાષાની વિવિધતાઓની સાથે ઔદ્યોગિક વિવિધતાઓથી બનેલું સુરત શહેર ડાયમંડ હબ ઑફ ઇન્ડિયા, ટેક્ષટાઇલ સીટી ઑફ ઇન્ડિયા, સિલ્ક સીટી ઑફ ઇન્ડિયા, ફ્લાયઓવર સીટી ઑફ ઇન્ડિયા વગેરે નામથી પણ ઓળખાય છે.
મિત્રો, ગુજરાતના અભિન્ન અંગ ગણાતા એવા સુરત શહેર વિષેની કેટલીક રસપ્રદ બાબતો જોઈશું?
મિત્રો, 20મી સદીથી આજસુધી સુરતમાં આશરે 20 જેટલા પૂરની હોનારતો થઈ છે. વર્ષ 2006માં આવેલા વિનાશક પૂર વખતે તો સમગ્ર દુનિયા કહેતી હતી કે સુરત દસ વર્ષ પાછળ ઠેલાઈ જશે, પરંતુ સુરતની પ્રજાએ તેમને ખોટા ઠેરવ્યા ને માત્ર બે મહિનામાં જ સુરત ફરી બેઠું થયું. ત્યારબાદ આ શહેરે કરેલો વિકાસ સમગ્ર દુનિયા જોઈ રહી છે. ત્સુનામી વખતે જાપાને કહ્યું હતું કે પૂર વખતે સુરતના લોકોની હિંમતે તેમને ત્સુનામી સામે લડવાની પ્રેરણા આપી.
સુરતમાં ફરવાલાયક જાણીતા સ્થળો વિશે જોઈએ તો, ડુમસ, સુવાલી, ઉભરાટ, ડભારી અને દાંડી જેવા મનોરમ્ય દરિયાઓથી સુરત શોભે છે. ઉપરાંત સુરતનો કિલ્લો, સાયન્સ સીટી સેન્ટર, ગોપી તળાવ, નર્મદ લાયબ્રેરી, ઈસ્કોન મંદિર, અંબિકાનિકેતન મંદિર, ચિંતામણી જૈન મંદિર, ગૌરવપથ, કોઝ-વે, તાપી રિવરફ્રન્ટ જોવાલાયક સ્થળો છે. જ્યાં દર રવિવારે સુરતીઓ સપરિવાર ફરવા જાય છે અને પીપલોદ, વેસુ પર ફૂટપાથ પર બેસી સ્વાદિષ્ટ પરાઠાની લિજ્જત માણે છે.
દરેક ધર્મ અને જાતિને અહીં સન્માન મળે છે, ગણેશચતુર્થી, નવરાત્રી, દિવાળી અને ઈદ હોય કે નાતાલ, દરેક તહેવારો અહીંની પ્રજા ખૂબ ઉત્સાહ અને સંપથી ઉજવે છે.
રવિવાર એટલે ‘બાપનો દહાડો’ કહેનારા મોજીલા સુરતીઓ ખાવા અને ખવડાવવાના ખૂબ શોખીન છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.